Daily Archives: જૂન 5, 2013

ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા/પરેશ વ્યાસ

ચેરી-પિકિંગ: જો અચ્છા હૈ, વો સચ્ચા હૈ.../ પરેશ પ્ર વ્યાસ
ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી આહારસંહિતા

આજે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે હવા, પાણી અને ખોરાકની ચિંતા કરવાનો રિવાજ છે. દર વર્ષે ઉજવણી માટે વિષય આપવામાં આવે છે. 2011માં વિષય હતો ‘ફોરેસ્ટ- કુદરત આપની સેવામાં’. 2012માં વિષય હતો ‘ગ્રીન ઇકોનોમી- શું આપ એમાં શામેલ છો?’. 2013માં વિષય છે, ‘વિચારો- ખાઓ-બચાવો-રીડ્યુસ યોર ફૂડપ્રિન્ટ’ શું છે આ ફૂડપ્રિન્ટ(FOODPRINT)?

મૂળ શબ્દ છે ફૂટપ્રિન્ટ. ફૂટ એટલે પગ. પ્રિન્ટ એટલે છાપ. પદચિહ્ન, પગલાંની છાપ. અથવા પગલાં. માટીમાં પગલાંની છાપ પરથી પગેરું મળી શકે. જાસૂસી શાસ્ત્ર એટલું વિકસ્યું છે કે ફૂટપ્રિન્ટ પરથી ગુનેગારની ઊંચાઇ અને વજન પણ ખબર પડે. પગલાંનો પાડનાર પુરુષ છે કે સ્ત્રી એ ય ખબર પડે. ધરતીનાં સ્તરમાંથી મળી આવેલા ડાયનાસોરનાં અશ્મિલમાંથી વર્ષો પહેલાંની માહિતી પણ મળી શકે. ફૂડપ્રિન્ટ શબ્દ ફૂડ અને ફૂટપ્રિન્ટનું સંમિશ્રણ છે. ફૂડપ્રિન્ટ એટલે અન્નની પર્યાવરણ પરની છાપ અથવા અસર. ખોરાકની વળી પર્યાવરણ અસર શું હોઇ શકે? લૌરી ડેવિડનું એક પુસ્તક છે. ‘ધ ફેમિલી ડિનર’. જેનાં અન્ન ભેગા, એનાં મન ભેગા. આ પુસ્તકમાં માત્ર વિવિધ વાનગીની રેસિપી જ નથી. શું ખાવું, કઇ રીતે ખાવું, એની રીત પણ સમજાવી છે. લૌરી કહે છે હાથે બનાવેલું ખાવું. પ્રોસેસડ઼્ ફૂડ ક્યાં બને, કેવું હોય, કોને ખબર? એ બનાવવામાં, પેકિંગમાં, તેની હેરફેરમાં અને પછી પાછા એને ગરમ કરવામાં કેટલું બળતણ વપરાય? આ બધું પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. યુએસ નેશનલ ઓબ્સર્વેટરી, હવાઇનાં નિષ્ણાંતો તાજેતરમાં જ તારણ પર આવ્યા છે કે પૃથ્વી પર પહેલી વાર હવામાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 400 પીપીએમને વટાવી ગયું છે. ઘણાં કારણો છે. એ પૈકી એક છે આપણી ખોરાક શૈલી; આપણી ફૂડપ્રિન્ટ જે પૃથ્વીનું પર્યાવરણ બગાડે છે. યોગ્ય ખોરાક યોગ્ય રીતે ન ખાઇએ તો આપણે સ્થૂળકાય થઇએ, મધુમેહથી પીડાઇએ કે આપણું રક્તદબાણ વધતું જાય તે નફામાં. ફૂડપ્રિન્ટ એટલે આપણું અન્ન પર્યાવરણ પર શી છાપ છોડે છે, તેની છબી.

2009માં ન્યૂયોર્ક શહેરમાં અન્ન અને પર્યાવરણ શિખરમંત્રણા થઇ. ન્યૂયોર્ક શહેરની ફૂડપ્રિન્ટ પર્યાવરણલક્ષી રહે તે માટે ન્યૂયોર્કનાં વહિવટીતંત્રે નક્કી કર્યું કે અન્નવિતરણ વ્યવસ્થામાં સ્થાનિક કૃષિપેદાશને ઉત્તેજન આપવું. શહેરી કૃષિ એવો શબ્દ જ અસ્થાને લાગે. શહેરમાં તે વળી ખેતીવાડી થતી હશે? પણ હવે તો ફ્લેટની બાલ્કનીમાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. કેટલો બધો હેરફેર ખર્ચ ઘટી જાય? અને રાંધ્યા પહેલાનો અને પછીનો વધેલો કચરો જેવો કે શાકભાજીનાં છોડા કે એંઠવાડનું ઘરઆંગણે જ જૈવિક ખાતરમાં રૂપાંતર કરવું. આપણાં નગરોનાં પર્યાવરણ પર આપણે સૌમ્ય ફૂડપ્રિન્ટ છોડવા માંગતા હોઇએ તો આપણે પણ આવા પ્રયોગ કરવા રહ્યા. સાકરટેટી સ્થાનિક પેદાશ છે. અનનાસ છેક કેરળથી આવે છે. સ્થાનિક ફળ ખાવા. હેરફેરમાં એટલું ડીઝલ ઓછું બળે. પર્યાવરણમાં એટલો કાર્બન ડાયોક્સાઇડ ઓછો જાય. એંઠવાડને આંગણાની જમીન કે કૂંડાની માટીમાં નાંખી શકાય. અને નાનકડું કીચન ગાર્ડન હોય તો તાજું તાજું શાક જાતે જ ઊગાડી શકાય. મઝાની વાત તો એ છે કે કાર્બન ફૂડપ્રિન્ટ ઘટાડવાનો દરેક નુસખો આપણી તબિયત માટે પણ એટલો જ ઉપયોગી છે. જીવનશૈલીનાં રોગને દૂર રાખવામાં મદદગાર સાબિત થાય છે.

ખોરાકનો બગાડ ક્યાં થાય? ખેતરમાં લણણી ટાણે અનાજનો કેટલોક ભાગ ત્યાં જ પડ્યો રહી જાય, હેરફેરમાં બગડે, માર્કેટમાં સડે, રેસ્ટોરંટ્સમાં ખાધા વિનાનો પડ્યો રહે અને અલબત્ત ફ્રિજમાં એટલો સમય રાખી મુકો કે આખરે ફેંકી દેવો પડે. મારી ખરીદશક્તિ હોય એટલે મને બગાડવાનો અધિકાર મળી જતો નથી. દર વર્ષે વિશ્વમાં 32 કરોડ ટન ફૂડનો બગાડ થાય છે. ગરીબ દેશોમાં પણ બગાડ થાય છે કારણ કે એમની પાસે અન્નની સાચવણી માટે ટેકનોલોજી નથી. અત્યારે એફડીઆઇ-એન-રીટેલની તરફેણમાં આ સૌથી મોટી દલીલ છે કે આપણે આપણું અન્ન સાચવવા સક્ષમ નથી; માટે વિદેશી કંપનીઓ આવશે, ટેકનોલોજી લાવશે અને અન્ન બગડતું અટકશે.

આપણે શું કરી શકીએ? અઠવાડિયામાં એક વાર ફ્રીજમાં રાખેલી આઇટેમની યાદી બનાવવી.. તો ખબર પડે કે શું છે અને શું ખૂટે છે? ઘણાં વખતથી રાખેલી આઇટેમ્સ ફ્રીજમાં આગળ રાખો અને એને પહેલાં વાપરો. આને અંગ્રેજીમાં FIFO નિયમ કહે છે; ફર્સ્ટ-ઇન-ફર્સ્ટ-આઉટ. પહેલું અંદર જાય એ પહેલું બહાર આવે. ફ્રીજને વધારે પડતું ભરશો નહીં. ઓછું ઓછું લાવો. ભલે અત્યારે મોંઘુ લાગે, પણ સરવાળે સસ્તું પડશે. યાદી હશે તો મને ખ્યાલ હશે કે મારા ઘરમાં તો આટલું ખાવાનું પડ્યું છે, મારે રેસ્ટોરંટમાં શા માટે જવું? આ જ રીતે રસોડામાં બનતી વાનગીનું મેનુ પણ પ્લાન કરો. આજે સરગવાની શિંગ પડી છે તો સૂપ થઇ શકે. ટામેટાં હોય તો સેવટામેટાંનું શાક થઇ શકે. પણ દૂધી પણ હોય તો દૂધીનું શાક થાય અને ટામેટાંનું સલાડ થાય. ઘણાં સમયથી રાખેલી આઇટેમને મેનુની મુખ્ય વાનગી બનાવો. સમય બચે, પૈસા બચે અને વિવિધ વાનગી આરોગવા મળે. શોપિંગ કરવામાં કાળજી રાખો. જાહેરાતોથી ભરમાવું નહીં. મોલમાં જાઓ તો બિનજરૂરી કેટલી ય ખાદ્યપદાર્થોની ખરીદી થઇ જાય. ખાદ્યપદાર્થો સસ્તા મળે એટલે જથ્થાબંધ લેવાની મનોવૃત્તિ ટાળો. ખાતા વધેલો ખોરાક ફ્રીજમાં રખાય. એમાંથી નવી વાનગીઓ પણ બની શકે. વધેલા ભાતનાં ભજીયા થાય અને વધેલી ભાખરીને દહીં, લસણ અને શિંગદાણાથી વઘારો તો નાસ્તામાં જમાવટ થઇ જાય. અથવા વધેલો ખોરાક વાસી થાય તે પહેલાં ભૂખ્યાને દાન કરી શકાય.

ફૂટપ્રિન્ટ વિષે કેરિલીન કાર્ટીની એક સુંદર અંગ્રેજી કવિતા છે. જીવન પથ પર ભગવાન આપણી સાથે છે. આપણાં પગલાં છે તો બાજુમાં અદ્રશ્ય ભગવાનનાં પગલાં પણ છે. પણ આપણે જોઇએ છીએ કે તકલીફનો સમય હોય ત્યારે ત્યારે એક જ વ્યક્તિનાં પગલાં રહી જાય છે. શું ભગવાન આપણો સાથે છોડી દે છે? ના રે ના. આપણે ચાલવા સક્ષમ ન હોઇએ ત્યારે આપણા કપરા કાળમાં ભગવાન આપણને તેડી લે છે. એટલે ફૂટપ્રિન્ટનો એક સેટ જ રહી જાય છે. આ ભગવાનની ફૂટપ્રિન્ટ છે. ફૂડપ્રિન્ટનું પણ એમ જ છે. આપણે વિચારીને ખાવાનું છે અને ખાધા પછી બચાવવાનું છે. અન્નનો બગાડ ન કરીને ફૂડપ્રિન્ટ ઘટાડવાની છે. અન્નદાતાની ફૂડપ્રિન્ટ તો આપણી સાથે છે જ.

શબદ આરતી:

કવિ શ્રી મુકેશ જોશીની ગઝલનો એક ઉમદા શે’ર છે કે- સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે; સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. અમારું નમ્ર સુચન છે કે આલીશાન હોટલનાં સ્ટાર રેટીંગ આપતી વેળાએ હોટલની ‘ફૂડપ્રિન્ટ’ પણ વિચારણામાં લેવાવી જોઇએ.

mail.google.com
Paresh Vyas Viburnum-carlesii-autumn-black-shiny-fruit-and-foliage-color-ⓒ-Michaela-at-TGE

\

5 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

માનવતાના મંત્રનું ગ્લોબલ માર્કેટિંગ…/ગાયત્રી દાતાર

gayatri-datar

ગાયત્રી દાતાર નામે દેખાતો આ સોફ્ટ ચહેરો હાર્ડવર્ક કરવા માટે થોડાં સમય અગાઉ મીડિયાના મથાળે ચડ્યો છે.

હાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ હાર્વર્ડ-કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં (આપડી ભાસામાં) ધંધાની ચોપડીનું ભણે છે. ૨૭ વર્ષની આ ગાયત્રીએ ભણતરનો મંત્ર એવો ફૂંક્યો છે કે આજે કેટલાંક દેશોનાં (માનનીય) મંત્રીઓ/સરકારો તેમજ પ્રસિદ્ધ NGOs માં તે પોતાનો પગપેસારો કરી પ્રસિદ્ધિ મેળવી ચુકી છે.

૮ વર્ષથી વિશ્વના જાણીતા સરકારી અમલદારો સાથે સતત નેટવર્કિંગ કરતી ગાયત્રીનું એક મિશન છે.:

‘ગવર્નમેન્ટ અને નોન-ગવર્નમેન્ટ સંસ્થાઓને જોડી તેમાં ઉદ્ભવી શકાતા વિવિધ ઇનોવેશન્સ કરવા, જેથી નાનકડાં (પણ ચતુર લાગતા) નાગરિકોના કામોને બહાર લાવી ચમકાવી શકાય.’

(બહુ ચકળવકળ લાગે છે ને?!?!?!)….

પણ દોસ્તો, હાલમાં બિઝનેસ મેનેજમેન્ટના બીજા વર્ષમાં ભણી રહેલી આ દાતાર ગાયત્રીની પ્રોફાઈલ અને પ્રોજેક્ટ-પોર્ટફોલિયો જોયા-જાણ્યા પછી તેને મદદ કરવા કેટલીયે NGOs મદદ માટે આવી રહી છે. વળી ‘મિશન દ્વારા દુનિયાને બદલી શકે એવા સ્ટેનફોર્ડના ટોપ ૧૭ નવયુવાનો’માં તેનું પણ નામ આવી ગયું છે.

તેના વિશે કહેવાની જરૂર શું કામ પડી?

એટલા માટે કે….માર્કેટિંગ માત્ર પ્રોડક્ટ કે સેવાનું જ નથી થઇ શકતું. પણ વ્યક્તિ અને તેમાં રહેલો આઈડિયા પણ એટલો જ મહત્વનો છે. આપણી બિઝનેસ સ્કૂલ્સ અને એન્જિનીયરીંગ કોલેજમાંથી પણ એવા ક્રિયેટિવ નમૂનાંઓ ભરાઈને પડ્યા હોઈ શકે. બસ જરૂર છે, એમને પણ બહાર લાવતા રહેવાની…

સૌજન્ય મુર્તઝા પટેલ- Sunset

3 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ, વિજ્ઞાન