Daily Archives: મે 19, 2012

સ્મોકસ્ક્રીન: યે ધૂંઆ કહાં સે ઉઠતા હૈ/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas   |

‘રાડિયાગેટ’ લોબીઇંગ પ્રકરણ ચગ્યું ત્યારે રતન ટાટાએ કહ્યું કે ફોન ટેપિંગ મુદ્દે મીડિયાનો હોબાળો એ સ્પેકટ્રમ કૌભાંડની તપાસને આડે પાટે ચડાવવાનો પ્રયાસ છે અને આ આખી વાત ‘સ્મોકસ્ક્રીન’ છે. શું છે આ ‘સ્મોકસ્ક્રીન’?

ડેવિડ બેકહેમ એક વેશ્યા સાથે પોતાના સંબંધોની ખોટી વાત છાપવા બદલ અમેરિકન મેગેઝિન ‘ઇન ટચ’ને કોર્ટમાં ઢસડી જાય છે. તો મેગેઝિન ૧ ડિસેમ્બરે વધુ એક ઘટસ્ફોટ કરે છે કે બેકહેમનાં મહિલા ઉપવસ્ત્ર વેચતી એક સ્ત્રી સાથે પણ સંબંધો હતા. બેકહેમ માને છે કે મેગેઝિનનો આ પ્રયત્ન એક ‘સ્મોકસ્ક્રીન’ છે અને તે કોર્ટમાં લડી લેશે.

રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને પત્રકારો સાથે પીઆર એજન્સીનાં માલિક નીરા રાડિયાની ટેલિફોન વાતચીત લીક થઇ છે. આ વિશે મીડિયા કાગારોળ મચાવે છે. રતન ટાટા કહે છે કે મીડિયાનો આ હોબાળો એક સ્મોકસ્ક્રીન છે, જેની પાછળ ખરેખર મોટા ટેલિકોમ કૌભાંડો ઢાંકી દેવાનો અને એની તપાસને આડે રસ્તે ફંટાવી દેવાનો પ્રયાસ છે.

શું છે આ સ્મોકસ્ક્રીન? યુદ્ધમાં મિલિટરી વિસ્તારો, વાહનોને દુશ્મનની નજરથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ ધુમાડાનાં ગાઢ વાદળાને સ્મોકસ્ક્રીન કહે છે, પણ આ શબ્દનો અર્થ અહીં સુધી સીમિત નથી. એનો બીજો અર્થ થાય છે એવા કોઇ પ્રયત્ન, પગલાં કે નિવેદન (કે પછી હોબાળો!) જેને આગળ ધરીને સાચી વાતને ઢાંકી દેવાનો, ગૂંચવી દેવાનો અથવા ગેરમાર્ગે દોરવાનો અને એ રીતે ધાર્યું કરવાનો પ્રયાસ હોય.

બ્રિટિશ રાજકારણ પર અદ્ભુત વ્યંગ ધરાવતી બીબીસીની ‘યસ મિનિસ્ટર’ અને ‘યસ પ્રાઇમ મિનિસ્ટર’ સિરિયલના લેખકો જોનથાન લેયન અને એન્થોની જેયે ૧૯૮૬માં ‘ધ કિમ્પ્લટ યસ પ્રાઇમ મિનિસ્ટર-ડાયરીઝ ઓફ ધ રાઇટ ઓનરેબલ જીમ હેકર’ નામનું પુસ્તક પણ લખ્યું. તેના સાતમા ચેપ્ટરનું શીર્ષક છે- ‘સ્મોકસ્ક્રીન’. વાર્તા આવી છે: બ્રિટનના વડાપ્રધાન નાણાંમંત્રીને ૧૫ કરોડ પાઉન્ડ જેટલો ટેક્સ ઘટાડવા કહે છે, પણ નાણાંખાતું સહમત નથી. નાણાંપ્રધાન ઘણા સિનિયર અને વડાપ્રધાનપદના દાવેદાર હોવાથી સીધેસીધું કહી શકાય તેમ નથી.

વડાપ્રધાન પોતાની વાત મનાવવા તમાકુ વિરોધી આંદોલનના પ્રણેતા આરોગ્યપ્રધાનનો સ્મોકસ્ક્રીન તરીકે ઉપયોગ કરે છે. તમાકુથી દેશની વાર્ષિક આવક ૪૦ કરોડ પાઉન્ડ છે. આરોગ્ય પ્રધાન સિગારેટ કંપનીઓ સામે સ્પોન્સરશિપ કે જાહેરાતો કરવા પ્રતિબંધ સાથે અતિભારે વેરા નાખીને એને ભાંગી નાખવાની ભલામણ કરે છે. વડાપ્રધાન એને ટેકો આપે છે અને કહે છે કે દર વર્ષે એક લાખ લોકો તમાકુજન્ય રોગથી મરે છે. એની સામે ઘણી દલીલો થાય છે.

એ બધા જીવતા હોત તો આરોગ્ય સેવા ઉપર કેટલું બધું આર્થિક ભારણ આવી પડત. આખરે ૪૦ કરોડના નુકસાન સામે ૧૫ કરોડ પાઉન્ડના ટેક્સ કટ માટે નાણાંખાતું સહકાર આપવા તૈયાર થાય છે. શરત એ છે કે વડાપ્રધાન આરોગ્યપ્રધાનના તમાકુવિરોધી આંદોલનને ટેકો આપવાનું બંધ કરે. આ જાણી આરોગ્યપ્રધાન રાજીનામાની અને વડાપ્રધાનને ખુલ્લા પાડવાની ધમકી આપે છે. વડાપ્રધાન એને સારું મંત્રાલય આપીને રાજી કરે છે.

શબદ આરતી: શબ્દો તો સર્ચલાઇટ જેવા હોવા જોઇએ કે જેના પ્રકાશમાં સત્ય છતું થાય, પરંતુ ઘણીવાર શબ્દો સ્મોકસ્ક્રીન જેવા હોય છે જે પોતાના ધુમાડાથી સત્યને ધૂંધળું પાડી દે છે.

pp_vyas@yahoo.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

2 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized