Daily Archives: જાન્યુઆરી 28, 2013

લવફેસ્ટ: પ્રેમકા ગુણગાન કરિયે…..પરેશ પ્ર વ્યાસ

orangebirdssartore10963

વાઇબ્રન્ટ સમિટ થઇ અને ગઇ. કાંઇ કેટલા ય પતંગો ઊડ્યા. ગુજરાતનો પવન જ કાંઇક એવો છે કે તોતિંગ પતંગ પણ હડેડાટ ચગી જાય છે. નથી ઠુમકાં મારવા પડતા કે નથી પૂંછડી ચોંટાડવી પડતી. પતંગ છસકતો ય નથી અને લોટતો ય નથી. વાઇબ્રન્ટ સમિટમાં કેટલાય રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ઔદ્યોગિક ગૃહો વચ્ચે  ગુજરાતનાં નાથનાં વખાણ કરવાની હોડ મચી’તી. રતન તાતાએ કહ્યું કે ‘હું પહેલી વાર આવ્યો ત્યારે મેં કહ્યું’તુ કે જે ગુજરાતમાં રોકાણ કરતા નથી તે સ્ટુપિડ છે. બીજી વાર હું સ્ટુપિડ પૈકીનો એક હતો. આજે ગુજરાતમાં ટાટા ગૃપનું 34હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે.’ આનંદ મહિન્દ્રએ કહ્યું કે ‘ગુજરાતમાં ચાઇના મોડલથી વિકાસની વાત થાય છે પણ હવે ચીનમાં ગુજરાત મોડલથી વિકાસની વાત થશે.’ મુકેશ અંબાણીએ નમોને ભવ્ય સ્વપ્નદ્રષ્ટાની પદવી આપી તો અનિલ અંબાણીએ તો વખાણ કરવામાં મઝાથી માઝા મુકીને નમોને ગાંધી, સરદાર અને અર્જુનની ઉપાધિ દઇ દીધી. કહી દીધું કે ‘નામ મુજબ હે નમો, તમે તો રાજાઓનાં રાજા છે.’ વચનેષુ કિમ દરિદ્રતા? ઔદ્યોગિક પ્રેમની અમીવર્ષા (કે અતિવૃષ્ટિ?)ની હેડલાઇન બની, ‘લવફેસ્ટ ફોર મોદી’. લવ એટલે પ્રેમ પણ લવફેસ્ટ(Lovefest) એટલે?

મૂળ લેટિન શબ્દ ‘ફેસ્ટમ’ પરથી જર્મન શબ્દ ફેસ્ટ એટલે તહેવાર. ફૉકફેસ્ટ(Volksfest) એટલે લોકોનો તહેવાર. અમેરિકન ઇંગ્લિશ ભાષાએ ઇ. સ. 1889માં ફેસ્ટ શબ્દને અપનાવી લીધો. ફેસ્ટ એટલે એવો પ્રસંગ જ્યારે લોકો ભેગા થાય અને એક પ્રકારની પ્રવૃત્તિઓ ઘણી બધી વાર કે વખત સુધી કર્યે રાખે. ‘-ફેસ્ટ’ પ્રત્યયને છેવાડે રાખીને શબ્દો આવ્યા; હેનફેસ્ટ, ગેબફેસ્ટ અને લવફેસ્ટ. હેનનો અર્થ આમ તો મરઘી થાય પણ જ્યારે સ્ત્રીઓ ભેગી થાય અને લાંબા સમય સુધી કે રાતભર કોઇ કચ કચ નહીં પણ ચક ચક કરે, મસ્તી કરે, આનંદ કરે તો એને હેનફેસ્ટ કહે. ગેબ એટલે હળવી, ખાસ અગત્યની ન હોય તેવી વાત. સામાજિક પ્રસંગે મિલનસાર લોકો ભેગા મળે અને નિરાંતે ટોળટપ્પા કરે એને ગેબફેસ્ટ કહે.

અર્બન ડિક્સનરી મુજબ લવફેસ્ટ એટલે બે અથવા વધારે મિત્રો વચ્ચે પ્રેમની અનંત અભિવ્યક્તિ. એકબીજા માટે દિલનાં ઊંડાણમાંથી પ્રગટ થતો સાચો પ્રેમ અને આદરભાવનો ખુલ્લેઆમ ઢંઢેરો પીટવો. જીગરજાન મિત્રોની ખાસ ખાસ વાત. જો કે લવ ફેસ્ટ એવી મીટીંગને પણ કહે જેમાં મળનારા લોકો પોતાના ભૂતકાળનાં દુ:ખદ અનુભવોની કરમ કહાણી કહે, ભૂતકાળની ભૂલોની કબૂલાત કરે અને પછી બધા એક બીજાને ભેટે, સાંત્વના આપે અને કહે કે હશે ભાઇ, એવું ચાલ્યા કરે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. લવફેસ્ટ એટલે શુભેચ્છાની લાગણીનાં ગુણગાનની, શુભકામનાઓની આપ-લેની ઘટના કે કાર્યક્રમ. હું તારા વખાણ કરું, તું મારા કર. હું તારી પીઠ થપથપાવું અને તું મારી થપથપાવ. પણ અહીં ખોટા વખાણની વાત નથી. મતલબ કે  અહો રૂપમ્ ! અહો ધ્વનિ !- વાળી વાત નથી. અને જો તમે માનતા જ હો કે કોઇએ સારા કાર્ય કર્યા છે તો વખાણ સરાજાહેર કરવા જોઇએ. કૂથલી અંગત હોય તો સારું.

લવફેસ્ટ શબ્દ તાજેતરમાં સંપન્ન થયેલા હોલીવૂડનાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભનાં સમાચારમાં પણ હેડલાઇન બન્યો. ‘ગ્લેમર’ મેગેઝીન લખે છે કે આખા સમારંભની એ હાઇ-લાઇટ હતી કે એવોર્ડ જીતનારાઓએ પોતાના વિનિંગ સ્પીચમાં જીવનસાથીને યાદ કર્યા અને પેટ ભરીને વખાણ્યાં. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીતનાર બેન એફ્લેકે પોતાની પત્નીને જાહેરમાં કીધું કે ‘હું એને પ્રેમાદરપૂર્વક પૂજું છું.’ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર ઍનીએ સ્ટેજ  પરથી એનાં નવનિયુક્ત પતિને જાહેરમાં કહ્યું કે ‘તે મારો દરેક દિવસ ગઇકાલ કરતા સારો બનાવ્યો છે. મારા જીવનની એ શ્રેષ્ઠ ગઇકાલો આપવા બદલ તારો આભાર.’  અભિનેત્રી જ્યૂડી ફોસ્ટરને જ્યારે સ્પેશ્યલ એવોર્ડ મળ્યો ત્યારે એણે પોતાના પૂર્વ પતિને યાદ કરીને કહ્યું કે ‘એ મારો વીસ વર્ષોનો પ્રેમી, જેની પાસે હું મારી ભૂલની કબૂલાત કરી શકતી હતી, મારી જાતને હું જેને હવાલે મુકી શકતી હતી એવા સિડની બર્નાડને હું કેમ ભૂલી શકું.’ કોમેડી/મ્યુઝીકલ ફિલ્મ્સનાં બેસ્ટ એક્ટર હ્યુ જેકમેને પોતાની પત્નીને દુનિયાની શ્રેષ્ઠ સ્ત્રી તરીકે નવાજી. ‘લાઇફ ઓફ પાઇ’ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝીકનો એવોર્ડ જીતનાર માઇકલ દાનાએ કહ્યું કે ‘આ રૂમ તો સિનેતારિકાઓથી ભર્યો ભર્યો છે, પણ એમાં સૌથી સુંદર સ્ત્રી છે મારી પત્ની.’ જાહેરમાં તારીફનાં પૂલ બાંધવાની કળા એટલે લવફેસ્ટ.

લવફેસ્ટ નામ જર્મનીનાં એવા ઉત્સવને પણ અપાયું જ્યાં એક નિર્ધારિત દિવસે અવનવા પોષાકોમાં બધા ભેગા મળે, નાચે, ગાય, ધૂમ મચાવે. પણ 2010માં ધમાચકડીમાં 21 જણાં મરી ગયા અને 500 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. પછી આ લવફેસ્ટ ઉત્સવ બંધ કરી દેવાયો. કેલિફોર્નિયાનાં ગ્રેટ સ્પિરિટ રૅંન્ચમાં ફર્સ્ટ લવફેસ્ટ યોજવામાં આવે છે જેમાં લોકો પ્રાકૃતિક વાતાવરણમાં યોગ, કીર્તન, ધ્યાન અને નૃત્યનો ઉત્સવ ઉજવે છે. જો તમે વ્હિસ્કીનાં ચાહક હો તો તમારે આવતા મહિને લાસ વેગાસ જવું જોઇએ. ત્યાં એક અનુપમ વ્હિસ્કી લવફેસ્ટ યોજાનાર છે. ફોર્બ્સ મેગેઝીનનાં અહેવાલ મુજબ આ લવફેસ્ટનાં આયોજક મહેશ પટેલ કહે છે કે આમાં દુનિયાભરની જાતજાતની અને જૂની જાણીતી વ્હિસ્કી પીરસવામાં આવશે. સરવાળે પંદર લાખ ડોલરની વ્હિસ્કીની ખરીદી થશે તેવો અંદાજ છે.

આપને ખબર જ છે કે ગૂગલનાં નકશા લાજવાબ છે. એપલે આઇ ફોન-5માં કોશિશ કરી પણ નિષ્ફળ ગયા. એપલે પોતાની ભૂલ કબૂલી અને હવે એપલ- ગૂગલ ટાઇ-અપ ચાલી રહ્યું છે. હવે બન્ને એકબીજાનાં જાહેરમાં વખાણ કરે છે. સવા વર્ષ પહેલાં એવું જ લવફેસ્ટ માઇક્રોસોફ્ટ અને સોની વચ્ચે હતું. સાથે મળીને મોડર્ન વોરફેર-3 વિડિયો ગેમ્સ રીલીઝ થઇ ત્યારે રેકર્ડ વેચાણ થયું. વાઇબ્રન્ટ લવફેસ્ટ ચાલુ રહે તો ફાયદો થાય ખરો. કોને?-એ સવાલ છે. પણ એટલું ચોક્ક્સ છે કે નફરત કરતા પ્રેમનો ઉત્સવ સર્વ જના હિતાય, સર્વ જના સુખાય જ હોય છે. ઓશો કહે છે કે ઉત્સવ અમાર જાતિ, આનંદ અમાર ગોત્ર. લવફેસ્ટ હરતરફ, હરઘડી..

શબદ આરતી:

’જે મારા વખાણ કરે એવા કોઇ પણ માણસનાં હું વખાણ કરીશ.’

 –વિલિયમ શેક્સપિયર (‘એન્ટોની એન્ડ ક્લિઓપેટ્રા’, અંક 2, દ્રશ્ય 6)DSCN0202

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized