Daily Archives: જૂન 19, 2013

સૉન્ટરીંગ: અલગારી રખડપટ્ટી/

સૉન્ટરીંગ
mail.google.com
આજે 19મી જુન, વિશ્વ લટાર દિવસ છે. લટાર એટલે આમતેમ લહેરથી ફરવું, ટહેલવું, મોજથી ચાલવું તે. અંગ્રેજીમાં શબ્દ છે સૉન્ટર(Saunter). સૉન્ટરીંગ એ વૉક(ચાલવું) નથી. ટ્રોટીંગ(ખદડુક ખદડુક દુડકી ચાલે ચાલવું) પણ નથી. જોગીંગ(દોડવું, ચાલવું, દોડવું) પણ નથી. રનીંગ (દોડવું) તો હોઇ જ ન શકે. હા, એને સ્ટ્રોલીંગ કહી શકાય. રસળવું, ભટકવું, ચંક્રમણ, આંટા મારવા- કહી શકાય. શરત એટલી કે એમ કરવાનો કોઇ હેતુ ન હોવો જોઇએ. ધીમે ચાલવું, ખુશખુશાલ થઇને ચાલવું. કોઇ નિયમ નહીં. કોઇ બંધન પણ નહીં. કોઇ સમય મર્યાદા નહીં. કેટલી કેલરી બળી?-એવી કોઇ ઝંઝટ નહીં. આપણે જીવનમાં બહુ ચાલ્યા, ઇન ફેક્ટ બહુ દોડ્યા, ભાગ્યા, કૂદ્યા, નાસ્યા, નાસી છૂટ્યા, પણ તો ય જીવતરની જંજાળમાંથી ક્યાં છૂટ્યા? સૉન્ટર એટલે સર્વ પળોજણને પાછળ છોડીને, પળપળનું અંકગણિત ભૂલી જઇને, કુદરતને કાંઠે, એનાં નર્યા વિસ્મયને શોધતા શોધતા ચાલવું તે. અટકવાની ય છૂટ. સૉન્ટરીંગ એટલે મીટર વિનાની, ગાલગાગાનાં બંધનો વિનાની કવિતા. સાવ અછાંદસ, અપદ્યાગદ્ય. જે આવે પગમાં ઊલટથી ‘ને પછી.. એ ય ઇ કરીને હાલી નીકળવાની લિજ્જત. રસ્તામાં મોગરાની કળીને ચુમતા જવાનું, ભમરાનાં ગુંજન સુણતા જવાનું અને શાંત જળમાં કાંકરીચાળો કરતા જવાનું, સાવ નિરર્થક, સાવ નિરુદ્દેશે. કોઇ પૂછે કે આમ હાલી હું નીકળ્યા છો? તો નિરંજન ભગત સાહેબનાં શબ્દોમાં કહેવાનું કે બસ, હું કાંઇ ક્યાં તમારું કામ કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. સૉન્ટરીંગ એકલા થઇ શકે, મિત્ર સાથે થઇ શકે, પત્ની સાથે હોય તો સારું. પ્રેમિકા હોય તો તો વધારે સારું. કેમ ભાઇ, પત્ની જ તમારી પ્રેમિકા ન હોય શકે?
મૂળ મધ્યકાલીન અંગ્રેજી ભાષાનો શબ્દ સેન્ટ્રેન(santren) એટલે ધ્યાન ધરવું, ચિંતન કે મનન કરવું. દિવાસ્વપ્નમાં રાચવું. સૉન્ટર એટલે કલ્પના તરંગથી તરબતર થઇને ટહેલવું. વાક્યમાં એવું કહી શકાય કે એ જણ સૉન્ટરની પેઠે એવો તો હેંડ્યો કે જાણે એને દુનિયાની કાંઇ પડી જ નથી. સ્વિડન-નોર્વે દેશોમાં શબ્દ છે ‘સ્લેન્ટ્રે’; એટલે રોમાંચક અનુભવ પ્રાપ્તિ માટે નીકળી પડવું. ઘણી વાર આ યાત્રાઓ લક્ષ્યહીન કે નકામી થતી. સૉન્ટર શબ્દની વ્યુત્પત્તિ આમ અલગારી રખડપટ્ટીનાં અર્થમાં પ્રચલિત થઇ. સૉન્ટરીંગ પાછળનો વિચાર એ છે કે આપણે જરા ધીમા પડીએ અને આપણી ચોગરદમ વણાયેલા વાતાવરણને માણીએ. થોભો, નહીં તો થાકી જશો.
વિશ્વ લટાર દિવસ તરીકે આજનાં દિવસની ઉજવણી પ્રથમ વાર 1979માં અમેરિકાનાં મિશિગન રાજ્યનાં મેકિનેક ટાપુ પર થઇ હતી. ત્યાંની ગ્રાન્ડ હોટલનાં મેનેજર ડબલ્યુ. ટી. રેબે પબ્લિસિટી સ્ટંટ ખાતર લોકોને હોટેલનાં 660 ફૂટ લાંબા પોર્ચમાં સૉન્ટર કરવા નિમંત્ર્યા. તે વર્ષોમાં સ્વાસ્થ્ય માટે જોગીંગ કરવા પાછળ લોકો ગાંડા હતા. એવા ટાણે કુદરતને ખોળે એની સુંદરતાને માણતા માણતા ધીમે ધીમે સૈર કરવાની વાતમાં લોકોને મઝા પડી. એટલે આ દિવસ વર્લ્ડ સૉન્ટરીંગ તરીકે જાહેર થયો. આ દિવસે મિશિગન રાજ્ય સહિત ઘણાં રાજ્યો/દેશોમાં રજા હોય છે. રજા વિના તો સૉન્ટરીંગ શી રીતે થઇ શકે?!
અમેરિકન તત્વચિંતક, નિબંધકાર અને કવિ હેન્રી ડેવિડ થોરો(1817-1862)એ પોતાનાં સવિનય કાનૂન ભંગનાં નિબંધથી મહાત્મા ગાંધી સહિત વિશ્વનાં અનેક નેતાઓને પ્રભાવિત કર્યા છે. પણ અહીં થોરોનાં કુદરત પ્રેમની વાત કરવી છે. તેઓ કુદરતી વનરાજીનાં અપાર ચાહક હતા. એ વાત અલગ છે કે એમણે સુધરેલા સમાજ અને સંસ્કૃતિનાં વિચારને સાવ નકાર્યો નહોતો. તેમની ફિલોસોફીમાં ‘નેચર’ અને ‘કલ્ચર’- બન્ને વચ્ચે તાદાત્મ્ય સાંધવાની વાત હતી. ‘વોકિંગ’ વિષે એમણે લખેલા નિબંધમાં થોરો લખે છે કે માણસ સમાજનો સભ્ય તો છે જ પણ એથી વધારે એ કુદરતનો એક હિસ્સો છે. મધ્યકાલીન યુગમાં સાધુઓ ફરતા અને પવિત્ર ભૂમિ(a’ la sante terre)ની યાત્રા માટે ભિક્ષા માંગતા અને એમને જોઇને બાળકો કહેતા કે જુઓ, આ તો સેન્ટેરર(sainte-terrer) એટલે કે પવિત્ર ભુમિ તરફ ચાલીને જનારા સાધુઓ છે. ચાલવું સૉન્ટરીંગ જેવું એટલે કે પવિત્ર ભુમિ તરફનાં પ્રયાણ જેવું હોવું જોઇએ. જે એમ કરતા નથી એ આળસુ છે. સાન્સ ટેરે(sans terre)નો અર્થ થાય ઘરવિહોણા લોકો. ચાલનારાઓ, ચાલી નીકળનારાઓને કોઇ એક ચોક્કસ ઘર ન હોય એ સાચું, પણ એમને તો બધે જ ઘર જેવું હોય, ખરું ને? થોરો કહેતા કે હું જે વોકિંગની વાત કરું છું તે કસરત જેવી અથવા તો દંડબેઠક કે મગદળ કવાયત જેવી જરા ય નથી. કસરત તો માંદા માણસને નિયત સમયે દવાનો ડોઝ આપવા જેવી વાત થઇ. જ્યારે ખળખળ વહેતી નદી દોડી જતી હોય ત્યારે કસરતબાજ કુદરતને માણવાની જગ્યાએ પરસેવો પાડવાની દોડ લગાવતો હોય છે. સૉન્ટરીંગ એટલે ઊંટની પેઠે ચાલવું. આ એક જ પ્રાણી છે કે જે ચાલતી વેળા વાગોળે છે. જ્યારે એક યાત્રીએ મશહૂર અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્સવર્થની નોકરાણીને પૂછ્યું કે ‘ઘરની અંદર માલિકનો સ્ટડીરૂમ ક્યાં છે?’ તો એણે કહ્યું કે ‘આ રહી એમની લાયબ્રેરી,પણ એમનો સ્ટડી આઉટડોર છે.’
‘યે જવાની હૈ દિવાની’માં નૈના(દીપિકા) સૉન્ટરીંગનો મહિમા ગાય છે. બન્ની(રણવીર) જ્યારે ઉદયપુરનાં કિલ્લાનાં સાઉન્ડ એન્ડ લાઇટ શૉ જોઇ લેવા બહાવરો થાય છે ત્યારે નૈના આથમતા સૂર્યને માણી લેવા કૃતનિશ્ચયી છે. આપણે ફરવા જઇએ છીએ ત્યારે જલદી જલદી આ જોઇ લેવા અને તે જોઇ લેવા હરખ બહાવરા થઇ જઇએ છીએ. સાત દિવસની ટૂરમાં પાંચ દેશ અને પચ્ચીસ ગામ જોઇ નાંખવાનું આપણને વહારું ચઢે છે. સાતે સાત દિવસ આપણે કાં તો મનાલીની પહાડીઓમાં અથવા તો હેવલોકનાં દરિયે ન ગાળી શકીએ?
સૉન્ટરીંગ ડેની ઉજવણીનું જમા પાસુ એ છે કે ઉજવણીનું કોઇ કારણ આપવાનું નથી. એમાં કોઇ ચોક્કસ વિધિ કે રીત નથી. આજનો યુગ ઉતાવળનો યુગ છે. માણસ ભાગતો ન હોય ત્યારે કોમ્પ્યુટરની સામે બેસીને વર્ચ્યુઅલી ભાગતો ફરે છે. એવા ટાણે વહાલાંઓને અને સગાઓને યાદ કરીને હાલી નીકળવાની પણ એક મોજ છે. પતંગની માફક, પતંગિયાની માફક….

શબદ આરતી:
હેન્રી ડેવિડ થોરો કહેતા કે મોટા ભાગનાં વૈભવી સુખચૈન અને કહેવાતા એશોઆરામ એવા હોતા નથી કે જેના વિના ચાલી જ ન શકે. બલકે આ બધા એશોઆરામ માનવજાતનાં ઉત્થાન માટે ચોક્ક્સપણે અડચણ રૂપ છે. માટે પ્રિય વાચકો, ચાલો ચાલીએ, કુદરતને ખોળે. આખી જિંદગી બહુ દોડ્યા, હવે ચાલો, ખુશખુશાલ થઇને ચાલીએ. સૌને ઇ કરીને હેપ્પી સૉન્ટરીંગ ડે.
DSCN0202

7 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પરેશ વ્યાસ

તમે જ કહો,ગીત સિવાય કંઇ પણ લખાય ? યામીની વ્યાસ…/ ડો.મુકુલ ચોકસી

Milina Ghartaraf (126)
તમે જ કહો, ડો.મુકુલ ચોકસી

ગીત સિવાય કંઇ પણ લખાય ?
યામીની વ્યાસ, તમે ગીતો કંડાર્યા, એ વાંચી અમને એમ થાય,
આવા સરસ ગીતોને પોંખવા અમારાથી ગીત સિવાય કંઇ પણ લખાય?
તમે જ કહો…
ચોમાસા,તારલા,તલાવડીને ઝરણાઓ આપે ભરી રાખ્યા છે છાબમાં ,
વાદળાઓ આપની કલમમાંથી નીકળીને કેવી રીતે પહોંચે છે આભમાં?
શબ્દો તમારા જ્યારે કુદરતનુ એક નવું અણદીઠું પાસું થઇ જાય…
આવા સરસ ગીતોને પોંખવા અમારાથી ગીત સિવાય કંઇ પણ લખાય ?
તમે જ કહો…
ઝીણી ઝીણી ઊર્મિઓ વીણી વીણીને તમે ભાષાને લાડથી સજાવી છે…
ભક્તિથી પ્રેમ સુધી સઘળા ધામોની તમે વાચકને જાતરા કરાવી છે…
સંબંધો, દ્રુશ્યો, વિચારો બધા લયબધ્ધ રીતે જ્યાં આવે ને જાય…
આવા સરસ ગીતોને પોંખવા અમારાથી ગીત સિવાય કંઇ પણ લખાય ?
તમે જ કહો…

પાંપણને પડછાયે ‘પાંપણને પડછાયે’ પુસ્તકનું લોકાર્પણ વખતે આવેલા અમૂલ્ય અભિપ્રાયોમાંથી …..
અને
આ રીતે બને એટલા અભિપ્રાયો સાથે કાવ્ય રજુ કરશુ.

પત્ર – યામિની વ્યાસ

પેન પકડું થાય બસ બચપણ લખું,
શોધું સંબોધન પછી સગપણ લખું.

નામ લેતા સામટી આવે શરમ,
હાથ ધ્રુજી જાય એ ઘડપણ લખું.

હું વિલાઈને ભલે ખારી બનું,
એક નદીનું સાગરે વળગણ લખું.

કેટલી યાદોના સિક્કા સંઘરું?
જાણ તમને થાય જો ખણખણ લખું.

આખરે લિખિતંગ તો બાકી રહ્યું,
ત્યાં તમારી આંખનું દર્પણ લખું.

photo_073008_015

6 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ