Daily Archives: જાન્યુઆરી 31, 2013

વોરમોન્ગર: યુદ્ધને જ યુગધર્મ સમજતા યુદ્ધખોરોની વાત../પરેશ પ્ર વ્યાસ

 Warmonger : Isolated black metal antique war helmet

પાકે નાપાક હરકત કરી. એલઓસી વળોટી, બે ભારતીય સૈનિકોની હત્યા કરી, એકનું માથુ વાઢીને લઇ ગયા. તે પછી પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે ન્યૂયોર્કમાં એશિયાટિક સોસાયટીને સંબોધતા કહ્યું કે “અમે તો સંવાદ માટે તૈયાર જ છીએ. અમે ભારતીય સૈનિકનું માથુ વાઢવા માટે કોઇને અધિકૃત કર્યા નથી. ભારતનાં રાજકારણીઓમાં પાકિસ્તાનને બદનામ કરવાની હોડ મચી છે. ઊલટાનું ભારતીય સૈન્ય પાક સૈનિકોને મારી રહ્યું છે. ભારત શાંતિ વાર્તાને બાજુ હડસેલીને યુદ્ધ છેડવા આમાદા છે. ભારત વોરમોન્ગર છે.”

પાકિસ્તાન -મૈં હૂં ખુશરંગ હિના- ગાતુ રહ્યું છે અને આપણે -અમન કી આશા-ની શરણાઇ વગાડતા આવ્યા છીએ. પણ હિનાએ અસલી રંગ હવે પકડ્યો છે. હિના નામ સાથે ખાર અટક છે. ખાર તેટલે કાંટો. કાંટો આપણને ઘોચાયો છે. ગાડુ આપણું ઘોચમાંપડ્યુ છે. અને હિના ખાર લાજવાને બદલે ગાજે છે. ચેતન ભગતે એવું ટિટ્યુ કે કોઇ ફુલ્લ પીધેલો મોટરસાયકલિસ્ટ પાર્કીંગ પ્લોટમાં પાર્ક કરેલી કાર સાથે ફુલ્લ સ્પીડમાં અથડાય અને પછી સામો અકડે કે એક્સિડન્ટ કરવાના હૈ , કયા? મોહ્તર્મા હિના અમેરિકા જઇને ભારત વિરુદ્ધ અપપ્રચાર કરે છે. ભારતને વોરમોન્ગર તરીકે નવાજીને બદનામ કરે છે. શું છે આ વોરમોન્ગર(Warmonger)? 

‘વોર’ આપણને ખબર છે વોર એટલે યુદ્ધ. વોર શબ્દની વાત રોચક છે. રોમમાં બોલાતી લેટિન ભાષામાં સંઘર્ષ અથવા લડત માટે શબ્દ હતો ‘બેલ્લમ’. પણ સુંદર નારી માટે એના જેવો જ શબ્દ હતો ‘બેલ્લો’. કોઇ બેલ્લમ એટલે લડાઇની વાત કરવા જાય તો સાંભળનાર બેલ્લો એટલે કે સુંદર નારીની વાત સમજી બેસે. આવો ગૂંચવાડો નિવારવા રોમન લોકો લડાઇ માટે અલગ શબ્દ શોધવા જર્મનિક ભાષા તરફ  વળ્યા. એમણે જર્મન ભાષાનો શબ્દ ‘વેરન’ અપનાવ્યો. એનો અર્થ થતો હતો, ગૂંચવાડાવાળી પરિસ્થિતિમાં સૌને તાણી લાવવા. ‘વેરન’ શબ્દ પરથી ‘વોર’ શબ્દ પ્રસ્થાપિત થયો. ‘વોર’થી મોટુ કન્ફ્યુઝન વળી બીજું કયુ હોઇ શકે?!!  હિના રબ્બાની ખૂબસૂરત ખાતૂન છે. અમેરિકા જઇ, પોતાના પ્રભાવી અવાજમાં અમેરિકનોને તેમની માતૃભાષામાં આપણી વિરુદ્ધ યુદ્ધની ભારે ભરખમ વાત કરે છે. દુનિયા આખી આ ખુશરંગ હિનાની વાત માની લઇને આપણને ‘વોરમોન્ગર’ સમજે ત્યારે એ શબ્દનો અર્થ સમજવો જરૂરી છે.

મૂળ લેટિન શબ્દ મેન્ગો કે મેન્ગોનીઝ એટલે વેપારી. જેની પરથી પુરાણી અંગ્રેજી ભાષામાં મેન્ગર એટલે મર્ચન્ટ, ડીલર. એ અર્થમાં મોન્ગર એટલે વેપારી. ફીશમોન્ગર એટલે માછલીનો અને ચીઝમોન્ગર એટલે ચીઝનો વેપારી. વોરમોન્ગરનો શાબ્દિક અર્થ થાય યુદ્ધનો વેપાર કરનાર. જે યુદ્ધ છેડે અથવા છંછેડે. સામાન્ય રીતે વોરમોન્ગર શબ્દ વારંવાર રણે ચઢતા અથવા બીજાને લડાવી મારતા રાજકારણી માટે વપરાય છે. પણ ભાડૂતી સૈનિકો અથવા તેનો ધંધો કરનાર પણ વોરમોન્ગર તરીકે ઓળખાય. વોરમોન્ગર એટલે યુદ્ધખોર. સમ્રાટ અશોક વોરમોન્ગર હતા પણ કલિંગનાં યુદ્ધની ખુવારી નિહાળીને અહિંસાનો માર્ગ અપનાવ્યો. કૃષ્ણ ભગવાને યુદ્ધની પ્રેરણા આપી જરૂર પણ તેઓને વોરમોન્ગર ન કહી શકાય કારણ કે કવિ ન્હાનાલાલનાં શબ્દોમાં કહીએ તો ‘ભીખ્યાં ભટક્યાં વિષ્ટિ વિનવણી, કીધાં સુજનનાં કર્મ, આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ’. જે છાસવારે યુદ્ધ કરવાની વાત કરે તેને જ વોરમોન્ગર કહી શકાય.

સૌ પ્રથમ વોરમોન્ગર શબ્દનો ઉપયોગ એડમન્ડ સ્પેન્સર(1552-1599)નાં મહાકાવ્ય ‘ધ ફેયરી ક્વીન’-પુસ્તક ત્રીજું, સર્ગ-10માં જોવા મળે છે. નીતિમત્તાથી કેવી રીતે જીવવું તેની લાંબી વાત છે. બ્રિટોમાર્ટ નામક એક સ્ત્રી યોદ્ધાને મન ચારિત્ર્યની શુદ્ધતા અનિવાર્ય છે. કવિ બીજા પાત્રોની મદદથી સમજાવે છે કે ચારિત્ર્યહીનતાથી શું થાય છે? મેલબેકો અને હેલેનોર પતિપત્ની છે. તેમનું આતિથ્ય માણીને બ્રિટોમાર્ટ રવાના થાય છે પણ પેરિડેલ નામક યોદ્ધો બિમારીનાં બહાને ત્યાં રોકાય છે. હેલેનોર સાથે એને આડો સંબંધ છે. હેલેનોર પોતાના પતિનાં ખજાનાને સળગાવે છે અને પેરિડેલ સાથે ભાગવાની પેરવી કરે છે. ખજાનો બચાવવો કે ભાગી જતી પત્નીને રોકવી? મેલબેકો અસમજંસમાં છે. આખરે એ આગ બુઝાવવા જાય છે અને એની પત્ની પ્રેમી સાથે ભાગી જાય છે. મેલબેકો બીજા યોદ્ધા બ્રેગેડોકિયોને પૈસાની ઓફર આપીને પેરિડેલ સાથે યુદ્ધ કરવા ઇજન કરે છે પણ બ્રેગેડોકિયો કહે છે કે ‘હું વોરમોન્ગર નથી’.

અમેરિકા પોતે કેટલાંય યુદ્ધમાં શામેલ થાય છે. ઇરાકમાં ઓઇલની જગ્યાએ ટામેટાં ઉગતા હોત તો કદાચ અમેરિકાને વોરમોન્ગરીંગમાં રસ ન હોત? પશ્ચિમી દેશો આતંકવાદને નામે એક યા બીજા કારણસર રણે ચઢવાની પેરવી કરતા હોય છે. આની પાછળ પ્રો-વોર ગૃપ હોય છે, જે સરકારી વિદેશ નીતિને જંગમાં ઢસડે છે. યુદ્ધનો સરંજામ બનાવતા કોન્ટ્રાક્ટરો આવી વોરમોન્ગર પોલિસીને આર્થિક રીતે પોષે છે. સૌથી ઘાતક શસ્ત્રો બનાવતી ટોપ ટેન કંપનીઓ પૈકી સાત કંપનીઓ તો અમેરિકન છે. ઇસ્લામિક દેશો એવું માને છે કે અમેરિકા જગતકાજી નથી, પણ જગતફૌજી છે. તે ભલેને કહે , આપણે શું? આપણે રહ્યા અહિંસાવાદી. કોઇ એક ગાલ પર લાફો મારે તો  બીજો ગાલ ધરીએ ઇ માયલાં અમે, કોઇ અમને વોરમોન્ગર શા માટે કહે? પોઇંટ ટૂ બી નોટેડ માય લોર્ડ..!

મોન્ગર અનુયય સાથે જોડાયેલા કેટલાક મસ્ત શબ્દો છે. મિરેકલમોન્ગર- એવો ધુતારો જે ચમત્કારી હોવાનો દાવો કરતો હોય. બાર્બરમોન્ગર- એવા લોકો જે વારંવાર વાળંદ પાસે જઇને પોતાનું કેશકર્તન કરાવ્યા જ કરે. કેરેક્ટરમોન્ગર-જે બીજાનાં ચારિત્ર્યની કાયમ ટીકા જ કર્યા કરે. અરે ભાઇ, આપના અઢાર અંગ વાંકા છે તેનું શું? ગોસિપમોન્ગર-કુથલીબાજ. રુમરમોન્ગર-અફવાબાજ. વર્ડમોન્ગર-એટલે ભાષાનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરનાર એવો લેખક જે શબ્દોનાં આડંબરની આડમાં, શબ્દોનાં અર્થને ધ્યાનમાં લીધા વિના, અર્થનો અનર્થ કરી નાંખે. ઇ માયલાં અમે નોંઇ, હોં કે?

 

શબદ આરતી:

વિકૃત વ્યક્તિને વાયગ્રા આપવી એ ગેન્ગસ્ટરને ગન્સ આપવા જેટલું બેજવાબદાર કૃત્ય છે. પણ એનાથી વધારે ખરાબ કૃત્ય છે,  વોરમોન્ગરને સત્તા સોંપવી… –સીએનએન ટ્રાન્સસ્ક્રિપ્ટ, મે 23, 2005

 

Warmonger Stock  Images

 

Paresh Vyas <pp_vyas@yahoo.com>

 

20 ટિપ્પણીઓ

Filed under Uncategorized