Daily Archives: જાન્યુઆરી 10, 2013

ધુમ્રપાનમ્ મહાદાનમ્, ગોટે ગોટે ગૌદાનમ્……/પરેશ પ્ર વ્યાસ

DSCN0623

એક જુની જોક છે. ‘અરે ભાઇ,  સિગારેટમાંથી ધુમાડો કેમ નીકળતો નથી?’ તો કહે, ‘ઇ કરીને આ તો સીએનજી  સિગારેટ  છે. એમાં ધુમાડા નૉઓ નીકળે !’ મજાક જવા દઇએ. પણ ધુમ્રપાન કરનારાઓને સિગારેટ પીવાનું છોડવાની ઇચ્છા હવે થાય તો છે તેવી હકીકત મારા અને મારી પત્ની કોકિલાનાં ધ્યાન પર આવી છે. એનું એક કારણ એ છે કે સિગારેટ હવે મોંઘી થઇ છે. સરકારે એની પર ફેફસાતોડ ટેક્સ નાંખ્યો છે. અંગ્રેજીમાં આવા ટેક્સ માટે સરસ નામ છે. સિન ટેક્સ(Sin Tax).  સિગારેટ પીવી પાપ છે. પણ પાપ કરતા હોય તો પછી કરવેરો તો ચુકવવો જોઇએ ને? મંદી અને મોંઘવારીનો એ ફાયદો છે કે હવે આપણને પાપ કરવા પોષાતા નથી.  બીજું કારણ એ છે કે જાહેરમાં સિગારેટ પીવા પર પ્રતિબંધ છે. એટલે હવે તેમ કરતા શરમ આવે છે. ત્રીજું કારણ રજનીકાન્ત છે. એણે તાજેતરમાં જ એનાં 62માં જન્મ દિવસે એકઠાં થયેલા એનાં પ્રશંસકોને સંબોધતા કહ્યું કે “હું તો ધુમ્રપાન છોડી શક્યો નથી, પણ તમે એ લતમાં પડતા નહીં.” હવે રજનીકાન્ત કહે એટલે એ તો શિલાલેખનાં અક્ષર. મારી વાત તો જળની બારાખડી. મારી વાત કોઇ માને નહીં પણ રજની સર કહે એટલે માનવું જ પડે.

પણ વિલાયતનાં સમાચારે કોકિલાને ચમકાવી. કોકી મારી પત્ની છે. એ ચોંકી જાય એટલે હું ઊર્ફે એનો પ્રાણપ્રિય પતિ, નામે રસિક મહેતા તો એક્ચુલી હલબલી જાઉં ! યુ. કેમાં થયેલા એક તાજા સર્વેક્ષણ મુજબ સિગારેટ છોડવાની ઇચ્છા કરતા પાંચ પૈકી એક તો ચોવીસ કલાકમાં જ ફરી પાછા આદત સે મજબૂર સિગારેટ પીવા માંડે છે. તો સિગારેટ છોડવા માંગનારા પૈકી અડધોઅડધ ધુમ્રપાન રસિયાઓનાં વ્રત  બટકતા એકાદ અઠવાડિયું લાગે છે. તેમ છંતા સારી વાત એ છે કે 45% જેટલા લોકો સિગારેટની ટેવ વારંવાર છોડવાની અનેક નિષ્ફળ કોશિશ છંતા ફરી એક વાર પ્રયત્ન કરી જોવા કટિબદ્ધ છે. કરતા જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણતૂટેલે ટાંતણે…. સિગારેટ પીવા જાય..!

કોકિલાએ કહ્યું કે યુ.કે.માં ફાયઝર નામની દવા કંપનીનાં સહયોગથી આ મહિને ‘ડૉન્ટ ગો કોલ્ડ ટર્કી’ કેમ્પ્યેન ચાલે છે. કોકિલા અંગ્રેજીની પ્રાધ્યાપિકા છે એટલે ડૉન્ટ ગો ટર્કીનો અર્થ પણ સમજાવે છે. પત્ની શિક્ષિકા હોય એટલે ફોડ પાડીને તમને સમજાવે. સામાન્ય રીતે હું ક્લાસમાં છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી જેટલો રસ દાખવતો હોઉં છુ. પણ સિગારેટની આદત અને મરઘી કુળનાં જમીની પક્ષી ટર્કી વચ્ચે શું સામ્ય છે ?- તે જાણવા હું આતુર હતો. કોઇ અઠંગ વ્યસની એકદમ વ્યસન ત્યજી દે તેને ‘કોલ્ડ ટર્કી’ કહેવાય. એકદમ વ્યસન છોડવું હિતાવહ નથી. એ મુશ્કેલી સર્જે છે. ઠંડો પરસેવો થાય, ચામડી સફેદ થઇ જાય, જેમ કે વધેરીને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલું ટર્કી.  ‘ડૉન્ટ ગો કોલ્ડ ટર્કી’ ઝુંબેશમાં હેલ્થ વર્કર વ્યસનીઓને સમજાવે છે કે આદત એકદમ છોડીએ તો એટલું ખરાબ ફીલ થાય કે તલપ ફરી લાગે અને વ્યસન મુક્તિની આખી વાત જ ધુમાડો થઇ જાય. ધીમે ધીમે ત્યજીએ તો કાયમ માટે ત્યજી શકાય.

નવું વર્ષ આવે એટલે લોકો સંકલ્પ લેતા હોય છે. વ્યસનીઓ વ્યસન ત્યજવાનો સંકલ્પ લે પણ એને ખબર હોતી નથી કે વ્યસન ત્યજવા માટે આહિસ્તા આહિસ્તા આગળ વધવાની જરૂર છે. એકદમ ધુમ્રપાન છોડી દેનારા અઠંગ વ્યસની એક વર્ષમાં પાછા દમ મારો દમ કરતા થઇ જાય છે. વ્યસન મુક્તિ માટે વ્યાયામ મદદરૂપ થાય છે. વ્યસન મુક્તિ માટે સત્સંગ અને ધર્મભાવના પણ મદદ રૂપ થાય છે.

ધર્મભાવનાથી યાદ આવ્યું, રમણભાઇ નીલકંઠ લિખિત ‘ભંદ્રભંદ્ર’. એવા બ્રાહ્મણની વાત જે ગુજરાતી ભાષાને સંસ્કૃતમય કરીને બોલવાની ટેવવાળા છે.  ટ્રેનમાં.. ઓહ, ક્ષમા કરજો, લોહપથગામિનીમાં એને એક યાત્રી મળી જાય છે જે એને બીડી પીવા આગ્રહ કરે છે.

કહે છે,  ‘ શાસ્ત્રમાં તો બીડી પીવાનું બહુ પુણ્ય લખ્યું છે.’

ભદ્રંભદ્ર કહે, ‘હોય નહિ, જૂઠી વાત.’

‘નહિ કેમ? જુઓ,’

धूम्रपानं महादानं गोटे गोटे गौदानम् |
अग्निहोत्री महायागे पुनर्जन्मस्य नाशनम् ||

‘એવું ધૂમ્રપુરાણમાં લખ્યું છે. મુખ પર અગ્નિ મૂકવાનું મહાપુણ્ય છે. તેથી મડદાંની અવગતિ થતી નથી.’

શ્લોકની વાતનો ગપગોળો ભદ્રંભદ્રને વિચાર કરતા કરી મુકે છે.

કોકિલા કહે છે કે ભદ્રંભદ્રનાં સહપ્રવાસી જેવા કંઇ કેટલા ધુમ્રપાનનાં બંધાણી બીજા નિર્વ્યસનીઓને વ્યસન તરફ કોઇ ‘ને કોઇ રીતે આકર્ષે છે. કોઇ શાસ્ત્રાર્થ કરીને, તો કોઇ ચરિતાર્થ કરીને. ફિલ્મ્સમાં હીરો સિગારેટ પીએ એટલે કંઇ કેટલા પીતા થઇ ગયા’તા. પણ હવે સરકાર કડક થઇ છે. ફિલ્મ્સ અને ટીવીમાં પણ જે તે સીન વખતે પણ કાનૂની ચેતવણી દેખાડાય છે એટલે ધુમ્રપાન ઘટ્યું છે. કોકિલા બીડી વિરુદ્ધનો એક દુહો સંભળાવે છે.

બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં, મરદ મૂછાળી જાતને.

બીડીથી મરદ મૂછાળા પણ બકરી બેં થૈ જાય. માટે કોકિલા કહે છે કે હે મરદ મૂછાળાઓ(અથવા મરદ ક્લિન શૅવન્સો), જો તમે બીડી પીતા હો, સિગારેટ પીતા હો, તો નવા વર્ષે એને ત્યજી દેવાનો સંકલ્પ લેવાનો અને એને ધીમે ધીમે ત્યજી દેવાનો અવસર છે.

હું કવિવર રમેશ પારેખને યાદ કરું છું. એમણે  બીડીનો મહિમા કરતા કરતી ગઝલ રચી હતી. આટલા બધા ટેન્સનમાં બીડી પીવાનો એક માત્ર સધિયારો હોય છે, કે જ્યારે આપણે હર ફિકરકો ઘુંએમેં ઊડાતા ચાલી નીકળીએ. ગુજરાતમાં રહી દારૂબંધી. ત્યાં સાકી શું કરે? એટલે કવિ સાકીને બીડી પાઇ દેવા ઇજન આપે છે. વ્યસનમુક્ત સમાજની વાત સાચી, પણ ક્યાંક ધુમ્રપાનથી રાહત મળતી હોય તો.. બીજાને નડીએ નહીં તેમ પીએ  તો…યુ સી…ખાસ વાંધો નહીં. પણ હું આ વાત કોકિલાને કહેતો નથી. કોકિલાને મારી દરેક બાબતમાં હંમેશા કાંઇક સારું જોવાની ટેવ લગીરે ય પસંદ નથી. હું મધ્યમમાર્ગી છું. આમ કરવું, પણ જો કોઇ કહે કે આમ નહીં ‘ને તેમ, તો ભલે તેમ.. આપણને નડવા ન જોઇએ…..ખરું ને? પણ કોકિલા ધુમ્રપાનની સખત ખિલાફ છે. હું કોકિલા સાથે અસહમત થઇ શકતો નથી. આપણે પાણીમાં રહેવું અને જળપરી સાથે વેર.. એ તે કેમ બને? પણ ર. પા.ને ટાંકીને લેખ પૂર્ણ કરવાનું સાહસ કરું છું. આ લેખ અઠવાડિયા પછી છપાશે ત્યારે કોકિલા મને ધુમ્રપાનનો મહિમા ગાવા બદલ ખીજાશે. પણ ત્યારે જોયુ જશે. એમ કાંઇ પ્રિય કવિ ર. પા.ને ટાંકવાનો અવસર જતો થોડો કરાય?

કલરવ:

બીડી પાઇ દે, સાકી

બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી

હું ઊંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી

ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં

ધુમાડો થાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી

જતું જે અન્યનાં ઘર બાળવા માટે એ ટોળામાં,

 હું યે જોડાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી

થયો હું એવો અઘરો કે ખુદને પણ ન સમજાઉં

વધુ ગૂંચવાઉં તે પહેલાં તું બીડી પાઇ દે સાકી

 

 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized