Daily Archives: જૂન 25, 2012

તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું./અશરફ ડબાવાલા

શબ્દથી જો સાંકળો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.
પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.
સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.
તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.
આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે;
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.
-અશરફ ડબાવાલા
આપણા NRI કવિ ડો. આશરફ ડબાવા. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.
સૌજન્ય ગાગરમાં સાગર

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized