Daily Archives: ડિસેમ્બર 21, 2010

પોસ્ટ ૯૦૪/તુજ ગીતનું ગૂંજન બની . —બસ એટલું દેજે .

અગર સંગીત એ નવલું કદી જો ભૂલવે સ્વરભાન,
તો, વ્હાલા વિભુ ! ઉત્કર્ષ મુજ સંગીતનો મમ ચિત્તને ઝંકૃત કરી
અપરૂપ ભાવે સાધજે -તું રાગિણી મુજની બની  .
તુજ ગાનની એ મધુરિમામાં થઈ રહી ગુલતાન,
એ રસલ્હાણથીજો હું ભૂલું મુજને –
અહો જનબીન બજવૈયા !  જીવનમાળી મનુજઉદ્યાનના !
માયાવિની બંકી બરુની બંસરીના ગૂઢ ઘડવૈયા !
ચીરી આ ચર્મચક્ષુનાં પડળ રેલાવજે કૈં ભાવસ્રોતો
સ્વાતિનાં વારિ તણાં ;જેથી ઊલેચી વારિ એ
થઈ મત્ત મૌક્તિક-સપ્તકે, તુજ ભાવભીને હું રમી  ,
તારી ગરિમાગાનનાં ગૂઢા ગીતે ગૂંજી રહી
લાધી રહું નવજ્ઞાન,કે –
દેવા ! ઘડી અણમોલ જીવન-બાંસુરી આ
તેં દીધી મુજને અમુલખ પ્રેમથી,  કૈં ગૂંથવા ગાથા
અમિત આશ્ચર્યની,ને સર્જવા સૂર-આવલિ
તારા અનુપ ઐશ્વર્યની :એ સર્જનાને ગૂંથતા
જો રુદ્ર-સૌમ્ય, કરાલ-કોમલ,  રુક્ષ-આર્દ્ર તણી
કટૂતા માધુરી, તેં પ્રેમદીધી મોરલી મોંઘામૂલિમાં હું સજું,
‘ને રુક્ષ આ ઉરબીનને સૂરસપ્તકે બાજી રહે
જો નાદ પ્રત્યાઘાતના, કે પ્રપાતો શીર્ણ વજ્રાપાતના
મુજ ધૈર્ય ઓગાળી રહે, ત્યારે  અખૂટ હે ચેતનાભંડાર !
ધાતા!મધુરિપુ !તારા વિમલ કરતાલની થપકી થકી
ઝંકૃત થતી મુજ તંત્રીને ભાળું જગવતી હાર્દમાં નવચેતના,
ને થઉં હું લીનતારા ગાનના નવતાનમાં
તુજ ગીતનું ગૂંજન બની . —બસ એટલું  દેજે .

1 ટીકા

Filed under Uncategorized