મારું અંતર મ્લાન વિદારો , જીવનનિધિ !
તુજ આતમનો ભર્ગ દોહ્યલો
અવનિ -આંગણિયે તરવરતો,
આશ ધરી એકલ અંતરિયે
શોધું તુજ સથવારો … જીવનનિધિ !
તૃપ્ત જીવનના તરલ તરંગે
ચઢી , ચગી , કો સ્વપ્ન-ઝૂલણે
ઝૂમી , થાક્યાં વિગલિત હૈયે
આવ્યો શરણ , ઉગારો … જીવનનિધિ !
જીર્ણ સ્તરો મુજ કૃપણ હાર્દનાં ,
આતમનાં અંધાર કારમાં ,
માયાવી માલિન્ય , દૈન્ય મુજ
મનનાં , નાથ ! નિવારો … જીવનનિધિ !
વિશ્વ સકલની બનું વંદના
વંદી તવ સર્જનની લીલા ,
કરુણાને તવ કોમલ કિરણે
અંતર-મિતિર મિટાવો .. જીવનનિધિ !
મારું અંતર મ્લાન વિદારો , જીવનનિધિ!