રાષ્ટ્રીય કળા કેન્દ્ર ધ્વારા સરોજ પાઠક ને શ્રદ્ધાંજલિ અપાઈ …
૧૬ મી એપ્રિલ એ પ્રતિ વર્ષ સ્વ.સરોજ પાઠકને યાદ કરવાનો ઉપક્રમ રાષ્ટ્રીય કળા કેન્દ્ર જાળવે છે.આ વર્ષે સરોજ બેન ની વાર્તા નો આસ્વાદ કરાવ્યો જનકનાયક અને સંધ્યા બેન ભટ્ટે.કાર્યક્રમ ની શરૂઆત શ્રી રૂપીન પચીગર ના આવકાર પ્રવચન થી..તેમણે સરોજ બેન ને રાષ્ટ્રીય કલાકેન્દ્ર ના આદ્ય સ્થાપક જણાવી તેમણે લાઇવ વાયર ગણાવ્યા હતા.તેઓ બહુમુખી પ્રતિભા હતા.તેમની વાર્તામાં જીવન નું પ્રતિબિંબ ઝીલતું હોઈ તેમ જણાવ્યું હતું.
જનક નાયકે “અવેઈ ટીંગ ટ્રીન ટ્રીન” નોરસાસ્વાદ કરાવતા જણાવ્યું હતું કે મનની વાતો વધારે આવે તેમની આ વાર્તામાં સુક્ષ્મ સંવેદનો છે.તેમની વાર્તામાં ત્રિપરિમાણ જવા મળે છે.અતીત ને યાદ કરીને વર્તમાન માં રહી.અતીત માં નાયક જીવે છે તેનું સુંદર આલેખન છે.
પ્રા.સંધ્યા બેન ભટ્ટે ૧૯૬૬માં પ્રગટ થયેલી વાર્તા જે વિરાટ ટપકું માંથી લીધેલી “દુષ્ચક્ર”નો આસ્વાદ કરતા જણાવ્યું કે સરોજ બેન સમય થી આગળ હતા.સ્વયં સ્ફુરિત લખતા.આસપાસ ના જગતથી સ્પંદિત થઇ આ વાર્તા લખી છે.તેમાં વીરજી દરજી ની લાગણી નું સુક્ષ્મ આલેખન સુંદર રીતે કર્યું છે.સુંદર શિલ્પ ની જેમ વાર્તા ઘડે છે.તેમણે તાત્વિક ફિલોસોફીકલ ટચ વાળી વાર્તા નો રસસ્વાદકરાવ્યો..
સમારંભ ના પ્રમુખશ્રી રમણ પાઠકે જણાવ્યું હતું કે નખશીખ કલાનો દેહ એટલે સરોજ પાઠક.રાષ્ટ્રીય કળા કેન્દ્ર પ્રત્યે ના તેમના પ્રદાન ને બિરદાવ્યું હતું.તેમના પુસ્તક “અતીત ના આઈના” ની વાતો સરોજબેન સાથે વિતાવેલ ક્ષ ણો ને યાદ કરી હતી.સાહિત્ય જગતે સરોજ બેનની જે કદર કરવી જોઈએ તે કરી નથી તેનો વસવસો પણ વ્યક્ત કર્યો હતો.
વૈભવી બેદીએ મેહુલ શર્માના દિગ્દર્શન માં સરોજબેન ની વાર્તા “અંતરિયાળ આવ જા” ની એકોક્તી પણ ભજવી હતી.દિલીપ ઘાસવાલા એ આભાર વિધિ કરી હતી.યામિની બેને સંચાલન કર્યું હતું.
……………………………………………………………………………………..
પાઠક સરોજ રમણલાલ/ ઉદ્દેશી સરોજ નારણદાસ, ‘વાચા’ (૧-૬-૧૯૨૯, ૧૬-૪-૧૯૮૯) : વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. જન્મ કચ્છ જિલ્લાના ઝેખઉમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૪માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે સંલગ્ન. ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઈન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ૧૯૬૪ થી બારડોલીની કૉલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન.
આધુનિક વાર્તારીતિનો કસબ ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાને અતિક્રમી ક્યારેક સંવેદનશીલ અભિવ્યક્તિમાં સિદ્ધિ મેળવી શક્યો હોય એવી નોંધપાત્ર વાર્તાઓ એમના ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (૧૯૫૯), ‘મારો અસબાબ મારો રાગ’ (૧૯૬૬), ‘વિરાટ ટપકું’ (૧૯૬૬), ‘તથાસ્તુ’ (૧૯૭૨) વગેરે વાર્તાસંગ્રહોમાં સંચિત થઈ છે. ‘નાઈંટમેર’ (૧૯૬૯) નવલકથા આસ્તિત્વની સમસ્યાને વિશિષ્ટ નિરૂપણરીતિથી દ્યોતક બનાવે છે. ‘નિઃશેષ’ (૧૯૭૯) અને ‘પ્રિય પુનમ’ (૧૯૮૦) પણ એમની નવલકથાઓ છે. ‘સાંસારિક’ (૧૯૬૭) અને ‘અર્વાચીન’ (૧૯૭૫) એમના નિબંધસંગ્રહો છે. ‘પ્રતિપદા’ (૧૯૬૨) એમનો અનુવાદ છે.
વિરાટ ટપકું (૧૯૬૬): સરોજ પાઠકની બાવીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. ઘટનાલોપ કે ઘટનાપ્રચુરતાતી સભાન બન્યા વગર મનોચેતનાના અંશોને વાર્તાના અભ્યન્તરમાં ભેળવતી એમની કેટલીક વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ એનું અહીં ઉત્તમ ઉદાહરણ છે. ઉપરાંત, ‘વિરાટ ટપકું’, ‘સ્વયંવર’, ‘સંજીવની’ જેવી વાર્તાઓ પણ ઉલ્લેખનીય છે. કથાને માત્ર કહી જવામાં નહિ પરંતુ કથાને વાર્તાની કલાત્મક કક્ષાએ ઊંચકવામાં આ વાર્તાકાર સફળ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
નાટઈમેર (૧૯૬૯) : સરોજ પાઠકકૃત મનોવૈજ્ઞાનિક નવલકથા. પ્રિયતમ સાર્થને બદલે તેના મોટાભાઈ અનન્ય સાથે નિયતિનું લગ્ન થયેલું છે; એટલું જ નહિ એ ત્રણેને એક જ ઘરમાં રહેવાનું બને છે. આ પરિસ્થિતિના અનેક ઘટકો રચીને આ ત્રણે પાત્રોનાં મનોવિવર્તોનું સૂક્ષ્મતાથી અહીં આલેખન થયું છે. નિયતિને કેન્દ્રમાં રાખીને સાર્થ તથા અનન્ય તરફ એની ત્રિજ્યાઓ ખેંચાઈ છે, પરિણામે સાર્થ અને અનન્યની મનોવ્યાથાઓથી ને તાણથી પણ અવગત થવાય છે. વસ્તુનો નિર્વાહ સાદ્યંતપણે ચૈતસિક સ્તરેથી થયેલો હોઈ એમાં સ્થૂળ ઘટનાઓનું નિરૂપણ થયું નથી, છતાં આ પાત્રોના બાહ્યજગતમાં જે કંઈ બને છે તેને કુશળતાથી પાત્રોનાં સંવેદનો સાથે સાંકળવાનું બન્યું છે. સ્મૃતિસાહચર્ય, સ્વગતોક્તિ, મનોમંથન જેવી પ્રયુક્તિઓનો અહીં સૂઝપૂર્વક વિનિયોગ થયેલો છે અને ભાષાના વિવિધ સ્તરોનો પણ.
-ધીરેન્દ્ર મહેતા
સરોજ પાઠકની વાર્તાઓનું કરુણ ઘટનાતત્વ
સરોજબહેને છ દાયકાના અલ્પ આયુષ્યમાં ચાર દાયકા જેટલો સમય વાર્તા સર્જનને આપ્યો. તેમના વાર્તા સંગ્રહ વિરાટ ટપકુ, ભાવકો અને અભ્યાસીઓને સંતર્પકતાનો અનુભવ કરાવતી કૃતિઓ રહી છે.
સંગ્રહની પ્રથમ વાર્તા “નિયતિકૃત્ત નિયમરહિતા” સંતાનહિન વૃદ્ધ લાચાર દંપતી મુરલીધર અને સંતોષીના જીવનનું વેદનામય ચિત્ર આલેખે છે.
“ન કૌંશમાં ન કૌંશ બહાર” એવી જ બીજી સશક્ત વાર્તા છે. વાર્તાનાયિકા સૂચિના પાત્રને કેન્દ્રસ્થાને રાખી વાર્તાકારે માનવ મનના સંચલનો આબાદ પ્રગટ કર્યા છે.
……….આવવાનો છે………..થી વાર્તાનો આરંભ થાય છે. વ્યક્તિના હોઠ પર (કોંશ બહાર) અને મનની અંદર (કૌંશમાં) એમ બેવડા ધોરણે રચાતી વાર્તા સરસ રીતે આલેખાઈ છે. આવવાનો છે જે મહેમાન બનવાનો છે તે સૂચિનો ભૂતપૂર્વ પ્રેમી છે. જેણે શૂચિને પ્રેમ કરીને હવે છોડી દીધી છે એ ભૂતકાળ છે જ્યારે વર્તમાન તો એ છે કે જ્યારે દિવ્ય સાથે પરણીને ચાર છોકરાની માં તરીકે સુખી ગૃહસ્થ જીવન જીવતી ગૃહિણી શૂચિ એમ કરીને એને લાગણીનો ખાલીયો ભરવા પ્રયત્ન કર્યો છે.
સૌગંધ નખશિખ સુંદર રચના છે તેનો નાયક અને નાયિકા સંબલ અને પૂરબી બંનેના પહેલાના લગ્નજીવન ભિન્ન ભિન્ન કારણોસર સ્નેહ શૂન્ય બની ગયા છે. વાર્તામાં આવતો વળાંક સંબલના પાત્રને તો ગરિમા આપે જ છે જેનો શુદ્ધ પ્રેમ પામ્યો છે. તેની સાથે જેનો પૂરો સ્નેહ પામ્યો નથી તે સ્ત્રી સાથે લીધેલા સોગંધને પણ વ્યક્ત કરતા સંબલની નૈતિકતાનો રંગ આપણને જોવા મળે છે.
મારા ચરણ કમળમાં એટલે એકસ્ટસી નાયક મુખે રજૂ થતી વાર્તા છે આ વાર્તાની નાયિકા વિશે વાર્તા નાયક વિચારે છે કે રેશમા તેને કરોવ જોઈએ તેટોલ અને તેવો પ્રેમ કરતી નથી માટે નાયક શંકાગ્રસ્ત બની આઘાતોની પરંપરા અનુભવતો નાયિકા પ્રત્યેનો પ્રેમ ! તે “વેર” માં પલટાવ નાખવાનું નાયકને સુઝે છે.
ભગવાનનું લેસનનો ટીંગલું “હિસ્ટીરિયા”ની વાસંતી કે બબ્બુનો પ્રશ્નમાં બબ્બુની કરુણતાનું આલેખન હોય કે પછી “ભૂતળ એ જ હતું” માં નાયિકાને ગોઠવાયેલા લગ્નપ્રસંગ વખતે જે ચાહનાની અનુભૂતિ અતીતના સ્મરણોમાં કરુણતા વહે છે. “મૂંગા નકારનો હાહાકાર” માં સ્ત્રીના અંતરમાં ઊંડેથી ઉઠતા માતૃત્વના તીવ્ર ચીસની કથા છે.
નગરના માહોલમાં ઘડિયાળના કાંટે લટકીને જીંદગીને નરક જેવ બનાવીને પણ જીવતા પાત્રો અમૃત અને તારક દવેની વાત અનુક્રમે દુઃસ્વપ્ન અને અવેઈટીંગ… ટ્રી…ટ્રી… માં આલેખાઈ છે.
ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સંશોધને કળાસાહિત્યમાં મનોવિશ્લેષણની એક નવી પદ્ધતિ માટેની ભૂમિકા તૈયાર કરી એટલું જ નહિ. પણ શૃંગારરસના નિરૂપણ માટે પણ એક નૂતન દિશા ખોલી આપી. ફ્રોઈડનાં આ વિચારને લઈને કેટલીય કૃતિઓનું સર્જન થયું. જોમ્સ જોયસ, ર્વિજનિયા વૂલ્ફ આપણે ત્યાં સરોજ પાઠક, ધીરુબેન, લા.ઠા, ચિનુ મોદી, શ્રીકાંત શાહ જેવાં સર્જકો તેનાં અખતરા કરે છે. અને તેમાં નવા પરિમાણો ઊભા કરે છે. પહેલા જે જાગૃત મનથી લખાતું હતું તે હવે અર્ધજાગ્રત કે મનની અંદર ચાલતા સંચલનનોનું આલેખન થયું. બીજા કરતાં ભીતરને રજૂ કરવાનો નવો ખ્યાલ ઊભો થયો. તેનાં પ્રયોગો થયા અને સર્જકે તેમાં સફળતા પણ મેળવી.
સ્વ.સરોજ પાઠક ને શ્રદ્ધાંજલિ/યામિની વ્યાસ
Filed under પ્રકીર્ણ, યામિની વ્યાસ
“પ્રમુખશ્રી રમણ પાઠકે જણાવ્યું હતું કે નખશીખ કલાનો દેહ એટલે સરોજ પાઠક”
સ્વ .સરોજ પાઠકની વાર્તાઓ જ્યારે વાંચીએ ત્યારે આ વાત સત્ય લાગ્યા વગર ન રહે .
સ્વ .સરોજબેનને મારી શ્રધાંજલિ .
https://sureshbjani.wordpress.com/2007/03/15/saroj_pathak/
તેમનો ફોટો મેળવી આપશો?
ગુજરાતી સાહિત્યનાં વીતી ગયેલ વર્ષોનાં સર્જકો અને તેમનાં યોગદાનો/ સ્ર્જનોને યાદ કરતા રહેવાના આયામ ઘણા સ્તરે થતા રહે છે, તે તો આનંદની વાત કહેવાય જ.
તે કાર્યક્રમોની ટુંકી નોંધ અને તેના દ્વારા જે તે સર્જકનો પરિચય – અને તેમનાં સર્જનોનો પરિચય પણ – ડીજીટલ વિશ્વ પર મૂકવાનો આ પ્રયોગ પણ એટલો જ સ્તુત્ય છે.
આમ થવાથી આ વિષય પર જે કંઇ કામ ડીજીટલ / ઇન્ટરનૅટ વિશ્વ પર થયું હોય, તેને સાંકળી લેવાનું પણ શક્ય બને, જેમ કે સુરેશભાઇ એ કમેન્ટ દ્વારા તેમણે ૨૦૦૭માં કરેલા આ વિષયપરના લેખને સાંકળી આપ્યો છે, અને તે જ રીતે સુરેશભાઇની સાઈટ – ગુજરાતી પ્રતિભા પરિચય- પર પણ જે લેખ છે તેને પ્રસ્તુત લેખ સાથે સાંકળી લવાયો છે. આ જ રીતે ગુજરાતી વિકિપીડિય કે ગુજરાતી સાહિત્ય પરિષદ , કે એવી કૉઇપણ અન્ય સાઈટની, સાથે આવા લેખોને સાંકળવાનું થઇ શકે, તો હાલના ઇન્ટરનૅટ પર મુલાકાત લેતા ગુજરાતી ભાષીઓ તેમ જ ભાવિ પેઢીમાટે કાયમ માટેની ખનાની ચાવીઓનો ઝૂડો મુકતા જવાનું કામ થઇ શકે.
Emanee vaartaao vaachavaanee ane anubhavavaanee majaa aave.
સર્જકોનો ઉજાશ સદા ટમટમતો રહેશે…સરસ લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)