માત્ર વર્તમાનમાં જ જીવતા. એખાર્ટ ટોલની/ભદ્રકાળી એકાદશી સ્તુતી

એખાર્ટ ટોલની ચોપડીમાં આવી બીજી વાત આવે છે.

 જ્યારે કટોકટીની વેળા આવે, ત્યારે આપણે માત્ર વર્તમાનમાં જ જીવતા – જીવવા મજબૂર હોઈએ છીએ. દા.ત. કૂતરા આપણી પાછળ પડે ત્યારે માત્ર દોડવામાં જ બધું ધ્યાન હોય છે. આમ જ રમત ગમતમાં ગોલ બનાવતી વખતે ધ્યાન માત્ર બોલ પર જ.


નિજ-નગરિયા – તરુ કજારિયા

દુનિયાના લગભગ તમામ ધર્મગુરુઓ, આધ્યાત્મિક ચિંતકો અને શાસ્ત્રગુરુઓ તેમના અનુયાયીઓને કહેતા આવ્યા છે કે ભૂતકાળ વીતી ગયો છે અને ભવિષ્યકાળ તો હજી આવ્યો નથી. માણસના હાથમાં તો માત્ર વર્તમાન જ છે. તેમાં જ તેણે જીવનનો મર્મ પામી લેવાનો છે, આત્માની ઓળખ કરી લેવાની છે. અનુભવીઓ પણ કહે છે કે જિંદગીમાં સુખી થવું હોય તો ‘વર્તમાનમાં રહો’. અખબારો અને ટીવીની આધ્યાત્મિક-ધાર્મિક ચેનલો પરથી રજૂ થતાં વ્યાખ્યાનો કે ઉપદેશોમાં આ વાત ઘણી વાર વાંચી-સાંભળી છે, પરંતુ હાથમાં ભગવાનના નામજપની માળા હોય અને દાદીમાનું ધ્યાન રસોડામાં કામ કરતી વહુ ઉપર નજર રાખવામાં કે ઘરમાં દેકારો બોલાવતા છોકરાઓને શાંત કરવામાં હોય એવું ક્યાં નથી જોયું? એમ તો પરીક્ષા વખતે હાથમાં સ્ટડી-બુક્સ લઈને બેઠેલા સ્ટુડન્ટની નજર પણ કમ્પ્યુટર સ્ક્રીન પર ફેસબુકની વૉલ પરના પોસ્ટિંગની આસપાસ ઘુમરાતી હોય છે. ટૂંકમાં આપણા બધાનો અનુભવ છે કે જ્ઞાનીઓ ને સંતોની આ ‘વર્તમાનમાં રહેવાની’ એટલે કે જે કરતા હોઇએ તેમાં જ સો ટકા જીવ રાખવાની બાબત ભારે અઘરી છે. બરાબરને!

પરંતુ રોજબરોજના જીવનની કેટલીક પ્રવૃત્તિઓ દરમિયાન એ અઘરી લાગતી શીખ અને તેના જેવી બીજી પણ કેટલીક બાબતોને અજાણતાં અને અનાયાસ જ આપણે અમલમાં મૂકતા હોઇએ છીએ તેનો ખ્યાલ છે? વરસોથી મુંબઈની લોકલ ટ્રેનમાં અપ-ડાઉન કરતાં કરતાં આવાં કેટલાંય સમજણબિન્દુઓ સાંપડ્યાં છે. જેમ કે આ લોકલ ટ્રેન તેને અટકવાનું હોય એવા દરેક સ્ટેશને માંડ અર્ધી કે પોણી મિનિટ માટે રોકાય છે. અને એટલા નાનકડા સમયમાં હજારો પ્રવાસીઓ એ ટ્રેનમાં ચડી કે ઊતરી જાય છે! એ ઊતરતા કે ચડતા પ્રવાસીઓ એ ક્ષણ પૂરતા ચોક્કસ વર્તમાનમાં રહે છે અને એટલે જ અર્ધી-પોણી મિનિટ જેટલા ટૂંકા સમયમાં પોતાને કરવાનું છે તે કરી શકે છે. કોઇને ટ્રેન છોડવાની છે તો કોઇને પકડવાની છે. એ બન્ને સમૂહના લોકો પોતપોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. એ ક્ષણે એ સમૂહમાંનું કોઇ પણ ભૂતકાળ કે ભવિષ્યકાળની ચિંતા કે ઈવન વિચારસરખો પણ નથી કરતા. ત્યારે તો તેઓ ટોટલી અને કમ્પ્લીટલી વર્તમાનમાં હોય છે અને તેમનું એકમાત્ર લક્ષ્ય હોય છે સ્ટેશને પહોંચેલી ટ્રેનમાંથી ઊતરવું કે ચડવું. એ પળે જો કોઇ વર્તમાન છોડીને બીજો-ત્રીજો વિચાર કરવા જાય કે મનને ભટકવા દે તો શું થાય? તેના પર બધા તૂટી જ પડેને! ‘અરે, ઉતરના નહીં હૈ ક્યા? તો બિચ મેં ક્યોં ખડે હો? ચલો હટો! હટો જલ્દી! ’ કે ‘અરે. મોબાઇલ બંધ કર, ફટાફટ ચડ પહેલે. બાદ મેં બાત કરના. નહીં તો ચડવા દે અમને! ’ આ તો ખૂબ જ માઇલ્ડ શબ્દો વાપર્યા છે. પરંતુ વાસ્તવમાં જ્યારે આવી બોલાચાલી થાય ત્યારે તન-મનમાં ખૂંચી જાય તેવા આકરા શબ્દો અને શારીરિક પ્રહારોની પણ લાણી થતી હોય છે. આમ વર્તમાનમાં રહેનારા શું પામે છે અને શેનાથી બચી શકે છે તેનું ઉદાહરણ આપણી નજર સામે છે, રોજ-બરોજનું છે!

બીજો એક વિચાર રેલવે ઓવરબ્રિજનાં પગથિયાં ચડતી-ઊતરતી વખતે અચૂક ઝબકી જાય છે, ખાસ કરીને ટ્રેનમાંથી ઊતરીને બ્રિજ ચડતા પ્રવાસીઓનાં લયબદ્ધ પગલાં જોઇને. આખો દાદર હકડેઠઠ ભરેલો હોય. પોતાની આગળના પગથિયા પરથી કોઇનો પગ ઊપડે પછી જ ત્યાં આપણેે પગ મૂકી શકીએ! આગળનાં પગથિયાં પરની વ્યક્તિ ડાબો પગ ઉપાડે ત્યારે જ આપણો પણ ડાબો પગ ઊપડે. એ રીતે જ આપણી પાછળના, એની પાછળના અને છેક છેલ્લે પગથિયે ઊભેલાનો પણ ડાબો પગ જ ઊપડે! એક-મેકથી તદ્દન અજાણ્યા લોકો એક-બીજાના તાલમાં તાલ મિલાવે! એક-બીજાનાં પગલાંની આમન્યા રાખે એટલે ઊર્ધ્વગમનની એ સફર સંવાદિતાપૂર્વક પાર પડી જાય! આટલા બધા લોકોની આ કોરિયોગ્રાફી કેવી આપોઆપ થઈ જાય છે! કોઇ ડાન્સ ડાયરેક્ટરની કે મિલિટરી કમાન્ડોની ટ્રેનિંગ વિના પણ કેવી લયબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે આટલા બધા લોકોના પગ ઊંચકાય અને મુકાય- લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ! અને પંદર-વીસ પગથિયાં સુધીની એ સિમ્ફની અચાનક સપાટ સરફેસ અને મોકળાશ મળતાં આપોઆપ વિખેરાઈ જાય! સૌ પોત-પોતાની ગતિ પકડે અને પોતાને માર્ગે ચડે. આમાંથી જિંદગીની સફર માટેય શીખ લેવા જેવી લાગે છેને!

અને આપણા આ મોબાઇલ મહાશય પાસેથી તો ભલભલાં શાસ્ત્રોનાં અધ્યયન, ગુરુનાં સેવન અને સાધના પછીય સમજવો મુશ્કેલ લાગે તેવો એક અઘરો મરમ સમજવાની ચાવી મળી શકે એમ છે. દાખલા તરીકે દેહ નશ્ર્વર છે એ આપણે જોઇએ એટલે સમજી શકીએ પણ આત્મા અમર છે એ તથ્ય હજારો વાર ઉચ્ચાર્યા છતાં એ દેહ અને આત્મા વચ્ચે ભિન્નતા કેવી હશે? એ કેવી રીતની હોઇ શકે? એવા અનેક પ્રશ્ર્નો આપણા જેવા સામાન્ય માણસોને હંમેશાં મૂંઝવનારા લાગે છે. પણ આ મોબાઇલની શોધે એ દિશામાં પ્રકાશ પાડ્યો છે. દેહ અને આત્માનો સંબંધ અમુક અંશે મોબાઇલ ફોનના હેન્ડસેટ અને તેના સિમ કાર્ડ સંદર્ભે સમજી શકાય એવું લાગે છે. સિમ કાર્ડ એ આત્મા અને હેન્ડસેટ એ આપણો દેહ! સિમ કાર્ડ કાઢી નાખો તો મોબાઇલ ડેડ, એવું આપણી આ કાયાનું. આત્મા નામના સિમ કાર્ડ વગર એ ઠપ! સિમ કાર્ડ બીજા હેન્ડસેટમાં નાખીને ફરી મોબાઇલ ચાલુ થઈ જાય. એમ જ કદાચ એક દેહ છોડીને નીકળેલો આત્મા બીજા દેહમાં એન્ટર થઈને બીજા મનુષ્યને જિંદગી બક્ષતો હશે! જોકે સિમ કાર્ડવિહોણો હેન્ડસેટ ભલે મોબાઇલ તરીકે જીવતો ન રહે, પણ જો તેની બેટરી ચાર્જ કરી હોય તો ડિરેક્ટરી, કેમેરા કે કેલેન્ડર તરીકેની કામગીરી ચાલુ રાખી શકે છે. માણસના કિસ્સામાં સિમ કાર્ડ (આત્મા) અને બેટરી(આયુષ્ય)નું પ્રોવિઝન અલગ અલગ નથી એટલે સિમ કાર્ડ વગર ધબકવાનું માણસને માટે શક્ય નથી.

જીવતે જીવ તો દેહ અને આત્માનું દ્વૈત સમજવાનું કોઇ અવ્વલ દરજ્જાના સાધક કે જ્ઞાની માટે જ સુગમ હોઇ શકે. પણ આ મોબાઇલના કિસ્સામાં એ ઘટનાને પ્રેક્ટિકલી જોવાનું સહુ માટે શક્ય બન્યું છે. સૃષ્ટિના સર્જનહારની કીમિયાગીરીને થોડીક સમજવાની જાણે આ મોબાઇલની શોધે તક આપી દીધી! ખરેખર, સામાન્ય અને રોજિંદી રફ્તાર જેવી બાબતોમાંથી પણ ક્યારેક મૂલ્યવાન નિર્દેશ પામી શકાય છે!

આજે ભદ્રકાળી એકાદશી ને દિને માતાજીની સ્તુતી
स्वहृदि स्थिते देवि ! भवानी भुवनेश्वरि !
महादेवि ! नमस्तुभ्यम् त्राहि मां परमेश्वरि !!

शांकरी शक्तिरूपिणी , भैरवी भवतारिणी ,
जगदंबा चिन्मयी धात्री भुक्ति मुक्ति प्रदायिनी !!

દીપજ્યોતિઃ महासंहारिणी शिवा ,
चामुण्डा चंडिका चौला जीवनं प्राणिनां प्रभा !!

आद्यशक्ति जगज्जननी मोहिनी मदमर्दिनी ,
ब्रह्मरूपा रूपातिता मायाविनी महेश्वरी !!

अंबिका पार्वती दुर्गा सर्वसाक्षी ऋतंभरा ,
प्रसीद प्राणदा देवि ! चितीशक्ति चिदंबरा !!
માતાજીના ગરબા વખતે લોકગીત જેમ શરુઆતમા ગવાતી આ પ્રાર્થના
સર્વે સંતુ નીરામયા :

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “માત્ર વર્તમાનમાં જ જીવતા. એખાર્ટ ટોલની/ભદ્રકાળી એકાદશી સ્તુતી

 1. ગીરદી, સમયની ખેંચ, આપણી જેમ જ સૌની એક સરખી ગરજ – આ બધું માણસની ગતિવિધિને મિલિટરી જેવી બનાવી મૂકે છે.

  માણસનો સીમકાર્ડ વગરનો દેહ લેબોરેટરીમાં કામ લાગે ખરો !

 2. આ સીમકાર્ડ વિશે અવલોકન થયું!
  વર્તમાનમાં જીવવાની વાત રોજબરોજના વ્યવહાર માટે છે – સન્યાસ માટે નહીં.
  ——-
  એખાર્ટ ટોલને આ ગરબા મોકલી દો!

  જીવનના આનંદને માણ્યો.’ – એમ આપણે ભલે માનીએ; પણ એ સાચો આનંદ ત્યારે જ બની રહે જ્યારે, એ ઘટના કે ચીજ ન રહે તો પણ આપણો આનંદ જરાયે ઓછો ન થાય. નહીં તો એ પણ રાગ જ. અનુભવે એ સમજાયું છે કે, કોઈ પણ ચીજ ગમે તેટલી વ્હાલી હોય – અંતે દુઃખ જ પેદા કરે છે. કારણ કે, એ મનની નીપજ હોય છે.
  સાચો આનંદ આપણા પાયાના હોવાપણામાંથી જ ઉપજી શકે છે.
  ———
  એ આનંદની ઝાંખી મેળવવાની બહુ જ સાદી રીત એખાર્ટ ટોલ બતાવે છે …

  મનથી સંકલ્પ કરો કે, ‘હવે શો વિચાર આવશે , તે હું જોઈશ.’ અને આશ્ચર્યજનક રીતે ચાર પાંચ સેકન્ડ માટે કોઈ જ વિચાર નહીં આવે. એટલી ક્ષણો આપણું પાયાનું હોવાપણૂં જાગૃત થયું. લાંબા અભ્યાસ પછી રોમે રોમમાં આનંદની લહેરખી ફળી વળતી જોઈ શકશો. આ આપણા પાયાના હોવાપણાનો સ્વાભાવિક આનંદ છે. એ એનો મૂળ સ્વભાવ છે.

  એક વખત આ આનંદની અનુભૂતિ થાય, પછી બીજા બધા આનંદ ક્ષણજીવી છે – મનની નિપજ છે ; એ સમજાવા લાગશે. અને આ જ જાગૃતિની શરૂઆત છે – આઝાદ બનવાની શરૂઆત.

  જેમ જેમ ‘આઝાદ બનવા’ નું સહજ થવા લાગશે ; તેમ તેમ હાર , જીત, આનંદ, શોક , પ્રાપ્તિ કે ગુમાવવું – ખાસ અસર કરી નહીં શકે. અને ત્યારે જ ‘કર્તા ભાવ ઓગળવો એ શું?’ એ સમજાઈ શકશે.

  આ અહં ઓગળવાની શરૂઆત છે. ચેતનાના ઘણા સ્તરો આની પણ આગળ હોય છે – એમ ત્યાં પહોંચી શકનારા કહે છે.એની ઉચ્ચ તમ સ્થિતી વિતરાગ અવસ્થા છે , એમ કહે છે.

 3. મોબાઈલ અને સીમકાર્ડ એ મનુષ્યનું સર્જન દેહ અને આત્માનો સર્જનહાર કોઈ મનુષ્યેતર શક્તિ !

  બન્નેની સરખામણી કેવી રીતે થઇ શકે ?

 4. સીમ કાર્ડ વગર્નો મોબાઇલ કોઇ કામનો નહી તેમ આત્મા વગરનો દેહ નિરર્થક આ ઉદાહરણ અને ચિંતન ગમ્યુ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.