Daily Archives: મે 26, 2012

ક્રુઅલ ટુ બી કાઈન્ડ કઠોર કૃપાની કરમ કહાણી/પરેશ વ્યાસ

Source: Shabad Kirtan, Paresh Vyas

શેકસપિયરના હેમલેટે કહેલું, ‘મારે ઘાતકી થવું પડે છે કારણ કે એ જ યોગ્ય છે. ભલે ખરાબ છે પણ એથીય વધારે ખરાબને પાછળ મૂકી દીધું છે.’

પ્રણવ મુખર્જી આપણા વિત્ત મંત્રી છે. બજેટમાં એક તરફ ઈન્કમટેક્સ જેવા સીધા વેરામાં રૂપિયા ૪૫૦૦ કરોડની રાહત આપે છે અને બીજી તરફ સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટી જેવા આડકતરા વેરામાં વધારો કરીને રૂપિયા ૪૧,૫૦૦ કરોડનો બોજ આપણાં માથે થોપી દે છે. એક હાથે દઇ દો અને દસ હાથથી લઈ લો-એ મુખર્જી મંત્ર છે. વિત્ત મંત્રી છે, ભાઇ. વીતાડે તો ખરાને? પણ બહારનું ખાવ નહીં, સિગારેટ દારૂ છોડો, માંદા ન પડો, મોજશોખ વૈભવને ત્યજો તો ઝાઝી તકલીફ નથી. સોનું, પ્લેટિનમ, આઇસક્રીમ, ચોકલેટની મમત ન રાખો તો નડતર જેવું નથી.

એ.સી.ની કરી દો ઐસીતૈસી અને ફ્રિજને ફગાવી દો, કમ્પ્યુટરની ટકટક અને મોબાઇલની કચકચ છોડી દો, તમારે કશું જ ગુમાવવાનું નથી. મહીડાં મથો તો માખણ મળે પણ સાગર મંથન તો અમૃત અને ઝેરનો સંગમ. પ્રવણ મુખર્જી ભરી સંસદમાં કહે છે કે ‘આઇ હેવ ટુ બી ક્રુઅલ ટુ બી કાઇન્ડ. આ આકરા કરવેરા તમારા ભલા માટે છે. દયાળુ બનવા મારે ઘાતકી થવું પડે છે.’ – આમ તો પરસ્પર વિરોધી વાત. આજે આવા પાસપાસે તો ય કેટલાં જોજન દૂર હોય તેવા આ બે શબ્દોની ચર્ચા કરવી છે. આજે પ્રણવ મુખર્જીની કહેવાની કઠોર કૃપાના આ વિરોધાભાસી (Oxymoron) અથવા અસંગત (Paradox) શબ્દોની વાત કહેવી છે.

શબદ શેકસપિયર: કવિ નાટ્યકાર વિલિયમ શેકસપિયર આજથી સાત સદી પહેલાં જન્મેલો શબ્દોનો સોદાગર હતો. શબ્દોને એણે તોડ્યા’તા, મરોડ્યા’તા, જોડ્યા’તા અને ખોડ્યા’તા અને એમાંથી નવા જ શબ્દો સજર્યા હતા. લખાતી-બોલાતી અંગ્રેજી ભાષામાં જ નહીં પણ દુનિયાની અનેક ભાષાઓમાં શેકસપિયરનો દબદબો આજે પણ કાયમ છે. ચમકે તેટલું સોનું નહીં (ll thet glitters isnt gold), નગ્ન સત્ય (naked truth) અને વિચિત્ર જોડીદાર (strange bedfellows) જેવા અનેક શબ્દો એને દુનિયાને દીધા છે.

એણે કર્તાને ક્રિયાપદ અને સર્વનામને વિશેષણ બનાવ્યા અને કેટલાય પ્રત્યયને આગળ-પાછળ લગાડીને સાવ નવા શબ્દો, નવા મહાવરા એવા તો સજર્યા કે આજે પ્રણવ મુખર્જીએ પણ પોતાના કડવા બજેટને મધમીઠું ગણાવવા માટે શેકસપિયરના શબ્દોનો સહારો લીધો છે. સરેરાશ બંગાળી ઘરમાં રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની બાજુમાં વિલિયમ શેકસપિયરનાં પુસ્તકો હોય જ છે એટલે પ્રણવદા પોતાની બજેટ સ્પીચમાં શેકસપિયરને ટાંકે એમાં નવાઇ શી?

ડેન્માર્કના રાજા પ્રિન્સ હેમલેટની ટ્રેજડીની વાત છે. યુવાન રાજકુમાર હેમલેટને પોતાના પિતાનો પ્રેતાત્મા આવીને કહી જાય છે કે એના કાકા કલોડિયસે જ પિતાને મારી નાખ્યા હતા. કલોડિયસ અત્યારે રાજા બની બેઠા છે અને નિયમોનુસાર મૃત રાજાની પત્ની એટલે કે હેમલેટની માતા સાથે લગ્ન કરી ચૂક્યા છે. પ્રેતાત્માની વાત સાચી છે કે કેમ? એ બાબતે હેમલેટ દ્વિધામાં છે. ત્યારે નાટકમંડળીના કલાકારો એને સુઝાવ આપે છે કે રાજાના મર્ડરની પ્રતિકૃતિ જેવો સીન તખ્તા પર ભજવીએ. રાજા કલોડિયસની પ્રતિક્રિયાને ધ્યાનથી જોઇએ. જો એ ગુનેગાર હશે તો એની પ્રતિક્રિયા જ સાચી વાતનો પુરાવો આપી દેશે. (આ લે લે, આ તો હિન્દી ફિલ્મ ‘કઝ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી સ્ટોરી!) મર્ડર ઓફ ગોન્ઝાઓ નાટકનો મર્ડર સીન જોઈને કલોડિયસ ચાલુ નાટકે ઊભો થઈને જતો રહે છે.

હેમલેટ હવે જાણી જાય છે એના કાકા જ એના પિતાના કાતિલ છે. એની માતા હેમલેટને બોલાવીને આ બાબતે ખુલાસો પૂછે છે. મા દીકરા વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. દરમિયાન પડદા પાછળ સંતાઇને વાતચીત સાંભળતા પ્રધાન પોલોનિયસને કલોડિયસ સમજીને હેમલેટ મારી નાખે છે. પછી કહે છે કે મને કોઈ પસ્તાવો નથી. I must be cruel, only to be kind; Thus bad begins, and worse remains behind.મારે ઘાતકી થવું પડે છે કારણ કે એ જ યોગ્ય છે. ભલે ખરાબ છે પણ એથીય વધારે ખરાબને આપણે પાછળ મૂકી દીધું છે. દુષ્ટનો સંહાર કરવાનું ઘાતકીપણું સર્વજન હિતાવહ છે, સર્વજન સુખાય છે.

શબદ વિવરણ: પોલિટિકલ સાયન્સના ખેરખાં મેકિયાવેલી ઇટલીના રાજનીતિજ્ઞ, પણ પોતાના માસ્ટરપીસ ગ્રંથ ‘ધ પ્રિન્સ’માં લખે છે કે શાસન કરવું હોય તો કંઇ પણ કરવું પડે. અંગત નૈતિકતા અને જાહેર નૈતિકતા બે જુદી વાત છે. જો કોઇ વાતનો અંત સારો આવવાની અપેક્ષા હોય તો, કોઇ વાત જો રાજ્યના ભલા માટેની હોય તો- ક્યારેક આકરાં, અઘરાં, અળખામણાં કે અજુગતાં પગલાં લેવા પડે. મેકિયાવેલીએ તો હિંસાને પણ સમર્થન આપ્યું હતું. પોલીસ એનકાઉન્ટરમાં રીઢા ગુનેગારોનાં ઢીમ ઢાળી દેવાની ઘટના પણ મેકેયાવેલિયન સિદ્ધાંત અનુસાર જાયજ છે કારણ કે એને કારણે પોલીસની ધાક રહે છે. ગુના થતા અટકે છે. પોલીસને ક્રુઅલ ટુ બી કાઇન્ડ થવું પડે છે.

ક્રુઅલ ટુ બી કાઇન્ડ મહાવરો સાંપ્રત કાળમાં એટલો જ પ્રસ્તુત છે. ટીવી રિયાલિટી શોમાં ગાનારા કે નાચનારામાં ટેલન્ટ ન હોય તો તેને શોની બહાર કાઢી મૂકતા જજ એ જ સમજાવે છે કે એને કઠોર એટલે થવું પડે છે કે ભવિષ્યમાં એ ફરી મહેનત કરે અને આગળ આવે. અથવા માતાની ભલામણ હોય છતાં પિતા પોતાના પુત્રને મોજશોખ માટે માગ્યા મુજબ પૈસા આપતા નથી. પુત્ર નારાજ જરૂર થાય છે, પણ એ આખરે તો એના ભલા માટે છે. ક્રુઅલ ટુ બી કાઇન્ડ એ બાપલોકોને મહાવરો છે, પુરુષવાચક શબ્દ છે.માતૃમંડળીઓ તો કાયમ કાઇન્ડ જ કાઇન્ડ હોય છે.

શબદ ગીત: બ્રિટિશ ગીતકાર અને ગાયક નિક લોવ પોતાના અતિલોકપ્રિય ગીત ‘ક્રુઅલ ટુ બી કાઇન્ડ’માં નિષ્ઠુર પ્રેમિકાની વાત રજુ કરતાં કહે છે કે- હું કન્ફ્યુઝ છું. તું કહે છે કે મને પ્રેમ કરે છે, પણ તું કહે કંઇ છે અને કરે કંઇ છે. તારી નિર્દયતાને તું સાચી ઠરાવે છે. કહે છે કે એ પ્રેમની નિશાની છે. હું સમજી શકતો નથી. તને પૂછું છું તો તું એક જ વાત વારંવાર કહે છે કે તારે ક્રુઅલ ટુ બી કાઇન્ડ થવું પડે છે. પ્રેમ, યુદ્ધ અને રાજકારણમાં કશું ઘાતકી નથી, જે કરો તે બધું વાજબી છે.

શબદ આરતી: રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્ય ‘વિચરતાં પક્ષી’માં કહે છે કે ધરતી પર લાત મારો તો માત્ર ધૂળ ઊડે, એને ચીરો, એને ખેડો તો જ એમાં પાક ઊગે, માણસો નિર્દયી છે, પણ માણસ દયાળું છે.

Men are cruel, but Man is kind…

pp_vyas@yahoo.com

શબદ કીર્તન, પરેશ વ્યાસ

3 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized