Daily Archives: જાન્યુઆરી 19, 2013

સેલ્ફ ઇન્ટરપ્શન: સ્વયં રૂકાવટકે લિયે ખેદ હૈ…/ પરેશ પ્ર વ્યાસ

 

 

કવિ શ્રી અનિલ જોશીનાં એક ગીતનાં અંતરામાં નાયિકા કહે છે, ‘સાસુ ‘ને સસરાજી અબ ઘડી આવશે કાશીની પુરી કરી જાત્રા, રોજિંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને આંબલીની હેઠે પડ્યા કાતરા..’ સાસુ ચૂંધીખોર છે. સસરા ચોખલિયાળા છે. એ જાત્રા કરીને પરત આવી રહ્યા છે. સમયસર ઘર ચોખ્ખુંચણાક કરવાનું છે. પણ આંબલીની હેઠે પડેલા કાતરા નાયિકાનું માઇન્ડ ડિસ્ટ્રૅક્ટ કરી રહ્યા છે. એકાગ્રતા ભંગ કરી રહ્યા છે. કોઇ અગત્યનું કામ કરતા હોવ અને તેવે ટાણે  કોઇ વ્યક્તિ કે  વસ્તુ તમને ખલેલ પહોંચાડે, વચ્ચેથી અટકાવે, દખલ કરે તો તેને ઇન્ટરપ્શન કહેવાય. પણ એ બાહ્ય વિક્ષેપ છે.  પણ શું આપણે જ છાશવારે આપણી જાતને એકાગ્ર થતા અટકાવીએ છીએ? પહેલાં દિવાસ્વપ્ન જોવાતા. પ્રેમમાં પડીએ ત્યારે હર તરફ પ્રિયતમા દેખાયા કરે. હવે આપણી પાસે સોશિયલ મિડિયા છે. ઘડી ઘડી ઇ-મેલ ચેક કરીએ કે પછી ફેસ-બૂક, ટ્વિટર ખોલીને બેસીએ. કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ હવે હાથવગા અને હૈય્યાવગા. તમારી એકાગ્રતા ભંગ થઇ જ સમજો. કોઇ કામ એકધારું થાય નહીં. બસ એવી જાતે કરેલી રૂકાવટને કહેવાય  સેલ્ફ ઇન્ટરપ્શન(Self- Interruption).

 

કાર્નેગી મેલોન યુનિવર્સિટીનાં રીસર્ચ પેપરનું શીર્ષક છે, ‘શું તમે પોતે જ તમારા સૌથી નઠારા દુશ્મન છો?- કોમ્પ્યુટર પર સેલ્ફ-ઇન્ટરપ્શન’. આ શબ્દ પ્રયોગ મેનેજમેન્ટ એક્સપર્ટ માર્ગારેટ મિલરે પહેલી વાર સીએમએ મેનેજમેન્ટ મેગેઝીનમાં પોતાના લેખ ‘ટેઇક એ લોડ ઓફ’ માં સૌ પ્રથમ વાર કર્યો હતો. કામ કરતા કરતા બીજે ફાંફા મારવા કે ખાંખાંખોળા કરવા યોગ્ય નથી. કોઇ અગત્યનું કામ યાદ આવે તો તેને ટૂ-ડૂ લિસ્ટમાં લખી રાખવું. પણ મુખ્ય કામને અટાવવું નહીં. કહેવત છે ને કે કામ વખતે કામ અને ખેલ ટાણે ખેલ. વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ ચેટ વ્હાઇલ યુ ચેટ…

 

ઘણું મોડું થઇ જાય તે પહેલાં તમારા સ્વયં સર્જીત ખલેલને ખાળો. ચિકાગો ટ્રિબ્યુન અખબાર લખે છે કે મોડર્ન ઓફિસમાં ઘડીમાં ઇ કરીને ઇ-મેલ જોવા પડે તો ઘડી ઘડીમાં ટૂટ ટૂટ ટ્વિટવું પડે. સેલ્ફ-ઇન્ટરપ્ટ થઇએ નહીં તો બીજું થાય પણ શું? માર્કેટ રીસર્ચ કંપની યુ-સેમ્પ પોતાનાં અભ્યાસ પરિણામમાં લખે છે કે 45% ઓફિસ વર્કર્સ પોતાના કામમાં માંડ પંદર મિનિટ વીતાવે ત્યાં તો જાત-ખલેલ આવી જ જાય છે. અડધાથી પણ વધારે ઓફિસ વર્કર્સ દિવસનો સરેરાશ એક કલાક આવા નકામા સેલ્ફ-ઇન્ટરપ્શન પાછળ ગાળે છે. 60% જેટલાં સેલ્ફ-ઇન્ટરપ્શન માટે ઇ-મેલ, સોશિયલ નેટવર્કિંગ કે એસએમએસ જવાબદાર છે.

 

જૂલી મોર્ગનેસ્ટને પુસ્તક લખ્યું; ‘નેવર ચેક ઇ-મેલ ઇન ધ મોર્નિંગ’. સવારમાં ઘણાં અગત્યનાં કામ હોય ત્યારે આપણે શું આપણે આપણી જાતને સેલ્ફ-ઇન્ટરપ્ટ થવાની રજા આપીશુ? સ્વાભાવિક એવી ઇચ્છા થાય કે સવારે સૌથી પહેલાં આ નાના ફાસફૂસિયા કામ નિપટાવી લઇએ. મુખ્ય કામ પછી હાથ પર લઇશું. પણ મુશ્કેલી એ છે કે આવા નાના નાના કામ કયારે પણ પૂર્ણ થતા નથી. અને મુખ્ય કામ ટલ્લે ચઢી જાય છે.

 

જેફ ડેવિડસન પોતાનાં પુસ્તક ‘બ્રીધિંગ સ્પેસ’માં લખે છે કે માણસને હવે એકાંત ગમતુ નથી. એને સતત એવું થાય છે કે મારી કોણે નોંધ લીધી? મને કોણ જાણ્યો ‘ને વખાણ્યો? વાત તો સાચી છે. ફેસ બૂકનું વળગણ એવું છે કે પોતાનાં ફોટા કે લખાણને કોણ ગણે છે કે કોણ અવગણે છે અથવા તો  ફેસબૂકની ભાષામાં કહીએ તો કોણ લાઇક કરે છે, કોણ કોમેન્ટ કરે છે, કોણ શેર કરે છે; તે જાણવાની જિજ્ઞાસા સતત રહે છે. બસ એ જ કારણ છે કે આપણે વર્ચ્યુઅલી સતત જાતજાતની જાળમાં ફસાયેલા રહીએ છીએ. પાછો એવો વહેમ પણ પોષીએ છીએ કે આપણે ભગવાનની જેમ ચતુર્ભુજ છીએ. એક સાથે અનેક કામ ઊર્ફે મલ્ટી ટાસ્કીંગ કરી શકીએ છીએ. પણ અંતે તો વિલંબ જ થાય છે. મુખ્ય કામ તો નિપટાવવું જ પડે.  આમ સરવાળે સેલ્ફ ઇન્ટરપ્શનનાં કારણે ઓફિસમાં વધારે સમય આપવો પડે છે. ઘરે આવતા મોડુ થઇ જાય છે. પરિણામે આપણે આપણાં ફેમિલીને રીઅલ ટાઇમ આપી શકતા નથી. વેલ્યૂ એડેડ ટાઇમ આપી શકતા નથી.

 

ધ આટલાંટિક અખબારનો અહેવાલ જણાવે છે કે હવે કંપનીઓ પોતાના કર્મચારીઓને એક સાથે નિયત સમયે ઇ-મેલ મોકલે છે. જેથી કર્મચારી સેલ્ફ-ઇન્ટરપ્ટ થાય નહીં. કામ પર ધ્યાન પરોવી શકે. પહેલાં ઋષિ મુનિઓનાં તપભંગ માટે મેનકા, ઊર્વશી જેવી ફી-મેલ મોકલાતી. હવે એ કામ ઇ-મેલ કરે છે.

 

ફોર્બસ મેગેઝીનનાં તાજેતરનાં ઇસ્યુમાં ઇ-મેલની એટિકેટ સમજાવી છે. 1. ઇ-મેલ નિયમિત ચેક કરો પણ વારંવાર નહીં. 2. ઇ-મેલ ત્યારે જ ખોલો જ્યારે તમને મોકલાયેલા ઇ-મેલ જોવા અને એનો જવાબ આપવા તમારી પાસે પૂરતો સમય હોય 3. ઇ-મેલ ચેટીંગ નથી. તમે કાંઇ કહો, એ કાંઇ કહે અને વ્યર્થ ઇ-મેલની આપ-લે થતી રહે. એનાં કરતા તો ફોનથી કે રૂબરૂ વાત કરવી સારી. 4. પોતાનો ઇ-મેલ ટૂંકો ટૂ-ધ-પોઇંટ રાખવો. લાંબુ વાંચવાનો ટાઇમ કોઇને નથી. 5.ઇ-મેલમાં ઝાઝા સવાલો પૂછવા નહીં, ઝાઝા લોકોને એકી સાથે કોપી મોકલવી નહીં. નહીં તો કન્ફ્યુઝ હો જાઓગે કે…

 

શબદ આરતી:

 

જાત સાથે વાત કરવામાં વાંધા જેવું નથી, ફક્ત ખલેલ પહોંચાડવી નહીં.

 

 

 

10 ટિપ્પણીઓ

Filed under Uncategorized