Movie +ઘોસ્ટિંગ: ભૂતિયું કનેક્શન+

Movie worth watching   he fought British

ઘોસ્ટિંગ: ભૂતિયું કનેક્શન દુનિયામાં જે કાંઈ બને છે એની મોટી અસર ભાષા ઉપર પડે છે. સમાચાર છે કે ઓક્સફોર્ડ ડિક્સનરીએ તાજેતરમાં જ નવાં શબ્દો શામેલ કર્યા. એક શબ્દ શામેલ થયો: એન્ટિ-વેક્સર (Anti-Vaxxer) અને કારણ હતું કોવિડ અને એ માટે લેવું પડતું વેક્સિન. ઘણાં ય એવાં લોક છે, જે હજી ય વેક્સિનનો વિરોધ કરે છે. એન્ટિ-વેક્સર શબ્દ તો જૂનો છે. સને ૧૮૧૨ માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી ત્યારે એનો વિરોધ કરનારા એન્ટિ-વેક્સર કહેવાયા હતા. ૨૦૯ વર્ષો લાગ્યા આ શબ્દને ડિક્સનરીમાં શામેલ થવામાં. એટલે એમ કે આમ કોઈ પણ શબ્દ ડિક્સનરીમાં સીધો ઘૂસણખોરી કરી શકતો નથી. સમય લાગે છે. એક બીજો શબ્દ પણ શામેલ થયો: ડિઝાસ્ટર કેપિટાલિઝમ (Disaster Capitalism). મહાઆપત્તિ આવે, લોકો મરે પણ કેટલાંક એવાં ય મૂડીવાદીઓ હોય, જે એનો લાભ લઈને કમાઈ લેય. કોવિડ આવ્યો અને આપણે આર્થિક રીતે પાયમાલ થયા પણ એવા કેટલાં ધનિકો છે, જે કમાઈ ગયા. આપણી આપત્તિને તેઓએ અવસરમાં બદલી નાંખી! અને આમજનની ગરીબાઈ તો વાત જ શી કરવી? ગરીબ બહેનો દીકરીઓને માસિક રજસ્રાવ સમયગાળા દરમ્યાન સેનેટરી પેડ પણ મળે નહીં એને શું કહેવાય? શબ્દ શામેલ થયો: પીરિયડ પોવર્ટી (Period Poverty). આજે જો કે આપણે એવાં શબ્દની વાત કરવી છે જે આજકાલ આપણને અનુભવાય છે. એવું બને છે કે કોઈ દોસ્ત કે સહેલી અચાનક દેખાતો કે દેખાતી બંધ થઈ જાય. કોઈ સંદેશા વ્યવહાર પણ સદંતર બંધ. જાણે તદ્દન ખોવાઈ ગયો કે ગઈ. ઓક્સફોર્ડ ડિક્સનરીમાં અધિકૃત રીતે તાજો શામેલ થયેલો આજનો આપણો શબ્દ છે: ઘોસ્ટિંગ (Ghosting). हम ने ही लौटने का इरादा नहीं किया उस ने भी भूल जाने का वा’दा नहीं किया -परवीन शाकिर ઘોસ્ટ એટલે ભૂત. એવી વ્યક્તિ, જે વ્યક્તિગત સંબંધ આમ અચાનક કાપી નાંખે, કોઈ કારણ નહીં આપે અને કોઈ પણ ખુલાસા વિના સોશિયલ મીડિયા સહિત દરેક કમ્યુનિકેશનમાંથી બાકાત થઈ જાય. ચોખવટ પણ નહીં અને ચોવટ પણ નહીં. માણસ જેવો માણસ પળમાં ભૂત થઈ જાય અને એનો સંબંધ થઈ જાય ભૂતકાળ, એને કહેવાય ઘોસ્ટિંગ. ના, પ્રેમમાં હોય અને પછી બ્રેક-અપ થાય, માત્ર એની જ વાત અહીં નથી. આ તો કોઈ પણ સંબંધમાં થાય. કોઈ જણ વર્ષોથી તમારી દુકાનેથી જ ખરીદી કરતો હોય અને અચાનક બંધ થઈ જાય એવું ય બને. કોઈ કર્મચારી કશું ય કહ્યા વગર જતો રહે. અને આ બધાનું આવું કરવા પાછળનું કોઈ કારણ પણ ન સમજાય. કોઈ કારણ હોય જ નહીં, એવું ય હોય. કોઈ બોલાચાલી થઈ હોય, ઝઘડો થયો હોય એવું ય ન હોય. બસ હસતાં રમતા સાવ અચાનક…. માયા મૂકીને કોઈ જતું રહે. તમને લાગે કે મારો વાંક શો? મારો ગુનો શું? સાહિર સાહેબનું ગીત યાદ છે? વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા! અફસાના એટલે વાર્તા કે વૃતાંત. અંતે સારાવાનાં થાય. પણ એવું શક્ય ન હોય તો એને એક સુંદર વળાંક આપીને છોડી દેવું, એવું સાહિર સાહેબ કહી ગયા છે. આપણું ‘ઘોસ્ટિંગ’ એટલે એક ખૂબસૂરત વળાંક આપવા રોકાયા વિના અચાનક છોડી જવું તે. હા, સાહિર સાહેબવાળી વાત માટે પણ એક શબ્દ છે: કેસ્પરિંગ (Caspering). કેસ્પર પણ ભૂત છે પણ એ ફ્રેન્ડલી ભૂત છે. અહીં એ પેલો જણ ભૂત બનતા પહેલાં એક ખૂબસૂરત મોડ આપવા માટે કામચલાઉ રોકાઈ જાય છે. પણ પછી છોડી તો જાય જ છે. એ માણસ ભૂત તો બની જ જાય છે. ઘોસ્ટિંગ શબ્દ ‘મેશેબલ’ નામની ગ્લોબલ મલ્ટી-પ્લેટફોર્મ મીડિયાની જર્નાલિસ્ટ રાચેલ થોમ્સને સર્જ્યો, જ્યારે હિન્જ-મેચ નામનાં ડેટિંગ એપ ઉપર એને મળેલો એક ભાયડો અચાનક જ ગાયબ થઈ ગયો અને તમામ એપ પરથી એને બ્લોક કરી દીધી. આમ તો આ શબ્દ કોલિન્સ ડિક્સનરીમાં ૨૦૧૫ માં શામેલ થઈ ગયો હતો પણ ઓક્સફોર્ડ ડિક્સનરીએ હજી હમણાં શામેલ કર્યો એ અર્થમાં કે આ માત્ર પ્રેમ સંબંધની વાત નથી, આવું દરેક સંબંધમાં બને છે. આજકાલ સંબંધો ઓનલાઈન જ હોય છે. કોવિડ ઓછો થયો તો ય સદેહે મળવાનું ચલણ હજી ઓછું છે. હવે એવી ટેવ રહી નથી. એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને ઓનલાઈન ફટ દઈને મળી શકે છે ત્યારે સંબંધને આમ સટ દઈને કટ કરી નાંખવો ઉર્ફે ઘોસ્ટિંગ પણ હવે આસાન છે. જે અચાનક ચાલ્યો જાય એ કહેવાય ‘ઘોસ્ટર’ અને જે રહી જાય એ ‘ઘોસ્ટી’. ઘોસ્ટિંગ શા માટે? અચાનક જતાં રહેવું એટલે ન કોઈ નાટક, ન કોઈ હોહા. જાહેર ચર્ચાનો જાણે વિષય જ નથી. કોઈ કારણદર્શક નોટિસ નહીં. કોઈ પૂર્વાપર સંબંધ આપીને સમજાવવાની વાત નહીં. સંબંધ તો હતો નહતો થઈ ગયો. ઘોસ્ટિંગમાં કડાકૂટ નથી, માથાકૂટ નથી, રડારોળ પણ નથી. આ તો સારું છે, નહીં?! ઘોસ્ટિંગનાં ય ત્રણ પ્રકાર છે. લાઇટ-વેઇટ, મીડિયમ-વેઇટ અને હેવી-વેઇટ ઘોસ્ટિંગ. પહેલાં પ્રકારમાં ટેક્સ્ટ મેસેજની આપ-લે હોય અને એ જણ કે જણી અચાનક ગાયબ થઈ જાય. ઠીક છે. કશું ગંભીર નથી. બીજા પ્રકારમાં એકાદ બે વાર રૂબરૂ મળ્યા ય હોઈએ, ઓનલાઈન તો નિયમિત આદાનપ્રદાન થતું જ હોય અને વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય જેમ કે ગધેડાનાં માથેથી શીંગડા. પણ ત્રીજા પ્રકારનાં સંબંધમાં ઘણું જ અંગત હોય, રંગત હોય અને આગળ આગળ જવાની શક્યતા ભરપૂર હોય પણ હસતાં, રમતા સાવ અચાનક.. હવે કોઈ ભૂત થઈ જાય તો આપણે શું કરવું? મન શાંત રાખવું. ના, આવું કશું હતું જ નહીં, આવું તો થયું જ નથી, એવો ખોટો સધિયારો આપણે આપણાં મનને આપવો નહીં. ઘોસ્ટરની ખોટી મનામણી તો કરવી જ નહીં. હા, એક છેલ્લો મેસેજ મોકલી શકાય. કહી શકાય કે ધીસ ઈઝ માય આખરી ખત, યૂ સી! મારે પોતાને દુ:ખી થવાની તો જાણે છૂટ પણ મારો જ વાંક હતો એવું વિચારવું નહીં. આમ પણ ખોટો માણસ ભૂત થઈ જાય તો સમૂળગાનું સારું. ભગવાનનો પાડ માનવો કે હાઈશ! એ ગયો. અને હા, આપણી તંદુરસ્તી અને મંદુરસ્તી જાળવવી. બીજાને મળતા રહેવું. સદેહે મળો તો સારું. એક નહીં તો બીજો કે બીજી. માણસોનો ક્યાં તોટો છે?
શબ્દ શેષ: “તમે ખોટા માણસને આટલો ચાહતા હો તો વિચારો કે સાચા માણસને તો તમે કેટલો બધો પ્રેમ કરશો?” –અજ્ઞાત”.

Leave a comment

by | નવેમ્બર 17, 2021 · 2:37 એ એમ (am)

*અરીસાનું આકાશ*

“આંખો બંધ કર. લે, તારી ગિફ્ટ.” દેવદત્તે અન્યાને કહ્યું. “દત્તુ, તને ગિફ્ટ લેતાં આવડી પણ ગઈ?” “શું થાય? તને સરપ્રાઈઝ ગમે છે એટલે માંડ ખરીદી શક્યો.” “એમાં શું છે?”“એમાં તને તું જ દેખાય એવું…”અન્યાને થયું, ‘મારે તો તને જોવો છે.’“શું વિચારમાં પડી ગઈ? તારે જે જોવું હોય તે દેખાય.” અન્યા ખુશ થઈ અને ગિફ્ટનું રેપર ખોલવા લાગી. રેપર ખોલતાં ખોલતાં મનમાં થયું, ‘આ તો વળી શું ઊંચકી લાવ્યો હશે?” ખોલીને જોયું તો એક કલાત્મક અરીસો હતો. લંબગોળ મજાનો અરીસો. પિત્તળની કારીગરીથી એની કિનાર સજાવી હતી. એને આકર્ષક હેન્ડલ પણ હતું જેથી હાથમાં પણ પકડી શકાય અને દીવાલ પર પણ લટકાવી શકાય. અન્યા જોઈને ખુશ થઈ. તેણે સેલ્ફી લેતી હોય તેમ અરીસો હાથમાં ઊંચો કરીને બંનેની સામે ધર્યો. એમાં અન્યા અને દેવદત્ત બંનેના ચહેરા દેખાયા. તે ખૂબ ખુશ થઈ ને ક્યાંક ખોવાઈ ગઈ. દેવદત્તે હલાવી. “ચાલ, હું જાઉં. મને માફ કરજે, લગ્નમાં હાજર નહીં રહી શકું તે માટે.” દેવદત્ત તેનો ખૂબ સારો મિત્ર. બંનેના પરિવારો પણ એકબીજાને ઓળખે. બધા ઈચ્છતા હતા કે અન્યા અને દેવદતનાં લગ્ન થાય. દેવદત્તે પણ કહ્યું હતું કે, “જો હું પરણું તો તને જ પરણું,પણ મારે તો લગ્ન જ નથી કરવા. લશ્કરમાં જઈશ અને ભારતમાની સેવા કરીશ.” અન્યાએ ફરી અરીસામાં જોયું. તેણે દેવદત્તને સમ આપ્યા હતા તે યાદ આવ્યું. “કોઈ લશ્કરમાં હોય તો પણ પરણે તો ખરાને? હું ક્યાં તારી સાથે આવવાની જીદ કરું છું? હું તારી રાહ જોઈશ તું આવે નહીં ત્યાં સુધી.”“ના મારે કોઈને દુઃખી નથી કરવા. મેં નક્કી કર્યું છે કે, મારે લગ્ન જ નથી કરવા.” અન્યાથી આ જવાબ નહીં સહેવાતા આંસુભરી આંખે દોડી ગઈ. દેવદત્ત અન્યાનાં લગ્નમાં હાજર ન રહી શક્યો પરંતુ તેણે દિલથી શુભેચ્છા મોકલી હતી. નમ્ર અને અન્યા ધામધૂમથી પરણ્યાં અને મજાની જિંદગી શરૂ કરી. નાનકડા ફલેટમાં બંને જણા રહેવાં ગયાં અને ઘરની સજાવટ કરી. પેલો નયનરમ્ય અરીસો દેવદત્તે જાતે જ બેડરૂમમાં સજાવ્યો. એ હાથમાં પકડીને ઉતારી શકાય એવો હતો, પરંતુ લટકાવેલો રાખ્યો તેથી બે હાથ ખુલ્લા રહે અને માથું પણ ઓળી શકાય. અન્યા રોજ એમાં જોવાનું ચૂકતી નહીં. જ્યારે પણ નવરાશ મળે ત્યારે જોઈ લેતી. એ જોતી ત્યારે પાછળ તેને દેવદત્ત પણ હસતો દેખાતો.આમ તો મોટું ડ્રેસિંગ ટેબલ હતું પરંતુ આંખના મેકઅપ માટે તે આ અરીસામાં જોતી. નમ્ર ઘણીવાર કહેતો પણ ખરો કે, “સાડી પહેરી રહી છે તો આ લાંબા અરીસાનો ઉપયોગ કરને!”અન્યા કહેતી, “તું જોઈ લે એટલે બસ! અરીસો તારી આંખમાં છે.”પણ ખરેખર અરીસો અન્યાની આંખમાં હતો. ઘણી વખત તે અરીસામાં જોતી હોય અને પાછળથી નમ્ર આવી ચડે તો તે ગભરાઈ જતી, કારણ કે તેને અરીસામાં દેવદત્ત દેખાતો હોય. નમ્ર અને અન્યાનો સંસાર ખૂબ સરસ ચાલતો હતો. તેઓ એકબીજાની, એકબીજાના મિત્રોની ને પોતાનાં ભૂતકાળની વાતો કરીને ખૂબ હસતાં. અન્યાને એક પ્રકારનો રંજ રહેતો કે, તે દેવદત્તને ભૂલી શકી ન હતી. હવે તે એકલી હોય ત્યારે અરીસામાં જોઈને દેવદત્તને ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે, ‘તું હવે મારી યાદોમાંથી જા. મારાં મન-હૃદય-આંખોમાંથી પણ જા’ પણ એમ કંઈ થોડું જવાય છે? દેવદત્ત હંમેશા સમાયેલો જ રહેતો. દેવદત્ત સાથે વિતાવેલા પ્રસંગો તેને યાદ આવતા અને તે યાદોમાં ખોવાઈ જતી.એકવાર બંને આંબાના મોરવા ચોરવા ગયાં હતાં. હોળીના દિવસે બંનેએ બધા પર રંગ ભરેલી ડોલો ઢોળી હતી.ઘણીવાર સોસાયટીના ઘરોના બારણાં બહારથી બંધ કરી દેતા.કેટલાય તોફાનો, કેટલીય ધમાલ કરતાં ને બહાર ચોકલેટ્સ મૂકી દેતા.બધે બન્ને સાથે જ હોય. ત્યારે જ અન્યાએ વિચારી લીધું હતું કે તેનો પતિ તો દત્તુ જ હશે. હવે અન્યાને થતું કે, કદાચ હું નમ્રને અન્યાય કરી રહી છું. ગમે તે રીતે દત્તુને ભૂલવો પડશે. મારે કંઈક કરવું જોઈએ. તેણે અરીસા પર એક સુંદર કપડું લઈ સરસ મજાનો પરદો કરી દીધો. નમ્રએ પૂછ્યું કે, “આ શું કર્યું છે.?“બા કહે છે કે બેડરૂમમાં અરીસો હોય તો ઉપર પરદો કરી દેવો.”“તો આ નાના અરીસા પર જ કેમ? મોટા પર પણ કરી દે.”“હા, એ પણ કરીશ.”અન્યાના જન્મદિવસ પર નમ્ર સરસ મજાની ગિફ્ટ લઈ આવ્યો. અન્યાના હાથમાં ગિફ્ટ પકડાવીને હરખભેર તેને બેડરૂમમાં ખેંચી ગયો. નમ્રએ વ્હાલથી તેને પોતાની તરફ ખેંચી. અન્યાના બંને હાથ પકડી ઊંચા કરીને નાચવા લાગ્યો. અચાનક તેનો હાથ અરીસા પર લાગ્યો અને અરીસો નીચે પડ્યો. અન્યા ચીસ પાડી ઊઠી. જાણે તેને થયું કે પોતાનું હૃદય તૂટી રહ્યું છે! નમ્રે તરત સોરી કહ્યું, “અરે એમાં રડે છે શું? આપણે એમાં આવો જ અરીસાનો કાચ ફરી નંખાવી દઈશું.” અન્યાએ વાંકાં વળીને અરીસાના ટુકડા ભેગા કર્યા.નમ્ર પણ મદદ કરવા વાંકો વળ્યો “જો અનુ ટુકડાઓમાં ઘણી બધી અન્યા અને નમ્ર દેખાય છે! સારું થયું ને તૂટ્યો.” અન્યા એમાં દેવદત્તને શોધે એ પહેલાં એક કાચ તેને સહેજ વાગ્યો અને લોહી પણ નીકળ્યું. તે આંગળી પર હાથ ફેરવીને નમ્રએ વહાલથી પટ્ટી બાંધી આપી. અન્યાએ વિચાર્યું કે હવે અરીસો નથી લગાવવો. નમ્રએ ઓફિસ જતી વખતે કહ્યું કે, “મને પેલો અરીસો આપ. હું આવતી વખતે એમાં કાચ નંખાવતો આવીશ.” અન્યાએ કહ્યું, “ના, કંઈ જ વાંધો નહીં. હવે એ અરીસો જવા દો. નવો અરીસો લાવીએ. કમુએ કહ્યું છે કે,ભાભી આ તો ભંગારમાં જશે. એની ફ્રેમ પિત્તળની છે તો સારા પૈસા આવશે એટલે મેં કમુને આપી દીધો છે.”નમ્ર ઓફિસે ચાલ્યો ગયો અને અન્યા એકલી પડી. હૃદયમાં ઘણા બધા સવાલજવાબ ચાલતા હતા, પરંતુ સહસા એને કંઇક યાદ આવ્યું ને તેણે ઝડપથી મોબાઈલ ઊંચક્યો. કમુને ફોન કર્યો, “કમુ, પેલો તૂટેલા અરીસો ભંગારમાં વેચતી નહીં.”યામિની વ્યાસ

<

Leave a comment

Filed under Uncategorized

આઝાદી

“આપણે ત્રણ રંગનાં ફૂલપાંદડાંથી તોરણ બનાવી શણગાર કરીશું.””મારા પપ્પાની ઇલેક્ટ્રિકની દુકાન છે. હું ત્રણ રંગની ઝબૂકઝબૂક થાય એવી લાઈટ લગાવીશ.”“મારી મમ્મી ત્રણ રંગની કેઈક બનાવી આપશે.” “આપણે ત્રણ રંગોથી રંગોળી બનાવીશું. મારી દીદી સરસ બનાવે છે. તો આપણે તેની મદદ લઈશું.””એ… હા, મેં મમ્મીને કહ્યું છે. કેસરી, સફેદ, લીલી સાડીઓ આપજે. એનાથી આખો શણગાર કરીશું. વચ્ચે ભૂરો દુપટ્ટો ગોળ ગોઠવી અશોકચક્ર બનાવીશું.”“હા, એ વાત બરાબર. મેં તો દેશભક્તિના ગીતો ભેગાં કર્યાં છે. “હા, તો તો આપણો જ નંબર આવશે.”“આહાહા..!”“અમે તો દેશભક્તોનો ફેન્સી ડ્રેસ પહેરીને પરેડ જેવું કરવાનું વિચાર્યું છે.”બધાં ગ્રુપમાં, ફોન પર, વોટ્સએપ પર બસ આ જ ચર્ચા ચાલતી હતી. એક શૈક્ષણિક સોસાયટીએ સ્પર્ધા યોજી હતી જેમાં બાળકો, વડીલો, શિક્ષકો કે નાગરિકો એમ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે. એકતા અને સ્વતંત્રતા વિશે લોકોમાં જાગરૂકતા લાવવા માટે, જે દેશભક્તો શહીદ થયા તેમને સ્મૃતિ અર્પણ કરવા માટે અને લોકોમાં દેશદાઝ વધે એ માટે આવી મોટી સ્પર્ધાનું આયોજન થયું હતું. સૌ કોઈ કેટલાય વખતથી આ તૈયારીમાં જોડાયેલા હતા. કંઈ ને કંઈ નવી રીતે સર્જનાત્મક કરીને દરેકને વિજેતા થવું હતું. હા, તૈયારી પણ નાનીસૂની ન હતી. સૌ બાળકો પોતપોતાના પોકેટમની વાપરવા અને વડીલો પણ ખર્ચો કરવા તૈયાર હતા. એક વાલીએ તો બહારની કમ્પાઉન્ડ વોલ ત્રણ રંગથી રંગાવવાનું પણ કહ્યું. એકે ત્રણ રંગોના ઘણા બધા ફુગ્ગા ઉડાડવાનું આયોજન કર્યું. વળી એકે ત્રણ રંગની જાજમ લાવીને બિછાવડાવી. વાલીઓ પણ એટલા જ ઉત્સાહમાં હતાં કે પોતાના દીકરાઓના ગ્રુપનું કે મિત્રમંડળનું જ નામ આવે. એક વાલીએ તો વળી ત્રણ રંગના ફુવારા લગાવ્યા હતા. એ દૃશ્ય પણ સુંદર લાગતું હતું. બધાને થતું હતું કે ૧૫મી ઓગસ્ટ રોજ હોય તો કેવી મજા પડે! જ્યારે પણ કોઈ ઉજવણી હોય ત્યારે દેવનું કારસ્તાન મોટું જ હોય. એ ભારે તોફાની, ભારે ખેપાની! કંઈપણ સારું થવા જતું હોય ત્યાં દેવ કશીક તો ગરબડ કરી જ નાંખે. આ વખતે તેને સૌએ ચેતવ્યો હતો. આચાર્યએ બોલાવીને તેને ચેતવણી આપી હતી કે, “ભલે તારાથી કંઈ ન થાય તો કંઈ નહીં, પરંતુ જે થાય છે તેમાં વિક્ષેપ ન કરતો, બગાડી ન નાખતો.” દેવે પણ પ્રોમિસ કર્યું હતું. દેવને શિક્ષકોએ અને વડીલોએ પણ સમજાવ્યો હતો કે, આ દેશભક્તિની ઉજવણી છે. આઝાદીની વાત છે. શિક્ષકો એવું ઈચ્છતા હતા કે, દેવ કશામાં ભાગ ન લે તો સારું. શિક્ષકોએ હર્ષ, આર્યન અને દેવાંશીની ટીમને દેવ પર નજર રાખવા માટે કહ્યું હતું. તે બીજું કંઈ ન કરે તો સારું, પણ કંઈ તોફાનની તૈયારી ન કરે!“પણ દેવ છે ક્યાં?”એકને ખબર હતી તેણે કહ્યું, “દેવ તો આગલા દિવસે ગરીબ છોકરાઓ પાસેથી ઝંડા ખેંચી લઈ ટ્રાફિક સિગ્નલ પર ઝંડા વેચતો હતો. વળી એણે એક ગાડીવાળા સાથે સારી એવી કચકચ પણ કરી હતી.” બધાને થયું કે, કાંઈ વાંધો નહીં. ભલે શાળા સંકૂલ બહાર જે કરે તે, એને પછી જોઈશું. હમણાં રહેવા દો. સૂતેલા સાપને જગાડવો નથી.આખરે ૧૫મી ઓગસ્ટ આવી. બધાએ પોતપોતાની કલા અને કૃતિઓ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી. સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં સૌએ દેવને આવતો જોયો. સૌ સાવધ અને સજ્જ હતા કે, તે કોઈ તોફાન ન કરે, પરંતુ તે શાંતિથી આવીને બેસી ગયો. તમામ પ્રસ્તુતિઓ પૂરી થયા પછી શાંત બેઠેલા દેવને જોઈને સંચાલકે પૂછ્યું કે, “તારે કંઈ રજૂ કરવું છે? દેવે હા પાડી અને પાંચ મિનિટનો સમય માંગ્યો.થોડીવારે તે અને તેની ટીમ બહારથી આવી. તેમાં સંજુ, ઓમ અને હેલી હતાં, એટલું જ નહીં તેની સાથે બીજા બે છોકરા અને બે છોકરીઓ પણ હતી. સૌને નવાઈ લાગી. આટલી મોટી ટીમ! દેવે કહ્યું કે, આ ચાર છોકરાછોકરી ઝંડા વેચતાં હતાં. તેમની પાસેથી વધારે પૈસા આપી અમે બધા ઝંડા ખરીદી લીધા અને એ અમે વેચ્યા,એ બધા પૈસા પણ એમને જ આપી દીધા. દેવે એમને બતાવી કહ્યું કે, “આ ચારેયને ભણવું છે તો તમે સોસાયટીના બધા ગુરૂજનો છો તો તેમને માટે કોઈ વ્યવસ્થા કરી શકો તો… મારી ટીમના વાલીઓએ તેમને ચોપડીઓ, નોટબુકો અને ગણવેશનો ખર્ચ આપવાનું માથે લીધું છે.” સૌએ દેવને તાળીઓથી વધાવી લીધો અને સૌ આશ્ચર્યપૂર્વક દેવ સામે જોઈ રહ્યા.સ્વાભાવિક છે કે, દેવે જે કાર્ય કર્યું હતું તે ખરેખર ખૂબ ઉત્તમ હતું. દેવ ફરી બોલ્યો, “એક મિનિટ ઊભા રહો.”તે બહાર જઈને પંખીઓ પૂરેલાં ચાર પીંજરાં લઈ આવ્યો અને કહ્યું, “આમાં એક મારાં ઘરનું છે અને ત્રણ પીંજરા અમારા પૈસામાંથી ગઈકાલની શનિવારીમાથી ખરીદીને લાવ્યા છીએ. અમે સૌ ઇચ્છીએ છીએ કે, તમે સૌ આ પંખીઓને પીંજરામાંથી મુક્ત કરો.” દેવના માબાપની અને સૌની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યાં.આ આઝાદીના પ્રતિક રૂપે પંખીઓને આઝાદ કરવાનો વિચાર દેવનો હતો. પરંતુ દેવની મમ્મીએ કહ્યું કે, “આ પંખીઓ બહારના વાતાવરણથી ટેવાયાં નથી. કદાચ તેમની પાંખ ઝટ ન ઊઘડે. માટે, પહેલાં ઘરના જ બગીચામાં કે આપણે નજર રાખી શકીએ તેવી જગ્યાએ પીંજરુ ખોલીએ, તો તેઓ ડર્યા વગર પોતાની રીતે ઊડતાં પણ શીખી શકે અને પછી મુક્ત વાતાવરણમાં તેઓ એમની આઝાદી માણી શકે.યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

રક્ષા કવચ

‘લે તારી રાખડી ને લાવ પાછી મારી ગીફ્ટ.’ યાદ છે? રક્ષાબંધનને દિવસે ઝઘડો થાય તો તારો આ સંવાદ અચૂક હોય. તને રાખડીનો કેટલો શોખ! મિકી, ડોનાલ્ડ, સ્પાઇડરમેન, મ્યુઝિકવાળી ને લાઈટવાળી ને દર વર્ષે બજારમાં નવી આવે એ તો ખરી જ. વળી, તું દોસ્તોને બતાવીને કલાકે કલાકે રાખડી બદલાવે પણ ખરો.
પણ કેવો લુચ્ચો! ગિફ્ટ એક જ વાર આપે અને એ પણ ચોકલેટથી પતાવે! એકવાર ડૉકટરે મને દાંતના સડા વિશે પૂછેલું તો મેં તારું નામ દીધેલું. ભલે આપણી વાતેવાતે લડાઈ થાય, પણ તું કાયમ કહેતો, ‘કોઈ હેરાન કરે તો મને કહી દેજે, આ તારો ભાઈ બેઠો છે.’ ત્યારે હું ખરેખર નિર્ભય થઈ જતી.
ખરેખર મારું સુરક્ષાકવચ. તને મારા રિપોર્ટ કાર્ડમાં પપ્પાની સહી કરતા આવડે. કફ સિરપની બાટલી ફૂટી જાય તો પિગીબેંકમાંથી ખરીદી ને અરધી કરીને જગ્યા પર ગોઠવતા આવડે. ઓશિકાથી લડતાં લડતાં કવર ફાટી જાય તો રૂ ખોસીને સ્ટેપ્લરથી સીવતાં આવડે. તું મારાથી એક વર્ષ પાછળ છતાં મારું હોમવર્ક આવડે.
નાનપણથી તારે ઉકેલવા હતા ઘણા કૂટપ્રશ્નો, સિદ્ધ કરવા હતા કેટલાય પ્રમેય, નાસા પહોંચી બનવું હતું એસ્ટ્રોનટ ને બોલની સાથે બેટ પણ ઉછાળી બનવું હતું ક્રિકેટર. રાયફલમાંથી ગોળી છૂટીને દુશ્મનને આરપાર વીંધી બૂમરેંગની માફક પાછી આવે એવી શોધ કરી બનવું હતું યોદ્ધા. ફેન્સી ડ્રેસમાં તું આ સઘળું બની ચૂક્યો હતો. રિસર્ચનાં સપનાંથી ખીચોખીચ ભરેલી તારી આંખો જોઈ લાગતું’તું કે તું સાયન્ટિસ્ટ જ બનશે. વળી, તારાં તોફાનો જોઈને એમ પણ લાગતું’તું કે તું કંઈ નહીં બને. મમ્મીપપ્પા પણ ખીજાતાં. મેં તો કહી દીધું હતું, કંઈ નહીં બને તોય મારો ભઈલો તો મને બહુ ગમશે.
યાદ છે? મમ્મીએ એકવાર ઉંદરનું પીંજરું આપી એમાંથી ઉંદર દૂર છોડી દેવા કહ્યું’તું ને આપણે પેલાં વારેવારે આપણને વઢતાં કોકીકાકીના ઘર નજીક છોડી આવેલા. ને હા, તે દિવસે આપણાં બંનેની લડાઈમાં રોટલીના ડબ્બામાં પાણી પડી ગયેલું પછી શું કરેલું યાદ છે? પછી ક્લિપ મારીને બધી રોટલીઓ બહાર દોરી પર સૂકવેલી. દાદી સુદર્શનચૂર્ણ દર રવિવારે આપતાં એટલે શનિવારે આપણે એ ડબ્બી ખાલી કરી દેતા. પણ એ આપણા દાદી હતા, સમજી જતા ને થોડું બીજી ડબ્બીમાં કાઢી રાખતાં, પછી વહાલથી ખીજાતાં. પણ આટલાં તોફાન સાથે તારો તો બધામાં જ પહેલો નંબર આવતો.
ને આખરે તું બન્યો ડૉક્ટર, થ્રૂઆઉટ ગોલ્ડમેડાલીસ્ટ! આખરે તેં સાચુકલો સફેદ કોટ પહેર્યો. ગળે સ્ટેથોસ્કોપ લટકાવીને હાથમાં સિરિન્જ પકડી ખરી! આખી દુનિયાને તારે સાજી કરવી છે. ગમે તેટલી ઈમરજન્સી હોય પણ તું રક્ષાબંધને રાખડી બંધાવવા અચૂક આવે. યાદ છે? એકવાર તો ઓપરેશન થિયેટરમાંથી નીકળી ગ્લોવ્ઝ સાથે જ કાંડુ ધરી દીધેલું. ને મને મારો ભાઈ દેવદૂત હોવાનું ગૌરવ થયેલું. તું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ રાખડીની સાઈઝ નાની થતી ગઈ ને ગિફ્ટ મોટી-અનોખી. પેનડ્રાઈવથી લઈ પુસ્તકો સુધીની… ને પાછો પૂછે અચૂક, ‘શું જોઈએ તારે? હું છું ને તારો ભાઈ.’ ત્યારે વહાલથી મારી આંખો ભરાઈ આવતી. અમે બહેનો તો બસ વ્હાલની ભૂખી.
ભાઈ, આમ તો તું બહુ હિંમતવાન. ભારેખમ ઓપરેશન તારે માટે રમત વાત. વહાલી દાદીના મૃત્યુ વખતેય ના રડ્યો પણ લગ્ન પછી મારી વિદાય તો દૂર, તું તો આગળના દિવસોથી જ રડવા માંડેલો. ને વિદાયવેળાએ તો… અરે! તારા જીજુએ છાનો રાખવો પડેલો. તને તો એમ જ કે, રોજ રક્ષાબંધન આવે ને રોજ હું તારે ઘરે આવું.
જો, આજે આવી છું તારી ગમતી રાખડી લઈને. ચાલ હાથ ધરને!
તું કહે તો કલાકે કલાકે શું, મિનિટે મિનિટે બાંધીશ. કોણ મને કહેશે ‘તારો ભાઈ બેઠો છેને!’ ક્યાં છે મારું રક્ષાકવચ? ઓ કૉરોના વોરિયર! એકવાર પણ નહીં આવે?
-યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

વર અને સાહેબ

વર અને સાહેબ

“બેન, આપણું નામ કેટલું હરખું! મારું નામ કાશી અને તમારું નામ કેશી.
“કેશી નહીં કેશવી.”
“હા,એજ”
“બેન, આજે પગે માલિશ કરતી જઉં કે?” કાશીએ કામ પતાવીને કહ્યું. કેશવીના પગ કાલે દુખતા હતા તેથી કાશીએ સરસ માલિસ કરી આપી હતી. કેશવીને થયું કાશી પાસે માલિશનું કામ પણ બંધાવી દઉં. કાશી ઘરના કામ સાથે માલિશનું કામ પણ કરતી અને તેનાથી સારું એવું કમાઈ પણ લેતી. ખૂબ સરસ મસાજ કરી આપતી. કેશવીને થયું કે, મેનિક્યોર પેડિક્યોર કરાવવા જવું તેના કરતાં આ કેટલું સસ્તું પડે! અને કેશવીએ કાશીને કહ્યું કે, “આંતરે દિવસે તારે મને હાથે પગે માલિશ કરી આપવાની”
કાશી ખૂબ બોલબોલ કરતી. બોલકણી કાશીની જીભ ચાલતી જ રહેતી, “હેં બેન! તમારાં પોયરાં છે કે?”
“એક દીકરો છે દૂર છે હોસ્ટેલમાં”
“સાહેબ કેટલા વાગે આવહે?એ પેલ્લાં મેં જતી રે’વા.” કાશીએ થોડા દિવસ પહેલાં જ કેશવીને ત્યાં કામ બાંધ્યું હતું. તે સવારે નવેક વાગે આવતી અને આજુબાજુનાં ઘરોનાં કામ પતાવીને લગભગ ચારેક વાગે ઘરે જતી. તે ઘણી વાતો કરતી; તેના પરિવારની, તેનાં બાળકોની અને ખાસ કરીને તેના વર સોમજીની. કાશી સોમજીના વખાણ તો કરતી પણ કહેતી કે, તે દારૂ બહુ પીએ.
કેશવીએ પૂછ્યું, “દારૂ પીને આવે તો તને મારતોય હશેને?”
“અરે હોય તે! એકબે વાર આથ ઉપાડ્લો, પન મેં હો બહુ જબરી, એની હામે હાથ ધરી ડીધલો. મેં કઈ મેયલું કે, તારે પીવો હોય તો પી ને પડી રે’ ખૂણામાં. મુઓ મારે તો ની પન ની કરવાનો લવારો કયરા કરે”
“તને કાઢી તો નહીં મુકેને?”
અરે બેન! આ ઘર તો મેં મારી કમાણીથી બાંધલું છે, એ મને હુ કાઢી મૂકે? મેં જ એને કાઢી મૂકા.”
સાચે જ કાશીની મહેનતની કમાણી સારી હતી. સોમજીને કોઈ દિવસ કામ મળે કે ન મળે. જે દિવસે પૈસા હાથમાં આવે ત્યારે અચૂક દારૂ પીને આવે. પણ કાશીએ તેને કહ્યું હતું કે, “દારૂ પીને ની આવ, દારૂ લઈને આવ. પહેલાં ખાઈ લેવાનું અને પછી દારૂ પીવાનો ને છાનામાના હુઈ જવાનું.”
કેશવીને તેનામાં રસ પડતો ગયો. તેની વાતો ગજબ હતી. એ કાશીને જોઈ રહેતી. કેવું પાતળું શરીર! ઉંમર પણ લગભગ મારા જેટલી જ હશે. આટલું બધું કામ કરે છતાં તેને દુખાવો ન થતો હોય એવું બને? પણ હોંશે હોંશે આનંદથી તે બધું કામ કરતી. કાશી પણ કેશવીને સાહેબ વિશે પૂછતી. કેશવી મલકાઇને જવાબ આપતી, “સાહેબ બિઝનેસમેન છે.”
કોઈવાર સાહેબને આવતાં મોડું થાય. રજાના દિવસે રવિવારે તો ક્યારેક બાર વાગ્યે પણ ઊઠે એટલે તો સાહેબનો રૂમ બંધ હોય એટલે કેશવી શનિવારે આગલા દિવસે જ કાશી પાસે બરાબર સાફ કરાવી દેતી. કેશવીએ જ આ ક્રમ ગોઠવ્યો હતો.એક દિવસ ‘કિસી કિસી’ બૂમ પાડતા તેણે સાહેબને સાંભળ્યા. એને થયું કે,’સાહેબ કેટલું બધું વહાલ વરસાવી રહ્યા છે.કેટલા હારા છે ને મુઓ સોમલો તો!’ મનોમન સરખામણી થઈ ગઈ.
તે કામ પતાવીને ત્યાંથી નીકળી. એક દિવસ માલિશ કરતાં કરતાં તેણે કેશવીને કહ્યું, “બહેન, એક વાટ કેંવ? ઠોડા દા’ડામાં વરહાદ આવવાનો. મારા ઘરના પટરા બદલાવવાના છે. તો મને ચારપાંચ હજાર મલ્હે? હું કામમાં વળાવી ડેવા.” કેશવી ના ન પાડી શકી અને કહ્યું કે, “સારું, હું સાંજે સાહેબને વાત કરીશ. તું સવારે લઈ જજે. કેશવી ખુશ થઈને ગઈ. તેણે પતરાવાળાને પણ કહી દીધું. તેને થયું હું સવારે જઈને પૈસા લઈ આવીશ,
પણ તે દિવસે તેને બીજા બહેનને ત્યાં કામ કરતાં ખૂબ જ મોડું થયું. તેને ત્યાં મહેમાન જમવા આવ્યા હતા, તેથી કાશીને સાંજે રોકી લીધી હતી કે, જમણવાર પતે પછી વાસણ કરીને જા. કાશીને ત્યાં જ રાતે નવ વાગી ગયા. તેને થયું કાલે પતરાવાળો આવવાનો છે. કેશવીબેનને ત્યાં સાહેબ આવી ગયા હશે તો પૈસા મળી જાય.
બારણું અધખુલ્લું જ હતું. ઘર તેનું જાણીતું તેથી ઘરમાં ગઈ. પ્રવેશતાં જ તેને અવાજ સંભળાયો. કેશવીની ચીસ… સાહેબ અને બહેન વચ્ચે કંઈક લડાઈ ચાલતી હોય, મારપીટ થતી હોય તેવું તેને લાગ્યું. તેને બેડરૂમનું બારણું ઠોકવાનું મન થયું પરંતુ તેવું તે ન કરી શકી. તે ત્યાંથી નીકળી ગઈ. બીજે દિવસે કામ પર આવતાં કાશીએ કહ્યું, “ચાલો બહેન, તમને માલિશ કરી આપું.પીઠ પર હો કરી દેઉં.”
કેશવી સહેજ અટકી પછી હસીને બોલી, “ના, હાથ પગ પર જ કર ને આ લે, તારા માટે સાહેબે પૈસા આપ્યા છે. સરસ રીતે પતરાં નંખાવજે, જેથી તારા ઘરમાં વરસાદ ન પડે.
કાશી ધીમે રહીને બોલી, “બહેન, આ પૈસા તમે જ રાખો. તમુને કોઈ વાર કામ લાગહે. મેં બીજી વ્યવસ્થા કરી દીધી છે. મારા ઘરમાં તો વરહાદ નહીં પડે!”
યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

ફૂલકાં રોટલી

કૂકરની સિટીમાં ફોનની રિંગ માંડ સંભળાય. સીમા ગેસ ધીમો કરી, લોટવાળા હાથ ધોઈને ફોન લેવા પહોંચી. “પહેલી રિંગે તો કોઈ દિવસ ફોન ઊંચકાતો જ નથી. શું કરતા હો છો આખો દિવસ ઘરમાં? અમે કંઈ ઓફિસમાં નવરા નથી હોતા. આ તારું રોજનું છે.”
સીમાએ જવાબ આપ્યા વગર વાત સાંભળી લીધી. “સાંભળ, આજે સાંજે મારા બોસ તેમના પરિવાર સાથે ઘરે જમવા આવે છે. તેઓ સાઉથ ઇન્ડિયન છે. તેમને આપણું ગુજરાતી ખાવાનું બહુ ભાવે છે. તું કશુંય બહારથી ન લાવતી. બધું જ ઘરે બનાવજે. મેં કહી દીધું છે કે, મારી પત્ની ખૂબ સરસ બનાવે છે. જો હું ખોટો ન પડું. અને હા સાંભળ, તેઓ ફૂલકાં રોટલીના શોખીન છે. ગરમ ગરમ ઊતરતી જ પીરસજે. પૂરણપોળી પણ બનાવજે અને બીજી બને તેટલી વધારે વાનગી બનાવજે, તો બોસ ખુશ થાય.” અને ફોન મુકાઈ ગયો.
સીમાને સવારથી કમર દુખતી હતી પરંતુ કરે શું? મુદિતને માંડ નવરાવી તે બજારમાં જવા નીકળી. મુદિત જન્મ્યો ત્યારથી નબળો હતો. એને એકવાર ખેંચ આવી પછી તો સાવ વિકલાંગ થઈ ગયો. સીમાએ જ તેનું બધું દૈનિક કાર્ય કરવું પડતું. ઘરમાં સાસુજીને બૂમ મારીને મુદિતનું ધ્યાન રાખવા કહ્યું અને તે સાંજની તૈયારી માટે શાકભાજી વગેરે ખરીદી કરવા ગઈ. તે આવીને હજુ થેલો મૂકે છે ત્યાં મુદિતે બધું બગાડયું હતું તે સાફ કર્યું. સાસુજીની ચા મૂકીને કામમાં પરોવાઈ. વચ્ચે તો કંઈ કેટલાય કામ; પેપરનું બિલ લેવા આવ્યો, ધોબી કપડાં આપવાં આવ્યો, કુરિયરવાળો આવી ગયો અને એવામાં ફરીથી શિરીષનો ફોન આવ્યો, “તૈયારી કરી કે નહીં? હું આવું છું. ફ્રેશ થઈને બોસને લેવા જઈશ અને તું પણ કાયમની જેમ જૂનાં કપડાંમાં લઘરવઘર ન રહેતી. સરસ તૈયાર થઈને પીરસજે અને હા, રોટલી તો ઊતરતી જ.ઘરમાં પણ બધું અપ ટુ ડેઈટ રાખજે. સીમા ફરીથી કામે વળગી.
અઠવાડિયાથી તેનું મન કોઈ બીજી જ વાતે ચડ્યું હતું. એની સખી વૈશાલીએ સ્યૂસાઇડ કર્યું હતું. સ્યૂસાઇડ કરવાનું કારણ તો ન સમજાયું પરંતુ તેને ધીરે ધીરે લાગ્યું કે, કદાચ તે જિંદગીથી થાકી ગઈ હશે. પોતે પણ થાકી ગઈ છે. હવે એને કેવી હાશ થઈ હશે! ચાર-પાંચ મહિના પહેલાં જ સીમાની મમ્મીનું મૃત્યુ થયું હતું. મમ્મી ફોન પર તેની બધી જ વાતો સાંભળતી અને વહાલથી સાંત્વના આપતાં કહેતી કે, બધું સારું થઈ જશે ને થોડો હાશકારો રહેતો.તે મુદિતને લઈને અત્યંત પરેશાન રહેતી. મોટો વિશ્વ તો સરસ રીતે આગળ ભણી રહ્યો હતો પરંતુ આખો દિવસ અપંગ મુદિતની સરભરામાં જ પરોવાયેલી રહેતી. શિરીષ હંમેશા કંઈકને કંઈક ભૂલ કાઢતો. ઓફિસની અન્ય સ્ત્રી સહકર્મચારીઓ સાથે તેની સરખામણી કરતો. આ પસ્તી પેપર કેમ આમ પડ્યા છે? રમકડાં કેમ વેરવિખેર છે? આ કપડાંનો ઢગલો સમેટી લેતી હોય તો? અરે! આ જાળાં કેમ દેખાય છે? ત્યાં ફ્રિજ પર ડાઘા કેમ છે? વગેરે વગેરે.
સીમાને પહેલાંની વાતો યાદ આવી જતી. જ્યારે તે પરણીને આવી હતી ત્યારે ખુશખુશાલ જિંદગી હતી. તેણે પરણ્યાં પહેલાંની નોકરી પણ ચાલુ રાખી હતી અને બંને મળીને જિંદગી સરસ રીતે જીવવાનાં સપનાં પણ સેવ્યાં હતાં. સીમા ગર્ભવતી થઈ અને વિશ્વના જન્મ પછી તેના ઉછેર માટે નોકરી છોડી દીધી. શિરીષની તો પણ ફરિયાદ રહેતી કે, હવે મારામાંથી તારું ધ્યાન ઓછું થઈ ગયું છે. વિશ્વ થોડો મોટો થયો અને મમ્મીને ત્યાં મૂકીને કે ઘરે કોઈ બાઈ રાખીને ફરી નોકરી શરૂ કરવાનું વિચારતી હતી, પણ ફરીથી તે ગર્ભવતી થઈ અને મુદિત જન્મ્યો. મુદિત એટલો નબળો હતો કે એને મૂકીને ક્યાંય જવાતું ન હતું. પછી સમય વીતતો ગયો. પહેલાં શિરીષ મુદિત પર પણ ઘણું ધ્યાન આપતો, પરંતુ પછી ધીમે ધીમે તેનું વર્તન પણ બદલાતું ગયું. મુદિત જાણે કે સંપૂર્ણ જવાબદારી સીમાની હોય તેમ થઈ ગયું. ઉપરથી, ઘરે મહેમાનોને ભેગા કરીને પાર્ટી કરવાનો શિરીષનો શોખ પણ વધતો ગયો અને સીમા તેમાં પીસાતી ગઈ.
તેને ફરીથી વૈશાલી યાદ આવી ગઈ. મમ્મી પણ યાદ આવી અને તેને મૃત્યુ સહજ લાગવા લાગ્યું. તેને થયું કે હું ન હોઉં તો કોઈને ખાસ કશો ફેર પડશે નહીં. મુદિતને સાચવવા માટે કોઈ બહેનને રાખી શકાય. તેને હું ટ્રેઇન કરી લઈશ. વિશ્વ પણ સરસ રીતે ભણે છે અને ભણશે. શિરીષને તો મારી ખાસ કંઈ જરૂર લાગતી નથી, તો હું નહીં હોઉં તો પણ ચાલશે. વારંવાર સીમાને આવા વિચાર આવતા હતા. તેને થતું પણ ખરું કે આવા વિચારો કેમ આવે છે? તેણે મનોચિકિત્સકને બતાવવું જોઈએ. મનમાં ઘોળાતી આ બધી વાતો શેઅર કરે તો પણ કોની આગળ કરે? શિરીષને આ બધી વાતમાં કોઈ રસ ન હતો. તેને થયું કે, હું વળી ક્યાં આવા બધા વિચારે ચડી? અને ફરી ટેબલ શણગારવામાં અને રસોઈ કરવામાં પડી.
બેલ વાગતાની સાથે જ તેણે બારણું ઉઘાડ્યું તોય શિરીષ ટેવવશ, “પહેલા બેલે તો કદી નહીં ખૂલે, ખબર નહીં કેમ?” ને તેને જોઈને જ બરાડ્યો, “આવાં કપડાં? ને વાળ તો જો? કપાવી નાખતી હોય તો…”
“અરે, હમણાં જ તૈયાર થઈ જાઉં છું. આ બધી સફાઈ કરતી હતી. અને જુઓ, ટેબલ સહિત બધું જ તૈયાર છે. લોટ પણ બાંધેલો તૈયાર છે. તેઓ આવશે એટલે ઊતરતી ગરમાગરમ રોટલી જમાડીશ.”
શિરીષ તૈયાર થઈને બોસ ને લેવા ગયો. એટલી વારમાં ઝડપથી સીમાએ મુદિતને જમાડી ને સુવડાવી દીધો અને સાસુજીને પણ જમાડી મુદિતના રૂમમાં બેસવાનું કહ્યું. શિરીષ ઈચ્છતો ન હતો કે બોસ અપંગ મુદિતને જુએ. સીમાએ દુખાવાની ગોળી લીધી. તેની કમર વધારે દુઃખતી હતી. આખરે મહેમાનો પધાર્યા. તેણે હસતે મોઢે બધાને આવકાર્યાં. ફૂલકાં રોટલી જોઈને બોસની પત્ની ખૂબ ખુશ થઈ. કેવી રીતે બને એ જોવા ઊભી થઈ. નાની નાની ફૂલકાં રોટલી જોઈને બોસને નવાઈ લાગી અને એક જ કોળિયામાં ખાઈ જતા. સાથે પૂરણપોળી અને અન્ય ઘણી બધી વાનગીઓ હતી. મહેમાનોને મજા પડી. બોસનો દીકરો અંદર મુદિત સૂતો હતો ત્યાં દોડી ગયો. સાસુજીએ ઝડપથી તેને ઓઢાડી દીધું, જેથી તે વધુ કંઈ પૂછે નહીં. મહેમાનો ખુશ થઈને ગયા.
હજુ તો ટેબલ સાફ કરી રહી હતી ત્યાં શિરીષે બૂમ પાડી કે, બેડરૂમની લાઇટ બંધ કરી જા. તે લાઇટ બંધ કરવા ગઈ. શિરીષ ખૂબ ખુશ હતો. તેણે સીમાને તેની તરફ ખેંચી. તે બોલી હજુ રસોડામાં સફાઈ બાકી છે પણ એ બોલી ન શકી કે, તેને પોતાને જમવાનું બાકી છે. તે શિરીષની ભૂખનો ભોગ બની. શિરીષને ભરપૂર વહાલ ઉપડ્યું હતું. આખરે તે જમ્યા વગર જ સૂઈ ગઈ.
સવારે જાગી ત્યાર પછી તો તેને સ્યૂસાઇડ કરવાના વિચારો આવવા લાગ્યા. વિચારો એટલી હદ સુધી આવતા હતા કે, તેને થયું કે તે ખરેખર સ્યૂસાઇડ કરીને જ જંપશે. એણે માંડ બે દિવસ કાઢ્યા. ત્રીજે દિવસે સામેવાળા તરલાદાદીનું મૃત્યુ થયું. તેમને લઈ જવાતાં હતાં ત્યારે મુદિતે કુતૂહલવશ પૂછ્યું કે, “તલ્લાદાદીને આ બધા કાં લઈ જાય છે?”
સીમાએ તેના માથે હાથ ફેરવીને સમજાવ્યું, “બેટા, તે મૃત્યુ પામ્યા છે. હવે તે ક્યારેય પાછા નહીં આવે.”
“કેમ?”
“અરે બેટા, એક દિવસ દરેકે મૃત્યુ પામવાનું છે.” અને એ કંઈક જુદા જ વિચારોમાં ભૂલી પડી… “કોઈ અમરપટ્ટો લઈને નથી આવતું. દરેકને મરવાનું તો હોય જ, પછી જ સંપૂર્ણ શાંતિ મળે એ પછી કાલે હોય કે આજે.” ને ફરીથી તેના મનમાં આત્મહત્યાના વિચારે ભરડો લીધો.
અચાનક મુદિતે તેને ઢંઢોળી અને બોલ્યો, “મમ્મી, તું પન મલી જશે?”
સીમા કશું જ બોલી નહીં. મુદિત મોટેથી રડવા લાગ્યો. “મમ્મી… હું મલી જાઉં પછી તું મલી જજે, નઈતો મને કોણ જોશે?”
અને સીમાની આંખોમાંથી આંસુનો ધોધ વહેવાં માંડ્યો. તેણે મુદિતને છાતીએ ચાંપીને કહ્યું, “ના બેટા, મમ્મી ક્યારેય નહિ મરે.” હવે તેને લાગ્યું તેને મનોચિકિત્સકની કોઈ જરૂર નથી. ફરી મુદિતે દુપટ્ટો ખેંચ્યો, “ભૂક લાગી, મમ્મી.” અને એ ઊભી થઈ ફરી વહાલથી ફૂલકાં રોટલી ઊતારવા.
-યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

લમપ્રોફીડે (Lamprophidae) અને નેટ્રીસીડે (Natricidae) કુટુંબના ચાર સાપ

niravrave

‘અભીવ્યક્તી’

(34) પટીત રેતીયો સાપ, (35) સામાન્ય રેતીયો સાપ, (36) રેતીયો સાપ અને (37)  પીત પટીત સાપ, પીળા પટ્ટાવાળો સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે…

View original post 1,437 more words

Leave a comment

Filed under Uncategorized

હળવાશ

હળવાશ“લો બા, આ તમારી મોળી ચા. આજે ઊઠવામાં જરા મોડું થઈ ગયું.”“અરે નીનીબેટા! બે ઘડી તો સૂઈ રહેવું હતું. પછી તો છે જ આખો દિવસ દોડાદોડી.” નીનાને બધાં વહાલથી નીની કહેતાં.નીનાને સવારે ઊઠવામાં ૫:૩૦ ને બદલે ૫:૩૫ થઈ જાય તો પણ તેના નિત્યક્રમમાં ઘણો ફરક પડી જતો. જોકે, તેને અલાર્મની બહુ જરૂર ન પડતી. રાત્રે ઊંઘતાં ગમે તેટલું મોડું થાય તો પણ તેનું શરીરચક્ર એવું ટેવાઈ ગયું હતું કે, સવારે સાડા પાંચે આંખો ખૂલી જાય. આખા દિવસની કરમકુંડળી સવારથી જ એના મગજમાં રચાઈ જતી. ચા-પાણી-નાસ્તાની તૈયારી કરીને બાળકોને ઉઠાડતી. રાશિ તો ઊઠતા જ રડવા માંડતી, “નીની, આજે તો સ્કૂલે નથી જવું. મારું હોમવર્ક બાકી રહી ગયું છે.” નીના કહેતી, “ચાલ, હું તને મદદ કરું”“હવે તો થોડીક જ વાર રહી છે.”“અરે બેટા! ચાલને હું કરી દઉં તારું હોમવર્ક” એમ કરીને તેને ઉઠાડે. તત્વ પણ “ નીની, મારા નખ કાપવાના છે. આજે પીટીના સાહેબ તપાસવાના છે. નહીં તો મને સજા કરશે.” “અરે બેટા, કેટલી વાર કહ્યું કે તું રવિવારે નખ કપાવી લે, પરંતુ માને જ નહીં. ચાલ, હું તને કાપી આપું.” એક તો ખરેખર મોડું થતું હતું અને તેમાં આવું વધારાનું કામ આવી ચડતું. છોકરાને વહાલથી સમજાવીને સામે ભણવા બેસાડ્યો અને તેના નખ કાપી આપ્યા. સાથેસાથે રસોઈ પણ કરતી ગઈ. એમાં શકુબાઈનો ફોન “બેન, મારી દેરાણીની વેવાણના ભાઈ મરી ગીયા તાં હું રડવા જવાની, આજે ની આવા, વાહણ રાખી મૂકજો, કાલે માંજી દેવા.” આ મોકાણના સમાચારે તો તેને ભારે પરેશાન કરી મૂકી.હિરેન ઊઠ્યો અને ઊઠતાની સાથે તેના ફોન શરૂ થઈ ગયા. બાથરૂમમાં જતાં જ તેણે ટુવાલ માટે બૂમ મારી, “અરે, ક્યાં લટકાવ્યો છે? અહીં તો નથી.”“પણ તમારો ટુવાલ ધોવા નાખ્યો છે. બીજો લઈ લો,” એટલી વારમાં તો કપડાંનું મશીન બીપ બીપ કરવા લાગ્યું. ફટાફટ કપડાં કાઢીને સૂકવ્યાં. બા કહેતા, “હું ધીરેધીરે સૂકવી દઈશ.”ક્લિપ મારતી મારતી એ જવાબ આપતી, “અરે બા! તમારા લકવાવાળા હાથે તમે કેવી રીતે સૂકવી શકો?”બાને હાથે લકવાની શરૂઆત હતી. ડાયાબિટીસ તો પહેલેથી જ હતો. નીના ઘરનું સઘળું ધ્યાન રાખતી. ક્યારેક હિરેન પણ મદદ કરવા લાગતો. “ચાલ, તને મોડું થાય છે તો હું તને મદદ કરું.” પણ, મોડામાં વધુ મોડું થશે તેમ વિચારીને નીના હાથ જોડીને ના પાડતી અને કહેતી, “છોડોને ભઈસા’બ, તમે આખું રસોડું રમણભમણ કરી મૂકશો.” ને હિરેન હસતો હસતો તેના કામે ચાલ્યો જતો. સ્કૂલે જતાં પહેલાં રાશિનો ચોટલો ગૂંથવામાં પણ તે કેટલા નખરા કરતી! ત્રણેક વાર તો તે છોડીછોડીને ફરી ગુંથાવતી. પહેલાં તો બા ગુંથી આપતાં પણ એમને લકવો થયા પછી બધું નીનાને માથે હતું. લંચબોક્ષ અને વોટરબેગ તો રાત્રે જ તૈયાર કરી દેતી. માંડ તે બંનેને સ્કૂલે મોકલતી. રસોઈ પતાવી બાનું ગળપણ વિનાનું જુદું કાઢીને તેની પર ચિઠ્ઠી મૂકતી. છોકરાઓનું જુદું ઢાંકતી. હિરેનનું લંચબોક્સ ડાઇનિંગ ટેબલ પર મૂકીને તે ફટાફટ નીકળતી. કદી સામે શીલાબેન મેળવણ લેવા આવતાં તો ફટાફટ તેમને મેળવણ આપતી. કદી નળ ખુલ્લો રહી ગયાનું યાદ આવતું ને પાછી આવીને નળ બંધ કરતી. રોજ એ નીકળે અને કશું યાદ આવે, નીકળે અને કોઈક બૂમ પાડે; મારે આ જોઈએ છે, મારે આ બાકી છે, મારું આ ક્યાં છે…માંડ સ્કૂટર પાસે પહોંચે ને યાદ આવે, ‘અરે રામ! કાલે સોનુ આવેલી એની બેબીને શાંત પાડવા મારી ઘૂઘરીવાળી કીચેઇનવાળી ચાવી આપી હતી એ મળી જાય તો સારું.’ કહી ફરી ઘરનો ડોરબેલ મારતી. કંઈ કેટલાય વર્ષો સુધી નીનીની આવી સવાર પડતી. ઓફિસે પહોંચતી અને તેને પહેલું વાક્ય બોલવાનું જ હોય, ‘સોરી, થોડું મોડું થઈ ગયું. સારું થયું તમે સાચવી લીધું.’ સાહેબને પણ જવાબ આપવાનો હોય, પણ એવા જવાબ તો તેણે વર્ષો સુધી આપ્યા. ક્યારેક ઓફિસમાં બીજાનું કામ પણ કરી લેતી. ઘરે આવતી વખતે શાકભાજી લેવાની હોય, બાળકો એ કંઈ સોંપ્યું હોય, બાની દવા કે કોઈ ચીજવસ્તુ લાવવાની હોય, હિરેને પણ કદી કહ્યું હોય કે આટલું કરતી આવજે; એ બધું કરતી આવે અને હજુ માંડ ચંપલ ઉતારે ત્યાં તેને રસોઈની ફિકર હોય. બાળકો બપોરે સ્કૂલથી છૂટીને જમીને સૂઈને ઉઠ્યા હોય. એમની સ્કૂલની, મિત્રોની, તોફાનની વાતો સાંભળવાની, હોમવર્ક બાકી હોય તે કરાવવાનું સાથે સાંજની રસોઈ માંડ પતે. રસોડું સાફ કરે. ટીવી ચાલુ હોય પરંતુ તેને જોવાના હોશકોશ ન હોય. તે લોથપોથ થઈ જતી. એને કંઈ કેટલીય વાતો કરવી હોય; નોકરીની, બાળકોની ને ભવિષ્યની પણ હિરેન તેના કામમાં અને ટેન્શનમાં હોય એટલે ખાસ વાતો થતી નહીં. ધીરેધીરે બાળકો મોટાં થતાં ગયાં. રાશિ અને તત્વ ખૂબ સરસ ભણતાં હતાં એટલી તેને હાશ હતી. બાની બીમારી પણ વધતી ગઈ અને એ વિચારતી કે, આવી જ જિંદગી હશે બધાની? કોઈને હળવાશ નહીં હોય? ઘણીવાર નીનાએ વિચાર્યું કે નોકરી છોડી દઉં. પણ પગાર સારો હતો અને પેન્શનબલ જોબ હતી એટલે થતું કે, અમુક વર્ષો નોકરી કરી લઉં. પછી વી.આર.એસ લઈ લઈશ. અત્યારે તો પગાર સારો આવતો એટલે ઘરમાં પણ સારી મદદ રહેતી તેણે નોકરી ચાલુ રાખી. આ જ રીતે, આ જ સવાર અને આ જ સાંજ, આ જ નિત્યક્રમ પરંતુ તેને મનમાં રંજ રહેતો કે તે બાળકોને સમય આપી શકતી ન હતી. ઘણીવાર બાળકો કહેતા કે, આજે અમને રજા છે તો તું ઘરે રહી જાને. અમારી સાથે રમ અને તોફાન કરને. ચાલને, આપણે પિકનિક પર જઈએ. પણ નીના ક્યારે રજા નહોતી લઈ શકતી. એકવાર ઓફિસમાં લંચ સમયે બેઠી હતી ત્યારે તે દીકરાદીકરી સાથે બેસીને મસ્તી કરતી હોય, રમતી હોય તેવો વિચાર આવ્યો અને તે સૂનમૂન થઈ ગઈ. પણ બીજી ક્ષણે તેને થતું કે, ઘરમાં બે નોકરીને કારણે જ તો છોકરાઓને કેટલી સારી સગવડ આપી શકીએ છીએ.બાને લકવાની અસર વધતી ગઈ તેમ વધારે બીમાર થતાં ગયાં. હવે નીનાને થયું કે. હવે વી.આર.એસ. લઈ લઉં. મારું પેન્શન પણ આવશે. નોકરી છોડી દઉં તો બાની સેવા પણ કરી શકું. દીકરોદીકરી આવે તો તેમની સાથે પણ સમય ફાળવી શકાય. તેમની સાથે શાંતિથી બેસી શકાય. સાંજની ચા પી શકાય. આખરે તેણે નિર્ણય કર્યો અને નોકરી છોડી. જે વર્ષે નોકરી છોડી તે વર્ષે દીકરાને સ્કોલરશિપ મળી અને તે ભણવા માટે વિદેશ ગયો. દીકરીને સરસ માગું આવ્યું અને તેને પરણાવી. આ બે ખુશીના પ્રસંગ પછી બા પણ જાણે નીનાને હળવાશ આપવા માટે તૈયાર હોય તેમ તેમણે પણ આ દુનિયામાંથી વિદાય લીધી. હિરેનની નોકરી ચાલુ હતી.હવે તે આખો દિવસ એકલી હતી. ખરેખર નીનાને હળવાશ હતી પરંતુ તેને આ હળવાશ એકદમ ભારેખમ લાગતી હતી.ખરેખર તો હવે સમય હતો જોયેલાં સપનાં પૂરાં કરવાનો, પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો, મનગમતું સંગીત માણવાનો ને સારા પુસ્તકો વાંચવાનો પરંતુ તેને લાગ્યા કરતું કે, તે કંઈ જ કરતી નથી. દિવસ પૂરો થતાં સુધીમાં તો તેને ઘણો રંજ રહેતો. હિરેનને પણ વાત કરી. હિરેને કહ્યું કે, “તને જે ગમે છે તે કર.” દીકરો અને દીકરી પણ કહેતાં કે, “મમ્મી હવે તારી પાસે પૂરતો સમય છે. તું તારી રીતે મજા કર.” પરંતુ તે બાળકોને કઈ રીતે કહી શકે કે, તમે ફરી નાના બની જાઓ. એ બાને કઈ રીતે કહી શકે કે, તમે ફરી જીવંત થઈ જાઓ. હિરેનને કઈ રીતે કહી શકે કે, હું બા અને છોકરાઓને તૈયાર રાખીશ. બને તો જલદી આવજો, ફરવા જઈશું. શું કરવું સમજાતું નહોતું.તે પોતાની જાતને ઘણી વ્યસ્ત રાખવા પ્રયત્ન કરતી, પણ અંદરથી લાગ્યા કરતું કે, કંઈક ખૂટે છે. આખરે તેણે બહેનો માટે હળવાશ કેન્દ્ર શરૂ કર્યું. જ્યાં આવીને મનની કંઇક વાતો કરવી હોય, કોઈક મૂંઝારો કે માનસિક તાણ હોય, અરે ગપ્પા મારવા હોય તો પણ, કોઈને આકસ્મિક કારણોસર દોડવું પડે અને બે ત્રણ કલાક માટે બાળકોને મૂકી જવા હોય, સગું હોસ્પિટલમાં હોય ને તેની મદદ કરવા દોડાદોડી કરવી હોય, વૃધ્ધોની સેવાનો સવાલ હોય, કોઈનો પતિ મૃત્યુ પામ્યો હોય અને કશી ખબર ન પડતી હોય, ઘર, બેંક, મૂડીરોકાણ જેવી આર્થિક વ્યવસ્થા બાબત કે બાળકોના ભવિષ્ય બાબતે તો એનું માર્ગદર્શન અપાતું. તેમાં ઘણા નિષ્ણાતો પણ જોડાતા ગયા. બધાં જ ખૂબ હાશકારો અનુભવતા. નીનાનો આભાર માનતા. અહીં કોઈ પણ એકવાર આવે પછી આ પરિવારનું જ બની જતું. આ કેન્દ્રને એક વર્ષ થયું ત્યારે આ આખો પરિવાર ઉજવણીમાં જોડાયો. સાથે હિરેન, રાશિ અને તત્વ પણ. બધાએ મળી નીનાને એક સરપ્રાઇઝ આપી. એની આંખે પટ્ટી બાંધી બહાર લઈ ગયા. બોર્ડ બદલાઈ ચૂકયું હતું- ‘નીની હળવાશ કેન્દ્ર’. આંખો ખોલતાં નીના ગળગળી થઈ બધાને વળગી પડી. હળવાશ અનુભવવા લાગી, પહેલીવાર…યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

કળાનો કસબ

કળાનો કસબ છેલ્લે દિવસે તો ઝૂમકીના સ્ટોલ પર ભીડ જામી હતી. હસ્તકલા મેળામાં ઝૂમકીએ પહેલીવાર ભાગ લીધો હતો. તેણે માટીમાંથી સુંદર ઘરેણાં બનાવ્યાં હતાં.તેમાંય હાથે બનાવેલ ઝૂમખાં તો સહુને આકર્ષતા. “બેન, આ ઝૂમખાં કેટલાંનાં?”“એ છોકરી, આમાં નિયોન ગ્રીન કલર નથી?”“મને રોયલ બ્લ્યૂ કલર જોઈએ છે. એ છે કે નહીં?”ઝૂમકી આ બધા રંગથી અજાણ હતી. તેને તો લાલ, લીલો, પીળો, ગુલાબી જેવા સામાન્ય રંગોની જ ખબર હતી. તેના સ્ટોલ પર બધાએ અવાજ અને ભીડ કરી મૂકી હતી. ઝૂમકી બધાને જવાબ આપી શકતી નહોતી. ગ્રાહકો ઘરેણાં જોવા માટે લેતાં અને ગમતો કલર કે ડિઝાઇન ન મળે તો મૂકી દેતાં. એમાં કેટલાંય ઝૂમખાં ચોરાઈ ગયાં, કેટલાક તૂટી ગયાં. ઝૂમકી નાસમજ હતી. ઘણી ખોટ ગઈ. તે રડી પડી પરંતુ તેના પિતાએ હિંમત આપી એટલે બીજીવાર હિંમત કરીને તૈયારી સાથે તે ભાગ લેવા આવી હતી. “આ ઝૂમખાં કેટલાંનાં?”“સાઠ રૂપિયા, બેન.”“આવા એક સરખાં દસ જોઈએ છે.”“ના, હું હાથથી જ બનાવું છું એટલે સાવ એક્સરખી બીજી પેર નહિ મળે.”“સારુ, આ આપી દે. ઝૂમકીનાં ઝૂમખાં બહુ લોકપ્રિય હતા.ઝૂમકીને પણ પ્રિય હતા. ઝૂમકી ખૂબ મહેનતથી દિલ રેડીને અવનવી ડીઝાઇનમાં હાથની કલાકારીગીરીથી ઝૂમખાં બનાવતી. અને સ્વરોજગાર કે હસ્તકલાઉધોગ મેળામાં કે નજીકનાં શહેરોમાં વિવિધ જગ્યાએ તે વેચવા જતી. તેના ઝૂમખાં, ગળામાં પહેરવાના હાર કે માટીના નાના ડેકોરેટિવ પીસ અને રમકડાં જેવો સામાન લઈને જતી અને લગભગ પહેલાં બે દિવસમાં જ બધો સામાન વેચાઈ જતો. એકવાર તો એની બાજુમાં ઇમિટેશન જ્વેલરીનો સ્ટોર હતો. એ ગ્રાહકોને મોટેમોટેથી બૂમ પાડીને માલ ખરીદવાનો આગ્રહ કરતો. તે ઓછી કિંમતના ઝૂમકીનાં ઘરેણાં વિશે કહેતો કે, તે તો માટીના, તૂટી જાય,તકલાદી હોય, અરે એક સરખા પણ ન હોય. પરંતુ ઝૂમકીને ત્યારે ખબર પડી કે, તે સ્ટોલવાળાએ જ તેના માણસો મોકલીને બધાં ઘરેણાં ખરીદી લીધાં હતાં. તેનો બધો જ સામાન વેચાઈ જતા તેને થયું કે લાવને, મેળામાં ફરી જોઉં. તેની બહેન સાથે તે ગઈ. ચાર લાઈન પછી જે પહેલા નંબરનો સ્ટોલ હતો તેમાં તેનાં પોતાનાં જ બનાવેલાં ઘરેણાં વેચાતાં હતાં. તેણે સ્ટોલવાળાને પૂછ્યું, “ભાઈ, આ ઝૂમખાં કેટલાંનાં?”“બસ્સો ચાલીસ”ઝૂમકીને નવાઈ લાગી. જે પોતે સાઠ રૂપિયામાં વેચે છે તે અહીં ચાર ગણા ભાવે વેચાય છે. તેણે બહુ રકઝક કરી ત્યારે પેલો બસ્સોમાં આપવા તૈયાર થયો. તેનાં જ બનાવેલાં ઘરેણાં હતાં પરંતુ તેને તો કશો વાંધો ન હતો. તેને તેની મહેનતના પૈસા તો મળી જ ગયા હતા. પરંતુ હવે તેને તેનાં ઘરેણાંની કિંમત સમજાઈ હતી. ઝૂમકી ઉત્સાહી હતી.લગન અને ધગશથી કામ કરતી. તેના બાપુને કંપવાની બિમારી હતી.તે તેનાં નાનાં ભાઈબહેનને શાળાએ ભણવા મોકલતી. ઝૂમકીનું નાનકડું ઘર ગાળેલી, ચાળેલી, પલાળેલી માટી, કાગળનો માવો, લાપી,ગુંદ, રંગો વગેરેથી ભરેલું રહેતું. તેની મા ખૂબ સુંદર આવા જ ઝુમખાં બનાવતી. હવે મા નહીં રહી પણ આ અદ્ભૂત કળા વારસામાં આપતી ગઈ. તેના પિતા પણ ખૂબ સરસ મૂર્તિઓ બનાવતાં પરંતુ હવે તેમના હાથની તકલીફને કારણે બનાવી શકતા ન હતા. ઝુમકીએ આખું ઘર પોતાને ખભે લઈ લીધું હતું. એકવાર આવા જ મેળાના સ્ટોલમાં માટીમાંથી બનાવેલ પાણી ભરવાની બોટલ, રસોઈનાં વાસણો વગેરે ઇકો ફ્રેન્ડલીના નામે ખૂબ મોંઘા ભાવે વેચાતાં જોયાં. ઝુમકીએ જોયું એને લાગ્યું આ તો બનાવવા હાથવગા છે. સરળ છે. પછી તેણે પણ બાપુની મદદથી બનાવ્યાં અને વેચવા લઈ ગઈ. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેનું કામ ખૂબ સરસ રીતે ચાલતું હતું.એકવાર મેળામાં એક ફેશનેબલ મેડમ એની સહેલીઓ સાથે આવ્યાં “મને નેકપીસ બતાવજે.” ઝૂમકીએ પૂછ્યું,”ગળાનો હાર?””હા”“કેટલી કિંમત?“સો રૂપિયા, મેડમ.”અનુભવે ઝૂમકી મેડમ અને સર બોલતા શીખી ગઈ હતી.“બસ? 100 રૂપિયા જ?” મેડમના મોઢામાંથી નીકળી ગયું.”રૂપા, ખૂબ ડિસન્ટ છે.ફિનિસિંગ પણ સરસ છે ને ખૂબસસ્તું છે.એમની સહેલીએ કહ્યું.”સારું પછી આવીએ” કહી એઓ ગયા.ઝૂમકીને થયું,”આવા મોટા માણસોને આપણાં ઘરેણાં થોડાં ગમે?કંઈ પાછા નહીં આવે.”પણ થોડી જ વારમાં એઓ આવ્યાં.રૂપામેડમે જેટલાં પણ ઘરેણાં હતાં તે ખરીદી લીધાં અને ઉપરથી થોડા રૂપિયા વધારે આપ્યા અને કહ્યું, “ તારો નંબર આપ. હું તને બીજા ઓર્ડર પણ અપાવીશ. ઝૂમકીએ તેનો નંબર આપ્યો. તેનો ફોન સાવ સાદો હતો. રૂપામેડમે તેને કહ્યું કે, “તું આના ફોટા પડે અને ઇન્ટરનેટ હોય તેવો મોબાઈલ લે. તો ફોટા મોકલી ને તું ઓનલાઇન ધંધો કરી શકે.” ઝૂમકીએ કમાણીના પૈસામાંથી એક સેકન્ડ હેન્ડ મોબાઈલ લીધો. પરંતુ તેને ધંધા વિશે કશી જ ખબર ન હતી. રૂપામેડમ સમાજસેવિકા,વિવિધ મહિલા સંસ્થા સાથે જોડાયલાં અગ્રણી હતાં,ઘણી ક્લબના સભ્ય હતા. અને તેમનું બહુ મોટું ગ્રુપ હતું. તેમણે તેમની જન્મદિવસની પાર્ટીમાં બધાને આવા ઘરેણાં ગિફ્ટ આપ્યાં. યુનિક અને સ્પેશિયલ ડિઝાઈનવાળા આવા ઘરેણાં બધાને ખૂબ ગમી ગયાં અને પૂછ્યું કે, આ ક્યાંથી ખરીદો છો? તો તેમણે કહ્યું કે સરપ્રાઈઝ છે.રૂપામેડમ જ ઝૂમકીને ફોનથી ઓર્ડર આપતાં અને રૂપામેડમને ત્યાં ઝૂમકી ઘરેણાં પહોંચાડતી. રૂપામેડમ એને સારા એવા પૈસા પણ આપતાં. રૂપામેડમે પોતે જ બિઝનેસ શરૂ કર્યો. ઘરેણાંથી જ સારી એવી કમાણી કરવાં લાગ્યાં. ઇકો ફ્રેન્ડલી વાસણો પણ તેઓ ખરીદતાં. તેણે કહ્યું કે તું ઓનલાઈન આ રીતે બિઝનેસ કરી શકે પરંતુ ઝૂમકી પાસે એવી આવડત ન હતી. પણ એ રાતદિવસ જાગીને કામ કરતી. તેનાં ઝૂમખાં અલગ રીતે જ તૈયાર કરતી. એક ઝુમખું તૈયાર કરવામાં તેને કેટલી ય મહેનત પડતી હતી. કોપરેલવાળા હાથ કરી માટીના તૈયાર કરેલા લોંદા સાથે બેસી જતી.મસળીને અદ્ભુત આકાર આપતી,ઉપર ડિઝાઇન કોતરવામાં એની માસ્ટરી હતી.ઝીણી ગોળીઓ વાળી એના મોતી બનાવતી.ને એને ભીના જ તારમાં લટકાવતી.એક એક પીસ તૈયાર કરી ઘરમાં સૂકવતી પછી તડકામાં સૂકવતી અને છેલ્લે નાળિયેરની કાચલીઓ ભેગી કરીને સળગાવી ને એમાં શેકતી.પછી તેને સુંદર રીતે કલર કરતી.એનાં બનાવેલ ઘરેણાં ખાસ તો એ રીતે જુદાં પડતાં કે બીજા લોકો તૈયાર બીબા વાપરતા જ્યારે એ આંગળીઓથી જ બનાવતી. એનાં ભાઈબહેન પણ સ્કૂલેથી આવીને શાળાનું ગૃહકાર્ય પતાવીને કોપરેલવાળા હાથ કરીને બેસી જતાં ને નાનાં નાનાં રમકડાં બનાવતાં. જે ઇકોફ્રેન્ડલી રમકડાં તરીકે વખણાતાં.રૂપા મેડમનો ફોન આવતો ને ઝૂમકી વારંવાર રૂપામેડમના ઘરે માલ પહોંચાડવા જતી. તેમના પતિ બિલ્ડર હતાં. તેમનું મોટું નામ હતું. મોટો દીકરો અનય આર્કિટેકટ અને તેની વાઇફ ઇન્ટીરીયર ડિઝાઈનર હતી. નાનો દીકરો તનય ખાસ ભણી શક્યો ન હતો. માંડ ગ્રેજ્યુએશન પતાવ્યું હતું. તે તેના પપ્પાની ઓફિસે જતો પરંતુ બે-ત્રણ કલાક માંડ બેસતો અને પાછો ઘરે આવી જતો. આમ તો તે સામાન્ય હતો પરંતુ તેને થોડી માનસિક સમસ્યાઓ હતી. તેને ઊંચાઈનો ડર લાગતો. ઘરમાં ઘણી ગાડીઓ હતી પરંતુ તે ચલાવી નહોતો શકતો. તે ટુ-વ્હિલર પણ માંડ ચલાવતો પરંતુ તે ફ્લાયઓવર પરથી પસાર ન થઈ શકતો. એવી નાનીનાની ઘણી સમસ્યાઓ હતી.ડિપ્રેશનમાં પણ રહેતો. તેની પણ સારવાર ચાલતી જ હતી. રૂપામેડમે તેને પરણાવવાના ઘણા બધા પ્રયત્નો કરી જોયા. પરંતુ છોકરીઓ જોઈને તનય ના પાડી દેતો. રૂપામેડમને પણ થતું કે, કોઈ તેને સમજી શકે એવી છોકરી જોઈએ. તનય ખૂબ પ્રેમાળ અને ભોળો હતો.તેને માટે રૂપામેડમના મનમાં રૂપાળી ઝૂમકી વસી ગઈ. તેમણે જોયું કે ઝૂમકી સાથે પરણાવું તો! ઝૂમકી તનયને સમજી શકશે અને સાચવી પણ શકશે. ઝૂમકીના હાથની કલાની આવડતથી બીજો મોટો બિઝનેસ પણ થઈ શકશે અને સમાજમાં એક ઉદાહરણ બની શકે છે કે, સામાન્ય અને ગરીબ પરિવારની દીકરીને વહુ તરીકે અપનાવી. રૂપામેડમ ને ઘણા બધા ફાયદાઓ દેખાયા. તનય જ્યારે મૂડમાં હતો ત્યારે રૂપામેડમે તેને પૂછ્યું અને તનયે હા પાડી. એ જ્યારે બીજી છોકરીઓને જોતો ત્યારે હંમેશા લઘુતાગ્રંથિ અનુભવતો, પરંતુ તેને ઝૂમકીના વર્તનમાં સહજતા લાગી અને તેણે હા પાડી. રૂપામેડમે ઝૂમકીને ફોન કરી તેના પિતાને મળવાની વાત કરી. ઝૂમકીએ તેમને તેના પિતાની બિમારી વિશે વાત કરી. રૂપામેડમે કહ્યું કે, તેમને શહેરમાં લઈ આવ. આપણે તેમને ન્યૂરો ફિઝિશિયનને બતાવીશું. તેમની પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ. ઝૂમકીએ રૂપામેડમનો આભાર માન્યો. રૂપામેડમે વાત તનય વિશે છેડી, “જો તારી ઈચ્છા હોય તો મારા દીકરા સાથે તને પરણાવું.”ઝૂમકીએ તરત જ કહ્યું, “તમારી વાત સારી છે પરંતુ મેં નક્કી કર્યું છે કે, હું લગ્ન નહીં કરું. મારા બાપુની સાથે જ રહીશ અને નાનાં ભાઈ-બહેનને ખૂબ ભણાવીશ,બંને ખૂબ સરસ ભણી રહે,પગભર થાય પછી પરણાવીશ અને હું મારા બાપુની સેવા કરીશ. રૂપામેડમે કહ્યું કે, “એવી વ્યવસ્થા કરી આપીએ કે, તું તારા બાપુની સેવા કરી શકે, અને નાનાં ભાઈબહેનને ભણાવી શકે તો?” ઝૂમકીએ કહ્યું કે, “બાપુ સાથે વાત કરીને હું જવાબ આપીશ.” હવે તનય પણ ઝૂમકીને યાદ કરતો. તે ઝુમકી સાથે લગ્ન કરવાની જીદ લઈ બેઠો. રૂપામેડમે બે દિવસ પછી ફોન કર્યો. ઝૂમકીને ઘણું દબાણ કર્યું. એમાં બધાનું ભવિષ્ય સુધરશે એવી ખાતરી આપી ત્યારે ઝૂમકીએ કહ્યું કે, “હું એક જ શરતે તૈયાર છું કે તનય ઘરજમાઈ બને.”રૂપામેડમ સાંભળીને છક થઈ ગયાં. ઝૂમકીએ કહ્યું, “એ સિવાય બીજું કશું જ થઈ શકે તેમ નથી, કારણકે હું મારા બાપુને છોડવાની નથી.” આખરે રૂપામેડમે ઝૂમકીને ખૂબ ઓછી કિંમતે તેમના હસબન્ડના એક નવા જ બનતા પ્રોજેકટમાં ફ્લેટ અપાવ્યો. ખુદ્દાર ઝુમકીએ પોતાના પૈસે જ ફ્લેટ ખરીદ્યો. રૂપામેડમે તનય સાથે તેના લગ્ન કરાવ્યાં અને સમાજમાં એક ઉદાહરણ તરીકે તેમની નામના થઈ.ઝૂમકી તેના પિતા અને ભાઈબહેન સાથે એ ફ્લેટમાં રહેવા આવી. તનય પણ ખૂબ ખુશ હતો. ઝૂમકી તેને ખૂબ માન આપતી અને તેની કાળજી પણ લેતી. ખૂબ વ્હાલ કરતી, પ્રેમ કરતી હતી. તેના બંને ભાઈબહેન પણ જીજુની પાછળ દીવાના હતાં. ભાઈબહેનનું શહેરમાં સારી શાળામાં એડમિશન લઈ લીધું. ઝૂમકી કામમાં કાર્યરત રહેતી અને હવે તો સાસુ બનેલાં રૂપામેડમ ઓનલાઇન બિઝનેસ કરી આપતાં હતાં. ઝૂમકીએ પણ ગાડી ખરીદી અને તનયને લઈને ફરવા જતી. પોતે જે રીતે ડ્રાઇવિંગ શીખી હતી તે રીતે તનયને પણ ધીમેધીમે ડ્રાઈવિંગ શીખવવા લાગી. તનયમાં આત્મવિશ્વાસ પેદા કર્યો. તનય ગાડી ચલાવતો થયો. રૂપામેડમ માટે ખૂબ આનંદના સમાચાર હતાં. તનય પણ ખૂબ ખુશ હતો. હવે ધીમેધીમે ફ્લાયઓવર પર પણ ચલાવતો થઈ ગયો હતો. તેને હવે બીક લાગતી તો ઝૂમકી તેને સાચવી લેતી. ઝૂમકી તનયને ડૉકટર પાસે બતાવવા લઈ ગઈ ત્યારે પરિણામ સારું જણાયું. ધીરેધીરે તેની દવાનો ડોઝ ઓછો થતો ગયો. આ બાજુ તેના પિતા પણ આનંદમાં રહેતા હતા. એમની પણ ટ્રીટમેન્ટ ચાલતી હતી. નવાઈની વાત હતી કે, જીવનમાં આનંદની ક્ષણો વધતા એમનો પણ ડોઝ ઓછો થયો. આમ, સૌની જિંદગીમાં દવાનો ડોઝ ઓછો અને ખુશીનો ડોઝ વધતો ગયો. આ ઝૂમકીની કળાના કસબને કારણે જસ્તો!- યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પડખું ફર્યું..

પડખું ફર્યું…હા.. કૉરોનાકાળે ભલભલાનાં પડખાં ફેરવી દીધાં. કરોડો લોકો આર્થિક રીતે લાચાર થઈ ગયાં. આર્થિક પાયમાલીથી કે વિષમ પરિસ્થિતિથી આત્મહત્યા માટે પણ પ્રેરાયા. છતાં સારી વાત એ થઈ કે, લોકોનું ઘરમાં રહેવાથી નદી, નાળાં, પર્વત ને આબોહવા સ્વચ્છ થયાં. પંખીઓનો મુક્ત ચહેંકાટ અને ગહેંકાટ વધ્યો. કહોને કે પૃથ્વી ધીમે ધીમે પડખું ફેરવી રહી. એવું જ મારી સાથે થયું. મારા ધંધામાં ગ્રાહક ક્યાંથી આવે? મારો પડખું સેવવાનો ધંધો. જયાં સ્પર્શ જ વર્જ્ય હોય ત્યાં જાનના જોખમે કોણ આવે? છતાં પણ હતા એક બે નબીરા, જેને મોત કરતાં પણ કદાચ પોતાની હવસનો ડર હતો! હાશ, પોલીસે એમને ભગાડ્યા, નહીં તો લાલચી મૌસી એ ગ્રાહકોને ખાલી હાથે ન જ જાવા દેત.હું વર્ષોથી ઇચ્છતી હતી, પ્રયાસ કરતી હતી આ નર્કમાંથી નીકળવાનો, પણ હવે એ કૉરોનાને કારણે શક્ય બન્યું. ક્રૂર મૌસીએ સામેથી કહ્યું, “મારી પાસે ખવડાવવાનાં પૈસા નથી, નીકળો અહીંથી.” આજીજી કરી મૌસીને ઘણી ત્યાં જ રહેવાં દેવા માટે વિનવવાં લાગી, કારણ કે તેઓ ટેવાઈ ગઈ હતી. જાણે નવી જિંદગીથી ડરતી હતી. જવું તો ક્યાં જવું? તોય જવું પડ્યું. કાઢી મૂકી, તેય ખાલી હાથે. ખાનગી રીતે પૈસા ભેગા કર્યાં હતાં એ પણ કપડાં ઉતરાવી તપાસીને લઈ લીધા.હું ધારવા કરતાં વહેલી અચાનક આઝાદ થઈ ગઈ. કોઈ દિલફેંક રસિયો ટિપ્સ આપી જાય, એ એક ભલી હેલ્થ વર્કર કુસુમ જે અમને નિયમિત રીતે તપાસવા આવતી એને ભેગા કરી સાચવવા આપી દેતી. ને એમાંથી થોડાં ગરીબ બહેનોની પ્રસુતિ માટે વાપરવાં કહેતી. મારી મા પ્રસુતિમાં જ મરી ગઈ હતી.હું બહાર નીકળી, કુસુમ પાસેથી ખપ પૂરતાં રૂપિયા લીધા. એ તો હમણાં પ્રથમ હરોળની યોદ્ધા હતી. જોકે, એણે તો રીતસરનું દબાણ કર્યું બધા જ રૂપિયા લઈ લેવા, પણ મેં કહ્યું, “જીવીશું તો પાછા મળીશું.” આવી ગંભીર વાત અમે હળવાશથી કરી. પણ ‘હવે કયાં જઈશ?’ એનો જવાબ તો મને પણ ખબર નહોતો. મા તો નથી. બાપને શોધતી ગામ જઈશ. તેઓ મળશે કે કેમ? હું ફરી અતીતમાં સરી પડી. મને કેટકેટલી શોધી હશે બાપુએ? બાપુએ બદનામીથી કદાચ જીવન ટૂંકાવ્યું… ના, ના, એવું કંઈ જ નહીં થયું હોય. તેઓ હજુ મારી રાહ જોતાં હશે. કેવું હતું વરસો પહેલાનું માબાપુ સાથેનું ગમતીલું જીવન! એ ઝાડ નીચે બાપુએ બનાવેલો ટાયરનો હિંચકો ને માના હાથનો હુંફાળો રોટલો. માના ખોળામાં ને બાપુની પીઠ પર લટકી જવાનો એ આંનદ. શાળાએથી આવું ત્યારે મા ખાવાનું બનાવે ત્યાં સુધી હું ને બાપુ આંધળો પાટો રમતાં. પછી તો મા ગઈ પછી પણ રમતાં. બાપુ કાયમ કહેતા, “મારી છોડી, એટલે દૂર ના જતી કે તને પકડી હો ની હકુ.” બસ તમને છેતરીને… હા બાપુ, હું ખરેખર બહુ જ દૂર જતી રહી. બહુ પસ્તાઈ.. પણ…બાર વર્ષ પહેલાં ગામની શાળામાં ભણતી. ભણવામાં હું ખૂબ હોંશિયાર. મારો પહેલો જ નંબર આવતો. ખૂબ જ ગમતું ભણવાનું. ત્યારે ભણવામાં આવતો તાજમહાલ, લાલ કિલ્લો, કુતુબમિનાર અને વિવિધ શહેરો જોવાની તાલાવેલી થતી. ત્યારે મારા જ ગામનો અમરતિયો વારેવારે શહેર જતો. એણે તાજમહેલ બતાવવાની ને કૉલેજ ભણાવવાની લાલચ આપી મને ભગાડી હતી. થોડો વખત એની પાસે રાખી, વેચી, ફરી ત્રણ વખત વેચાઈ ને જઈ ચઢી મૌસીને આંગણ. બધેથી નાસી જવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. ઊલટું વધું કામ કરવું પડતું. માર પડતો. રડતી કકળતી પણ હું મનથી હારી નહોતી. એક દિવસ અહીંથી નીકળીશ જ એવો મક્કમ નિર્ધાર હતો. નવરાશના સમયમાં ખૂબ વાંચતી. પડીકામાં બંધાઈને આવતા અખબારના કાગળો કે કુસુમ થોડી ચોપડીઓ કે મેગઝિનો આપી જતી, જે છુપાઈને વાંચતી. કોઈ આશ્રમમાંથી પણ અમારે માટે પુસ્તકો આવતા. એ કદાચ હું એકલી જ વાંચતી. મારા આશિક થઈ ગયેલા ગ્રાહકો પાસેથી હું ચોપડીઓ મગાવતી. દેશ દુનિયાની ખબર રહેતી. હવે ગ્રાહકોના ચહેરા કે મન વાંચતા પણ શીખી ગઈ હતી. ક્યારેક વિચારતી કે, ‘હું લાચારીથી આ ધંધામાં આવી પડી હતી. તેઓ પણ કોઈક રીતે કદાચ મારાથી પણ લાચાર જ હતા! રંગવિહીન હતા, રંગીન થવા અહીં આવતાં હતાં.’ જોકે, હું બીજી કોઈ લેવાદેવા રાખતી નહોતી. આવક કે પરિવાર વિશે પૂછતી નહીં. ‘મને અહીંથી બહાર કાઢો’ એવી મદદ માગતી નહીં. એમણે ખર્ચેલા રૂપિયાનું પૂરું વળતર ચૂકવતી. મારા મનના ખૂણે રોજ જ મારી આત્મકથા લખાતી ને એમાં પારાવાર પાત્રો! હા, એને હું કદી કાગળ પર ઉતારીશ. કોઈક વાર તો,ખબર નહીં કેમ, કડક સ્વાભાવની મૌસી પણ મારી પાસે કોઈ સમજ ન પડે એવી નોટિસ કે બિલ વંચાવતી ત્યારે એની દયા આવતી. બિચારીને ખલનાયિકા બનવાનું બદનસીબ સાંપડ્યું!પણ જે હોય તે. હાશ, કૉરોનાને કારણે આખરે હું છૂટી ખરી! ગામ જવા બસ કે ટ્રેન કે કોઈ વાહન ન હતું. જાણે વર્ષોથી કોઈ વાહનમાં મુસાફરી જ નહોતી કરી. બધાં ચાલતાં જ નીકળી પડ્યાં હતાં. હું પણ ત્યાં વહેંચાતાં હતાં એ બિસ્કિટ, પાણીની બાટલી ને મોઢે કપડું બાંધી બધાની સાથે ચાલવા માંડી. જ્યારે ખરેખર મારે મોઢું ખુલ્લું રાખી મુક્તિ માણવાનો સમય હતો ત્યારે ચહેરો ઢાંકવો પડ્યો. ચાલતાં ચાલતાં જવાનો પણ અજબ અનુભવ હતો. દરેક માણસ પોતપોતાની દુનિયા ઊંચકીને ચાલતો હતો. લોકોની લાખો ચિંતા, ભય, લાચારી, દુઃખ, ડર ને અસલામતી વચ્ચે હું જ એક ખુશ હતી. એ વાત મેં મારા પૂરતી સીમિત રાખી હતી.ત્યાં જ એક દર્દનાક ચીસ સંભળાઈ. અમે બધાએ દોડી દુપટ્ટા કે સાડીનાં છેડાં આડા ધરી દીધાં ને પુરુષવર્ગે ઊંધા ફરી આડશ કરી. પળભર માટે તો, મને.. ભગાડી, ભોગવી, વેચી, મારપીટ કરતી આખી પુરુષજાતિ યાદ આવી પણ બીજી જ પળે હું, અત્યંત દુઃખથી પીડાતી, છેલ્લા સમય સુધી અસહ્ય ગરમીમાં ચાલેલી નિરાધાર ફસડાઈ પડેલી સગર્ભા સ્ત્રી પાસે પહોંચી.એનું સ્વજન કદાચ કોઈ જ પાસે નહોતું. હશે તો કદાચ ગુમાવી ચૂકી હતી. પણ મહામહેનતે એની પ્રસુતિ થઈ. મેં નવજાત બાળકીને ઊંચકી. સુરક્ષિત હાથોમાં એની બાળકી છે કદાચ એવી હાશ સાથે એ દુનિયાથી પડખું ફરી ગઈ. અરે, હજુ કાંઈ કહું કે હું એક વેશ્યા છું પણ એ પહેલાં તો…

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

આયાની માયા

આયાની માયા
પ્રિયાએ ગાડીનો કાચ ખોલીને પચાસ રૂપિયાની નોટ ભિખારીના હાથમાં મૂકી. એ એની સહકર્મચારી રીમા સાથે પોતાની હેડ ઓફિસ મીટિંગ માટે જઈ રહી હતી. રીમાએ હસતાં કહ્યું“અરે પ્રિયા! તું તો દાન, ધ્યાન,જપ,તપમાં બહુ માને છેને કંઇ!”
“અરે ના રે યાર, આતો કોઈ નાના બાળકને જોઉં તો મારું દિલ પીગળી જાય છે. કેવું નાનકડું છોકરું હતું,માંડ લપેટીને ઊંચક્યું હતું! બિચારા પાસે પૈસા નથી, રહેવા માટે સરખું ઘર પણ નહીં હોય અને વરસાદ પણ અંધાર્યો છે, જોને! આપણે તો આપણા બાળકની કેટલી કાળજી કરીએ! ને એના સારા ભવિષ્ય માટે નોકરી કરીએ એ તપ! બાકી તો ક્યાં કામમાંથી આપણે નવરા થઈએ છીએ?”
પ્રિયાએ લગભગ પંદરેક દિવસ પહેલાં જ આ નવી નોકરી શરૂ કરી હતી. રીમા અને પ્રિયા હમણાં હમણાંથી જ પરિચયમાં આવ્યાં હતાં અને એકબીજા સાથે ફાવી ગયું હતું. બંને એકબીજાને પોતાના પરિવાર વિશે વાતો કરવા લાગી. પ્રિયાએ વાતો માંડી.
પ્રિયા અને પર્વ કોલેજમાં સાથે હતાં. બંને સાથે જ એન્જિનિયરિંગ પાસ કર્યું અને નોકરીમાં પણ સાથે જ જોડાયાં. પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના પરિવારની પણ સહમતી હતી જ.બંનેની જોડી પણ સરસ લાગતી હતી. પરણીને નોકરી માટે ગામ છોડીને શહેરમાં આવવું પડ્યું, પરંતુ બંનેએ નક્કી કર્યું હતું કે, બંને જાતે જ કમાઈને પોતાનું સપનાનું ઘર બનાવશે. પછી તો સરસ ફ્લેટ લીધો અને ગાડી પણ લીધી. તેના હપ્તા શરૂ થયા. જિંદગી ખૂબ સરસ ચાલતી હતી. ઉપરાંત ગામ પણ પૈસા મોકલતાં હતાં.
પર્વના મમ્મી ન હતાં. પપ્પા રિટાયર્ડ હતા. પ્રિયાની મમ્મી શિક્ષિકા અને પપ્પા હેડમાસ્તર હતા. દાદા અને નાના-નાની બનવા ઈચ્છતાં વડીલોની ઈચ્છા હતી કે તેમની પાસે રમાડવા માટે કોઈ નાનકડું હોય. પણ પ્રિયા અને પર્વે નોકરી કરતાં કરતાં વિચાર્યું કે, આપણે થોડું કમાઈ લઈએ. ચારપાંચ વર્ષ પછી બાળક થાય તો સારું.
બંનેની નોકરીના કલાકો ઘણા હતા. બંને ખૂબ મહેનત કરતાં. એવામાં એક દિવસ પ્રિયાની તબિયત નરમગરમ લાગતાં ડૉક્ટરેને બતાવ્યું. તપાસ કરી તો પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો. વાત તો આનંદની હતી પરંતુ તેઓએ જે પ્રમાણે આયોજન કરેલું હતું તે પ્રમાણે ન થયું, એટલે પ્રિયા અને પર્વ જરાક ખચકાયા. ‘પછી જે થયું તે સારું જ’ સમજી બંનેએ ખુશીથી વધાવી લીધું. આ સમાચારથી વડીલો તો ખુશ જ હતા. સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ આનંદથી પ્રિયાએ છેલ્લે સુધી નોકરી કરી અને રૂપાળો દીકરો આવ્યો.
પૂર્વમ નામ પાડ્યું. પ્રિયા મેટરનીટી લીવ પર હતી પરંતુ તેઓએ વિચાર્યું કે, પૂર્વમની કાળજી રાખવા માટે પ્રિયા નોકરી છોડી દે, કારણકે લાંબી રજા મળે તેમ ન હતું. પૂર્વમ સાત મહિનાનો થયો અને પ્રિયાને બીજી ખૂબ સરસ જોબની ઓફર આવી. બંનેએ ચર્ચા કરી કે, શું કરવું? પોતાની મમ્મીને બોલાવી શકાય પરંતુ એમને હજુ રિટાયરમેન્ટમાં થોડા જ મહિના બાકી હતા. એ દરમિયાન કોઈ આયા રાખી શકાય. તેઓ આયા શોધતા હતા ત્યારે કોઈએ એમને સૂચવ્યું, ‘એક ખૂબ સારા બહેન છે જે પૂર્વમની કાળજી રાખી શકે તેમ છે. તેઓ તરત જ તેને મળ્યાં. મીનાબેન ખૂબ સારાં હતાં. સવારથી સાંજ સુધી ઘરે આવીને પૂર્વમની સારી રીતે સંભાળ લેતાં.
પ્રિયાએ નવી જોબ લેવાનું વિચાર્યું. તેનો જીવ નહોતો ચાલતો, પરંતુ તે આવી તક ફરી કદાચ ન મળે એવું તેને લાગ્યું. બે-ત્રણ દિવસ તો પ્રિયા ઘરે રહી અને જોયું કે મીનાબેન સાથે પૂર્વમ ભળી ગયો છે. બે-ત્રણ કલાક એનાથી દૂર રહીને પણ તેણે જોયું અને પ્રિયાને સંતોષ થયો. તેણે ફરી જોબ શરૂ કરી. મીનાબેનનો ખૂબ આભાર માન્યો. તેમને સારો પગાર આપવાનું પણ નક્કી કર્યું.
શરૂઆતમાં એકબે દિવસ પ્રિયાએ વહેલાં આવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નવી નોકરી અને કામનું ભારણ હોવાથી આવી ન શકી. તેને મીનાબેનથી પૂરો સંતોષ હતો. મીનાબહેન પૂર્વમની વ્યવસ્થિત સંભાળ લેતાં હતાં. દિવસ દરમિયાન મીનાબેન તેને બે-ત્રણ વખત ફોન પણ કરતાં. તેના કામથી પર્વ અને પ્રિયાને સંતોષ હતો. રવિવારે મીનાબેનને રજા આપતાં હતાં પણ તેમ લાગતું કે, પૂર્વમ તેને શોધે છે.
આ રીતે લગભગ મહિનો થવા આવ્યો. પ્રિયાએ રીમાને લંચટાઈમમાં કહ્યું, ચાલને મારી સાથે એક ફોન લેવો છે. બિચારા મીનાબેન પાસે સાદો ફોન છે તો હું તેમને આ સ્માર્ટ ફોન ગિફ્ટ આપીશ, તેથી વિડીયોકૉલ કરી શકું. અને હું પૂર્વમને જોઈ શકું. રીમાએ કહ્યું કે, “હા, ઘરની વ્યક્તિની જેમ મીનાબેન આટલી બધી કાળજી લે છે તો આમ ગીફ્ટ આપવી સારી વાત છે,ચાલ હમણાં જઈ આવીએ બાકી સાંજે તો મિટિંગ છે,મોડું થવાનું જ”
ગાડીમાંથી જ પ્રિયાએ મીનાબેનને ફોન કર્યો કે,” પર્વ ઓફિસેથી આવી જાય ત્યાં સુધી કલાક વધુ રોકાજો, કારણકે મને મોડું થાય તેમ છે.”
પર્વ સાથે વાત થઈ તો તેને પણ મોડું થાય તેમ હતું. મીનાબેને કહ્યું કે, “કાંઈ વાંધો નહીં. તમે ચિંતા ન કરશો. હું રોકાઈશ.”
પ્રિયાએ ફોન આપવાની વાત પર્વને પણ કરી તો તે પણ ખુશ થયો. પહેલાં પર્વ ફ્લેટ પર પહોંચ્યો. મીનાબેને કહ્યું, “પૂર્વમ સૂતો છે. હું જાઉં છું, સાહેબ.”
પર્વે કહ્યું, “ના મીનાબેન, પ્રિયા દસ-પંદર મિનિટમાં આવે છે. તમારા માટે ગિફ્ટ લઈને આવે છે. તમે રોકાઓ અને ગિફ્ટ લઈને જજો.
મીનાબેને કહ્યું કે, “સાહેબ મારે મોડું થાય છે. જલ્દી ઘરે પહોંચવું પડશે.” પરંતુ પર્વે આગ્રહ કર્યો અને પર્વ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. મીનાબેનને સમજાયું નહીં કે શું કરવું. તેમણે વિચાર્યું કે, ‘બહુ મોડું થયું છે,નીકળી જાઉં? શું કરું?’ તે બહાર નીકળ્યાં ત્યાં જ પ્રિયા સામે મળી અને તેને ખેંચીને પાછી લાવી. પ્રિયાએ કહ્યું, “હું તમારા માટે સરસ મજાની ગિફ્ટ લાવી છું. પૂર્વમ ક્યાં છે?” બોલતી અંદર રૂમમાં ગઈ. ક્યાંય પૂર્વમ દેખાતો ન હતો. “મીનાબેન, પૂર્વમ ક્યાં છે?” ફરીથી પૂછ્યું. મીનાબેન તેની સામે જોઈ રહ્યાં. પ્રિયાએ મોટેથી લગભગ ચીસ પાડીને પૂછ્યું. મીનાબેન ગભરાઈ ગયાં અને હાથ જોડીને કરગરવાં લાગ્યાં. પર્વ બહાર આવ્યો. પ્રિયાએ ચીસાચીસ કરી મૂકી. પર્વ પણ ખૂબ ગુસ્સે થયો અને પોલીસને બોલાવવાની વાત કરી. મીનાબેને હાથ જોડીને વાત કરી, “પૂર્વમને મેં બહાર મોકલ્યો છે.”
“બહાર મોકલ્યો છે? સાત મહિનાના બાળકને?
“હા, મારો ભાઈ તેને લઈને જાય છે. તેને કશું કરતો નથી પરંતુ ઊંચકીને લઈ જાય છે… ભિખારી બનીને. તે પૂર્વમને ઊંચકીને ભીખ માંગવા જાય છે.”
પ્રિયાએ મીનાબેનને ધડાધડ લાફા મારી દીધા. પર્વે તેના ભાઈને તાત્કાલિક ફોન કરીને બોલાવી લેવા કહ્યું. મીનાબેને તેના ભાઈને જલદી પૂર્વમને લઈને આવી જવા કહ્યું. મીનાબેને માફી માગી કે, ‘હું બે-ત્રણ કલાક પૂર્વમને મોકલતી હતી અને આજે તમે મોડા આવવાના હતા, તેથી અત્યારે ટ્રાફિક હોવાથી સારા પૈસા મળે એટલે મેં તેને થોડો વધુ સમય મોકલ્યો હતો.’
દરમિયાન તેનો ભાઈ પૂર્વમને લઈને આવી ગયો. પ્રિયા તો જોઈને જ ડઘાઈ ગઈ. “અરે! આને તો મેં પૈસા આપ્યા હતા. તો શું તું મારા દીકરાને જ લઈને ફરતો હતો?” હવે તેને સમજાઈ ગયું કે કેમ પૂર્વમ સરસ રીતે ઊંઘતો હતો. રોજ આ લોકો તેને કશુંક પીવડાવીને સુવડાવી દેતા હતા. પ્રિયા તો પૂર્વમને છાતીએ ચાંપીને રડવા માંડી.
મીનાબેન અને એનાં ભાઈનું શું કરવું તે પર્વને પૂછે તે પહેલાં તો પોલીસ આવી ગઈ. પાર્થ અને પ્રિયા પૂર્વમને એક નજરે નિહાળતાં જ રહ્યાં. પ્રિયાની આંખ વહી રહી હતી. ના, હવે નોકરી નહીં…યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized