પાયજામાની પારાયણ/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyaas   |
  • Email  Print Comment

ભારત અને અમેરિકાના સરકારી કમ્પ્યુટર નેટવર્ક સહિત ૭૨ મેજર ગ્લોબલ નેટવર્ક પર ઘમાસાણ મચાવનાર હેકર્સની ઓળખાણ થઇ નથી પણ કમ્પ્યુટર સિકયોરિટી એજન્સી મેકએફીનો ગત માસનો રિપોર્ટ નામ દીધા વિના ચીન તરફ આંગળી ચીંધે છે. હેકર અને કમ્પ્યુટર નેટવર્ક હેકિંગ શી બલા છે એનાથી માંડ અવગત થતા’તા ત્યાં એનું વિશેષણય ટપકી પડ્યું, ‘એથિકલ હેકર’ એટલે એવો નીતિમત્ત ઘૂસણખોર જે ઘરે બેઠો બેઠો ઇન્ટરનેટની મદદથી સરકારી કે બહુરાષ્ટ્રીય કંપનીઓના ધોરીનસ સમા સુપર કમ્પ્યુટર નેટવર્કમાં પગપેસારો કરીને તેને વેરણછેરણ કરી નાખે. એટલા માટે કે સરકારો જુલમગાર છે, કંપનીઓને પોતાના નફા વધારવાની ખૂજલી છે અને સામાન્ય માણસનું શોષણ થાય છે. મૂડીવાદી દેશો ખાસ કરીને અમેરિકા હેકિંગને પોતાના સાર્વભૌમત્વ પરનો લશ્કરી હુમલો જ ગણે છે. તેઓ માને છે કે લોકતરફી અને સત્તાવિરોધી માનસિકતા ધરાવતા આ કહેવાતા નીતિમત્ત હેકર્સ (Hacktivists) ‘પાયજામા કોમ્યુનિઝમ’થી પ્રેરાયેલા છે. કોમ્યુનિઝમ એટલે સામ્યવાદ પણ પાયજામા સામ્યવાદ? એ વળી શું?

મૂળ ભાષા પિર્શયનમાં ‘પાયજામા’ શબ્દમાં પાય એટલે પગ અને જામા એટલે વસ્ત્ર. પાયજામા એટલે પગ ઉપર પહેરવાનું વસ્ત્ર. આમ તો ગાઉન પણ પગને ઢાંકે પણ જે વસ્ત્ર પગને પાયચાથી ઢાંકે એને જ પાયજામો કહેવાય. પાયજામા નરમ સુતરાઉ અથવા રેશમી કે સાટિનનાં બનેલાં ઢીલાંઢાલાં રાત્રે પહેરવાનાં વસ્ત્રો છે. દુનિયાભરમાં રાત્રે પાયજામા પહેરવાનો રિવાજ છે પણ એશિયાના દેશોમાં દિવસેય પહેરાય છે. ચીનના શાંઘાઇમાં ૨૦૧૦ વર્લ્ડ એક્ષ્પો મેગા-ઇવેન્ટ દરમિયાન સાત કરોડ વિદેશી મહેમાનો પધાર્યા ત્યારે તેમને સારંુ દેખાડવા જાહેરમાં, દિવસ દરમિયાન પાયજામા પહેરવા પર પ્રતિબંધ મુકાયો. દુનિયા ક્યાંક આપણને પછાત ગમાર ગણી લેશે તેવી બીકે પોલીસે સ્વયંસેવકોની મદદથી રોન મારવાનું શરૂ કર્યું. પાયજામા પહેરીને નીકળતા લોકોને ઘરે મોકલી દઇ સભ્ય કપડાં પહેરવા જણાવાયું. વિરોધ થયો પણ ટકયો નહીં. ચીનમાં પાયજામા આમ જનતાનો પોષાક છે. સામ્યવાદનું પ્રતીક. આ હેકર્સ ચીનના હતા અને તેમણે પોતાના ઘરમાં પાયજામાભેર બેસીને ઇન્ટરનેટ દ્વારા હાહાકાર મચાવ્યો હોવાનું મનાય છે. એટલે આ હેસ્ટિવસ્ટિોને ‘પાયજામા કોમ્યુનસ્ટિ’ નામ અપાયું છે.

વિખ્યાત હોલિવૂડ અભિનેતા જેક નિકોલસન બાસ્કેટબોલ ટીમ લોસ એન્જેલસ લેકર્સનો એટલો ચાહક હતો કે તેની એક પણ મેચ જોવી ચૂકતો નહીં. બલકે એની ફિલ્મોનું શૂટિંગ પણ મેચ સિવાયના દિવસોમાં જ ગોઠવાતું. નિકોલસન એકવાર પાયજામો પહેરીને મેચ જોવા આવ્યો અને ઇએસપીએન. કોમ પર રિપોર્ટરે લખ્યું કે કોઇએ એવા કપડાં સામે વાંધો લીધો નહીં કારણ કે એ ‘પાયજામા રિચ’ હતો. પાયજામા રિચ એટલે અતિધનાઢ્ય અવસ્થા, જેમાં તમે ગમે તેવાં કપડાં પહેરો તોય ગમો, તોય સારા જ લાગો. રૂિઢગત સફેદ વસ્ત્રો પહેરીને દિવસે રમાતા ક્રિકેટને ઓસ્ટ્રેલિયાના કેરી પેકરે પહેલી વાર રંગીન કપડાં પહેરીને રાત્રે રમાતા ક્રિકેટમાં તબદીલ કરી ત્યારે ટીકાકારોએ આવા ક્રિકેટને ‘પાયજામા ક્રિકેટ’ નામ આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં ‘પાયજામા ગર્લ કેઇસ’ એવી અણઉકેલ મર્ડર મિસ્ટ્રરી છે જેમાં પીળા પાયજામા પહેરેલી યુવતીની લાશ દસ વર્ષે ઓળખાય છે અને આ રહસ્યના આટાપાટા પરથી ૧૯૭૭માં એ જ નામની ફિલ્મ અને મ્યુઝિક આલબમ બને છે. ૧૯૮૦માં જર્મનીમાં બનેલી એક કોમેડી ફિલ્મનું નામ ‘ડેર મેન ઇમ પાયજામા’ છે. સાડા ત્રણ ફૂટ લાંબી ઊભા પટાની કાળી શાર્ક પ્રજાતિની માછલીને ‘પાયજામા શાર્ક’ કહે છે. તો નાનકડા પટ્ટેદાર દરિયાઇ જીવને ‘પાયજામા સ્કિવડ’ કહે છે.

ઓસ્ટ્રેલિયન કાર્ટૂનિસ્ટ માઇકલ લ્યૂનિગે સજેઁલા નિતાંત નિર્દોષ પાત્ર ‘વાસ્કો પાયજામા’ દુનિયાનું ભ્રમણ કરે છે. ક્યારેક ઉતાવળો, ક્યારેક અધીરો, ક્યારેક ગૂંચવાયેલો પણ આનંદી, દિલનો સાફ વાસ્કો પાયજામા નિયમિતપણે પોતાના દોસ્ત કર્લી સાથે પત્રોથી સાંપ્રત પ્રશ્નોની ચર્ચા કરે છે. માણસ પાસે શું હોવું જોઇએ અને શું એણે કરવું જોઇએ?- એના જવાબમાં કર્લી લખે કે હોવી જોઇએ મનને શાંતિ અને કરવામાં તો…કાંઇ પણ ન કરવું! બસ, પાયજામાભેર આરામ કરવો. પૈસા કમાવાની લાહ્યમાં ને લાહ્યમાં પાગલની જેમ દોડતા રહેતા લોકો માટે થોડી પળો પોતાની જાત માટે પણ ફાળવવાની વાત, નકારાત્મકતાને જાકારો આપીને જીવન જીવવાની ફિલસૂફી શિખવાડવાની વાત ‘ધ કર્લી પાયજામા લેટર્સ’ પુસ્તકમાં સરળ ભાષામાં વણી લેવામાં આવી છે. ઘરબેઠાં વ્યવસાય કરનારાઓને ‘પાયજામા પ્રોફેશનલ’ કહેવાય. રજાનો આખો દિવસ અળસાઇ જઇને ઘરની અંદર પાયજામો પહેરીને પડ્યા પાથર્યા ટીવી જોયા કરીએ તેવા દિવસને ‘પાયજામા ડે’ કહેવાય. બાળકો કે ટીનએજરો કોઇના ઘરે ભેળા થાય, આખી રાત ભર ટોળટપ્પાં કરે, પત્તાં ટીચે, ફિલમબિલમ જુએ, ઓશિકાથી મારામારી કરે, ખાઇપીને જલસા કરે અને ત્યાં જ સૂઈ જાય તેને ‘પાયજામા પાર્ટી’ કહેવાય. સામાન્ય રીતે પાયજામા પાર્ટીમાં નશીલા પદાર્થોનું સેવન અને સેક્સ સંબંધો હોતા નથી. પરંતુ તેવું હોય તો તો તેને ‘પાયજામા જામા જેમ’ અથવા રેવ પાર્ટી કહે છે. કરીના કપૂરનાં ઘેર અમૃતા અરોરા અને અન્ય બોલિવૂડ છોકરીઓ ગત માર્ચ મહિનાના રવિવારે ભેગી થઇ એ ઓલ-ગર્લ્સ પાયજામા પાર્ટીમાં ઓશિકાની ફેંકાફેંકી થઇ કે કેમ તે જાણવા મળ્યું નથી.‘

શબદ આરતી: અમેરિકન ગાયક, અભિનેતા અને યુનોના ગૂડવિલ એમ્બેસેડર જોએલ મેડન કહેતા કે પોઢવું તો હંમેશાં મસ્ત મસ્ત પાયજામા પહેરીને જ પોઢવું. શી ખબર શેનાં સપનાં આવે? અને સપનાંમાં તમને કોણ મળવા આવે? અને…

pareshvyas@pareshvyas.com

- શબદ કીર્તન: પરેશ વ્યાસ

1 Comment

Filed under Uncategorized

One Response to પાયજામાની પારાયણ/પરેશ વ્યાસ

  1. આ લેખ તો પહેલા યે વાંચેલો. ફરીથી મુક્યો?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s