Daily Archives: જાન્યુઆરી 17, 2013

નોન-વેજ વિષેની વેજ વાત…/ પરેશ પ્ર વ્યાસ


 

નોન-વેજ વિષેની વેજ વાત                    

“તમને રંગ લાલ ગમે કે લીલો?” મારી પત્ની કોકિલાએ મને પ્રશ્ન પૂછ્યો.

 “બન્ને” મેં ડિપ્લોમેટિક જવાબ દીધો.

 “લાલ ટપકું એટલે નોન-વેજ અને લીલું એટલે વેજ…હવે કહો, લાલ કે લીલું?”

 

“અલબત્ત લીલું, પણ તું કોઇ પણ સંદર્ભ વગર ઉખાણું પૂછે તો મને શી રીતે સમજાય?”

“તો પૂછી લેવું જોઇએ. જવાબ દેવામાં ઉતાવળ શું કામ કરો છો?” કોકિલાએ ટહૂકો કર્યો.

પણ મને એ સમજાયું નહોતું કે આજે અમારા ઘરમાં વર્જ્ય અને તજ્ય ગણાતા માંસાહારની ચર્ચા કોકિલા કેમ માંડી રહી હતી ? નક્કી કોઇ તાજા સમાચારમાં આવી ચર્ચા હોવી જોઇએ. કોકિલાએ એનો ફોડ પાડ્યો. અમેરિકામાં આજથી 38 વર્ષ પહેલાં પૌલ એબિસ નામનાં ભાઇએ એક લેખ લખ્યો. “બીઇંગ વેજીટેરિયન-ઇઝ નેવર હેવિંગ ટૂ સે સોરી-ટૂ ધ કાઉ” (અર્થાંત શાકાહારી હોવું એટલે ગાય સમક્ષ ક્યારેય-એનું માંસ ખાવા બદલ- માફી ન માંગવી પડે).  હા, અમેરિકન સહિત વિશ્વનાં ઘણાં લોકો ગાયનું દૂધ પીએ છે અને ગાયનું માંસ ખાય છે. એટલે અમેરિકાનાં કોઇ અખબાર કે મેગેઝીનનાં તંત્રીઓએ શાકાહારનો મહિમા ગાતો લેખ છાપ્યો જ નહીં. આખરે પૌલભાઇએ લેખની ચાર પાનાની ઝેરોક્સ કોપી કરાવી. આ હેન્ડ-આઉટ માંડ બે જણાંએ ખરીદ્યો. પણ પૌલભાઇ હિંમત હાર્યા નહીં. આજે ‘વેજીટેરિયન ટાઇમ્સ’ નામનાં આ લાઇફ સ્ટાઇલ મેગેઝીનનું સરક્યુલેશન સાડા ત્રણ લાખ નકલોને આંબી ગયુ છે. આ મહિને એટલે કે જાન્યુઆરી, 2013માં આ મેગેઝીનનો 400મો અંક પ્રસિદ્ધ થયો. જે દેશમાં માંસમચ્છી વિના કોઇ ભોજન બનતું નથી, એ દેશમાં શાકાહારને  લોકપ્રિય બનાવવાનું કામ કરવું કાબિલ-એ-દાદ છે. આ મેગેઝીન વેજીટેરિયન અને ફ્લેક્સિટેરિયન લોકોમાં લોકપ્રિય છે. ફ્લેક્સિટેરિયન એટલે જે ખાવામાં ફ્લેક્સિબલ છે. આમ હોય તો નોન-વેજ ખાનારા, પણ નોન-વેજ જોઇએ જ એવું કાંઇ નહીં. વેજ પણ ચાલે. ટૂંકમાં, ‘ચાલે’ એ જ ચાલે- એવું કાંઇ નહીં !

આપણે મુખ્યત્વે શાકાહારી છીએ. વિદેશી ક્વિક-સર્વિસ ખાણીપીણી કંપનીઓ અહીં આવે ત્યારે એને આપણે ત્યાં વેજ બર્ગર પીરસવાની ફરજ પડે છે. મેકડોનાલ્ડે કર્યું. હવે એવા સમાચાર પણ છે કે કેએફસી(કેંટકી ફ્રાઇડ ચિકન)ને પણ જાન્યુઆરી, 2013થી વેજ વાનગી પીરસવાની ફરજ પડી છે. જે કંપનીનાં નામમાં જ ભૂંજેલી મરઘી સમાયેલી હોય, એને આપણે ઘાસપાલો પીરસવા મજબૂર કરી શકીએ, એવું પાવરફુલ કન્ઝ્યુમરિઝમ  કોકિલાને ગમે છે. કોકિલા હિંસક અહિંસાવાદી છે. એ બન્ને પ્રકારનાં ભોજન પીરસતી રેસ્ટોરંટ્સમાં જમતી નથી. કહે છે કે ગ્રેવી તો એકની એક જ હોય અને તપેલાંનાં ચમચા ય એક જ હોય. આપણેઅભડાઇ જઇએ. એટલે અમે ફરવા જઇએ ત્યારે પુરી, પંગોચા, ચીકી, ભાખરવડી, સેવમમરા, પાપડપૌંઆ સાથે રાખીએ છીએ. થેપલા તો ખરાં જ. હું ખુદ શાકાહારી છું. પણ બીજા ખાય તો એ ગુન્હો ન હોવો જોઇએ એવો ઉદારવાદી મત ધરાવું છું. કોકિલાને મારું વૈચારિક ફ્લેક્સીપણું જરા ય ગમતું નથી.

વર્ષો પહેલાં હું નાગપુરમાં ભણતો હતો ત્યારે કોલેજમાં મારી સાથે એક મઝાનો બંગાળી છોકરો ભણતો. ગોપાલ ચંદ્ર કુન્ડુ. આમ તો મઝાનો, પણ દલીલ બહુ કરે. બંગાળી હોવાને નાતે માછલી ખાતો. મરઘાં ય ખાતો. ગાય માંસ નહોતો ખાતો, પણ દલીલ જરૂર કરતો કે ગાય માંસમાં પ્રોટિન પુષ્કળ હોય છે. હું કોઇ દલીલ કરતો નહીં. બંગાળીઓ સામે વાદવિવાદમાં જીતવું અઘરું છે, એની મને સમજણ હતી. એ તો મને એવું ય કહેતો કે આઝીદીની લડાઇમાં કેટલા ય બંગાળીઓ અને પંજાબીઓ શહીદ થયા. પણ આઝાદીમાં અહિંસાનાં નામે, કોઇ પણ બલિદાન દીધા વિના, જીવતા રહીને, જલસા કરીને, સંસાર સુખ ભોગવીને, આઝાદી મેળવવાનો બધો જશ તમે ગુજરાતીઓ લઇ ગયા. પણ હું કોઇ સામી દલીલ કરતો નહીં. એની દલીલને સ્વીકારી લેતો. એને મારી ચૂપકીદી કઠતી. એને દલીલબાજીની વન-સાઇડેડ મેચમાં જીતી જવા છંતા જીત્યાનો કોઇ રોમાંચ થતો નહીં. આમ હું એને અહિંસક રીતે હરાવતો. હું પરપ્રાંતમાં રહીને પરપ્રાંતિઓ વચ્ચે નર્યો નખશીખ ગુજરાતી હતો.

તે સમયની આ એક સત્ય ઘટના છે. અમે મિત્રો એક વાર સાયકલ પ્રવાસમાં નાગપુરથી વર્ધા ગયા. સવારે પહોંચ્યા. પૂજ્ય વિનોબાનાં આશ્રમમાં અમને સુંદર આવકાર મળ્યો. સિતાર વાદન સાંભળ્યું. વિનોબાજીનું પ્રવચન સાંભળીને ધન્ય થયા.  પછી પ્રશ્નોત્તરી શરૂ થઇ. અમારા ચર્ચાનિષ્ઠ ગોપાલ કુન્ડુથી રહેવાયું નહીં. એણે વિનોબાજીને પૂછ્યું કે “આપ ગાય હત્યા રોકવા માટે જ કેમ કહો છો? શું બીજાં પ્રાણી નથી? શું એમાં જીવ નથી?” ગોપાલ માનતો કે  માંસાહાર વિરોધની વાત નર્યો દંભ છે. પણ અમને થયું કે એણે અહીં આવો પ્રશ્ન પૂછીને એની અક્કલનું અને એની માન્યતાનું પ્રદર્શન નહોતું કરવું જોઇતું. વિનોબાજીએ થોડા ગુસ્સામાં મારા બધા તરફ  આંગળી ચીંધી. કહ્યું, ‘ગધા’. મારી બાજુમાં બેઠેલા મારા લાંબા સહાધ્યાયી તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘ઊષ્ટ્ર’. આમ અમારી આખી ટોળીને એક એક પ્રાણીની ઉપમા આપ્યા પછી વિનોબાજીએ કહ્યું, “યે સબકા કામ ક્યા અકેલા બાબા કરેગા? વો તુમ કરો?” અને આજે બત્રીસ વર્ષે વિનોબાજીનાં આદેશનું પાલન કરવા માંસાહાર વિરોધી લેખ લખી રહ્યો છું.

થોડા વર્ષો પહેલાં હું અને કોકિલા કેરો(ઇજિપ્ત) ગયા હતા ત્યારે ત્યાં મુવ એન્ડ પીક રેસ્ટોરાંમાં વેઇટરે અમારા શાકાહારીપણાં પર દયા ખાધી. કહે નોન-વેજ ન ખાવ તો શક્તિ શી રીતે મળે? વાઘ સિંહ માંસ ખાય છે. કેવા શક્તિશાળી છે? એણે દલીલ કરી હતી. મેં સામી દલીલ કરી કે હાથીને જોયો છે? રીંછ વિષે ખબર છે? ગેંડો દીઠો છે? આ બધા વેજીટેરિયન છે. છંતા શક્તિશાળી છે. ઇજીપ્ટિયન વેઇટર બંગાળી ન હોવાનાં કારણે દલીલબાજીમાં હું જીતી શક્યો હતો. ગોપાલ કુન્ડુ મારી સાથે હોત તો એણે એ વેઇટરને સુવ્વરનું માંસ ખાવા ય સમજાવી દીધો હોત ! 

ખલીલ જીબ્રાન ‘પ્રોફેટ’માંકહે છે કે જીવવા માટે વનસ્પતિ કે પ્રાણીનું ભક્ષણ કરવું પડે. તો પછી પ્રાર્થના કરવી કે જેમ હું મારા જીવન માટે આજે તારી કતલ કરું છું, તેમ કોઇ મારાથી વધારે શક્તિશાળી મને પણ વધેરશે. જીવો જીવસ્ય ભોજનમ્ . એ વાત સાચી પણ આપણું પેટ કાંઇ કબ્રસ્તાન થોડું છે તે મરેલા જીવને ત્યાં આપણાં પેટમાં દફનાવીએ?

કલરવ:

મોસમ બધી ગુલાબી હજુ એ ની એ જ છે
ઝાંખપ કદાચ મારી નજરમાં જ સહેજ છે

સુક્કા થયેલ ઓષ્ટ, અને શુષ્ક ચામડી
કિંતુ હ્રદયમાં પ્રેમનો એવો જ ભેજ છે

સાધુ, જતિ ને શોભતી વાણી હવે વદુ
વાતો અમારી ક્યાં હવે એ નોન-વેજ છે..!!

ડૉ. જગદીપ નાણાવટી

1,000 Vegetarian Recipes

 

 

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized