ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના;
તુમ મત કરો અભિમાના, એક દિન પવન સે ઊડી જાના… ટેક
તુમ મત કરો અભિમાના, એક દિન પવન સે ઊડી જાના… ટેક
સ્વપ્ન મિટ્ટીકા મહેલ બનાયા, મૂર્ખ કહે ઘર મેરા,
જમડા આવશે જીવ લેવા, નહીં પૂછે ઘર તેરા… ખાખમેં..
જમડા આવશે જીવ લેવા, નહીં પૂછે ઘર તેરા… ખાખમેં..
લીલા પહેરો, પીળા પહેરો, પહેરો પિતાંબર સાચા,
રૂપિયાનું ગજ મસરૂ પહેરો, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
રૂપિયાનું ગજ મસરૂ પહેરો, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
સોનાએ પહેરો, રૂપાએ પહેરો, પહેરો ઝગમગ સાચા;
વારી વારીએ મોતી રે ઠાંસો, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
વારી વારીએ મોતી રે ઠાંસો, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
હાથીસે ચલતા, ઘોડેસે ચલતા, ચલતા નોબત નિશાના,
લીલીએ પીળી ખેરખ ચલતી, તોયે મરણ કેરી આશા… ખાખમેં..
લીલીએ પીળી ખેરખ ચલતી, તોયે મરણ કેરી આશા… ખાખમેં..
માતા તારી જન્મ રૂએ, રૂએ બેની બારે માસા;
ઘર કેરી તીરીયા તેર દિન રૂએ, ફેર કરે પર આશા… ખાખમેં..
ઘર કેરી તીરીયા તેર દિન રૂએ, ફેર કરે પર આશા… ખાખમેં..
એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ પચાસા;
કહત કબીર સુનો મેરે સાધુ, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
કહત કબીર સુનો મેરે સાધુ, તો યે મરણ કેરી આશા… ખાખમેં..
– કબીરજી
મહાભારતના વનપર્વમાં યક્ષે યુધિષ્ઠિરને સવાલ પૂછ્યો છે કે આ વિશ્વનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે –
अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् ।
शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥
शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥
રોજ સેંકડો મૃત્યુ પામે છે તે બધા જુએ છે, છતાં એમ માનીને જીવે છે કે આપણે તો જાણે અમરતા લખાવીને આવ્યા છીએ, આનાથી મોટું બીજુ આશ્ચર્ય કયું હોઈ શકે? અત્યારની ઘડીને અંત પહેલાની ઘડી માનીને જો મનુષ્ય જીવે તો જીવનમાં કોઈ પણ દુઃખ, મોહ કે અભિમાન રહેતું નથી. પણ મનુષ્ય પોતાના જીવનની અનિશ્ચિતતાઓમાં પણ જીવનકાળ વિશે અજબ વિશ્વાસથી જીવે છે.
ગીતાના આ જ બોધને લોકભોગ્ય બનાવીને કબીર સાહેબ લોકો સુધી પહોંચાડે છે, તેઓ કહે છે કે જે શરીર માટીમાં મળી જવાનું છે તેનું અભિમાન શા માટે કરવું? યમદૂતો આવશે ત્યારે આત્માએ શરીર છોડવાનું જ છે. આ જ બતાવે છે કે શરીર આપણું નથી, આપણું હોય તો કયા કારણે છોડવું પડે? જે સંબંધો છે તે બધા શરીરને સાથે છે – આત્માને કોઈ સંબંધ લાગતો વળગતો નથી, મૃત્યુ બધા સંબંધોને છોડાવી દે છે. કબીરજી આમ સરળ પરંતુ બોધપ્રદ વાણીમાં ગહન વાત ખૂબ સહજતાથી કહી જાય છે.