Daily Archives: જૂન 24, 2013

આવું કાં થાય?/ પરેશ વ્યાસ

DSCN0623તુ છે બધે ને સહુમાં તો એક વાત કહું ખુદા,
હાથે કરીને કેમ વિતાડે ને સહે છે. –સૌમ્ય જોશી

વાદળ ફાટ્યા. ઘોડાપૂર ઉમટ્યા. કેદારનાથમાં ‘નાથ’ સિવાય બાકી બધુ તબાહ થઇ ગયું. હજારથી ય વધુ મર્યા હશે. સિત્તેર હજાર યાત્રાળુઓ અધરસ્તે ફસાયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મહાવિપદા છે. ઉત્તરાખંડ રાજ્યને બચાવ અને પુનર્વસન માટે એક હજાર કરોડની સહાય જાહેર કરી. અમે, એટલે હું અને મારી પત્ની કોકિલા બે વર્ષ પહેલાં જ કેદાર દાદાનાં દર્શનાર્થે ગયા હતા. આ જ મહિનામાં ગયા હતા. ઉત્તરાખંડમાં સામાન્ય રીતે ચોમાસુ બેસવાને હજી વાર છે. પણ કોણ જાણે શું થયુ તે બે દિવસમાં ચોમાસાએ આખા ભારત પર મહેર કરી. પણ ઉત્તરાખંડ પર કહેર કરી. મને એ જ સમજાતુ નથી કે જે શ્રદ્ધાળુઓ, જે સત્સંગીઓ ભગવાનનાં દર્શન અર્થે ચારધામ યાત્રાએ ગયા હતા એનો કોઇ વાંક ખરો? ભગવાન ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, લૂંટારાઓ, ધૂતારાઓને ખાસ કાંઇ કરતા નથી અને આ બિચારા આધ્યાત્મભાવથી ખેંચાયને તારી પાસે આવ્યા હતા અને તે એ જ બિચારાઓને ઘડીમાં તો સાવ હતા ન હતા કરી નાંખ્યા. હે ભગવાન, આવું કેમ?
અમે ગમગીન હતા. હિંદુ દર્શનશાસ્ત્રમાં ‘કર્મ’ થિયરી છે. કોકિલા અભ્યાસુ છે એટલે માંડીને વાત કરી શકે. ગીતાજ્ઞાનનાં ઉપદેશ આપી શકે. સંચિતા, પ્રારબ્ધા અને ક્રિયામણા કર્મની ફિલસૂફી મને સમજાવી શકે. પણ મને એમાં કાંઇ સમજ પડે નહીં. તુલસીદાસજીએ તો કહ્યું જ છે કે બધુ નક્કી જ હોય. જન્મ્યા તેનું મૃત્યુ નક્કી. ક્યારે શું થાય, કેવી રીતે થાય એ બધું પણ નક્કી. એક જનમનાં કર્મનો સરવાળો આવતા જનમમાં કેરી ફોરવર્ડ થાય. આ બધુ કોમ્પલિકેટેડ છે. મને ભગવાનની એકાઉન્ટન્સી સમજાતી નથી. અમારા પરમ મિત્ર કવિ સૌમ્ય જોશી જો કે એક અલગ તર્કથી ઇશ્વરનાં એક્શન સમજાવે છે. દુનિયા સાવ પરફેક્ટ નથી, કારણ કે ભગવાન દુનિયા બનાવી રહ્યા હતા ત્યારે તેઓ તેમની પ્રેયસીનાં ઇંતજારમાં હતા. પણ બન્યું એવું કે ઇશ્વરની પ્રેયસી થોડી વહેલી આવી ગઇ. એ નહોતી આવી ત્યાં સુધી બધુ ઠીક હતુ. પણ એ આવી ત્યારે એનાં વિરહની ઉત્કટ ઉદાસીમાંથી જન્મેલી કરૂણાનો ચિતારો એની પ્રેયસીને જોઇને શાંત પડી ગયો. અને પછી એણે રચવા ધારેલી સૃષ્ટિનું ફાઇન ટ્યુનીંગ, ફાઇનલ ટચીંગ ટલ્લે ચઢી જાય છે. ઇશ્વરની પ્રેયસી સહેજ મોડી આવી હોત તો કદાચ…આ દુનિયા પરફેક્ટ હોત. કવિ બીજો તર્ક રજુ કરે છે. ભગવાનને ખરાબ સપનાઓ આવે છે. આ બધી મોંકણ એમાંથી થાય છે આ બધી વિપદાઓ ભગવાનનાં ખરાબ સ્વપ્નોની પેદાશ છે. કદાચ ભગવાનની પાસે મા નથી જે એને કહે કે રાત્રે હાથ-પગ ધોઇ કપડાં બદલીને રામનામ બોલીને સૂઓ તો સપનાં સારાં જ આવે. ભગવાનની સારા સપનાઓ આવ્યા હોત તો…… દુનિયામાં કોઇ ડિઝાસ્ટર થાત નહીં. ત્રીજો તર્ક એ છે કે મેરેથોન દોડમાં ય વિઘ્ન હોય એવું દોડતા પહેલાં એને ખબર નહીં હોય? અથવા ચોથો તર્ક એ છે કે એની વાંસળીનું કાણું એનાં ફેફસાનાં કાણા કરતાં સહેજ મોટું થઇ ગયું હશે. એટલે આ આફતો ત્રાટકી રહી છે. જે હોય તે…. પણ તો ય બધુ ઠીક થઇ જ જાય છે; થોડા દિવસોમાં, થોડા મહિનાઓમાં..
હશે. વાત જવા દો. ફિલસુફી કહો કે કવિતા કહો, ઇશ્વરનાં આવા એક્શન અમને સમજાતા નથી. વૈજ્ઞાનિકો કહે છે કે આ બધા આપણાં જ કર્મો છે. આપણે પૃથ્વીનાં પર્યાવરણની પત્તર ઝીંકી નાંખી છે. એટલે આવું બધુ તો થશે. ક્યાંક લીલો દુકાળ, તો ક્યાંક સુકો દુકાળ. ક્યાંક હિમાળો ગળાય. ક્યાંક જ્વાળામાં જલી જવાય. પણ તો પણ….. સાવ નિર્દોષ જાત્રાળુઓ શા માટે શિકાર થઇ જાય છે? તિહાર જેલ પર કેમ વાદળ ફાટતા નથી? એમ થાય તો આપણે કહી શકીએ કે બધું અહીંનું અહીં જ છે. પણ એવું ખાસ થતું નથી. ઇશ્વરનાં ન્યાયની પણ ક્યારેક કસુવાવડ થઇ જાય છે.
હું ઇશ્વરથી ડરું છું. પર્યાવરણનો કોઇ નિયમ તોડતો નથી. જરૂર પુરતી વિજળી વાપરું છું. પાણી વેડફતો નથી. મર્યાદિત ખાઉં છું. ખોરાકનો બગાડ કરતો નથી. કરુણા રાખું છું. ધ્યાન ધર્મ પૂજા કરું છું. ભગવાનમાં આસ્થા રાખું છું. પણ હું મરી જઇશ. સડકની વચોવચ કાગડો મરી જાય એ રીતે….કર્મની ગતિ ન્યારી છે. કોકિલા કહે છે કે મારા વિચારો નેગેટીવ છે….

કલરવ:

ગધેડીના…

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!
શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.
હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?
પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….
આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.
હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!
– રમેશ પારેખ”
500x_tylerberenssunset

1 ટીકા

Filed under Uncategorized