સ્લો પેરન્ટ: બાળઉછેરની દોડધામ? ઝરા આહિસ્તા આહિસ્તા…/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas   |   Last Updated 12:06 AM [IST](21/09/2011)

પોતાનાં સંતાનની તરફેણ મા-બાપ ન કરે તો કોણ કરે? દીકરી વ્હાલનો દરિયો અને દીકરો હેતનો સમંદર હોય ત્યારે બાળકો માટે બધું જ કરવું અને કરી છુટવું સ્વાભાવિક છે. પણ ક્યાં સુધી? સંતાનોની બધી જ બાબતમાં નિર્ણય લેવા હેલિકોપ્ટરની માફક માથે મંડરાતાં મા-બાપ પાસે ‘હવે હું શું કરું?’ – બાબતે સલાહ લેવા મોબાઇલ ફોન રણકાવતા પહેલાં દરેક સંતાને પોતાની જાતને બે સવાલ જરૂર પૂછવા: (૧) આમાં શું સારું અને શું નરસું છે? (૨) મારી પાસે શું વિકલ્પ છે?- આત્મખોજ કરવાથી સંતાનોનો, ખાસ કરીને ટીનએજર સંતાનોનો જાતનિર્ણય લેવાનો આત્મવિશ્વાસ વધશે.

તો સામા પક્ષે મા-બાપે પણ વિચારવું રહ્યું. બાળકો મોટાં થાય તેમ પોતાનાં મિત્રો, પોતાના સહાધ્યાયીઓ સંગાથે સ્વાભાવિક રીતે વધારે ખૂલે અને ખીલે. દરેક ઝીણી ઝીણી બાબતે સંતાન મા-બાપને પૂછ-પૂછ કરતાં જણાય તો રેડી-મેઇડ ઉકેલ આપવાનું ટાળો. એને મથામણ કરવા દો. બધું હાથમાં ને હાથમાં આપશો તો એ પોતાનો અધિકાર માનવા માંડશે. એને એવું તો સમજાવું જ જોઇએ કે મા-બાપ દરેક બાબતે બાળકના બચાવમાં દોડી આવવાના નથી.

તો આજનાં દોરનાં હે સુજ્ઞ મા-બાપો, જરા ધીમા પડો અને સમજો કે હેલિકોપ્ટર પેરન્ટનો વિરોધાર્થી શબ્દ છે સ્લો પેરન્ટ. કાર્લ ઓનરનાં પુસ્તકો છે Power of slow: finding balance and fulfillment beyond the cult of speed (ધૈર્યશક્તિ: ગતિની મતિથી આગળ વધીને સમતુલા જાળવવી અને સિદ્ધિ પ્રાપ્ત કરવી) અને Under pressure: Rescuing our children from the culture Hyper-parating (તણાવના તળિયે: અતિ-વાલીપણાની સંસ્કૃતિમાંથી આપણા બાળકોને કેવી રીતે બચાવવા).

કાર્લ ઓનરે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘સ્લો’ એટલે બધું ગોકળગાયની ગતિથી ધીમે ધીમે કરવું- તેવું બિલકુલ નથી. એક તરફ તો ‘આ ભણ ને તે ભણ’ની હાયવોયનું એક્સલરેટર છે અને બીજી તરફ બાળકોને છુટ્ટા મૂકી દેવા સામે સજ્જડબંબ બ્રેક છે. આ પરિસ્થિતિમાં દરેક કાર્ય યોગ્ય ગતિથી જ કરવું. કવોન્ટિટી નહીં પણ કવોલિટી. સ્લો પેરન્ટ પોતાના બાળકને પોતાની રીતે દુનિયાને સમજવા માટે સમય અને વાતાવરણ બંને આપે છે. સ્લો પેરન્ટ સમજે છે કે બાળક એ કારખાનાંમાં થતું ઉત્પાદન એટલે કે પ્રોડકટ નથી. બાળઉછેર કંઇ પ્રોજેક્ટ નથી. એ તો યાત્રા છે, વણથંભી સ્પર્ધાત્મક દોડ તો નથી જ નથી. ટૂંકમાં સ્લો પેરન્ટિંગ એટલે બાળકને પ્રેમ આપવો, એનું ધ્યાન રાખવું પણ કોઇ નિયમો નહીં, કોઇ શરત નહીં.

હવે લગ્ન મોડા થાય, બાળક મોડા જન્મે અને બાળઉછેરમાંય મા-બાપ પોતાની ઓફિસનું પ્રોફેશનાલિઝમ ઘરમાં લઇ આવે. નાનું કુટુંબ એટલે બાળક પર બધું ન્યોછાવર કરવા સમય અને પૈસો બંને હાજર. બધું જ પરફેક્ટ જોઇએ. પરફેક્ટ વાળ, પરફેક્ટ દાંત, પરફેક્ટ બોડી, પરફેક્ટ વેકેશન, પરફેક્ટ ઘર અને… પરફેક્ટ બાળકો…થી સર્કલ પૂરું થાય. મારા બાળકને શ્રેષ્ઠ આપવું અને એને શ્રેષ્ઠ બનાવવો. અને શરૂ થાય છે હેલિકોપ્ટરગીરી! આજના મા-બાપને બાળકોની શક્તિ પર વિશ્વાસ રહ્યો નથી. ડર લાગે છે.

ચારે તરફ મીડિયા અને સમાચારપત્રોનો વિસ્ફોટ થયો છે. જાણવા જેવા સમાચારને જણાવવાને બદલે એકાદ છુટપૂટ ઘટનાને ટ્રેજેડીમાં તબદીલ કરી નાખીને મીડિયા પોતાનું ગુજરાન ચલાવે છે. તેનાથી બીધેલા સજાગ પેરન્ટ આંખમાં ઉજાગરા આંજીને ઘાંઘા થાય ત્યારે સ્લો પેરન્ટિંગ અજમાવવા જેવું છે. સ્લો પેરન્ટિંગ એટલે સમજવું કે બાળકોની મોટા થવાની પ્રક્રિયામાં કોણીને ઘુંટણ છોલાય પણ ખરા. ઝેડ સુરક્ષાના નામે બાળકોને જીવનનો અમૂલ્ય અનુભવ મેળવતા રોકશો નહીં.

બાળકોને થોડી સ્વતંત્રતા આપો. ક્યાંક એકલાય મોકલો. બાળકોનાં શિક્ષકો પર વિશ્વાસ મૂકો. એ સાચું કે બાળક સાથે તમે લાગણીથી જોડાયેલા છો, પણ તમે બાળકોનાં મિત્ર નથી. જો એ નિયમ તોડે તો થાબડભાણાં કરશો નહીં. અને છેલ્લે, યાદ રાખો કે હેલિકોપ્ટર પેરન્ટની મોટા ભાગની વર્તણૂંક આજના જમાનામાં યોગ્ય જ છે, પણ એ મર્યાદામાં હોવી જોઇએ. એ વધારે પડતી થાય ત્યારે મુશ્કેલી શરૂ થાય છે.

જો કે મંદીના મારથી હેલિકોપ્ટર પેરન્ટ આપોઆપ ‘સ્લો’ થવા લાગ્યાં છે. ગિટાર કલાસ અને ફ્રેન્ચ ટ્યૂશનનાં એક્સ્ટ્રા ખર્ચ હવે પોષાતા નથી. જેનું પરિણામ એ આવ્યું કે ઘડિયાળને કાંટે અહીંથી તહીં દોડતા બાળકો હવે ઘણી રાહત અનુભવી રહ્યા છે.

શબદ આરતી:
ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
માલી સીંચે સૌ ધડા ઋત આયે ફલ હોય

(કબીરજી પણ ‘સ્લો’નો મહિમા ગાય છે. પણ બાળઉછેરમાં માબાપનાં ‘સો ઘડાના સિંચન’નું મૂલ્ય જરાય ઓછું આંકશો નહીં.)

pareshvyas@pareshvyas.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

Leave a Comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s