અમે તો બસ ફરવા આવ્યા છીએ… પરેશ વ્યાસ

DSCN0623
જવાની જવાની હતી, એ અમને ખબર હતી. અમારો ય સૂર્ય હતો. એ ય સોળે કળાએ તપતો હતો. હવે સાંજ ઢળવા આવી છે. ત્યારે અમે ‘યે જવાની હૈ દિવાની’ જોવા ગયા. લો બોલો…. પણ ફિલ્મનું ટાઇટલ ગેરમાર્ગે દોરે તેવું છે. એવું લાગે કે માત્ર જુવાનિયાઓની વાર્તા હશે. માત્ર જુવાનિયાઓ માટે હશે. પણ આમાં જવાનીનું કાંઇ ખાસ ગાંડપણ નથી. ‘યુથ ઇઝ ક્રેઝી’ની કલ્પના કરીને ફિલ્મ જોવા ગયા હતા પણ આ તો એક સીધીસાદી લવસ્ટોરી નીકળી. એમાં પ્રણયચેષ્ટાંઓ છે. પણ દિવ્ય પ્રેમની અનુભૂતિ પણ છે. વિવિધ સંબંધોની સુમધુર દાસ્તાન છે. બાપ-બેટા(ફારુક શેખ-રણવીર કપૂર), મા-દીકરી(ડોલી આહલુવાલિયા –દીપિકા પદુકોણ), દોસ્ત-દોસ્ત(રણવીર કપૂર-આદિત્ય રોય કપૂર), બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ(આદિત્ય રોય કપૂર-કલ્કિ કોચલીન), દીકરો-સાવકી મા(રણવીર કપૂર-તન્વી આઝમી), વાગદત્ત-વાગદત્તા(કુનાલ રોય કપૂર-કલ્કિ કોચલીન) વચ્ચેનાં લાગણીશીલ સંવાદો છે. જે ફિલ્મની પટકથાને ઉઘાડી આપે છે. આખી ફિલ્મ ભલે બે પાત્રો વચ્ચે ગુંથાતી હોય, પણ દર અસલ એ વિવિધ સંબંધોની કવિતા છે. સંબંધ બંધાતા રહે છે. પુન:જીવિત થતા રહે છે. ક્યાંક જન્મજાત સંબંધો છે. ક્યાંક કર્મજાત સંબંધો છે. સંબંધો ક્યાંક તૂટતા દેખાય છે. પણ બધા જ પાત્રોની કોશિશ છે કે એને પુન: સ્થાપિત કરવા. હસ્તિમલ હસ્તી લિખિત જગજીત સિંઘની ગાયેલી ગઝલનો શે’ર યાદ આવી જાય. ગાંઠ અગર પડ જાયે તો ફિર, રિશ્તે હો યા દોરી, લાખ કરો કોશિશ ખુલનેમેં વક્ત તો લગતા હૈ. સમય લાગે છે પણ અંતે સૌ સારાંવાનાં થાય છે. મઝાની વાત એ છે કે આખા પિક્ચરમાં કોઇ ટેન્સન નથી, કોઇ ટસન નથી. વિલન નથી. ખૂન નથી, ખૂનામરકી નથી. મારામારી છે, પણ એ કોમિક મારામારી છે. ઘણે વખતે મારામારીમાં ય મઝા આવી. છેલ્લે કદાચ રણવીરની જ ફિલ્મ અજબ પ્રેમકી ગજબ કહાનીમાં આવી મારામારી જોવાની મઝા પડી હતી.
મારે ફિલ્મનો ચીલાચાલુ રીવ્યૂ કરવો નથી. નહીંતર હું કહેત કે ‘વ્હ્યાયજેએચડી’ ફિલ્મને 100 કરોડનું અઠવાડિક ઓપનીંગ મળ્યું. અથવા બુઢ્ઢા થતા ખાન સુપર સ્ટાર ત્રિપુટી પર એક જવાનિયો કપૂર સુપર સ્ટાર હાવી થયો. બદતમીઝ દિલ ‘બન્ની’ ફિલ્મી દુનિયાનાં ઠરીઠામ થયેલા ટાયગર, ડોન કે રેન્ચોને પછાડી ગયો. પણ આ તો બધા લખે. મારી પત્ની કોકિલાની સલાહ માનીને હું ફિલ્મનો કાવ્યાત્મક વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરું છું. હું કવિ નથી, પણ સારો અભિભાવક છું. આજકાલ કવિની સંખ્યા વધતી જાય છે. ચાહકો ઓછા રહી ગયા છે. દરેકને કાંઇ કહેવું છે. સાંભળવું કોઇને નથી. હું કોઇનું કહેલું કે લખેલું સાંભળીને મને સમજણ પડે તે રીતે નિરુદ્દેશે કહેવાની કોશિશ કરું છું. પ્રસન્ન સંબંધોની વાત કહીએ એટલે કવિતા આપોઆપ થઇ જાય છે. આખરે કવિતાનો હેતુ આનંદ છે. જીવતરનો હેતુ પણ તો એ જ છે ને?
રણવીર કપૂર ઉર્ફ કબીર થાપર ઉર્ફ ‘બન્ની’ રખડેલ છે. એને દુનિયા જોવી છે. દોડવું છે, ઊડવું છે. ભલે પડી જવાય, બસ, એને ક્યાંય પણ રોકાવું નથી. નિરંજન ભગત સાહેબનાં શબ્દોમાં કહીએ તો હું તો બસ ફરવા આવ્યો છું! હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? અહીં પથ પર શી મધુર હવા; ને ચહેરા ચમકે નવા નવા ! -રે ચહું ન પાછો ઘેર જવા! હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું! દિપીકા પદુકોણ ઉર્ફ નયના ઉર્ફ ‘ચશ્મિશ’ સ્થિર છે. ફરવું એને ગમે છે પણ એ એકલપંડી નથી. એકલપંથી પણ નથી. હરીન્દ્ર દવે સાહેબનાં શબ્દોમાં હોઠ મલકે તો મોટી મહેરબાની, સાજન, થોડો મીઠો લાગે, તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક કયાંક દીઠો લાગે! સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ કે એકલાનો રાહ એકધારો, મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો; મધમીઠો નેહ તારો માણું, સંસાર આ અજીઠો લાગે. પ્રિય પાત્ર સાથે જ્યાં છે ત્યાં આનંદ માણી લેવા માંગે છે. ઉદયપુરનાં કિલ્લાનાં સાઉન્ડ એન્ડ લાઇટ શૉનાં બદલે ઢળતી સાંજ અને આથમતા સૂરજની આભા માણી લેવા માંગે છે. એક બીજા સાથે, એક બીજાનાં સપનાઓ સાથે બન્નેની આ એક ગજબની સમજૂતી છે. એટલે મઝા આવી જાય છે.
કોકિલા મારી પત્ની છે. અમે સંગાથી છીએ. એક બીજામાં દખલ કરતા નથી. એક બીજાનાં સપનાઓમાં ટ્રેસપાસિંગ કરતા નથી. પણ સમાંતર ચાલ્યા કરીએ છીએ. ખલિલ જિબ્રાને કહ્યું છે કે લેટ ધેર બી સ્પેઇસિસ ઇન યોર ટૂગેધરનેસ….ભગત સાહેબને ફરી યાદ કરીને કહું છું કે …. જાદુ એવો જાય જડી, કે ચાહી શકીએ બેચાર ઘડી, ને ગાઈ શકીએ બેચાર કડી, તો ગીત પ્રેમનું અમે આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યા છીએ! અમે તો બસ ફરવા આવ્યો છીએ! હરિવંશરાય બચ્ચન કહે છે તેમ, ઇસ પાર પ્રિયે મધુ હૈ, તુમ હો, ઉસ પાર ન જાને ક્યા હોગા…એકલા શું કામ જવું? તારી હાક સુણી કોઇ ના આવે તો…. તો ફરી હાક પાડવી, એકલો જાને રે..એવું કાંઇ નંઇ…..! તંઇ શું?
કલરવ:
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત
Deepika-with-Ranbir-in-Yeh-Jawaani-Hai-Deewani-Movie

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “અમે તો બસ ફરવા આવ્યા છીએ… પરેશ વ્યાસ

  1. ‘યે જવાની હૈ દિવાની ફિલ્મ નું સરસ વિશ્લેષણ અને એની સાથે નિરંજન ભગતની

    કવિતાનો આસ્વાદ માણ્યો .આ માટે પરેશભાઈને ધન્યવાદ .

  2. દરેકને કાંઇ કહેવું છે. સાંભળવું કોઇને નથી.
    —————-
    અમે તો અહીં રમવા આવ્યા છીએ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.