મારાં હૈયાનાં દ્વાર,દેવ! ખોલજો રે!
મારું અંતર ઉજાળો !
મારું અંતર ઉજાળો,
મોહપૂંજો નિવારો ,
દૃગનાં નીરને પખાળો ;
મારે હૈયે ઝગાવો દિવ્ય ચેતના રે !
અંધારે અંતર આ ઊમટો ભાવ તણા ભંડાર!
શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !
નૈના નિરખો ઊંડેરું !
નૈના નિરખો ઊંડેરું,
આતમ ઊડજો ઊંચેરું,
ઉરનું ટળજો અંધારું !
કૂળી કરુણાનો દિલમાં દીપક ચેતવો રે !
પુલક પ્રગટ કરજો મુજ રોમે રોમ સદૈવ , દયાળ !
ભાવભૂલ્યાં હૈયે આ પ્રકટો કોમલ દિવ્ય પ્રભાત રે !
જીવન જેથી ઉજાળું.
જીવન જેથી ઉજાળું,
પુનિત પંથે સિધારું,
દુઃખડાં દમતાનાં હારું ;
હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !
મારાં હૈયાનાં દ્વાર, દેવ ! ખોલજો રે !
અજ્ઞાત