Daily Archives: મે 22, 2012

મનના રોગ/કાંતિ ભટ્ટઃ

 Email  Comment

માનવીના મન વિષે હું હજારો સૂત્ર ટાંકી શકું.  ટી. જે. એસ. જ્યોર્જે ‘ડિક્શનરી ઓફ કવોટેશન’ પ્રગટ કરી છે. તેમાં સૌથી વધુ કવોટેશન ‘મન’ પર છે. મેં ૭૯ વર્ષના મારા મન સાથેના યુદ્ધમાં એક મારું સૂત્ર પેદા કર્યું છે: ‘તારા માંકડા જેવા મનને તારા મનમાંથી જ પેદા કરેલી લાકડીથી પાંસરુંદોર કર.’ તો? હું સફળ થયો છું? ના. જો સફળ થયો હોત તો હવે પત્રકાર બની રહેવાને બદલે ગીરના જંગલમાં કે મારા વતનના દરિયાની ભેખડોમાં ભટકીને મનથી મુક્ત થઈ મજા કરતો હોત.

ફિલ્મ નિર્માતા અને અવળી ફિલસૂફીવાળા મહેશ ભટ્ટના મુંબઈ સ્થિત વાંદરાના ઘરે મહાન ફિલસૂફ યુ. જી. કૃષ્ણમૂર્તિ ઊતરેલા. તેમનો ઇન્ટરવ્યુ લેવાનું સદ્ભાગ્ય મળ્યું. મેં પ્રથમ પ્રશ્ન કર્યો: મનને કેમ જીતવું? તેમણે મારો ઊધડો લઈને કહ્યું: શું તમને ફિલોસોફર બનવાનો શોખ વળગ્યો છે? તમારે સ્પિરિચ્યુઅલ થવું છે અને મોટાભા થઈ ફરવું છે?

સ્પિરિચ્યુઆલિટી ઈઝ ધ ઇન્વેન્શન ઓફ ધ માઈન્ડ એન્ડ ધ માઈન્ડ ઈઝ ધ મીથ. અર્થાત્ ‘આઘ્યાત્મિકતા’ એ માત્ર માનવીના મનની શોધ છે. આઘ્યાત્મિકતાનો સૌથી મોટો વેપલો ગુરુઓ કરે છે. આ આઘ્યાત્મિકતા કયાંથી પેદા થઈ? એ મનની પેદાશ છે. યુ. જી. કૃષ્ણમૂર્તિ ધડામ્ દઈને કહી નાખે છે કે મન એક પુરાણકથા જેવી ચીજ છે, કાલ્પનિક વસ્તુ છે, તેને નામે પણ વેપલો ચાલે છે. ડો. બ્રુસ લેવિનના કહેવા પ્રમાણે ‘મનના રોગ’ની શોધ કરનાર મનોવિજ્ઞાની કે માનસચિકિત્સકોની મદદથી આજે એકલા અમેરિકામાં જ ૨૫ અબજ ડોલરનો વેપલો (સાયકિયેટ્રિક દવાઓનાં વેચાણ સહિત) થાય છે. યુ. જી. મનને મીથ કહે કે ન કહે, આજે આ મનનું સામ્રાજ્ય ચારેકોર છે. આપણા કૃષ્ણ કહી ગયા તે આજે ય સાચું છે. મન જ માનવીનાં બંધન અને મોક્ષનું કારણ છે. મનના પનારા મરતાં સુધી પડયા છે.

ડો. બ્રુસ લેવિનનું પુસ્તક ‘એનેટોમી ઓફ એપિડેમિક’ મગાવશો તો તમને યુ.જી. કૃષ્ણમૂર્તિની વાત સાચી લાગશે, પણ આપણે બધા કંઈ યુ.જી. થઈ શકીએ નહીં. આપણે સંસારના કીચડમાં ખુંદાતા સામાન્ય માનવ તરીકે જીવવાનું છે. એમાં તમને મિત્રો કનડે, પત્ની કનડે, પતિ કનડે અને એ કોઈ કનડતું ન હોય તો તમારું મન કનડે છે, પીડે છે. મેં ઈલાજ શોધી કાઢ્યો છે કે એ મનની પીડાને જોતાં રહેવાનું. અરે, પીડાને ઈનવાઈટ કરવી. પીડાને કહેવું કે ‘આવ તારે પીડવું હોય તેટલું પીડ. હું મારા મનનો ડંડો લઈને બેઠો છું. એ મનના ડંડાથી જ મનની પીડાનો સામનો કરીશ. પીડાને મિત્ર બનાવી લઈશ.’

મનને મિત્ર બનાવવાનું મારું યુદ્ધ જારી છે! કવિ સુરેશ દલાલે કવયિત્રી એષા દાદાવાળાનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો છે. તે સંગ્રહમાં ‘જડતા’ના મથાળાવાળું કાવ્ય છે. એમાં ૨૧મી સદીના માનવનું માનસિક ચિત્ર છે: અહીં તૂટેલાં સપનાંની વેદનાને ક્યાંય જગા નથી.

આંખને તો આદત છે આડેધડ સપનાં પેદાં કરવાની,દસ બાય દસની ઓરડીમાં આધેડની વ્યથા સમાચાર બનતા નથી.અહીં બધાના કોમન સેન્ટિમીટર ફિકસ્ડ છેબળાત્કાર-આપઘાત બધાના જ…

અહીં કવયિત્રી માનવની એક મોટી તકલીફને ચૂકી ગયાં. આજે શહેર કે ગામડાંનો માણસ, રાષ્ટ્રપતિભવન કે મુંબઈની ચાલીનો માણસ – એ તમામને તેનું મન જ પીડે છે. તેના મનના રોગનાં ઘણાં નામ છે. સતત હીજરાયા કરવું, ગમગીન થઈ જવું, બેચેન બનવું, ડિપ્રેસ થઈ જવું – આ તમામને અંગ્રેજીમાં મેલંકલી કહે છે. કવિ જેમ્સ બોસવેલે ૧૭૬૩માં લખેલું – સ્ત્રી-પુરુષ કુદરતનું કેવું વિચિત્ર સર્જન છે! માનવીને પાવરની ઘણી વરાયટી અને ફેકલ્ટીઝ (જ્ઞાનની શાખા) મળી છે, પરંતુ છતાં માનવનું મન કેટલું સરળતાથી ડિસ્ટર્બ થઈ જાય છે, મૂડમાં અસ્તવ્યસ્ત થઈ જાય છે.

અમેરિકન સાયકોલોજિકલ એસોસિયેશને ૨૦ નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ રચીને માનવીનું મન અને ગમગીની કેવા રોગ પેદા કરે છે તેની તપાસ કરવા કહ્યું. ૩ વર્ષ સુધી માથાફોડ કરી ત્યારે ગમગીની, ડિપ્રેશન અને મેલંકલીનાં ઘણાં કારણો સમજાયાં. નાની છોકરી સાથે ટીનેજમાં કોઈએ દુરાચાર કર્યો હોય, લગ્ન દુખી હોય, સાંસ્કòતિક દ્રષ્ટિએ બોયકોટ થવું પડતું હોય (હરિજન વગેરે) અને તે પછી મોટપણમાં શરીરમાં હોર્મોનના ફેરફાર થાય છે. સ્ત્રીઓ ખાસ મૂડ સ્વિંગને પાત્ર બને છે. ગર્ભ રહે, માસિકસ્રાવ આવે, બાળક જન્મે અગર સંતાનહીનતા આવી જાય – આ તમામમાં સ્ત્રીના મૂડ-મનની હાલત બદલાય છે.

મન વિલન બને છે. ભારત અને અમેરિકામાં અનુક્રમે ૫૦ લાખ અને ૨૫ લાખ સ્ત્રી-પુરુષોને મનની ગમગીની પીડે છે. પશ્વિમના લોકો મહ્દ અંશે મનોવિજ્ઞાનમાં પૈસા ફેંકે છે. ભારતની સ્ત્રીઓ બાપુઓની કથામાં, ભજનોમાં અને મંદિરોમાં જાય છે.

એરિસ્ટોટલ અને હિપોક્રેટસ નામના પુરાણા ચિંતકોએ નક્કી કર્યું કે ચાર તત્વો માનવીનો મિજાજ નક્કી કરે છે. તેનું લોહી, કફ, કાળું પિત્ત અને પીળું પિત. આ ચારેય તત્વોને સમતોલ રાખવાનાં. ગ્રીક ભાષામાં ‘મેલાસ’નો અર્થ કાળું થાય છે. મેલંકલી એટલે કાળો મિજાજ. એ મિજાજ અગર ઉદાસ મનને પોતે જ સુધારવાનું છે. કવિતા રચી, ગાઈ કે જંગલોમાં વિહાર કરીને. નિસર્ગોપચારમાં પ્રાથમિક રીતે સૌથી પહેલાં શરીરના ખાટા કે કાળા રસને શાંત કરવા ખાટાંમીઠાં ફળો ખાઈ એસિડિટી ઓછી કરવાનો શારીરિક ઈલાજ થાય છે, ઉપવાસ કરાવાય છે. પછી ફળાહાર કરાવાય છે.

ભારતમાં ઘણા યાત્રાએ ઊપડી જતા. જંગલમાં ચાલ્યા જતા. હેન્રી ડેવિડ થોરો જંગલમાં ચાલ્યા ગયેલા. જહોન કિટસ અને સેમ્યુઅલ કુલટિજે ગમગીનીને સલામ કરતી કવિતા લખેલી. ગમગીનીના કવિઓ (મરીઝ, મીનપિયાસી)ને તમે જાણો છો. ખરેખર તો મનની પીડા કે ગમગીની સારી વસ્તુ છે. તેના થકી સેન્સિટીવિટી એટલે કે લાગણીપ્રધાનતા આવે છે. સૌથી મોટી પળોજણ ડો. બ્રુસ પાવરે કરી. તેમણે એન્ટિડિપ્રેસન્ટ ડ્રગ્ઝને પ્રચલિત કર્યા. તદન નકામી સાયકોથેરપી પેદા કરી.

આ સાયકોથેરપીની પોલ છેક ૧૯૮૨માં ખૂલી. અમેરિકાના રોકવીલે ગામની એક ઓશર નામની માનસિક રોગીએ ત્યાંની ચેસ્ટનટ હોસ્પિટલ સામે કહેવાતી સાયકોથેરપી દ્વારા ડોક્ટરેએ તેને લૂંટી તેવો કોર્ટ કેસ કર્યો. દર્દી-ડોક્ટર બન્ને ઊંડા ખર્ચમાં ડૂબી ગયા. દર્દી સારી થઈ ગઈ. ડોક્ટર અડધો પાગલ થઈ ગયો!

પ્રખ્યાત ગણિતજ્ઞ-વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટન મનના રોગથી-ડીપ્રેશન-ગમગીનીથી પીડાતા હતા છતાં ૧૭૦૫માં તેમણે સાયન્ટિસ્ટ તરીકે ઈંગ્લેંડની રાણી એનનો એવોર્ડ મેળવેલો. બિથોવન, અબ્રાહમ લિંકન, લોર્ડ વિન્સ્ટન ચર્ચિલ, ભારતના ટૂંકા સમયના રાષ્ટ્રપતિ હિદાયતુલ્લા અને મેથેમેટિકસમાં નોબલ મેળવનારા જહોન નેશને ગમગીની પીડતી હતી. ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામના પુસ્તકમાં આ ગણિતશાસ્ત્રીના મનના રોગની કરુણ કથા છે. તેના પરથી બનેલી આ જ નામની ફિલ્મને ઘણી પ્રતિષ્ઠા મળી છે. ટોલ્સ્ટોય, કવિ જહોન કીટસ, માર્લન બ્રાન્ડો, અર્નેસ્ટ હેમિંગ્વે ગમગીનીથી અને મનના રોગથી ખૂબ પીડાયેલા.

ગમગીનીનો સૌથી મોટો સેલિબ્રિટી દર્દી છે અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન. બરાબર ૧૫૯ વર્ષ પહેલાં બીજી વખત મેન્ટલ બ્રેકડાઉનનો ભોગ બન્યા તે તબક્કા વિશે વાત કરતું પુસ્તક વાંચવું જોઇએ. તેનું નામ છે ‘લિકન્સ મેલંકલી – હાઉ ડિપ્રેશન ચેલેન્જડ એ પ્રેસિડન્ટ એન્ડ ફ્યુઅલ્ડ હિઝ ગ્રેટનેસ’ નામના પુસ્તકમાં તેનું વર્ણન છે. આજે પણ સાયકિયેટ્રી ટેકસ્ટ બુકમાં પ્રમુખની પીડાનો દાખલો અપાય છે. પ્રમુખ લિંકનના પિતા થોમસ લિંકન અને માતા નાન્સી લિંકન ગમગીનીનાં બંદા હતાં. નેન્સી સતત ડિપ્રેશનથી પીડાતી, પરંતુ અબ્રાહમ લિંકન ગમગીની છતાં ખૂબ વાંચતા. વાંચને તેને (માનસિક) લડવૈયા બનાવ્યા.

‘ધ ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના સાપ્તાહિકના ૩-૪-૨૦૧૦ના અંકમાં કહેવાયું છે કે, ‘ન કરે નારાયણ ને જો તમે હોસ્પિટલમાં હો અને તમને માત્ર ઈંટમાટીની દીવાલ દેખાતી હોય , તેના કરતાં જો તમારી પથારી બારી પાસે હોય અને તમે પથારીમાં પડયાપડયા વૃક્ષો કે હરિયાળી દેખાતાં હોય તો જલદી સાજા થઈ જાઓ છો. માઈન્ડ અને બોડીનું કનેકશન ઉપચારમાં ઘણું કામ લાગે છે. ડોક્ટરોએ એવા પેશન્ટ જોયા છે, જેમના છૂટાછેડા થયા હોય કે કુટુંબમાં મરણ થયું હોય તો તેનું શોકાતુર મન તેને જલદી સાજા થવા દેતું નથી.

માનવીના મગજની તાણ તેની રોગપ્રતિકારશક્તિ ઘટાડે છે. શોકાતુર મનવાળાના શરીરની રાસાયણિક ક્રિયા એવી થાય છે જે રોગને સારો થતાં વિલંબ કરે છે.’ગમગીની કે ડિપ્રેશનના દવા વગરના ઈલાજ બતાવી શકાય, પણ મોટી જવાબદારી ખુદ દર્દીની છે. સૌથી રિપિટ કરવા જેવો ઈલાજ છે – રચનાત્મક પ્રવૃત્તિ કરો. તમે લેખક-કલાકાર થઈ શકો છો. જૂના જમાનાની મનની પીડાયેલી સ્ત્રી ભકત-કવયિત્રી બની જતી. આપણા સમાજની સ્ત્રી તેની ગમગીનીનો ઈલાજ ઘરની વધુપડતી સાફસૂફીમાંથી શોધે છે તે ખરેખર સાયન્ટિફિક છે.

એક્ટિવિટી ઈઝ ધ બેસ્ટ મેડિસિન ઓફ માઈન્ડ. અંગ્રેજો તો એપ્રિલને ક્રૂરમા ક્રૂર મહિનો માને છે અને જાન્યુઆરીના ત્રીજા સોમવારને બ્લુ મન્ડે કહે છે. તે દિવસે ખાસ ડિપ્રેશન આવે છે. જાન્યુઆરી-એપ્રિલમાં મૂડને ઠીક રાખો. દવા ન કરો. જૂનાં ગીતો સાંભળો. જંગલમાં ફરવા ચાલ્યા જાઓ. જાપાનનો લેખક હારૂહી સુઝમિયા તો આજે ય એટલો પ્રખ્યાત છે કે તેની કરુણ અંતવાળી ફિલ્મો, અને આત્મકથા પ્રખ્યાત છે. રડવા માટે બ્રાન્ડ ઓશિકાં અને આંસુ લૂછવાનાં રૂમાલ મળે છે. આદર્શ સ્થિતિ તો એ છે કે તમે પોતે એવા બડકમદાર થઈને રહો કે બીજા જે તમને પીડવા માગે તેણે આવા રૂમાલ ખરીદવા પડે!


1 ટીકા

Filed under Uncategorized