ઓમ્બડ્સમેન સરકાર કે સરકારની એજન્સી અને લોકો વચ્ચેનો વિશ્વાસુ મધ્યસ્થી છે. સ્વીડન, નોર્વે અને ડેન્માર્કનો ઓમ્બડ્સમેન નોર્સ ભાષાના ‘અમ્બુસમાઓર’ પરથી આવ્યો છે.
લોકપાલ બિલ પર અણ્ણા હઝારે કહે છે કે સરકારની દાનત ખોરી છે. એનો લોકપાલ બુઠ્ઠો છે. નહોર વિનાનો. એ કોઇને નખોરિયાં નહીં ભરી શકે. બોખો છે. એ ઘૂરકે તો ઘૂરકે પણ કરડી તો નહીં જ શકે. બટકું ભરી નહીં શકે. બટકું નાખીને છટકી જતા ભ્રષ્ટાચારી મહારથીઓને ઊની આંચ પણ ન આવે. સરકારે કહે છે હાલી હું નીકળ્યા છો, કાયદો સંસદમાં બને, રામલીલા મેદાન પર નહીં. કોઇ પણ હોદ્દેદાર કે સંસ્થાને અમર્યાદ સત્તા આપવી જોખમી છે.
ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવામાં હરખપદૂડા થઇને ક્યાંક એવું ન કરી બેસીએ કે આખી સિસ્ટમ ખોરવાઇ જાય. શુભ આશયના સિમેન્ટ કોંક્રીટનો બનેલો સરિયામ રસ્તો સ્વર્ગ તરફ જ જતો હોય તેવું જરૂરી નથી. લોકપાલ જરૂરી છે, પણ એ રામબાણ ઇલાજ નથી. લોકજીભે લોકપાલની ચર્ચા છે. વિશ્વના દેશો લોકપાલને ‘ઓમ્બડ્સમેન’ તરીકે ઓળખે છે.
લોકપાલ એટલે લોકોના પાલક. આઠેય દિશાઓમાં લોકોનું રક્ષણ કરનાર. પૂર્વમાં ઇન્દ્ર, પશ્ચિમમાં વરુણ, ઉત્તરમાં કુબેર અને દક્ષિણમાં યમ. ઇશાનમાં સોમ, અગ્નિમાં, નૈઋત્યમાં સૂર્ય અને વાયવ્યમાં વાયુ આપણા લોકપાલ છે. લોકપાલ શબ્દનો અર્થ સ્વયંસ્પષ્ટ છે. વિશ્વના ઘણા દેશોમાં ઓમ્બડ્સમેન જે નામે બોલાવાય છે એ સમજીએ તો અર્થ વધુ સ્પષ્ટ થશે.
અલ્બાનિયામાં પીપલ્સ એડ્વોકેટ એટલે કે લોકોનો વકીલ તો ગ્રીસમાં સિટીઝન્સ એડ્વોકેટ એટલે નાગરિકોનો વકીલ કહે છે. રોમાનિયાના એવોકેટુલ પોપોરુલઇનો અર્થ પણ એવો જ થાય છે. આર્મેનિયામાં હ્યુમન રાઇટ ડિફેન્ડર એટલે માનવ અધિકારનો રક્ષક અને નિકારાગુઆમાં હ્યુમન રાઇટ્સ પ્રોકયુરેટર એટલે માનવ અધિકારનો કુલમુખત્યાર કહેવાય છે.
રોમાનિયામાં ડિફેન્ડર ઓફ પીપલ એટલે લોકોનો રક્ષક કહેવાય છે.સાઉથ આફ્રિકામાં પબ્લિક પ્રોટેકટર લોકોનો રક્ષક કહે છે. પોર્ટુગલમાં પ્રોવેડરડી જસ્ટિકા (પ્રોવાઇડર ઓફ જસ્ટિસ) એટલે ન્યાય અપાવનાર તરીકે ઓળખાય છે. પાકિસ્તાનમાં પણ વફાકી મોહ્તસીબ કહે છે. વકાફી એટલે કેન્દ્રીય સ્તરના અને મોહ્તસીબ એટલે સરકારને જવાબદારીથી વર્તવા ફરજ પાડનાર વ્યક્તિ. આમ ઓમ્બડ્સમેન સરકાર કે સરકારની એજન્સી અને લોકો વચ્ચેનો વિશ્વાસુ મધ્યસ્થી છે. મૂળ સ્વીડન, નોર્વે અને ડેન્માર્ક દેશનો શબ્દ ઓમ્બડ્સમેન જૂની નોર્સ ભાષાના શબ્દ ‘અમ્બુસમાઓર’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પ્રતિનિધિ.
ઓમ્બડ્સમેન એવો પદાધિકારી છે જેની નિમણુંક સરકાર કે સંસદ કે ન્યાયતંત્ર કરે છે, પણ એને નોંધપાત્ર સ્વાયત્તતા હોય છે. લોકોના પ્રતિનિધિ તરીકે લોકહિતમાં તપાસ કરવાની અને ફરિયાદનો ઉકેલ લાવવાની, દોષિતોને સજા આપવાની પેરવી કરવાની પણ જવાબદારી ઓમ્બડ્સમેનની છે. સરકારી સેવા કથળતી જણાય અથવા લોકોના અધિકારનો ભંગ થતો જણાય તો તેની તપાસ હાથ ધરી સરકારને પગલાં લેવા ફરજ પાડવાનો એનો હેતુ છે.
રાષ્ટ્રીય કક્ષાએ ઓમ્બડ્સમેન જાહેર ક્ષેત્રની કોઇ પણ બાબતમાં ચંચુપાત કરી શકે છે. બલકે કેટલાક કિસ્સામાં ખાનગી ક્ષેત્રમાં જેવા કે કોન્ટ્રેકટના કિસ્સામાં પણ બકાયદા દખલગીરી કરી શકે છે. અમુક સમાજના નબળા ગણાતા વર્ગ જેવા કે બાળકોની સતામણીના કિસ્સાઓમાં તપાસ કરતા લોકપાલને ચિલ્ડ્રન્સ ઓમ્બડ્સમેન અથવા સ્ત્રીઓની પજવણીના કિસ્સામાં તપાસ કરતા લોકપાલને ઇકવાલિટી એન્ડ એન્ટી-ડિસક્રિમિનેશન (સમાનતા માટે અને ભેદભાવવિરોધી કામ માટેના) ઓમ્બડ કહે છે. ઓમ્બડ્સમેન સરકારની નીતિમાં એવા ફેરફાર સૂચવી શકે જેના કારણે સરકારી તંત્ર અસરકારી બને, સક્ષમ બને, એનો અભિગમ માનવીય બને. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ-૨૦૦૬માં રજૂ કરેલી બેંકિંગ ઓમ્બડ્સમેન સ્કીમ અંતર્ગત કોઇ પણ ગ્રાહક બેંકની કોઇ પણ સેવા વિશે ફરિયાદ કરી શકે છે.
ગુજરાતની બેંક સેવાઓના ઓમ્બડ્સમેન અમદાવાદના આશ્રમ રોડ પરની રિઝર્વ બેંકની ઓફિસમાં બેસે છે. આ જ રીતે વીમા કંપનીના પણ ઓમ્બડ્સમેન નિયુકત થયા છે. સામાન્ય રીતે ઓમ્બડ્સમેનને કરવામાં આવેલી ફરિયાદ અંગે કોઇ ફી લેવામાં આવતી નથી.
જ્યારે વર્ષ ૧૯૭૪માં ‘ઓમ્બડ્સમેન’ નામનો ટીવી કાર્યક્રમ શરૂ થયો ત્યારે કેનેડાનાં થોડાં જ રાજ્યોમાં ઓમ્બડ્સમેનની વ્યવસ્થા હતી. આ ટીવી કાર્યક્રમમાં સરકારી અથવા વ્યાપારી સિસ્ટમ સામેના લોકોના વાંધાવચકાની વિસ્તૃત તપાસની વાત પ્રસારિત કરાતી હતી. આ કાર્યક્રમની અસર એટલી બધી હતી કે વર્ષ ૧૯૭૯માં આ કાર્યક્રમ બંધ થયો ત્યારે કેનેડાનાં તમામ રાજ્યોમાં અધિકૃત ઓમ્બડ્સમેનની નિયુક્તિ થઇ ચૂકી હતી.
જોકે કેટલાક દેશોમાં ટીવી, અખબાર, રેડિયો અને જાહેરાત સામેની લોકફરિયાદો માટે પણ ખાસ ઓમ્બડ્સમેનની વ્યવસ્થા છે. સિસ્ટમ કોઇ પણ સારી કે ખરાબ હોતી નથી. એ કેવી રીતે ચાલે છે અથવા ચલાવવામાં આવે છે અથવા ચાલવા દેવામાં આવે છે તેના પર સારાનરસાનો સઘળો આધાર રહેલો હોય છે.
શબદ આરતી : એક વિદેશી વનલાઇનર: ઓમ્બડ્સમેન રિપોર્ટ (લોકપાલના અહેવાલ) બિકિની જેવો હોય છે. ઉત્તેજના તો જગાવે પણ મર્મસ્થાન પર ઢાંકપિછોડો કરે છે.
pareshvyas@pareshvyas.com
શબદ કીર્તન, પરેશ