Daily Archives: જૂન 3, 2013

ઉસને કહા થા…/ પરેશ વ્યાસ

DSCN0202

ઉસને કહા થા…

મારી પ્રાણપ્રિય પત્ની કોકિલા આજે મને વાર્તા કહેવાનાં મૂડમાં હતી. એણે જે કહ્યું એ ટૂંકમાં નીચે મુજબ છે. ચંદ્રધર શર્મા ‘ગુલેરી’(1883-1922)એ પોતાના લેખનકાળમાં ‘ઉસને કહા થા’ શીર્ષક હેઠળ એક જ ટૂંકી વાર્તા લખી હતી. હિંદી સાહિત્યજગતની આ પહેલી અને શ્રેષ્ઠ ટૂંકી વાર્તા ગણાય છે. અમૃતસર અને ફ્રાંસબેલ્જિયમની સરહદની પૃષ્ઠભૂમિ પર મહોરેલી આ વાર્તા શીખ રાઇફલ્સનાં જમાદાર લહેનાસિંઘની વાત છે. પહેલાં વિશ્વયુદ્ધમાં બ્રિટિશ વતી જર્મન સામે લડતા લહેનાસિંઘ પોતાની અજોડ સમયસૂચકતા અને અપ્રતિમ બહાદૂરીની મિશાલ છે. આખી પલટનનાં વડાની વર્દીનો વેશપલટો કરી એક જર્મન સૈનિક અધિકારી છાવણીમાં આવી પહોંચે છે અને સુબેદાર હજારાસિંઘને આદેશ કરે છે કે ‘એક માઇલ દૂર પૂર્વમાં જર્મનની છૂપી છાવણી છે. તમે આઠદસ સૈનિકોને અહીં રાખી બાકી બધા ત્યાં જાઓ. આપણા સૈનિકો ત્યાં જ છે. એની સાથે મળીને જર્મન દુશ્મનની છાવણી કબજે કરો’. સુબેદાર અને એનાં સૈનિકપુત્ર સહિત સૌ લડવા આતુર છે. જમાદાર લહેનાસિંઘને ત્યાં જ રહેવા આદેશ થાય છે. પલટનનાં વડા તરીકે વેશપલટો કરી આવેલા જર્મન લહેનાસિંઘને સિગારેટ ઓફર કરે છે. ચાલાક લહેનાસિંઘ એને પિછાણી લે છે કારણ કે શીખ કદી સિગારેટ પીતા નથી. બાજુમાં સુતેલા સૈનિકને જગાડે છે. એ કહે કે ‘સુવા દે, ક્યા કયામત આયી હૈ?’ લહેનાસિંઘ કહે છે કે ‘હા ઔર લપટનસાહબકી વર્દી પહનકર આયી હૈ.’ અને પછી સૈનિકને કહે છે કે ‘જા, જલદીથી સુબેદાર સાહેબને જાણ કરે, નહીંતર એ બધા માર્યા જશે.’ સૈનિક કહે છે કે ‘તમે અહીં માત્ર આઠ છો અને એ સિત્તેર છે.’ લહનાસિંઘ કહે છે કે ‘કોણે કહ્યું? અમે દસ લાખ છીએ. એક એક અકાલી શીખ સવા લાખ બરાબર હોય છે.’ જર્મનો લહનાસિંઘ અને એના જવાનો પર તૂટી પડે છે. પણ બીજી તરફ સુબેદાર હજારાસિંઘની ટૂકડી પણ જર્મન ચાલથી વાકેફ થતા પાછી ફરી હોય છે. યુદ્ધ થાય છે. જર્મનો માર્યા જાય છે. શીખ સૈનિકો પણ મરે છે. લહનાસિંઘ ગંભીર રીતે ઘાયલ થાય છે. સુબેદારસાહેબ અને એનો સૈનિક દીકરા બુધાસિંઘને પણ સામાન્ય ઇજા થાય છે. પણ બચી જાય છે. લહનાસિંઘે એને ચેતવ્યા ન હોત તેઓ અત્યંત ખરાબ રીતે રહેંસી કઢાયા હોત. લહનાસિંઘ કહે છે કે ‘મને વાંધો નથી, તમે પહેલાં હોસ્પિટલ પહોંચો.’ સુબેદાર રોકાવા ઇચ્છે છે પણ લહનાસિંઘ એને આગ્રહપૂર્વક મોકલી આપે છે. ગંભીર રીતે ઘાયલ લહનાસિંઘ પોતાનાં જીવનનાં ફ્લેશબેકમાં પહોંચી જાય છે. આ એક યુદ્ધ કથા જ નથી, પણ પ્રેમકથા પણ છે. ફ્લેશબેકમાં લહનાસિંઘ યાદ કરે છે કે અમૃતસરનાં બજારમાં એક બાર વર્ષનો છોકરો અને એક આઠ વર્ષની છોકરી મળે છે. મળતા રહે છે. છોકરો એને હંમેશા પૂછે છે કે ‘તારી સગાઇ થઇ ગઇ?’ અને છોકરી ‘ધત્’ કહીને ભાગી જતી હોય છે. પણ એક દિવસ કહે છે કે ‘હા, આ રેશમી ભરતવાળો સાલૂ નથી જોતો?’ છોકરો તે દિવસે ગુસ્સામાં પાછો ફરે છે. એનું નામ લહનાસિંઘ છે. એ મોટો થઇને લશ્કરમાં જોડાય જાય છે. વચ્ચે રજા પર હોય છે ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધનું રણશીંગુ ફૂંકાય છે. એનાં સાહેબ સુબેદાર હજારાસિંઘ કહેવડાવે છે કે ‘મારે ત્યાં આવી જા. આપણે સાથે જ જશું’. લહનાસિંઘ સુબેદારને ઘરે જાય છે. સુબેદાર કહે છે, ‘સુબેદારની તને ઓળખે છે. જા એને જઇને મળી લે’ લહનાસિંઘને નવાઇ લાગે છે. એ સુબેદારસાહેબની પત્નીને ઓળખી નથી શકતો. પણ સુબેદારની યાદ કરાવે છે અને કહે છે કે ‘તને યાદ છે અમૃતસરની એ બજાર, જ્યાં આપણે અનાયાસ મળી જતા હતા. એક દિવસ ઘોડાગાડી નીચે કચડાય જતી હતી ત્યારે તેં મને બચાવી હતી. આજે હું પાલવ ફેલાવીને મારા પતિ અને મારા એકનાં એક દીકરાની રક્ષાનું વચન માંગુ છું.’ ફ્લેશબેક પૂરો થાય છે. થોડા દિવસ પછી અખબારમાં આવે છે કે ફ્રાંસબેલ્જિયમ સરહદ પર ગંભીર રીતે ઘવાયેલો શીખ રાઇફલ્સ જમાદાર લહનાસિંઘ માર્યો ગયો હતો. ‘ઉસને કહા થા’ વાર્તા પૂર્ણ થાય છે.

મેં મારી પત્ની કોકિલાને કહ્યું કે ‘આ અદભૂત વાર્તા છે. પણ હવે તો યુદ્ધ થતા નથી. એક કટારલેખક તરીકે હું સાંપ્રત સમાચારને લક્ષમાં રહીને હળવી શૈલીમાં ‘નિરુદ્દેશે’ લખું છું. આ વાર્તા અલબત્ત શ્રેષ્ઠ વાર્તા છે. પણ એને અત્યારે લખવાનું કોઇ કારણ નથી.’ કોકિલા કહે, ‘કેમ નહીં? પેલો ઉંમર લાયકની મર્યાદા પણ વટાવી ચૂકેલો પાકો કુંવારો સલમાન ખાન રોમાનિયન અભિનેત્રી લુલિયા વેન્તુર સાથે પરણવાનો છે, એવા ખબર નથી આવ્યા?’ મેં કહ્યું, ‘હા, પણ એને અને આ વાર્તાને શું સંબંધ?’ કોકિલા કહે, ‘તમે એક થા ટાઇગર જોઇ છે?’ કોકિલા ક્યાંની વાત ક્યાંથી ક્યાં લઇ જવામાં પાવરધી છે. આમ તો આ સ્ત્રીસહજ લક્ષણ છે. પણ કોકિલા એમાં પીએચડી છે. મને કાંઇ સમજાતુ નહોતું. કોકિલા કહે કે ‘કેમ? પેલો ડાયલોગ નથી કે જેમાં સલમાન કહે છે કે ડાયરેક્ટ શાદી હો ગઇ? એમ કેમ પૂછે છે. એમ કેમ નથી પૂછતી કે ગર્લફ્રેન્ડ છે કે કેમ? ત્યારે કેટરીના કૈફ શું કહે છે?’ મેં કહ્યું કે ‘હા, કેટરીના એમ કહે છે કે તારી ઉંમર હવે પૈણવા જેવી થૈ ગૈ છે. હવે તારે પૈણી જવું જોઇએ.’ કોકિલાએ તરત જ જવાબ વાળ્યો, ‘બસ એટલે તો સલમાન પરણી રહ્યો છે. કેમ કે… ઉસને કહા થા.’

કોકિલા ક્યારેક સાવ અસંબદ્ધ વાત કરે છે. આઇ મીન, ચંદ્રધર શર્મા ગુલેરીની આ વાર્તાનાં નાયક લહનાસિંઘ અને સલમાન ખાન વચ્ચે કાંઇ સામ્ય નથી. પણ હું લાંબુ વિચારું તો મને થાય કે યુદ્ધ અને લગ્ન-એ બન્ને કાર્યો આમ તો એક સરખા જ હોય છે. અને કોઇ એક સ્પેશ્યલ છોકરીએ ક્યારેક કંઇક કહ્યું હોય તો એમ કરવામાં છોકરાને જે આનંદ મળે છે એવો આનંદ કોઇ પણ ધનદૌલત, એશોઆરામ કે વૈભવમાં હોતો નથી. યશ ચોપરા જીવતા હોત તો કદાચ એમણે પંજાબ અને ફ્રાંસબેલ્જિયમની પૃષ્ઠભૂમિ પર શૂટિંગ કરીને સલમાન, લુલિયા અને કેટરીનાને ચમકાવતી ‘ઉસને કહા થા’ નામની એક મઝાની રૉમેંટિક વોર ફિલ્મ બનાવી હોત.

કોકિલાએ મને આપેલું ‘ઉસને કહા થા’-લીસ્ટ ઘણું મોટું છે. આખી જિંદગી ચાલશે. પણ કોકિલા ચતુર છે. એ હંમેશા મારી ક્ષમતા પ્રમાણે જ મને કહે છે. હું એનું કહ્યું કરીને દુનિયાનો શ્રેષ્ઠ આનંદ મેળવવા તત્પર રહું છું. તો હે સુજ્ઞ વાંચકો, આપનાં ‘ઉસને કહા થા’- લિસ્ટમાં શું શું છે?

કલરવ:

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

– હરીન્દ્ર દવે

Spring+Blooms2

Paresh Vyas

5 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ