Daily Archives: જૂન 22, 2013

‘ગ્રીષ્મ વંદના’ ઇ-બુકમા લેખ

Cover-GrishmVandana
અમારા દાદા અમને સૂવડાવતી વખતે હાલરડાને બદલે તેમને આવડતી સહેલી કવિતા કે ભજન ગાતા અને અમને આ તો હજુ યાદ
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
અને પૂછતા કોયલ કેમ બોલે ? કુ ઊ ઊ ઊ
નિશાળે જતા થયા ત્યારે અમારા આદર્શમા આ.રવિશંકર મહારાજ હતા.તેઓ ઉનાળામા પણ ઉઘાડપગે પ્રવાસ કરતા અને અમે પણ ઉઘાડપગે બહાર જતા અને તેને તપ ગણતા ! તેઓએ કહેલી આ વાત યાદ રહી ગયેલી- ‘ગરમીની ઋતુ ભૂમિમાતાની તપશ્ચર્યા છે. જમીન ફાટે ત્યાં સુધી પૃથ્વી ગરમી વેઠવાની તપશ્ચર્યા કરે છે અને આકાશ પાસે જીવનદાનની પ્રાર્થના કરે છે. વૈદિક ઋષિઓએ આકાશને ‘પિતા’ અને પૃથ્વીને ‘માતા’ કહી છે. પૃથ્વીની તપશ્ચર્યા જોઈને આકાશપિતાનું મન પીગળે છે અને તે એને કૃતાર્થ કરે છે.’
હાઇસ્કુલમા કાકાસાહેબ કાલેલકરનો ઉનાળાનો બપોર પાઠ હતો. એના પ્રશ્નોના ઉતરમા કે નિબંધ હોય તો ઉનાળાના તાપના વખાણ કરવાના ! અને અમે તૈયાર કરેલ ..ફાગણથી જેઠ મહિના સુધીનો વખત એટલે ઉનાળો તેની સંધિ ઉષ્ણ+કાળ થાય ઉન્હઆલઉ શબ્દ અપભ્રંશ યુગનો શબ્દ છે અને તેનાથી જે શબ્દ આવ્યો તે આજનો આપણો ઉનાળો. માથું ફાડી નાખે તેવો તડકો, છાતી સોંસરવી ઊતરે તેવી ચામડી તો ઠીક લોહીને પણ ક્યારેક દઝાડે તેવી લૂ વરસતી હોય તેવી મૌસમ માટે સરેરાશ માણસોમાં અણગમો છે, પરંતુ અવલોકન કરીએ તો ખબર પડે કે પ્રકૃતિ તેના પૂર્ણસ્વરૂપે કદાચ આ ઋતુમાં વધારે ખીલે છે. આકાશ પૂર્ણ એટલે કે નિરભ્ર એટલે કે વાદળો વગરનું બાળકનાં મન જેવુ ચોખ્ખું નજરે પડે છે.
આ ઉનાળાની સવારનો તડકો. એનું પોત કેવું ઘટ્ટ હોય છે. એ જાણે વિધાતાની ઝોળીમાંથી અવસાવધાનતાના કારણે પડી ગયેલો કોઇના ભાવિ સુખમાં ખંડ ન હોય! મોગરા અને શિરીશની અત્યુક્તિ હવામાં સંભાળાયા કરે છે પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ભળતા આ અતિયુક્તિનો ઘેરો રંગ ઢળતા ગુલમહોરમાં ઘૂંટાઇને લાલચટ્ટક બનશે.’
અમારા નાના કાકા રસિક હતા.તેઓ કહેતા,”તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો! તડકાનાં કાવ્યો તો અઢળક મળે છે પણ પ્રકૃતિને કવિતામાં થોડી સમાવી શકાય? હા, વાતાવરણનો આધાર ચોક્કસ લઇ શકાય અને ગાતા-
ચૈત્રી તડકામાં તારી યાદને,
માની લીધી ડાળ મેં ગુલમહોરની,
આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં
સોનવર્ણી થઇ પરી બપોરની.’
અમારા આજાબાપા તો સૂર્યના તાપથી ત્રાહીમામ ત્રાહીમામ કહે તો પ્રેમથી કહે ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥ તે સૂર્યની સ્તુતિ છે. સૂર્ય તેના કેન્દ્રની આસપાસ પરિભમણ કરે ત્યારે જે કોસ્મિક આંદોલનો ઉદભવે તેમાંથી ગાયત્રી મંત્ર આવ્યો છે. સૂક્ષ્મ શરીરમાં પડેલી કુંડલિની શક્તિ પણ સૂર્યમાંથી મળતી ઊર્જાનું જ પરિણામ છે.અમે કહીએ કે અમારાથી તો આ મંત્રનો જાપ ન થાય તો તેઓ તેમના આર્યસમાજના વિચારમા કહે કે દિકરીઓને જનોઇ પણ દેવાય ! તેઓ સવારે અર્ઘ આપે અને ભરબપોરે પણ સૂર્યનારાયણનું સ્વાગત કરે.
અમારા ફોઇ અમારી ઊંમરના અને ઉનાળાને રંગબેરંગી રંગોની છલકાતી મૌસમનો ઈલ્કાબ આપે! અને અમે ભાવનગરની તલાવડી વિસ્તારમા ફળો ખરીદતા પહેલા તેના રસ,રંગ,રુપ,માણતા.તેઓ કહેતા — જુઓને, બહારથી ઘેરા લીલા રંગના તરબૂચ પણ અંદરથી એટલા જ અમૃતરૂપી રસથી લાલમલાલ. મીઠી મધુરી કાળી અને વળી લીલીદ્રાક્ષ તો કાળા અને જાંબલી રંગના મિશ્રણ જેવા નાના નાના લંબગોળ જાંબુ અને સફેદ રંગના મુંબઈના જાંબુ. ઉપરથી સુકા નાળિયેળ જેવા રંગના અને સફેદ ગરવાળા રસઝરતા પોચા પોચા તાડગોળા ને અમારી સુરતી ભાષામાં કહેવું હોય તો ગલેલી. સ્વાદે મીઠી ચીકણી તેવી રાયણનો પીળો પદરક રંગ, બહારથી ગુલાબી ઝાંય ધરાવતી બરછટ છાલવાળી પણ અંદરથી નાજુક અને કોમળ મોગરાના રંગ જેવી લીચી. કેસરીરંગની ચીકાશવાળી કટ્ટ ગુંદી, જાંબુડિયા કે શ્યામ ગુલાબી ફાલસા, પોપટી રંગના ખટ્ટઆમળા, બદામી રંગની અને સહેજ લીલી છાંય ધરાવતી સક્કરટેટી, કથ્થઈ-ઝેરી લીલો રંગ ધરાવતી ખાટી આમલી, ગોરસ જેવી મીઠી અને ગુલાબી લીલી ગોરસ આમલી પણ ગ્રીષ્મની જ દેન ! ઉનાળુ ચીકુ રંગના મીઠાં ચીકુ ! હવે ચીકુના રંગને તો ચીકુ સિવાય બીજો ક્યો રંગ કહેવો ? તથા ફળોના રાજા કેરીને કેમ ભુલાય ? નાના મરવાનો આછેરો લીલો રંગ, દેશી કેરીનો ઘાટો રંગ અને પાકી કેરીનો કેસરી-પીળો રંગ. એ બધામાં શિરમોર તેની સુગંધ. વળી, ઘાસ કે શણના કોથળામાં પકવવા મૂકેલી કેરીની મઘમઘ તો અલગ જ..
આહ ! વાહ !
અમારા સૂરતના વનવિસ્તારનો ઉનાળો મસ્ત મસ્ત લાગતો. ફરતા ત્યારે ફૂલના ઝાડ પાસે ખાસ ઊભા રહેતા.શરીરના અને મનના તાપ દૂર થતા .
ફૂલોની વાત જ નિરાળી ! ગામની સીમમાં કે જંગલમાં કેસૂડાનો ઊડીને આંખે વળગે તેવો કેસરિયો રંગ જાણે કોઈ નવી નવેલી દુલ્હનના શ્રુંગારનો લાલ ચટ્ટક રંગ ! પેલા ગુલમહોર પરના ઝીણા ઝીણા પર્ણ વધારે છે કે કેસરી રંગના કુસુમ એ નક્કી કરવું અઘરું થઈ પડે અને ગરમાળાની તો વાત જ શું કરવી ? પાંદડાં વગરના કથ્થઈ થડ પર ડાળીએ ડાળીએ પીળાં ફૂલોની લૂમો લટકતી જોવા મળે. જાણે સુરજના કેસરી રંગ સાથે ચાંદના પીળા રંગની હરિફાઈ ! સફેદ રંગના વિવિધ શેડ તમને ફકત ઉનાળામાં જ જોવા મળે. જરા જુઓ તો ખોબલે ને ખોબલે વીણાય એવા મોગરા ! દિવસભરની ગરમીને ભુલાવી દે તેવી રાતે મહેકતી રાતરાણી અને ટગરના પાંચ પાંખડીવાળા ફૂલો. મધુકામિનીના હાથ અડતા જ ખરી પડે તેવા નાજુક કુસુમ પોપટી રંગની ડાળી પર જરાક ઉપર-નીચે ખીલતા શ્વેત રજનીગંધના ફૂલો, સરગવાના ઝાડ પરના ઝીણા ઝીણા ફૂલ, સફેદ લીલી અને પોયણા, એકથી જ ખોબો ભરાય તેવા મોટા ફૂલ કેનાના, ચૈતરમાં મોહરેલો ચંપો હજુ પણ પર્ણહીન પરંતુ ફૂલથી છલોછલ મહેકતો હોય. નાનકડા જૂઈના મૃદુ પુષ્પો તથા જાસુદના પણ શ્વેત પુષ્પો. ગુલાબી, પીળી, લાલ, સફેદ તેમજ રંગ રંગની લીલી પોયણી ! એ પછી રંગરંગના ઑફિસફૂલ અને બારમાસીના રંગોની બહાર બારેમાસ પણ તેની કિંમત તો થાય ઉનાળામાં. બીજા કોમળ છોડ સૂરજના તાપથી કરમાય પણ એને તાપ-તડકાની અસર પણ નહીં ! હંમેશની જેમ જ તાજા ને તાજા જ. યસ… અને કેક્ટ્સને તો શે વાતે ભુલાય ? તેના પર આ જ ગ્રીષ્મમાં સરસ મજાના પાન બેસે અને પછી લાલ, પીળા અને નાના નાના ફૂલો ! ઉનાળાની સવાર એટલે આ ફૂલોની જાણે રંગની બોછાર !

ઉનાળાની સવારનો રંગ એકદમ ચોખ્ખા . ક્યાંય કોઈ વાદળી નહીં અને સૂરજ ઉગતાની સાથે જ પોતાની હાજરી પુરાવા લાગે, તેવું જ બપોરનું પણ. ઉનાળાની બપોરનો રંગ કોઈ તપસ્વી જેવો કેસરિયો. તેના તપનો માર ખમવા માનવ યથાશક્તિ પ્રયત્ન કરે. એ પ્રયત્ન એટલે જાત જાતનાં દેશી રંગીન શરબતો ! ખસ, વાળો, વરિયાળીનું સુગંધી લીલું શરબત, કાચી કેરીનું ગોળ કે ખાંડ નાંખી બનાવેલું પન્નુ, ફાલસા કે કોકમ કે ગુલાબનું લાલ રંગી પેય, મોગરા-બીલાના ઠંડા શરબત અને વધારામાં આ બધામાં સાકર નાંખી પલાળેલા તકમરિયાનો માર. આ બધા રંગીન શરબતોની મહેફિલની મજ્જા તો ભાઈ ઉનાળાની બપોરે જ. કટુ સ્વાદના શોખીનો તો કડવા લીમડાનો રસ પીવે અને ઘણા તો કેરી ઘોળીને ખાતા હોય તેમ પાકી નાની નાની લીંબોળી ઘોળીને તેનો રસ મજેથી ચૂસે. જાણે અમૃત પીતા હોય ! હવે આપણે કડવા રસનો આનંદ માણીએ

ઉનાળાની સાંજનો રંગ સૌથી વધારે આહલાદક લાગે. ધીમો પણ શીતલ વાયરો શરૂ થયો હોય એટલે પછી બગીચા અને ઉપવનની મુલાકાતે ઉપડવાની કે એમ જ લટાર મારવાની મજા પડે.

અમારા માનો ઉનાળો એટલેમસાલા તૈયાર કરવાનો સમય.ઘરમા રાઈની તીખી, મેથીની કડવી, દળાતા હળદર-મરચાં અને ધાણાજીરુની સુવાસ નાકને જ નહીં, જીભને પણ તરબતર કરે. કાચી કેરી-ગુંદાનું અથાણું અને તેમાંના તાજા સંભારની સુગંધ કોઈપણ માંદા માણસને પણ લલચાવે તેવી હોય છે. તો ગરમર, ડાળા, કેરડા, કરમદાંના કેરીના ખાટા પાણીમાં બોળેલા અથાણાનો સ્વાદ .રાતે અગાસીમાં તારાનું દર્શન કરતા સુવાનું.

લોકગીત ગાવાનો રીયાઝ કરતી હતી—

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી વાગડ એટલે ક્ચ્છ નો તાલુકો. પાણી નો ત્રાસ. પાતાળ કુવા – “ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,” – પાણી ના તળ એટલા ઊંડા કે સિંચણિયું ટૂંકુ પડે. સાસુ નાહ્ક ની બદનામ.
“ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે” વહેલી સવાર થી રાત સુધી કુવા કાંઠે
દાદાએ આ સાંભળતા જ આંખ ભીની…આ જડાઇ ગયેલી વાતે મહીલા મંડળના પ્રમુખ તરીકે સામાન્ય પ્રોજેકટો સાથે અમારી આદિવાસી મહીલાઓને ઉનાળામા પાણી લેવા અને બળતણ માટે માઇલો સુધી ચાલવું પડે તે અંગે બનતું બધુ કરવા પ્રેરી હતી.

ઉનાળામા ગુલમહોર,ગરમાળો,કેસુડા વિ અંગે અમારા વિવેકના ઘણા સુંદર કાવ્યો માણ્યા પણ ઉનાળા કાવ્યમા એક વાર…

‘ત્રસ્ત કો’ ચહેરા પરથી ટપકતો ખારો અજંપો…
ગલીના નાકે
એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
વાગોળાતો સૂર્ય
પછી
પોદળો થઈ પથરાય
અને
ચોમેર
બદબૂ….બદબૂ… બદબૂ…’
અને તુરત જ પ્રતિભાવ આપ્યો.
“સરસ અછાંદસનો આવો અરસિક અંજામ!
હંમણા જ ઉઘાડ પગે ભર બપોરે સામે બારણેના ૧૦૨ વર્ષના માજીને વળાવી આવ્યા.રસ્તામા પોદળો હતો તેના પર ઉભા રહી પ્રાર્થના કરી .તેના જેવી સુંદર સુગંધીદાર કોઈ વસ્તુ ન હોય તેવો આનંદ થયો.
સુગ અને સૌંદર્ય વસ્તુ ગત નથી પણ ભાવનાગત છે.
ભેંસ પોદળો કરે તો સ્ત્રી દડમાં કૂંડાળું કરીને બોટી રાખે. પાછાં વળતાં પોદળો ભેંસની પીઠ ઉપર મૂકે અને ઘરે આવી વાસીદામાં ઉમેરી દે.ચોમાસું ગયા પછી આખો ચરો નવા ઘાસથી લીલો થઈ ગયો હોય. બપોરે બાર વાગે રબારી ફળિયે ફળિયે જાય અને ચકલામાં ઊભો રહે. લાંબી લાકડી બોચી ઉપર મૂકેલી હોય, તેને બે છેડે બન્ને હાથની આંટી મારી આંગળીઓ કાનમાં ખોસે, આંખ બંધ કરે ને ‘ધોરી છોડજો….’ એમ લાંબે લહેકે બૂમ પાડે. એટલે ભેંસોનો પ્રવાહ શરૂ થઈ જાય. રસ્તો પોદળાથી ભરાઈ જાય. સ્ત્રીઓ વીણી લે. પોદળો કઠણ હોય તો સીધો જ ઝીલી લે. પછી છાંણાં થાપે. બળતણમાં તેનો ઉપયોગ થતો.

આને બદબુ કહેવાની ગુસ્તાખી?

ત્યારબાદ પ્રતિભાવના પણ પ્રતિભાવ લખાયા. એક જણે તો મને પોદળાનું સેન્ટ બનાવી ભેટ આપવાની વાત કરી!

અમે ચિ યામિનીને ત્યાં હતા. ત્યાં ડૉ વિવેકનો ફોન આવ્યો ! અમને ખાત્રી હતી કે વિવેકને પ્રતિકૂળ પ્રતિભાવ અંગે ખૉટું લાગતું નથી.અને અમે કહ્યું,”આ તો હાલનો અનુભવ છે પણ અમે અગ્નિહોત્રી- છાણ-અડાયા સાથે અમારો જૂનો નાતો. અને ઉનાળામા છાણા અડાયા તૈયાર કરતા અને તેને બદબુ ન ગણતા! વિ. સાચે જ

સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી જ..ફોન પર પણ આનંદ !

…છેલ્લા ૧૮ વર્ષથી , ખાસ કરીને સ્નો ના ઢગલા હટાવતા ભારતનો ઉનાળો યાદ આવે.મુ ભગવતી કુમાર શર્મા પઠન કરતા સંભળાય …

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,

હતા આપણે મૂળ તડકાના માણસ.

અમેરિકામાં ઋતુઓ આપણા કરતા અલગ છે. અહિ વસંત અને પાનખર ખરેખર ખબર પડે છે, જ્યારે ભારતમાં ખાસ તો ગુજરાતમાં એ અનુભવાતુ નથી. વધતા જતા પ્રદૂષણને કારણે ઉનાળો એ બારમાસી ઋતુ થઈ ગઈ છે, શિયાળો એકદમ અલ્પ્જીવી અને ચોમાસુ પણ અલ્પ્જીવી થઈ ગયુ છે. પરંતુ વરસાદમાં નહાવાની મજા તો હ્જી પણ દેશમાં જ આવે છે. અહીના વરસાદમાં ઠંડી ખૂબ જ લાગે છે. ત્યારે ગરમીના દિવસો વધુ મઝાના !

અમારા પૌત્રે ઉનાળાનું વર્ણન વિષે લખેલી આ પંક્તીઓ ખૂબ ગમી.

the grass so green,
the sun so bright,
life seems a dream,
no worries in sight

અમે તેને ગુજરાતીમા સમજાવ્યું

જુઓ ઘાસ કેટલું લીલુછમ

અને સૂર્ય કેવો ઝળહળે

જીવન ભાસે સ્વપ્નવત
ન કોઇ સંતાપ દીસે.
મધુર વાતથી અસ્તુ

4 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized