ઝાંખો રે બળે , દીવડો ઝાંખો રે બળે ,
મારી અંતર-દીવડીનો દીવો ઝાંખો રે બળે.
મનની મઢૂલી મારી ઝૂરે રે એકલડી ;
સરતી સન્ધ્યાની ઓથે લાલી શેં ઝરે ?
મારી અંતર-દીવડીનો દીવો …
કૂજતી કાયાના કામણ વિલાવાની વેળ , તો યે
તેજના અંબાર ક્યાંથી ઊમટ્યા ઉરે?
મારી અંતર-દીવડીનો દીવો …
અંતરને આરે ઊની ઝંખના ઝબૂકે જોને ,
ઊણા કો અણસારે હૈયું ઝીણું કૈં ડસે !
મારી અંતર-દીવડીનો દીવો …
આવો રે આવો , વ્હાલા ! ઉરને આંગણિયે રુખે ;
અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે .
મારી અંતર દીવડીનો દીવો …