Daily Archives: જૂન 17, 2012

સુખ /“મિસ્કીન” અને ર.પા.

સુખ / મિસ્કીન અને અ.પા.

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીનP1011107

આભાર લયસ્તરો

સુખ જેવા શબ્દને ય સાવ અલગ સ્પર્શ આપી ખૂબ જ બારિક અને માર્મિક ગુંથણી ! કેટલાક ખંડિયરો,,,
રંગ નીખરે હૈ
જ્યું જ્યું બીખરે હૈ
ત્યારે આ ખડિયેર===
…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.
જાણે કે સાઠ સાઠ વરસોએ રમ્ય મહેલને જાણે ખંડિયેર બનાવી દીધો છે! છ છ ‘દાયકાઓએ કોટ ને કાંગરા ખેરવી નાખ્યા છે. એકવીસ હજાર નવસો પચાસ દિવસો એના પર ચઢી બેઠા છે. બધું જ તહસનહસ કરી નાખ્યું છે સમયે ઝુંટવી લીધું..અવરજવરનું સુખ!

……………………………………………………………………………..

અમારા પુત્ર પરેશને તેને ગમતા કાવ્યનું પઠન કરવાનૂં કહીએ તો સૌ પ્રથમ ર પાનું

તેમના સ્વમુખે સાંભળેલા આ કાવ્યનું પઠન કરે

સમજયા, ચંદુભાઇ!

એને ટેવ નડી, ટેવ…

ખોતરવાની.

આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,

કાંઇ ખોતરવે ચડયો…

છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું

મોટા મોટા ખાડા કર્યા ઇમાં

મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ

જોવું’તું નજરોનજર

પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ

ઇ અડબાઉને એમ કે

ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય

સુખના ઝાડવા ફિલમુમાં ઉગે

સુખના ફુવારા કવિતામાં ઉડે

નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા

તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!

દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…

એને એમ કે સોમવાર કે રવિવાર હોય

એમ સુખ પણ હોય જ!

ટપુભાઇને તરવેણીબેનની જેમ

સુખે ય આપડે ત્યાં આવે…

અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?

આપણે તો જાણીએ, ચંદુભાઇ કે

સસલાને શિંગડા હોય તો

માણસને સુખ હોય.

ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ

ચોપડિયું વાંચીએ

જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં

પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?

છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?

એક દિવસ ખુસાલિયો

પોતાના સપનાંને અડ્યો’તો!

ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!

પણ હાળો મરસે !

સુખ નથી આઠે બ્રહ્માંડમાં

સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર

આવી વાત ઇ જાણતો નથી

ઇ જ એનું સુખ!

14 ટિપ્પણીઓ

Filed under ગઝલ, Uncategorized