હે મમ જીવનાધાર !
તુજ બિન અન્ય ન હો ભણકાર.
હે મુજ ખેવનહાર !
ઉરમાં તું જ રહો ધબકાર . … હે મમ જીવનાધાર !
અંતરના સૌ મલિન સ્તરોને
વેગે નાથ વિદારો ,
સૌમ્ય , શુચિ તવ કરુણાનીરથી
મનના મેલ પખાળો ;
નિર્ઝરતી એ સુરમ્ય સેરે
ઝરજો નવરસધાર. .. હે મમ જીવનાધાર !…
કરુણાને તવ કોમલ કિરણે
મનમહેરામણ મહોરો ,
પ્રગટો દિવ્ય પ્રભા જીવને આ ,
પરિપૂત પ્રાણ પરાગો .
રેલજો અવિરત અમીરસ ધાર,
તું જ હો રોમરોમ રણકાર. .. હે મમ જીવનાધાર !…
આડે ઊભું અંતરપટ આ
અવ તો , નાથ , નિવારો !
હાથ ગ્ર હી મુજ દોર જીવનની
ભવજલ પાર ઉતારો .
આતમની તુજ દિવ્ય પ્રભા
ઉર તપજો ; પ્રાણાધાર ! .. હે મમ જીવનાધાર !…