Daily Archives: જૂન 5, 2012

ચિન્ક ઈન આર્મર કમજોર કડી કૌન?/Paresh Vyas

Source: Shabad Kirtan, Paresh Vyas   |

‘ચિન્ક ઇન આર્મર’ એટલે કે ‘બખ્તરમાં ચીરો’ શબ્દપ્રયોગને યથાર્થ કરતા ઘણા બનાવો આજકાલ બની રહ્યા છે.

જનરલ વી. કે. સિંઘ યુદ્ધે ચઢ્યા છે. વડાપ્રધાનને પત્ર લખીને કહે છે કે લશ્કર પાસે દારૂગોળો થઈ ગયો છે ખલ્લાસ, દુશ્મનની હિલચાલ પર નજર રાખવાનાં યંત્રો થઈ ગયા છે જર્જર. સૈન્યનાં શસ્ત્રસરંજામ બોદાં છે. કવિ મુકેશ જોષીના શબ્દોમાં તમે મુસ્તાક હોવ તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે, હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે, ને ત્યારે સાલું લાગી આવે! જનરલ વી. કે. સિંઘને સાલું લાગી આવ્યું છે. સરકારી સૂત્રો કહે છે કે આ જનરલનો અંગત એજન્ડા છે. પહેલાં લાંચની ઓફરની વાત અને હવે ખાનગી પત્ર લીક કર્યો. આ તો જનરલની જન્મ તારીખ સુધારવાની સરકારે ના પાડી એટલે વી. કે. સિંઘ વિકિલીકસની જેમ સાચીખોટી માહિતીનાં કડાકા ને ભડાકા કરવા માંડ્યા છે. આમ પણ જનરલ બે મહિનામાં રિટાયર થાય છે.

જન્મતારીખ સુધરી હોત તો વાત જુદી હતી. સરકારની વ્યૂહરચના સાફ છે. પોતાને પ્રામાણિક સેનાપતિ તરીકે ઓળખાવતા જનરલને બે મહિના બાકી છે ત્યારે એને તગેડી મૂકીને સરકાર એને શહીદી વહોરવાનું સન્માન બક્ષવા માગતી નથી. સૈન્ય પાસે શસ્ત્ર સરંજામ નથી એ દર્શાવવા અંગ્રેજીનો એક મહાવરો ચર્ચામાં આવ્યો છે. ચિન્ક ઈન આર્મર (Chink in Armour)નો શબ્દાર્થ ‘બખ્તરમાં ચિરાડ’ એવો થાય છે, બખ્તરમાં ચીરો પડ્યો હોય તો દુશ્મન ત્યાંથી જ ઘા કરીને ચીરી નાખે. જોકે જનરલ પોતે સરકાર માટે ચિન્ક ઇન આર્મર સાબિત થઈ રહ્યા છે.

શબદ અર્થ: ચિન્ક ઇન આર્મર એટલે કોઈ ખાસ નબળાઈ જે બળૂકાંને નિર્બળ કરી શકે. કોઈ મંત્રણા માટે બેઠા હોઈએ, તડજોડ કે કરાર માટે બેઠા હોઈએ ત્યારે આપણી એક ભૂલભરેલી દલીલ, એક દુખતી રગ, એક નબળી કડી જે આપણને પારાવાર નુકસાન કરી શકે. કોઈ પણ સમાચારમાં ઘટનાની નબળી કડીને દર્શાવવા ચિન્ક ઈન આર્મરનો શબ્દપ્રયોગ થાય છે.

શબદ સમાચાર: તાજેતરનાં કેટલાક સમાચાર પર નજર નાખીએ. આપને પ્રીમિયર પિદ્મની કાર યાદ હશે. પ્રીમિયર ઓટોનું નામોનિશાન અત્યારે ભૂંસાઈ ગયું છે પણ પ્રીમિયર ઓટો કંપની ૨૦૧૨ના ઓટો એક્સ્પોમાં પોતાની કાર રીઓને પ્રદર્શિત કરીને ભારતીય બજારમાં રિ-એન્ટ્રી લેવા માગે છે, પણ એનું ડીઝલ એન્જિન ઇફ કહ નથી એટલે પ્રદૂષણની માત્રાનાં સંદર્ભે રિઓ ડીઝલ કાર ભારતનાં મેટ્રો શહેરોમાં વેચી શકાશે નહીં. પ્રીમિયરની સેલ્સ સ્ટ્રેટેજીના આર્મરમાં આ વાત ચિન્ક છે. એશિયા કપમાં આપણા બોલરો ઇરફાન પઠાણ અને પ્રવીણ કુમારની બોલિંગ નબળી હતી.

બાંગ્લાદેશનો કપ્તાન મુશિ્ફકર રહેમાન આપણા ચિન્ક ઈન આર્મરને ભાળી ગયો હતો અને એવી સટાસટી કરી કે આપણે ૨૯૦ રનના માતબર સ્કોરને પણ ડફિન્ડ ન કરી શક્યા. ક્રિકેટ પંડિતો ભારતીય બોલિંગની ચિન્ક ઈન આર્મરમાં રેણ કરવા શ્રીનાથ અને કુંબલે જેવા અનુભવી વેલ્ડર(!)ને બોલિંગ કોચ તરીકે લેવા હિમાયત કરે છે. આઈપીએલમાં ગત વર્ષે બીજા ક્રમે રહેલી બેંગ્લોરની રોયલ ચેલેન્જર્સમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલ જેવા ધુરંધર બેટ્સમેન હોવા છતાં તેનો પરફોર્મન્સ એક સરખું સારું રહ્યું નથી. વધારે પડતો આત્મવિશ્વાસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ચિન્ક ઈન આર્મર છે. અરે ભાઈ, ટીમનાં માલિક કોણ છે? કિંગફિશરવાળા વિજય માલ્યા તો વળી. વધારે પડતો આત્મવિશ્વાસ કોઈને માટે પણ ચિન્ક ઈન આર્મર સાબિત થઈ શકે.

શબદ અનર્થ: બાસ્કેટ બોલની રમત અમેરિકામાં ખૂબ લોકપ્રિય છે. બે મહિના પહેલાં ન્યૂ યોર્ક નિકસ ટીમ ન્યૂ ઓલિgઅન્સની ટીમ સામે હારી ગઈ. નિકસનો સ્ટાર ખેલાડી જરેમી લિન ફોર્મમાં નહોતો. એણે ઘણી ભૂલો કરી હતી. ઇએસપીએનના એડિટરે કહ્યું કે લિન પોતાની ટીમ માટે ચિન્ક ઈન આર્મર છે. પછી મોબાઈલ વેબસાઈટ પર ‘ચિન્ક ઈન આર્મર’ હેડલાઈન બની. આ રિપોટિઁગની ખૂબ ટીકા થઈ. ઇએસપીએને ન્યૂઝ બોલનારને સસ્પેન્ડ કર્યો અને હેડલાઈન લખનારને નોકરીમાંથી કાઢી મૂક્યો. ખેલાડીનાં નબળા પ્રદર્શનને ચિન્ક ઈન આર્મર કહેવામાં વળી ખોટું શું છે? પણ અહીં વાત સહેજ જુદી છે.

અમેરિકામાં ચિન્ક શબ્દ ચીની મૂળના લોકો માટે જાતભિદ દર્શાવતો અપમાનવાચક શબ્દ છે. મૌર્ય શાસન કાળમાં ભારત-ચીન વચ્ચે વ્યાપાર હતો. ત્યાંના લોકો ચીન-કે-લોગ કહેવાતા. લોગ કાળક્રમે ભૂંસાઇ ગયું અને ચીન-કે રહી ગયું. બ્રિટિશરો આવ્યા અને ગયા ત્યારે ચિન્ક શબ્દને સાથે લઈ ગયા. આજે પણ ચાઈનીઝ વાનગી પીરસતા રેસ્ટોરન્ટને બ્રિટનમાં ચિન્કસ કહે છે. ન્યૂ યોર્ક નિકસ બાસ્કેટબોલ ટીમનો સ્ટાર ખેલાડી જરેમી લિન ચીની મૂળનો છે. એને માટે ‘ચિન્ક ઈન આર્મર’ મહાવરો એની જાતિનું અપમાન છે. એટલે ઇએસપીએનના એડિટરને નોકરીથી હાથ ધોવા પડ્યા.

શબદ સંયોગ: જનરલ વી. કે. સિંઘ પણ નામ લીધા વિના આપણા બે પડોશી દુશ્મનો પાકિસ્તાન અને ચીનના સંદર્ભે આપણા લશ્કરના શસ્ત્રસરંજામની નબળાઈ દર્શાવતો પત્ર લખે છે જેને એક અંગ્રેજી અખબાર પોતાની હેડલાઈનમાં ચિન્ક ઈન આર્મર તરીકે દર્શાવે છે. આપણે આપણા સૈનિકોને ઉચ્ચ ગુણવત્તા અને પૂરતા પ્રમાણમાં શસ્ત્રો ન આપીએ તો ચીન આપણા સંરક્ષણ બખ્તરના ચીરા પર હુમલો કરીને આપણને લોહીલુહાણ કરી શકે છે. જનરલ વી. કે. સિંઘના પત્રની બે લીટી વચ્ચેનું લખાણ તો કંઇક આવું જ કહે છે. યે દેશ હૈ વીર જવાનો કા -યે હાચું, અલબેલો કા, મસ્તાનો કા – એય હાચું, પણ બંદૂકમાં ગોળી જ ન હોય તો? આપણા લશ્કરનું ચિન્ક ઈન આર્મર વિચલિત કરી મૂકનારું છે. આપણી નાની અશક્તિ જાનલેવા સાબિત થઈ શકે. ઇસ દેશ કા યારોં ક્યા કહેના!

શબદ આરતી: ભગવાન શ્રી કૃષ્ણ દુશ્મનની ચિન્ક ઈન આર્મર – કમજોરી પારખવામાં પાવરધા હતા. જરાસંઘ સાથેનાં મલ્લયુદ્ધમાં તરણાંના બે ટુકડા કરી ભીમને જરાસંઘના બે ફાડિયાં કરવા સૂચવ્યું હતું. તો દુર્યોધન સાથેના દ્વંદ્વયુદ્ધમાં પોતાની સાથળ થપથપાવીને ત્યાં ગદાનો ઘા કરવા સૂચવ્યું હતું. બંને લડાઇમાં ભીમ વિજયી થયા હતા. આપણા જનરલ વિજયકુમાર સિંઘ પત્ર લખીને આપણી કમજોરી તરફ આપણું ધ્યાન દોરે છે. એમનો હેતુ જે હોય તે, પણ આપણે આપણા આર્મરની ચિન્ક સાંધવી જ રહી.

pp_vyas@yahoo.com

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized