Daily Archives: જૂન 1, 2013

સેક્સિઝમ: પરેશ વ્યાસ

tn

સેક્સિઝમ:
ભાયડો તે ભાયડો, ‘ને બાયડી તે બાયડી હાફૂસ તે હાફૂસ, ‘ને પાયરી તે પાયરી -આવું શા માટે? મેરિડા કોણ છે? કાર્ટૂન એનિમેશન ફિલ્મ્સનાં સર્જક વોલ્ટ ડિઝનીએ રાજકુમારીઓનાં પાત્ર રૂપેરી પરદે ચિરંજીવ બનાવ્યા છે. સિંડ્રેલા, સ્નોવ્હાઇટ, જાસ્મિન વગેરે દસ રાજકુમારીઓનાં ચિત્રોમાં પ્રાણ પુરી એમને અનેક ફિલ્મ્સમાં દર્શાવ્યા. મેરિડા વોલ્ટ ડિઝનીની અગિયારમી રાજકુમારી છે. ફિલ્મ ‘બ્રેવ’(2011)માં સ્કોટલેન્ડની આ બહાદુર ષોડશી મેરિડા પોતાના પિતાનું રાજપાટ પરત મેળવવા જંગે ચઢે છે. ‘બ્રેવ’ની લેખિકા અને સહદિગ્દર્શક બ્રેન્ડા ચેપમેને પોતાની શાળાએ જતી દીકરી એમ્મા પરથી આ રાજકુમારી મેરિડાનું પાત્ર રચ્યુ હતુ. મેરિડા માથાભારે છે. મેરિડા દમદાર છે. વિખરાયેલા વાંકડિયા ઝૂલ્ફા અને ખભે તીરકામઠાં. એવી બહાદૂર કે કંઇ કેટલાને ધૂળ ચાટતા કરી નાંખે. પણ વોલ્ટ ડિઝનીનાં વડા બોબ ઇગરે મેરિડાને હમણાં જ રાજકુમારી તરીકે રજૂ કરતી વેળાએ મેકઓવર કર્યું. એમાં ફેરફાર કર્યા. મેરિડા હતી ટોમબોય અર્થાંત ભાયડાછાપ. એને બદલીને એને સ્રૈણ રૂપ આપ્યું. મેરિડાને કમરથી પાતળી કરી, એની આંખ મોટી કરી, ઝૂલ્ફા હવે હોળાયને વ્યવસ્થિત થયા અને એનો ટ્રેડમાર્ક તીરકામઠાં અદ્રશ્ય થઇ ગયા…. અને હોબાળો મચી ગયો. અમેરિકન લોકોને મેરિડાનો ‘સ્પોર્ટી’ લૂક પસંદ હતો. એને ‘ગ્લેમરસ’ બનાવવાની તરકીબ ચર્ચાનો વિષય બની ગઇ. વોલ્ટ ડિઝનીનાં વડા બોબ ઇગર પર સેક્સિઝમ(Sexism)નું આળ મુકાયું. શું પૈસા કમાવવાની લ્હાયમાં એક માથાભારે છોકરીને એણે કમનીય કાયાની માલિકણ ચીતરી દીધી. આ શું બતાવે છે? સોળ વર્ષની બ્રેવ(બહાદુર) મેરિડા મોટી થઇને નેઇવ(ભોટ) થઇ ગઇ? હવે એ ધનુષમાંથી તીર નહીં છોડે, નૈનોનાં તીર છોડશે? ઓરિજિનલ મેરિડા સ્માર્ટ હતી, રૂઆબદાર હતી, આત્મવિશ્વાસથી છલકતી હતી. પણ હવે વોલ્ટ ડિઝની કદાચ એવું કહેવા માંગતા હશે કે રાજકુમારીની જગ્યા તો મહેલમાં હોય. એનું કામ તો રાજકુમારને પ્રેમ કરવાનું અને એ કહે તે કરવાનું. પણ લોકોએ એની સામે ઓનલાઇન ઝુંબેશ આદરી. બે લાખ લોકોએ મેરિડાનો ઓરિજીનલ લૂક પુન:સ્થાપિત કરવા અરજ કરી. આખરે વોલ્ટ ડિઝનીને ઝુકવું પડ્યું. ગયા અઠવાડિયે ડેઇલી મેઇલ અખબારે લખ્યું કે વિરોધનાં લોકજુવાળ સામે ઝુકીને વોલ્ટ ડિઝનીએ પોતાની રાજકુમારીનાં લાજશરમ વિનાનાં સેક્સિઝમની તસવીર પાછી ખેંચી.
સેક્સિઝમ શબ્દ સેક્સ+ઇઝમનો બનેલો છે. કાસ્ટિઝમ એટલે જ્ઞાતિવાદ. રેસિઝમ એટલે જાતિવાદ(રંગભેદ). સેક્સિઝમ એટલે લિંગવાદ. મૂળ માનવ જાત તો સરખી હોય. પણ ભેદભાવનાં ભોરિંગનું ઇઝમ પહેલેથી ચાલ્યું આવે છે. પુરુષ અને સ્ત્રી અલગ સર્જ્યા છે. પણ પુરુષ એટલે ઊંચા અને સ્ત્રી એટલે નીચ? પુરુષે ખુરશીમાં બેસીને છાપું વાંચ્યા કરવાનું? અને સ્ત્રીએ રસોડામાં રસોઇ? પતિનાં પગ દુ:ખે કે ન દુ:ખે પત્નીએ રોજ પગ દબાવી આપવાનાં? પતિનું ગળું દુ:ખે ત્યારે ગળું દબાવી દેનારી ભડવીર પત્ની ન હોય શકે? સમાજમાં પુરુષ અને સ્ત્રીની અલગ અલગ ચોખલિયાળી વ્યાખ્યા નક્કી કરે તેવા દ્રષ્ટિકોણ, શરતો કે વર્તણુંક એટલે સેક્સિઝમ. સમાજમાં કે નોકરીમાં આગળ વધવાની તક સમાન હોવી જોઇએ. પણ પુરુષ હોય તો તેને વધારે તક મળે સ્ત્રી હોય તો એણે સહાયકની ભુમિકામાં જ રહેવાની વાત સેક્સિઝમ કહેવાય. કૃષિ શરૂ થઇ તે પહેલા પુરુષ અને સ્ત્રી સમાન જ હતા. પણ પછી પુરુષ ખેતરમાં કામ કરે અને સ્ત્રી ઘરકામ કરે તેવો રિવાજ પ્રસ્થાપિત થયો. રોમન શાસનમાં સ્ત્રી મત આપી શકતી નહોતી. ઇ.સ. 1895 સુધી અમેરિકામાં સ્ત્રીનાં લગ્ન થાય એટલે એ પતિપત્ની એક થઇ જાય. એટલે કાયદાની દ્રષ્ટિએ પત્નીનું કોઇ અસ્તિત્વ જ ન રહે. યેમનમાં હજી ય કાયદો છે કે પત્નીએ પતિની આજ્ઞા વિના બહાર જવું નહીં. ઇરાકમાં પત્નીને સજા આપવાનો પતિને આજે પણ અધિકાર છે.
ભારતમાં બળાત્કાર વધી રહ્યા છે તેનું કારણ રામાયણ અને મહાભારત જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓનું ચરિત્ર-ચિત્રણ છે તેવું લંડન સ્થિત પત્રકાર સની હુન્દાલ પોતાની તાજેતરમાં પ્રકાશિત ઇ-બૂકમાં કહે છે. સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડે. સાસુની આજ્ઞા છે એટલે દ્રૌપદીએ પાંચ પતિ સાથે પરણવું પડે. સ્ત્રીઓએ નમતા રહેવું પડે. મને લાગે છે કે આ સનીભૈને કહેવું જોઇએ કે મહિષાસુર મર્દિની દુર્ગામાતા વિષે આપ શું માનો છો? આપણા પુરાણોને સેક્સિઝમ માટે દોષિત ઠેરવવા કરતા સાંપ્રત પોર્નોગ્રાફીને દોષિત ઠેરવો તો ઠીક રહેશે. પોર્નોગ્રાફીમાં પણ વેરાઇટી આવે છે. રીબાવી રીબાવીને સ્ત્રીઓનો કઇ રીતે ઉપભોગ કરવો?-એની ખાસ કેટેગરી છે. આ પશ્ચિમી સંસ્કૃતિની દેન છે. બળાત્કારની વધતી ઘટનાઓમાં પાછળ પુરાતન રીતરીવાજો અને અદ્યતન ઇન્ટરનેટ માહિતીવિસ્ફોટનું કોકટેલ જવાબદાર છે. સંભોગ જ્યારે સમ+ભોગ મટી જાય ત્યારે હેવાનિયત થઇ જાય છે. બળાત્કારનાં મૂળમાં સેક્સિઝમ રહેલું છે.
હમણાં વર્જીન એટલાંટિક એરલાઇન્સનની માર્કેટીંગની નવીન તરકીબથી એની સેક્સિસ્ટ છબી વધારે ઘેરી બની. વર્જીનનાં વિમાનમાં બેઠેલો મુસાફર બીજા મુસાફર માટે ડ્રિંક્સ ઓર્ડર કરી શકશે. ટૂંકમાં એક પુરુષ કોઇ ખૂબસૂરત એકલી સ્ત્રી સાથે વાત કરવાનું બહાનું શોધી શકશે. સ્ત્રીઓને તો સ્ત્રીદાક્ષિણ્ય મેળવવાનો અધિકાર છે. સમાજનાં નિયમો છે, ભાઇ. અમથી ય પુરુષને બે જ તો ઇચ્છા હોય છે. ભૂખ અને શૈયાસુખ. વર્જીનની આ સેક્સિસ્ટ સુવિધા સામે વિરોધ થયો છે. વર્જીનની ટ્રેન સેવા ચાલે છે. એમનાં સ્ટાફનાં યુનિફોર્મ પણ વધારે પડતા પારદર્શક હોવાથી છોકરીઓએ પહેરવાની ના પાડીનાં સમાચાર છે. હવે વર્જીન બધા સ્ટાફને 20 પાઉન્ડ વધારે આપવાની ઓફર કરે છે જેથી સ્ટાફની છોકરીઓ આંતરવસ્ત્રો ખરીદી યુનિફોર્મની નીચે એ પહેરીને શરીરને ઢાંકી શકે. મુસાફરોને આકર્ષવા કેવા કેવા પેંતરા કરવા પડે.
સેક્સિઝમ દૂર શી રીતે કરવું? શું પુરુષ સ્ત્રીને વધારે પડતું પ્રાધાન્ય આપે છે? રેસ્ટોરંટમાં પુરુષ જ શું કામ બીલ ચૂકવે? કૌન બનેગા કરોડપતિમાં પુરુષ હોટસીટ પર પસંદ થાય તો અમિતાભ બચ્ચન એને ઇશારાથી કહી દિયે કે ત્યાં બેસી જા. પણ કોઇ સ્ત્રી હરીફ હોટસીટ પર આવે તો અમિતાભ પોતે હોટસીટ નજીક જઇ ખુરશી ખસેડી એને બેસવા માટે શા માટે મદદ કરે છે? શું સ્ત્રી ખુરશીમાં આપ મેળે બેસવા સક્ષમ નથી? સેક્સિઝમ પુરુષનાં મગજમાં છે. સેક્સિઝમ સ્ત્રીનાં હૃદયમાં છે. સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ હોય. એટલે સ્ત્રી બિચારી, બાપડી. એણે ગદ્ધાવૈતરું ઢસડ્યે રાખવાનું. આપણી ફિલ્મ્સ પુરુષપ્રધાન હોય છે. હીરોઇન આમ તૌર પર સહાયક ભુમિકામાં હોય છે. કહાની અથવા ઇંગ્લિશ-વિંગ્લિશ જેવી સ્ત્રી પ્રધાન ફિલ્મ્સ ઓછી છે.
સ્ત્રીઓને ઉતારી પાડતા જોક્સ કહેવાય છે. સ્ત્રીઓ સક્ષમ હોય તો ય પગાર પુરુષની સરખામણીમાં ઓછો મળે છે. રાજકારણમાં પુરુષોનો દબદબો છે. સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. સૈન્યમાં સ્ત્રીઓની ભરતી નગણ્ય છે. સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો શિકાર થાય છે. આ બધા સેક્સિઝમ છે.
જો કે સેક્સિઝમ શબ્દ માત્ર નારી પ્રત્યેનાં ભેદભાવ માટે સર્જાયો નથી. પુરુષો પ્રત્યે સ્ત્રીઓની સરખામણીમાં અન્યાય થતો હોય તો તે પણ સેક્સિઝમ છે. ખાસ કરીને સ્ત્રીઓ ગુનાહ કરે પણ એની કાયદો કુણી લાગણી બતાવે એમ પણ બને. એક સરખા ગુનાહમાં પુરુષ આજીવન કેદ મળે પણ સ્ત્રીઓ છટકી જાય એમ પણ બને. સ્ત્રીઓ સર્વોચ્ચ સ્થાને ઓછી જોવા મળે છે. ભારત અપવાદ છે. છંતા અહીં સ્ત્રીઓ પરત્વે ભેદભાવ રાખવાનો રિવાજ છે. એટલે સ્ત્રીની સંખ્યા ઘટી રહી છે. દીકરો વંશ ચાલાવે. ઘર ચાલાવે. આ સામે દીકરી વહાલનો દરિયા, બેટી બચાવો, બેટી વધાવો-જેવી ઝુંબેશ આપણને સેક્સિઝમની માનસિકતામાંથી બહાર કાઢવા માટે થાય છે; એ સારી વાત છે.
અને છેલ્લે એક સેક્સિસ્ટ જોક. દુનિયાનાં તમામ દેશોની શાસનધૂરા સ્ત્રીઓને સોંપવામાં આવે તો યુદ્ધ થાય જ નહીં. હા, કદાચ એવું બને કે થોડા દેશો વચ્ચે આપસી અબોલા અવશ્ય જોવા મળે !
શબદ આરતી:
સ્ત્રીઓની મુક્તિની વાત નરી મૂર્ખામી છે. ખરેખર તો પુરુષ પ્રત્યે ભેદભાવ રખાય રહ્યો છે. સૌથી મોટી અસમાનતા એ છે કે પુરુષો બાળકોને જન્મ આપી શકતા નથી. અને આ બાબતે કોઇ કાંઇ કરી શકે તેમ પણ નથી.. -ઇઝરાયેલની સ્થાપક પ્રધાનમંત્રી ગોલ્ડા મીર (1898-1978)
417866_445139908910486_2078160203_n

4 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ