Daily Archives: જૂન 10, 2012

ચી.સૌ.યામિની ના ૫૨મા જન્મ દિવસે આશીર્વાદ સાથે

આજે વરસાદમાં ભીંજાવાની એક ઓર તક મળી ! કોણ જાણે કેમ પણ વરસાદમાં એકલાં પલળવાની મજા તો ન જ આવે અને એકલતા અનુભવાય. પછી તો બસ…. વરસાદનાં એક-એક ફોરાંમાં એક પછી એક પાણીનાં ટીપાંને બદલે યાદ જ ટપકતી જાય. ભીની ભીની માટીની મ્હેંક અને તાવડી પર શેકાતાં રોટલાની મીઠી સોડમ આપણને સ્મૃતિનિદ્રામાંથી જાગૃત કરી, ઘરનાં દડતાં નેવાંનું સંગીત સાંભળવા મજબૂર પણ કરી દે છે.અને યાદ આવ્યો બાવન વર્ષો પહેલાનો સમય….
હેલી પહેલાના ગોરંભાયલા વાતાવરણમાં,૧૦મી જુન ૧૯૬૦ને દિને હું ઉનાઈથી મરોલીઆ હો.નવસારીં ચેક અપ માટે ગઈ હતી. ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે પુરેપુરું ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં.

. ગઇ સાંજે જ પર્જન્ય વિદ્યા જાણકાર લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને જાદુઇ ટોર્ચ રાખનાર આગિયાએ વરસાદનો સંદેશ આપ્યો હતો.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો..આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું.ત્યાં જ વાદળોનો ગડગડાટ્ અને વિજળીના ચમકારે કાંઈ વિચારીએ તે પહેલા જ…
ડો એમની પારસી બોલીમા કહે કેવું મજેનું બેબી છે!

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.

પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર
હોય પાસ તું, બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર

સાવ રે ખાલી મન તારાથી ઉભરે છે ભરપુર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે.

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..

પાસ પાસે હોય સૌ અવાજો ટહુકા તારા શોધું
બારણે નહીં થાય ટકોરા, પગલાં તારા શોધું
હોય ભલે ને નીંદર મારી શમણા તારા શોધું
હોય ભલે ને સાવ નિરવતા દિલની વ્યથા શમે
તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે..

આ તારી જ રચનાથી અમારી લાગણી વ્યક્ત કરી આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ .

તારા ૧૬ વાર ભજવાઇ ચૂકેલા અનેક ઈનામો જીતેલા નાટકને યાદ કરીએ છીએ. સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફુર્તિ અનુભવતી હતી. પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતુ. બંને કિડની કામ ન કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો.
સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડોનર ડો.મિલીના ઇન્ટરવ્યુ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડોનેટ કરી રહી હતી? એને પૈસાની કોઇ મોટી જરુરિયાત હશે કે માનવીય લાગણી ? શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો, ડો, મિલી દોઢેક મહિના પહેલા જ એમ, બી. બી.એસ.થઇને ઇન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટીટ્યુટમાં જોડાઇ હતી. વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એક્ના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડોનરની શોધ ચાલી રહી હતી.આમ પણ મોટા બીઝનેસમેન સૌરભ ને પત્નીની જીંદગી બચાવવા ગમે તેટ્લા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું. આ બાજુ ખુબ જ સાધારણ ફેમિલિની ડો.મિલી પોતાની ‘મા’ ની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેકટ મેચ થતા હતા. શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ.મિલી વસી ગઇ હતી. શુભાંગીએ પ્રથમ પ્રેગનન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી એબોર્શન કરાવ્યું હતું. એનો એને ભારો ભાર રંજ થયો. ‘પોતાને દીકરી હોત તો કદાચ આવડી હોત !’
મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડોનેશનની વાત કરી ન હતી .પરંતુ બાપુને સોગંદ આપીને પણ સમજાવી લીધા હતા. એ જ હોસ્પિટલના બાજુના યુનીટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એક્ની એક દીકરી હતી. હોસ્પિટલના કૅમ્પસમાં જ નાચી કુદી, મોટી થઇ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડોક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડોક્ટર બનવાની ઇચ્છા હતી. માથુર ખુબ મહેનત,ધગશ અને લાગણીથી બધાનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતુ. હોસ્પિટ્લ સ્ટાફ્ના ઘણા ડોક્ટર્સએ મિલીને ભણાવવામાં મદદ કરી હતી. ભણીને એ જ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે આવી હતી. ઓછા ભણેલા માથુરને દીકરી પર અતુટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું ને સારું જ હોય એમ એ માનતો. માની હાર્ટસર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટ્મેન્ટમાં ખુબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી.
નિયત તારીખે કીડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી. એને જલદી રજા મળી ગઇ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો. શુભાંગીના શરીરે પણ નવી કીડની સ્વીકારી લીધી હતી. તબીયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી . એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી. કોણ જાણે કેમ માથુરની ભોળી આંખોમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી. થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી, અંકોડીથી ગૂંથેલી સફેદ થેલીમાં વચ્ચે કેસૂડાંનાં બે ફૂલ ગૂંથ્યાં હતાં. આવી જ થેલી એણે પણ જાતે ડિઝાઇન કરી ગૂંથી હતી ત્યારે સૌરભે ટકોર પણ કરેલી. ‘તને તો કેસરી –ભગવો રંગ બહુ ગમે !’
‘હા, બહુ ગમે, આમ તો કામણગારો છતાં ત્યાગ, બલીદાનનો રંગ, વળી કેસૂડાને આનાથી વધુ ક્યો રંગ સોહે?’ આ વિચાર કડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય, કિડનીની માફક થેલી પણ નજરે ચઢે તો વેચાતી ન લઇ લે! પૈસાદારનું શું કહેવું?
શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઇ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બંનેની નજરમાં કિલક થઇ ગઇ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ,ખુબ સંઘર્ષ કરી,એકલે હાથે બીઝનેસ સંભાળતા હતા. એમણે શુભાંગીને પર્સનલ આસીસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીના હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એક્નો એક પુત્ર સૌરભ જ હતો. એની ખુશી માટે અમીર-ગરીબના ભેદભાવ વિના વગર આનાકાનીએ દુર્ગાએ સૌરભ-શુભાંગીનાં લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઇચ્છતી, કહોકે ,એની પ્રબળ ઇચ્છા હતી એક્ના એક પૌત્રની દાદી બનવાની. વંશવેલો વધારનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઇની પણ ભાગીદારી વગર એક્નો એક પૌત્ર ભવિષ્યમાં બીઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય. વળી દીકરીના વડીલો એ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજૂર ન હતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી-સૌરભને કહી દીધું કે ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં.’ અને એની ઇચ્છા વિરુધ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવાનું કે વર્તવાનું હતું જ નહીં.
શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ હોવાથી દોઢ મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું. થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્ર પ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે, વગર પરીક્ષણે કહી આપું કે દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટુ પડતું જ નથી.’ દુર્ગા આ વખતે શુંભાગીનીની ખૂબ કાળજી રાખતી અને દરરોજ શુંભાગીને મંદીરે લઇ જઇ જ્યોતિષે કહ્યા મુજબની પુજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહીના સુધી જળવાયો. એવામાં એક દીવસ પૂજા કરીને સાસુ વહુ મંદીરના પગથિયાં ઉતરતા હતા ને સાડીનો છેડો પગમાં ભરવાતાં શુંભાગીનો પગ લપસ્યો ને પછી…. દોડાદોડ, હોસ્પિટલ ને ઇમરજન્સી……દોઢ દીવસ શુંભાગી કોમામા રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુંભાગી ઉગરી ગઇ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દીવસો આવ્યાં. સાસુમાની ઇચ્છા પૂરી થઇ. દીકરો જન્મ્યો, આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ જળવાઇ રહી.
ફરી નજર થેલી તરફ ગઇ ને યાદ આવ્યું કે, ‘એ ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઇ રોજ મંદીરે જતી પરંતુ તે દિવસે પગ લપસતા સીધા હોસ્પિટલ ભેગા થવું પડ્યું ત્યારે થેલી મંદીર પાસે જ પડી ગઇ હશે, તે આ થેલી તો ન હોય?’
એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’
માથુર એક ઝાટકે બોલી ઉઠયો: ‘ચામડી કહો તો ઉતારી આપુ, આ થેલી ના આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી, આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની મા ના ગીરવી રાખેલા ઘરેણા લેવા જઉ છું.’
શુંભાગીએ ફરી કહ્યું, ‘તારી દીકરીએ તો કીડની આપી, તું એક થેલી ના આપી શકે?’
માથુરે થેલીને હૈયા સરસી ચાંપીને આંખમાં ઝળઝળીયાં સાથે કહ્યું : ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી. એ બાળકને જન્મ આપી શકે એમ ના હતી. મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી છે. એટલે જ તો એનું નામ મિલી છે…’ છેલ્લું વાક્ય બોલાતું હતું ત્યાં જ દુર્ગાદેવી ને સૌરભની રૂમમા એન્ટ્રી થઇ. બંને ચોંકીને એક્બીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઉઠયો, શુંભાગીના પગ પાસે ફસડાઇ પડ્યો, દુર્ગાના મોઢામાંથી આહ નીકળી ગઇ, ‘મિલી, મારી જ કુળદીવડી !!!’
માથુર કાંઇ ના સમજ્યો. પરંતુ શુંભાગીના મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક (કે જીવતી બાળકી) કચરાપેટી…..ઓહ …….ઓહ!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કીડનીનાં રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી, ‘દીકરી! તે તો જન્મ આપનાર ને પાલક મા, બંને માતાને જીવતદાન આપ્યું. ખરેખર, દીકરી લેવા નહીં, દેવા જ આવતી હોય છે, ધન્ય છે તને! ત્યાં જ દુર્ગાદેવીના ઉચ્ચાર સંભળાયાં, ‘માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું’ બોલતાની સાથે જ એમણે દોટ મૂકી. શુંભાગી ગભરાઇ, બોલી, ‘સૌરભ, મમ્મીજી કયાં ગયાં?’ ‘અરે, એમણે તો દોટ મૂકી.’, ‘હાય, હાય ક્યાં? હાય રામ!’ ‘મિલીના ઘર તરફ…’  તથા ત્યાર બાદ તેના પ્રતિભાવ લેખ…
લાગણીનો થાય સરવાળો મિલીના ઘર તરફ ,પ્રેમના પંખી રચે માળો મિલીના ઘર તરફ
શહેરની સુપ્રસિદ્ધ સંસ્થા રાષ્ટ્રીય કલાકેન્દ્ર છેલ્લા પાંચ સાત વર્ષથી મૌલિક નાટયલેખન હરીફાઈ નું આયોજન કરે છે .ગુજરાતી રંગભૂમિ પર હાલ વિષય અને મૌલિકતાની અછત વર્તાયા છે ,જેના કારણો ભૂતકાળમાં ભજવાયેલ નાટકો નવા સ્વરૂપે રજુ થાય છે.તો ક્યારેક જૂની ફિલ્મની કથા વસ્તુ ની નવી ગૂંથણી કરી નાટકો લખાય છે . તે જ રીતે બીજી ભાષા ના ઉતમ નાટ્યોનું સર્જન પણ રજુ થાય છે .આમાં કશું ખોટું નથી .રણમાં મીઠી વીરડી સમાન ઉતામાં વિષય વસ્તુ ધરાવતા મૌલિક નાટકો પણ ભજવાય છે .કોઈ પણ સશક્ત નાટક ભજવાય એ તખ્તાની ભક્તિ છે,રંગ માંચાની અર્ચના છે જે સદા આવકાર પાત્ર છે.
રાષ્ટ્રીય કલાકેન્દ્ર ની મૌલિક ફૂલલેન્થ નાટ્ય લેખનની હરિફાઈએ દક્ષિણ ગુજરાત માં એક નવી લહેર ઉત્પન્ન કરી જેમાં ૭૦-૭૫ કે તેથી વધુ નાટ્ય કૃતિઓ હરિફાઇમા આવી.આજ પાયાની વાત છે .ભાવકો અને લેખકોએ સર્જનાત્મક નાટક લખવાની પ્રેરણા પૂરી પાડી.એકથી ત્રણ નંબરમા પસંદગી પામ્યા કે નહીં,ઇનામપાત્ર ઠરી કે નહીં,તેના કરતાં નાટક લખવાની ઉત્કંઠા જાગી તેમાં વધારે વજુદ છે.
સુરત સાક્ષરો ની ભૂમિ છે.પ્રખર નાટ્ય લેખકો સુરતે આપ્યા છે .સાક્ષરવર્ય શ્રી ચંચી મહેતા ,જ્યોતીન્દ્ર દવે ,ધનસુખલાલ મહેતા આ શહેરના મૂલ્યવાન નાટ્યરત્નો ગણાયા,તો ત્યાર બાદના શ્રી વજુભાઇ ટાંક , વિહંગ મહેતા,જ્યોતિ વૈદ્ય તથા વિલોપન દેસાઇ એ સુરતનુ નામ રૉશન કરી ગુજરાત અને મુંબઇના તખ્તાને ધમધમતો રાખી પ્રયોગશીલ તથા વ્યવસાયિક નાટકોથી ગુજરાતી રંગભૂમિને ખમીરવંતી બનાવી જે આજપર્યંત કાર્યશીલ છે.
અર્ધશતકથી ધબકતી રાસ્ટ્રીય કલાકેન્દ્ર સંસ્થાની નાટ્યલેખન સ્પર્ધાના ફળસ્વરુપ સુરતને નવોદિત નાટ્યલેખકો સાંપડ્યા છે.આ પા પા પગલી જરુર છે પણ નિઃશંક સ્તુત્ય પ્રયાસ છે,જેના થકી ભવિષ્યમા અલાયદી વિષયવસ્તુ ધરાવતા વિશિષ્ટ નાટકો મળશે, એ આશા અસ્તાને નથી.છેલ્લા પાંચ -છ વર્ષથી વિજેતા કૃતિઓના અભ્યાસથી એ જરુર ફલિત થાય છે કે યુવાન નાટ્યલેખકોમાં કંઇક જુદું લખવાનો તણખો પ્રજ્વલિત થયો છે..
સુરતના આ નાટ્ય ઘટાટોપમાં એક નાનકડી હરિયાળી,વૈયક્તિક વિચારધારા ધરાવતી મંજરી એટલે યામિની વ્યાસ.મૂળભૂત કવયિત્રી,પણ આ હરિફા ઇને કારણે નાટ્યલેખન તરફ વધુ ઝોક આપી પાંચેક મૌલિક નાટકોનું સર્જન કરી ત્રણ નાટકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો,જ્યારે ચાર નાટકો રૂડી રીતે ભજવાયા.હરિ ભરી વસુંધરા,જિંદગીના તારે ઝૂલે જિંદગી,રણમા ખિલ્યું પારિજાત, તથા મિલિના ઘર તરફ ભજવાયા અને પ્રશંસા પામ્યાઔપરાંત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા પણ થયા.દેવના દીધેલ પણ વિજેતા કૃતિ બની.
કેટલાક નાટકો વાચનક્ષમતા ધરાવે છે પણ અભિનય ક્ષમતા નહીંવત,જ્યારે ઘણા નાટકો અભિનયક્ષમતા ધરાવે છે પણ વાંચનક્ષમતામાં ઊણા ઉતરતા હોય . આ બીજા પ્રકારના નાટકોને કારણે સક્ષમ રીતે ભજવાયેલ અને વખણાયેલા નાટકો પુસ્તકસ્વરુપે પ્રકાશિત થતા નથી(મરાઠી કે બીજી ભાષાના નાટકો અપવાદરૂપ હોઇ શકે.) ગુજરાતીમાં છપાયલા નાટકો ખૂબ ઓછા મળે.ભૂતકાળના સારા નટકોનું નવસર્જન કરવું હોય તો હસ્તલિખિત પ્રતને ટાઇપ ફોર્મમા મેળવતા નવનેજા પાણી પાણી ઊતરે. હાલના નાટ્યનિર્માતાઓના આ બાબતે આકરો અનુભવ છે અને નવોદિતોને નવા રૂપરંગ સાથે ખાસી મહેનત બાદ આપે પણ છે. આ માહોલમાં “મિલીના ઘર તરફ’ જેવાનામ્ અત્યાર સુધી તેર પ્રયોગ થઇ ચૂક્યા છે અને હજુએ માંગ થાય છે. તે કૃતિ પ્રકાશિત થઇ છે જે પ્રસંશાપાત્ર અને આવકાર્ય છે જ.સફળતાને વરેલી આ કૃતિ તરીકે સર્વ હરિફાઇમા પ્રથમ વિજેતા નિવડી છે.આ નાટક ભજવણીમા પ્રેક્ષકપ્રિય બની રહ્યું છ તો વાચકોમાં પણ પ્રિય બનવાની ક્ષમતા ધરાવે છે.તજજ્ઞોએ આ કૃતિ વિશે આપેલા અભિપ્રાય પણ આ વાતને સમર્થન પુરૂં પાડે છે.યામિની વ્યાસ ઉભરતા સક્ષત કલાકાર હોવાને નાતે તથા સાંપ્રતતા પ્રત્યેની સભાનતાને કારણે તખ્તાનિ ભૂગોળ,નાટ્યેચિત સંશોધનોનો યથોચિત ઉપયોગ કર્યો છે.સંનિવેશમા પ્રયોગશીલતા નજરે ચઢે છે.સંવાદો દ્વારા પાત્રોના ભાવવિશેષ (મૂડ) અભિવ્યક્ત થાય છે.સંવાદો ટૂંકા,સરળ તથા આસાનીથી બોલી શકાય ીવી રીતે લખાયા છે.સાહિત્યિક મૂલ્યોનો વિશેષ સ્પર્શ અને ક્યાંક કાવ્યાત્મકતા પામેલ શબ્દો નાટ્યલેખનની કુશળતા દર્શાવે છે.૭ થી ૭૦ વર્ષની વયજૂથ ધરાવતા નવા ખિલતા અને અનુભવી નિવડેલ કલાકારોએ આ નાટકમામ અભિનય કર્યો છે.કશું જ ન ભણેલિ વ્યક્તિ એક ત્યજી દેવાયેલ બાળકીને ડૉકટર બનાવે, આ જ ઉદાર લાગણીશીલ ડૉકટર પરાયા માટે કિડનીનું દાન કરે.અસાધ્ય રોગથિ પીડિત સૌને ગમતી ઢીંગલી જેવી નાની બાળકી પ્રત્યે કોઇ પણ સંબંધ ન જોડાયેલ
વોર્ડ બોય તથા પ્રસન્ન દાંપત્ય ધરાવતા યુગલની દર્દી પત્નીનો અપૂર્વ પ્રેમ, સમાજમા મોખરાનું સ્થાન ધરાવતી જાજરમાન પણ દંભી બીઝનેસ વુમન અને મેડીકલ એથિક્સનું ચુસ્ત પાલન કરતા ડૉકટર- આ પાત્રોની અજીબોગરીબ ગૂંથણીથી નાટક સાદ્યંત વાંચનક્ષમ સાથે મંચનક્ષમ બન્યું છે. એક મહત્વનો સાંપ્રત સમયનો સંદેશો-સ્ત્રી ભૃણ હત્યા નિષધ તથા દિકરો કે દિકરીના સમાન ઉછેરની વાતનો આંતરપ્રવાહ
નાટકમાં આડંબર વિના અસ્ખલીત વહેતા ઝરણાની જેમ-વધુ મુખરીત થયા વિના,શાંતિથી સમજદારીપૂર્વક પ્રવાહિત થાય છે જે આ નાટકનું વિશેષ સબળ પાસું છે.લઘુ નવલિકાનિ જેમ આ નાટક વાંચવામાં એટલો જ આનંદ મળે છે, જેટલો એને ભજવવાતો જોવામાં મળ્યો.વિષયવસ્તુ પસંદ કરવાની યામિની વ્યાસની એક આગવી કુનેહ છે જે એમના અપ્રકાશિત પરંતુ ભજવાઇ ચૂકેલા નાટકોમા દ્રુશ્યમાન થાય છે. લેખિકાએ એકાંકી પર પણ કસબ દાખવ્યો છે.’દીપમાળ’ જે ૨૫ પ્રયોગો પુર્ણ કરવા તરફ જઇ રહ્યું છે અને એક વિરલ ઘટના ,એથીય વિશેષ,નિર્વિવાદપણે માત્ર સ્ત્રી ભૃણહત્યા નિષેધના સંદેશને ખુણે ખૂણે પહોંચાડતી નાટિકા ‘જરા થોભો’ છેલ્લા ત્રણેક વર્ષમા૧૭૫થી એ વધુ પ્રયોગો પૂર્ણ કરે એ અદ્વિતીય ઘટના કદાચ પ્રથમ વાર છે.
યામિની વ્યાસ લિખિત ભજવાયેલ કે ન ભજવાયેલ નાટકો પુસ્તક સ્વરુપે પ્રકાશિત થાય એ યોગ્ય ગણાશે અને આશા રાખીએ કે હજુ એ વધુ સારા વિષય,વૈવિધ્ય સભર,પૂર્ણ અભિનયક્ષમતા તથા વાંચનક્ષમતા ધરાવતા નાટકો લેખિકા દ્વારા મળતા રહેશે તો ઉચિત રંગભક્તિ ગણાશે.
‘મિલીના ઘર તરફ’ પૃષ્ઠ ૭૨,પ્રાપ્તિ સ્થાન,સાનિધ્ય પ્રકાશન,૧૦૦ શાંતીકુંજ સોસાયટી,પાલનપુર જકાતનાકા,મીની વિરપુર રૉડ,સુરત કિંમત રૂ ૭૦/
1 File (203KB)

Mili Na Script.pdfMili Na Scr

57 ટિપ્પણીઓ

Filed under Uncategorized