Daily Archives: મે 5, 2012

જ ઠ રા ગ્નિ / પરેશ વ્યાસ

જઠરાગ્નિ

 ૧૧, સપ્ટેમ્બર (૯/૧૧) ન્યૂયોર્ક ટ્વીન-ટાવર પરના આતંકી હુમલાની તારીખ તરીકે વધારે જાણીતી થઈ છે, પણ ન્યૂયોર્ક શહેર જેમની કર્મભૂમિ હતી એવા મહાન
વાર્તાકાર ઓ. હેન્રીની આજે જન્મજયંતિ છે.

ઓ. હેન્રી જીવતા હોત તો આજે તેમની ૧૫૦મી વર્ષગાંઠ હોત. આજનો દિવસ, ૧૧મી સપ્ટેમ્બર (એટલે કે ૯/૧૧) ન્યૂયોર્ક ટ્વીન-ટાવર પરના આતંકી હુમલાની તારીખ તરીકે વધારે જાણીતી થઈ છે, પણ ન્યૂયોર્ક શહેર જેમની કર્મભૂમિ હતી એવા મહાન વાર્તાકાર ઓ. હેન્રીની આજે જન્મજયંતિ છે. ઓ. હેન્રીએ પોતાની વાર્તાઓમાં શહેરી જીવનની કઠણાઇ, વિષમતા અને વિટંબણાને ગજબની સેન્સ ઓફ હ્યુમરના તાણાવાણા સાથે કુશળતાપૂર્વક વણી લીધી છે. ટીકાકારોની ફરિયાદ છે કે ઓ. હેન્રીએ આપણને કોઇ ચિરંજીવ યાદ રહી જાય તેવું પાત્ર નથી આપ્યું, પણ ચાહકો કહે છે કે ન્યૂયોર્ક શહેર જ ઓ. હેન્રીનું ચિરંતન પાત્ર છે.

ઓ. હેન્રીનો સર્જનકાળ એટલે કે વીસમી સદીના પહેલા દશકા (૧૯૦૦-૧૯૧૦)ના ન્યૂયોર્ક શહેરનું એટલું તો આબેહૂબ વર્ણન એમની વાર્તાઓમાં જોવા મળે છે કે આ દશકાનાં તમામ દસ્તાવેજ, તમામ નકશા, તમામ છબી, તમામ ચિત્રો, તમામ ચલચિત્રો ખોવાઇ જાય, સળગી જાય, નેસ્તનાબૂદ થઇ જાય, પણ માત્ર બચી જાય ઓ. હેન્રીની વાર્તાઓ.

તો એને વાંચીને આપણને બધી જ ખબર પડી જાય કે તે સમયે ન્યૂયોર્કના લોકો કેવા હતા? શું ખાતા હતા? શું પીતા? શું પહેરતા? શું ઓઢતા? શું કામ કરતા? કેવી રીતે જીવતા?આજે એક સદી પછી પણ અમીર વધારે અમીર અને ગરીબ વધારે ગરીબ થતો જાય ત્યારે આર્થિક વિષમતાનું ચિત્રણ પ્રસ્તુત વાર્તામાં છે. ચાલો માણીએ ઓ.હેન્રીની વાર્તા જઠરાગ્નિનો અનુવાદ.

‘‘‘

યુનિયન સ્કવેર બગીચાના જમણી તરફના ત્રીજા બાંકડા પર સ્ટફી પિટે બરાબર બપોરે એક વાગ્યે પોતાનું સ્થાન લીધું હતું. છેલ્લા નવ વર્ષથી દર થેંકસ ગિવિંગ ડે-ના દિવસે આ સિલસિલો અકબંધ હતો. દરેક વખતે ભરપેટ ભોજન અને સંતોષનો ઓડકાર.

આમ તો સ્ટફી ચિંથરેહાલ ઘરબારવિહોણો માણસ, બે ટંક ખાવાના સાંસા, પણ આજે એની એનું અહીં નિયત જગ્યા પર આવીને બેસવું-એ માટે ભૂખ કારણભૂત નહોતી, બસ એક આદતનું પરિણામ હતું. આજે પિટ ચોક્કસપણે ભૂખ્યો તો નહોતો જ.

બસ એ એવી જગ્યાએથી હમણાં જ હાલ્યો આવ્યો હતો. જ્યાં એણે અકરાંતિયા પેઠે એટલું ઠાંસી ઠાંસીને ખાધું હતું કે હવે એ માંડ શ્વાસ લઇ શકતો કે હલીચલી શકતો હતો. ઓયસ્ટરથી શરૂ કરીને અંતે પ્લમપુડિંગ સુધી. ભૂંજેલી ટર્કી, બેઇકડ બટાકા, ચિકન સલાડ, સ્કવોશ પાઇ અને આઇસક્રીમ અને એટલા જ માટે અત્યારે અતિભોજનના અતિરેક આકંઠથી ઓચાઇ ગયેલો સ્ટફી દુનિયા પ્રત્યે તિરસ્કારથી જોઇ રહ્યો હતો.

ભોજન અણધાર્યું હતું. ફિફ્થ એવન્યુ પરના લાલ ઇંટવાળા એક બંગલામાં બે પરંપરાગત ધનાઢ્ય વૃદ્ધા રહેતી હતી. થેંકસ ગિવિંગ ડે માત્ર એમની જ જવાબદારી હોય તેમ તેઓએ પોતાના નોકરને બહાર ખડો કર્યો હતો એવા આદેશ સાથે કે બાર વાગ્યાના ડંકા પછી જે પહેલો ભૂખ્યો માણસ નીકળે એને ભાવતા ભોજન માટે અંદર લઇ આવવો. તે સમયે બગીચે આવવા નીકળેલો સ્ટફી પીટ ઝલાઇ ગયો અને મહાલયના રીતિરિવાજ મુજબના મહાભોજન ભોગ બન્યો.

બગીચાના બાંકડ બેઠેલા સ્ટફીએ જોયું કે પેલો વૃદ્ધ સજ્જન એના બાંકડા તરફ આવી રહ્યો હતો. એમને જોઈ આંખો બીકની મારી ફૂલી ગઇ. વૃદ્ધ સજ્જન શાનથી સીધો જ બાંકડે પહોંચ્યો. વૃદ્ધ સજ્જન પાતળો લાંબો અને સાંઠ વર્ષનો હતો. ગત વર્ષ કરતાં એના વાળ વધારે સફેદ અને તવાયેલા હતા. એને આવતો જોઇ સ્ટફીને ત્યાંથી ભાગી છુટવાની ઇચ્છા થઇ. પણ બે ધનાઢ્ય વૃદ્ધાના આજ્ઞાંકિત નોકરોના દુરાગ્રહને વશ થઇને ભરપેટ ખાઇ ચૂકેલો સ્ટફી બાંકડા પરથી માંડ હલી શક્યો.

‘ગુડ મોર્નિંગ’, વૃદ્ધ સજ્જને કહ્યું. ‘મને એ વાતનો અત્યંત આનંદ છે કે ફરી એક વર્ષના સમય પછી આ સુંદર વિશ્વમાં હરવાફરવા તમે સાજાનરવા છો. બસ એ જ તો પ્રભુનો પાડ છે કે આજે થેંકસ ગિવિંગ ડે આપણા બંને માટે આશીર્વાદ લઇને આવ્યો છે. જો આપ મારી સાથે આવશો તો હું આપને શારીરિક અને માનસિક રીતે પરિતૃપ્ત કરે તેવું ભોજન કરાવીશ.’

વૃદ્ધ સજ્જન દર વર્ષે આમ જ કહેતા. છેલ્લાં નવ વર્ષથી દરેક થેંકસ ગિવિંગ ડેના દિવસે. શબ્દો પોતે જ એક પરંપરા બની ગયા હતા. આ પહેલાં આ શબ્દો સ્ટફીના કાન માટે સંગીત હતા, પણ આજે એ પોતાની અશ્રુસભર પીડાથી વૃદ્ધ સજ્જનને જોઇ રહ્યો હતો.

ઠંડા પવન સાથે આવેલો હિમનો નાનકડો કણ એના પરસેવે રેબઝેબ કપાળ પર પડ્યો અને જાણે છમ્મ અવાજ સાથે પીગળીને દડી ગયો. પણ વૃદ્ધ સજ્જન થોડો ધ્રૂજયો અને એણે પવન તરફ પોતાની પીઠ ફેરવી લીધી.

સ્ટફી હંમેશાં વિચારતો કે આ વૃદ્ધ સજ્જન પોતાનું વકતવ્ય ઉદાસ થઇને કેમ બોલે છે. વૃદ્ધ સજ્જનને કોઇ સગાંવહાલાં નહોતાં. એને હંમેશાં થતું કે કાશ, એનો પણ એક દીકરો હોત જે આ પરંપરા નિભાવત. એના મૃત્યુ બાદ ‘મારા પિતાના સ્મરણાર્થે’ કહીને કોઇ બીજા ભૂખ્યા સ્ટફીને આ જ રીતે ભોજન કરાવતો હોત. બગીચાના પૂર્વ છેડે એક ભાડાના રૂમમાં એ રહેતો. શિશિર ઋતુમાં નાની શી નર્સરીમાં એ ફૂલ ઉગાડતો. વસંત ઋતુમાં ઇસ્ટર પરેડમાં હિસ્સો લેતો. ગ્રીષ્મ ન્યૂ જર્સી પહાડીઓમાં ફાર્મહાઉસમાં ગાળતો અને એક દુર્લભ પતંગિયાની પ્રજાતિને શોધી કાઢવાની આશા સેવતો અને પાનખરમાં સ્ટફીને ભોજન કરાવતો. આ રીતે એ જીવન વ્યતિત કરતો.

સ્ટફીએ અડધી મિનિટ સુધી લાચારીથી એની સામે જોયા કર્યું. વૃદ્ધ સજ્જનની આંખો દાનના પુણ્યથી ચમકી રહી હતી. એના ચહેરા પર દર વર્ષે કરચલીઓ વધતી જતી હતી પણ એણે પહેરેલી ટાઇ ચમકીલી હતી અને એની ભૂખરી મૂછ બંને છેડેથી વળેલી હતી અને સ્ટફી બોલ્યો. એનો અવાજ તપેલીમાં વટાણા ઊકળે તેવો હતો. કંઇ સમજાય તેવું નહોતું. પણ નવ વર્ષના અનુભવ પરથી સ્ટફીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હોય તેવું વૃદ્ધ સજ્જનને લાગ્યું.

પ્રણાલિકા નિભાવવા માટે ભરેલ પેટે પેટ ભરીને ફરી આરોગવાની હિંમત કરનાર સ્ટફી પોતાની જાતને પરંપરાનો હિસ્સો જ માનતો. એની થેંકસ ગિવિંગ ડેની ભૂખ એની પોતાની નહોતી પણ પવિત્ર રસ્મોરિવાજની દેન હતી. કંઇ કરી છૂટવા કંઇ બલિદાન તો આપવું જ પડે.આમ વૃદ્ધ સજ્જન પોતાના વાર્ષિક લાભાર્થીને રેસ્ટોરન્ટ તરફ લઇ ગયા. ટેબલ પર પીરસાતા પકવાન અને મજિબાની મજા. રેસ્ટોરન્ટનો સ્ટાફ તેઓને ઓળખતો. વેઇટરોએ ટેબલને વાનગીઓના રસથાળથી ભરી દીધું. સ્ટફીએ ઊંડો નિસાસો નાખ્યો, જેને એક ભૂખ્યા માણસના સંતાપની અભિવ્યક્તિ સમજી લેવામાં આવી.

સ્ટફીએ છરીકાંટા ઉઠાવ્યાં અને ખાવાનો હિંમતભેર પ્રારંભ કર્યો. કોઇપણ યોદ્ધાએ ક્યારેય દુશ્મનની રક્ષાહરોળ ભેદીને આવું પરાક્રમ ન જ કર્યું હશે. ટર્કી, ચોપ્સ, સૂપ, સબ્જી, પાઇ-સઘળી વાનગીઓ પીરસાતી ગઇ અને સ્ટફીના પેટમાં ઓહિયા થતી ગઇ. એ રેસ્ટોરન્ટમાં દાખલ થયો ત્યારે ખાવાની ગંધથી એક તબક્કે પોતાની સજ્જનતા ત્યજી પીછેહઠ કરવા તૈયાર હતો. પણ પછી વીર લડવૈયાની જેમ સંકલ્પબળે સમરાંગણમાં કેસરિયા કરવા તૂટી પડ્યો. એણે એના યજમાનના ચહેરા પરનો રાજીપો જોયો હતો.

ફૂલોને ઉછેરવા કે પતંગિયાને ગોતવા કરતાં વધારે રાજીપો, ખુશી, આનંદ-વૃદ્ધ સજ્જનનું દિલ તોડવાની એની હિંમત નહોતી. એકાદ કલાકમાં સ્ટફી યુદ્ધમાં વિજયી થયો. વરાળનો પાઇપ લીક થાય ત્યારે થતા છમકારા જેવા અવાજે એણે આભાર માન્યો. માંડ માંડ ઊભો થયો અને રસોડા તરફ વળતો હતો પણ વેઇટરે એને ઝાલીને દરવાજો દેખાડ્યો. વૃદ્ધ સજ્જને ધ્યાનપૂર્વક સિક્કા ગણીને બિલના ૧.૩૦ ડોલર ચૂકવ્યા અને ત્રણ નિકલ વેઇટરને ટીપ માટે વધારાના મૂક્યા. દર વર્ષની માફર રેસ્ટોરન્ટના દરવાજેથી તેઓ છુટા પડ્યા. વૃદ્ધ સજ્જન દક્ષિણમાં અને સ્ટફી ઉત્તરમાં. પહેલા જ ખૂણે સ્ટફી વળ્યો. એકાદ મિનિટ માટે ઊભો રહ્યો અને પછી ઘુવડ પોતાનાં પીંછાં ખંખેરે એમ ઢળી પડ્યો.

જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે એના યુવા ડોક્ટર અને ડ્રાઇવરે સ્ટફીના વજનની હળવી ટીકા કરી. વ્હીસ્કીની ગંધ આવતી નહોતી એટલે પોલીસ કેસ તો નહોતો. એટલે સ્ટફી એના બે મહાભોજન સોતો હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલની પથારી પર એને તાણીને સુવાડ્યો અને વિચિત્ર રોગનું નિદાન કરવાનું શરૂ કર્યું.

અને કુદરતની કરામત તો જુઓ! એક કલાક પછી એક બીજી એમ્બ્યુલન્સ પેલા વૃદ્ધ સજ્જનને હોસ્પિટલ લઇ આવી. કદાચ એપેન્ડિકસનો દુખાવો હોઇ શકે. પણ થોડી જ વારમાં એક યુવા ડોક્ટર એક યુવા નર્સને મળ્યો, જેની આંખો એને ગમતી હતી. કેસ વિશે ચર્ચા કરવા તેઓ ઊભા રહ્યા. ‘એક સરસ વૃદ્ધ સજ્જન ત્યાં દાખલ છે.’ એણે કહ્યું, ‘તું જુએ તો એવું લાગે જ નહીં કે ભૂખમ રાનો કિસ્સો હશે. સ્વાભિમાની ખાનદાની કુટુંબનો માણસ હોવો જોઇએ. એણે મને કહ્યું કે એણે ત્રણ દિવસથી કંઇ ખાધું જ નથી.’ ‘

પ્રાસંગિક, ઓ. હેન્રી અનુવાદ પરેશ વ્યાસ

Leave a comment

Filed under પરેશ વ્યાસ, Uncategorized