Daily Archives: જાન્યુઆરી 21, 2013

મૈંને ઐસા તો નહીં કહા થા…/પરેશ પ્ર વ્યાસ

આપણે બધા કોમન મેન છીએ. સામાન્ય માનવી. આપણો ધર્મ છે સાંભળવાનો. સમાજનાં નામી માણસો નિવેદન કરે અને આપણે એમને સાંભળવાનાં, સમજવાના અને ઠીક લાગે તો અનુસરવાનાં. આપણે સ્વત: કાનસેન છીએ. નામી માણસોની તાનને આપણે સાંભળીએ છીએ. મોટા માણસોનાં પ્રવચનો, નિવેદનો શાસ્ત્રીય સંગીત જેવા હોય છે. ઝટ સમજાય નહીં. પણ હવે નામી માણસોની વાણીનું અર્થઘટન કરતા માધ્યમોનો વિસ્ફોટ થયો છે. મુશ્કેલી એ છે કે આવા માધ્યમો ખાસ કરીને અંગ્રેજી દ્રશ્ય, શ્રાવ્ય કે વાંચ્ય માધ્યમ પોતાની માન્યતા પ્રમાણે આપણી સમક્ષ વાત મુકે છે. હમણાં હમણાં સામુહિક બળાત્કારની ઘટના સંદર્ભે કેટલાંક નિવેદન ટીકાપાત્ર બન્યા. આરએસએસનાં વડા મોહન ભાગવતે કહ્યું કે ‘સ્ત્રીએ તો પુરુષોની સેવા કરવાની હોય છે. તે માટે સ્ત્રી કરારથી બંધાયેલી છે. બદલામાં પતિ એનું ભરણપોષણ કરશે.’ આ વાત કોકિલાને જરા ય ગમી નહોતી. હમ ભારતકી નારી હૈ, ફૂલ નહીં ચિનગારી હૈ-માંથી સાવ હાઉસ વાઇફનાં મેરેજ એગ્રીમેન્ટની વાત ? સપ્તપદીનો ય દસ્તાવેજ કરાવવાનો હોય? સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય? પણ કોકિલાને ખબર હતી કે અંગ્રેજી માધ્યમ માટે આરએસએસની ટીકા કરવી આત્મસાત છે. કોકિલાએ સ્ત્રી સહજ કુતૂહલતાથી થોડું રીસર્ચ કર્યું. ઇન્ટરનેટનો એ ફાયદો છે કે તમને યુ-ટ્યુબ પર શ્રી મોહન ભાગવતનાં ભાષણની વિડિયો ઉપલબ્ધ છે.  “આ આખુ અર્થઘટન ખોટું છે. બલકે ખરેખર તો ભાગવતસાહેબે સાવ વિપરીત વાત કહી હતી.”  કોકિલાએ ઘટસ્ફોટ કરતા કહ્યું. “આમ કાંઇ મિડિયાવાળા સાવ ખોટા હોય ખરા? ન્યૂઝ ચેનલ્સ પર ભાગવતસાહેબને બોલતા ય દેખાડ્યા.”

મેં પ્રશ્ન પૂછ્યો. “પણ આખુ સંભાષણ અને એનો સંદર્ભ સાવ જુદો અને વિપરીત છે. ભાગવતજી પશ્ચિમી સંસ્કૃતિની વાત કરી રહ્યા હતા. માણસ અહંકારી થઇ ગયો છે. પરમાત્મા પર વિશ્વાસ નથી. ભગવાન ટેસ્ટટ્યુબમાં જોવા મળે તો જ તેના હોવાની સાબિતી મળે, બાકી માનવાનું નહીં, એ પશ્ચિમી વાત છે. આપણાં લગ્ન સંસ્કારને પશ્ચિમી લોકો(પોતે નહીં) એક કોંટ્રાક્ટ માને છે, તેવી વાત કરી  હતી.” કોકિલાએ કહ્યું.

“અને બીજે દિવસે સવારની પહોરમાં 72014 નેટિઝન્સ ભાગવત સાહેબની ટીકામાં ટ્વિટી પડ્યા. પણ પછી સમજાયુ. અંગ્રેજી મીડિયાએ સ્ટોરી પાછી ખેંચી. પણ ત્યાં સુધીમાં ખોટી માહિતી સર્ક્યુલેશનમાં આવી ચુકી હતી.” કોકિલાએ મેટર ઓફ ફેક્ટ સમજાવી.

જો કે મીડિયાની તમામ ટીકા પાયાવિહોણી છે તેવુ નથી. આસારામનાં નિવેદનો બુદ્ધિનું દેવાળુ કાઢવાની વાત હતી. શું કોઇ બળાત્કારીને ભાઇ કહો એટલે એ બળાત્કાર કરવાનું માંડી વાળે? ચેતન ભગતે એવું ટ્વિટ કર્યું હતું કે મુંબઇમાં બધાં અંડરવર્લ્ડ ડોનને ‘ભાઇ’ કહેવાનો રિવાજ છે. આસારામની વાત માનીએ અને ડોનને ભાઇ કહીએ તો આખુ મુંબઇ ગુનામુક્ત થઇ જાય ! પણ કદાચ આસારામનો મત એવો પણ હોય કે પશ્ચિમી સંસ્કૃતિની દેન એવી પોર્નોગ્રાફી ઇન્ટરનેટનાં માધ્યમથી આપણે ત્યાં પહોંચી છે. શરાબ અને કબાબની મહેફિલ અને પછી બળાત્કારી શિકારની શોધમાં નીકળે. આ સંજોગોમાં સ્ત્રીઓ પોતાની જાતને સંભાળે તો એમાં તો કોઇ ખોટી વાત નથી. સ્ત્રીઓને છૂટથી ફરી શકવાની સ્વતંત્રતા હોવી જ જોઇએ. પણ થોડું ધ્યાન રાખવાની વાત કોઇ કહે તો તેનો સંદર્ભ સાવ ખોટો તો નથી.

આ બધુ ઓછુ હોય તેમ ઉર્દુનાં ખ્યાતનામ શાયર નિદા ફાઝલીએ અમિતાભને કસાબ સાથે સરખાવ્યા. નિદાનો મતલબ માત્ર એટલો હતો કે અમિતાભની એંગ્રી યંગમેનની છાપ ઊભી કરી લેખક જોડી સલીમ-જાવેદે. બાકી અમિતાભ તો રમકડું હતો. આ જ રીતે કસાબ આતંકવાદી હાફિઝ સઇદનું સર્જન છે. નિદા ફાઝલી હાફિઝ સઇદને ફાંસીએ લટકાવવાનું સમર્થન કરે છે. પણ મીડિયાએ એવી હવા ઊભી કરી કે નિદાએ અમિતાભની આતંકવાદી કહીને નિંદા કરી.

મને લાગે છે કે મારે કોઇ પણ વિવાદની વાત કરવી નહીં. આખી વાત જ આંખે પાટા બાંધીને હાથીની મૂલવણી કરવા જેવી વાત છે. કોઇકને હાથી સૂપડા જેવો તો કોઇને દોરડી જેવો લાગે છે. કોઇને થાંભલા જેવો લાગે તો કોઇને ભાલા જેવો લાગે.

મારી પણ મર્યાદા છે. હું કાંઇક લખું અને કોઇ મને ખોટી રીતે ટાંકે અને મારે પણ કો’કની લાગણી દુભાવવા બદલ ટીકા સહેવી પડે, એમ પણ બને. પણ થોડીક ઐતિહાસિક વાતો કરીએ. અમેરિકન આંતરવિગ્રહનાં કુશળ યોદ્ધા  જનરલ શેરિડાને સ્થાનિક ઇન્ડિયન પ્રજાતિ વિષે એવું કીધાનો ઉલ્લેખ છે કે ‘એ જ સારો ઇન્ડિયન છે જે મરેલો ઇન્ડિયન છે.’ ખરેખર એણે એવું કહ્યું હતું કે ‘જે સારા ઇન્ડિયન મેં જોયા હતા તે (બિચારા) મૃત્યુ પામ્યા છે. હવે બચ્યા છે તે બદમાશ છે જેને મારી નાંખવા વ્યાજબી છે. ફ્રેંચ ક્વીન મેરી એન્ટોઇનેટનાં નામે એક વાત ઘણી જાણીતી છે. રાણીએ ગરીબ ખેડૂતને કહ્યું’તુ કે ‘તમારી પાસે બ્રેડ નથી તો પછી કેક કેમ ખાતા નથી?’ બિચારી ક્વીન મેરીએ આવું ક્યારે ય કહ્યું જ નહોતું. રાજાશાહી સામેનાં વિરોધનાં ભાગ રૂપે કહેવાયેલું હોવાનું મનાતું આ વાક્ય માત્ર દુષ્પ્રચાર હતો. ચાણક્યનાં સમકક્ષ ગણાતા નિકોલો મેકિયાવેલીએ કહ્યું’તુ કે ‘ધાર્યો અંત લાવવા માટે કોઇ પણ રીત વાજબી છે, ન્યાયોચિત છે.’ ખરેખર મેકિયાવેલીએ ખરેખર એવું કહ્યું હતું કે ‘દરેકે આખરી પરિણામને ધ્યાનમાં લેવું જોઇએ.’ એમ કરવા માટે કોઇ પણ પેંતરા અજમાવવાની વાત કે કાંઇ પણ સાચુ-ખોટું કરવાની વાત- એણે કહી નહોતી. છેલ્લે ફ્રેંચ લેખક ફિલસૂફ વૉલ્તેરને ટાંકીને કહેવાનું મન થાય કે ‘તમે કહો છો એની સાથે હું સહમત નથી. પણ એમ કહેવાનાં તમારા અબાધિત અધિકારનો બચાવ હું મૃત્યુપર્યંત કરીશ.’  હા, એ અલગ વાત છે કે વૉલ્તેરે આવું ક્યારે ય કહ્યું નહોતું. એણે એવું કહ્યું હતું કે ‘તમે પોતે વિચારો અને બીજાને પણ વિચારવાની છૂટ આપો.’ એમાં કાંઇ પણ કહેવાનાં અબાધિત અધિકારની કોઇ વાત જ નહોતી.

તો હે વાચક મિત્રો, દરેકને કહેવાનો અધિકાર છે. મીડિયાને એને તોડી મરોડીને આઉટ-ઓફ-કોન્ટેક્ષ્ટ ક્વોટ કરવાનો અધિકાર છે. અને અમને એટલે કે મને અને મારી કોકિલાને એ વિષે પિષ્ટપેષણ કરવાનો અધિકાર છે. મરીઝે ભલે કહ્યું પણ અમે અંધકારમાં આંખો મીચીને ચાલશું નહીં. અમે અંધારામાં તીર મારીશું. લાગ્યું તો તીર, નહીં તો અમે કહીશું કે મૈંને ઐસા તો નહીં કહા થા…

કલરવ:

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ
mail.google.com

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized