Daily Archives: જૂન 18, 2013

પિતામહ / પરેશ વ્યાસ

DSCN0631

પિતામહની સ્થિતિ, વ્યથા અને કથા…… ઘરમાં વડીલ હોય છે. ધંધામાં વડીલ હોય છે. હજી હમણાં જ નારાયણ મૂર્તિ ઇન્ફોસિસમાં પાછા ફર્યા. કારણ કે ઇન્ફોસિસને તેમની દ્રષ્ટિ અને તેમનું માર્ગદર્શન પાછા જોઇતા હતા. બિચારાને નિવૃત્તમાંથી પ્રવૃત્ત થવું પડ્યું. ઘરડાં ગાડાં વાળે. બાપ તો બાપ હોય. અને એક તરફ આ અડવાણીજી છે જેને અડવાની કે એમની વાણી સાંભળવાની કોઇને પડી નથી. અમને દુ:ખ થયું. પણ રાજકારણમાં પેઢી બદલાય છે. બદલાવી પણ જોઇએ. બાજપાઇ-અડવાણી ‘છે’માંથી ‘હતા’ થયા છે. હવે રાજનાથ-નમો છે તો છે. ઠીક છે વડીલ હોય એટલે પૂછવું જોઇએ. પણ સલાહ માનવી કે ન માનવી એ તો અમારી મુન્સફીની વાત છે. પણ અમને તો ભઇ નરેન્દ્રભઇ ગમે, સીધી વાત, તડ ને ફડ. વિકાસની વાત. વિકાસને આડે આવે એની આડે હાથે લઇ નાંખે. પછી એ પોતાના વડીલ જ કેમ ન હોય? બેફામ સાહેબ જેવું જરા ય નહીં કે કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા. અહીં તો વચ્ચે આવે તેને કચડીને આગળ વધવું પડે. બુલડોઝર ચાલે અને રસ્તો સાફ થતો જાય. મારી પત્ની કોકિલાનાં વિચારો ક્રાંતિકારી છે. એ કહે છે કે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મમાં તો અમિતાભ હતો તો ય એ ફિલ્મ સાવ ફ્લોપ ગઇ હતી. આ જુઓને, સચીન ગયો તો શિખર ધવન આવ્યો. બુઢિયાઓએ તો સામે ચાલીને રીટાયર થઇ જવું જોઇએ. મારી કોકિલા તો એથી ય આગળ વધીને કહે છે કે બીજી પેઢી નહીં, ત્રીજી પેઢીનાં રાજકારણીઓને વડાપ્રધાનનાં ઉમેદવાર બનાવવા જોઇએ. કોંગ્રેસ હોય તો આદિત્ય રાજ સિંધિયા અને ભાજપ હોય તો અનુરાગ સિંઘ ઠાકુર વડાપ્રધાન ન હોઇ શકે?
ચાલો જે થયું તે, પણ ઘીનાં ઠામમાં ઘી પડી ગયું. હવે શું? આઇ મીન પિતામહ શ્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીનું શું? એ કઠોર સત્ય છે કે રાજકારણી જો સમયસર નિવૃત્તિ જાહેર ન કરે તો દુ:ખી ઘણો થાય છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ લખે છે કે,
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહર્નિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
અમે ચર્ચા કરી રહ્યા હતા. કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી કહે છે તેમ એક લીલી લાગણીને પામવા એક માણસ કેટલો ઘરડો પડે! અને પછી કોકિલાએ મને ત્રિશંકુની કથા કહી. આમ તો કોઇ અધવચ્ચે અટકે, કોઇ અધવચ્ચે લટકે એને ત્રિશંકુ સ્થિતિ કહેવાય. પણ આ ત્રિશંકુ આખર છે શું? વાલ્મિક રામાયણનાં બાલકાંડમાં ત્રિશંકુની વાર્તા આવે છે. સૂર્ય વંશનાં રાજા પૃથુનાં પુત્ર ત્રિશંકુને જીવતેજીવ સ્વર્ગમાં જવાની ઇચ્છા થઇ. ગુરુ વસિષ્ઠને વિનંતી કરી પણ વસિષ્ઠ ઋષિએ શુદ્ધ ગુજરાતીમાં રોકડું પરખાવી દીધું કે ભાઇ, આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય. ત્રિશંકુએ વસિષ્ઠનાં પુત્રોને વિનંતી કરી. પિતાએ ના પાડી તેમ છંતા ત્રિશંકુની લાલસાનો અંત નથી, એ જાણી પુત્રો ગુસ્સે થયા અને ત્રિશંકુને શ્રાપ આપી એની શક્તિ ક્ષીણ કરી નાંખી. ત્રિશંકુએ દેશ છોડ્યો. વેરાનમાં ભટકતો હતો ત્યાં ઋષિ વિશ્વામિત્ર મળ્યા. એમણે ત્રિશંકુને જીવતેજીવ સ્વર્ગમાં મોકલવાનું બીડું ઝડપ્યું. યજ્ઞ આદર્યો. અને ત્રિશંકુ ધીરી ધીરે નશ્વરદેહે સ્વર્ગ તરફ જવા માંડ્યો. દેવલોકમાં ઇન્દ્ર ખળભળી ઊઠ્યા. એમણે ત્રિશંકુને પાછો ધકેલી દેવા પોતાની શક્તિ કામે લગાડી. આમ વિશ્વામિત્ર મોકલે સ્વર્ગ ભણી અને ઇન્દ્ર ધકેલે પૃથ્વી ભણી. અને ત્રિશંકુ અધવચ્ચે લટકી ગયો. ત્રિશંકુએ વિશ્વામિત્રને પ્રાર્થના કરી. વિશ્વામિત્ર પોતાની હાર તો સહન કરી જ ન શકે. વિશ્વામિત્રએ દક્ષિણ આકાશમાં એક અલગ સ્વર્ગની રચના કરી. સ્વર્ગ રચાયું એટલે નવા ઇન્દ્રની નિમણુંક કરવી પડે. અસલ ઇન્દ્ર મુશ્કેલીમાં આવી પડ્યા. છેવટે બધા દેવોએ ઋષિ વિશ્વામિત્રની વંદના કરી. એમને સમજાવ્યા. વિશ્વામિત્રને ઇન્દ્રની વાત સાચી લાગી. પણ પોતે ત્રિશંકુને વચન આપી ચુક્યા હતા. એટલે છેવટે તેઓની વચ્ચે સમજૂતિ થઇ. કોમ્પ્રોમાઇઝ ફોર્મ્યુલા અંતર્ગત ત્રિશંકુને નવનિર્મિત સ્વર્ગમાં રહેવું. મૂળ સ્વર્ગ તરફ જવાની ચેષ્ટા નહીં કરવાની. નવા ઇન્દ્રની વાત પડતી મુકાઇ. આમ ઇન્દ્રનાં આધિપત્યનો સ્વીકાર થયો અને ત્રિશંકુ પણ નવા સ્વર્ગમાં પણ રહી ગયો. અલબત્ત વીથ કન્ડીશન્સ એપ્લાઇડ..
ઘડપણની સ્થિતિ અઘરી છે. ધાર્યું થાય નહીં. ઇચ્છા તો રહે હંમેશની કાચી કુંવારી. સપના અધુરાં રહી જાય. પણ ત્રિશંકુનું પણ પોતાનું સ્વર્ગ હોય છે. ખોટેખોટું તો ભલે ખોટેખોટું… ચાલો એ વાત જવા દઇએ. અમને સત્તા નથી જોઇતી. અમને સંતોષ છે. અમને તો પૃથ્વી જ લાગે વહાલી. વૃંદાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. અમે તો માનીએ કે નારાજીનામા કરતા રાજીનામું દઇ દેવું સારું… સત્ય વચન કોકિલે સત્ય વચન…
કલરવ: એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?
રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે ?
– રમેશ પારેખ
પિતૃદિનની…
અમારા મમ્મી પપ્પા ને પ્રણામ
અને
તેમના પણ સ્વ પિતાશ્રી ઓને પ્રેમપૂર્વક શ્રધ્ધાંજલી

Untitled-91

3 ટિપ્પણીઓ

Filed under કવિતા, પરેશ વ્યાસ, પ્રકીર્ણ