Daily Archives: જૂન 28, 2013

સ્નૂપિંગ: છાનું રે છપનું કાંઇ થાય નહીં, થાય નહીં/પરેશ વ્યાસ

DSCN0628
સ્નૂપિંગ: છાનું રે છપનું કાંઇ થાય નહીં, થાય નહીં

એડવર્ડ સ્નોડેન કોણ છે? 29 વર્ષનો અમેરિકી નાગરિક સ્નોડેન અમેરિકી સરકારની ખુફિયા સંસ્થા નેશનલ સિક્યુરિટી એજન્સીમાં છેલ્લા ચાર વર્ષથી કોન્ટ્રાક્ટરનાં કર્મચારી(ટેકનિકલ આસિસ્ટન્ટ) તરીકે ફરજ બજાવતો હતો. એણે અમેરિકી સરકારની નીતિ રીતિ ઉઘાડી પાડી. ભારત દેશમાં કમ્યુટર કે મોબાઇલ ફોન પર આપણે કાંઇ પણ કરીએ; એ સઘળું અમેરિકી સરકાર સાંભળે છે, નિહાળે છે. લાઇવ અથવા રેકોર્ડેડ. લો બોલો ! ફેસબૂક, ગૂગલ, એપલ, યુ-ટ્યુબ, સ્કાઇપ, માઇક્રોસોફ્ટ, પાલટૉક વગેરે દ્વારા થતા ઇ-મેલ, ફોનકોલ્સ, ફોટો, વિડિયો, ફાઇલ ટ્રાન્સફર, સોશિયલ નેટવર્કીંગ- તમામ વાત ખાનગી રહેતી નથી. અમેરિકી ખુફિયા એજન્સી સીઆઇએ અને એનએસએ પોતાના ‘પ્રિઝમ’ નામનાં પ્રોજેક્ટ હેઠળ પોતાનાં અને દુનિયાભરનાં દેશોનાં નાગરિકોનાં અંગત જીવનમાં તાકઝાંક કરે છે. દુનિયાને ઉઘાડી પાડવા નીકળેલી અમેરિકી ખુફિયા એજન્સીને ઉઘાડી પાડવા માટે સ્નોડન હોંગકોંગ ભાગી છૂટ્યો છે. પોતાની ઓળખાણ છુપાવવા માંગતો નથી. બ્રિટિશ અખબાર ગાર્ડિયનને પોતાનો સનસનીખેસ ઇન્ટરવ્યુ આપે છે. અમેરિકી સરકાર એને દેશદ્રોહી જાહેર કરે છે. દુનિયાભરનાં આરટીઆઇ એક્ટિવિસ્ટ્સ માટે સ્નોડન હીરો છે. ભારત દેશે પણ ભારતવાસીઓનાં અંગત જીવનમાં અમેરિકી હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે. સ્નોડનનાં પર્દાફાશ અનુસાર અમેરિકી હસ્તક્ષેપનો મહત્તમ ભોગ બનેલો દેશ ઇરાન છે. પછી પાકિસ્તાન, જોર્ડન, ઇજિપ્ત આવે છે. પાંચમાં ક્રમે રહેલા ભારત દેશનાં અનેક નાગરિકો વિષેની અંગત અંગત 63 કરોડ જાણકારીઓ અમેરિકાએ ચોરી લીધી છે. ચાલો હારું થિયું, હવે આપણે તિયાં કોઇ કુંભારનો ગધેડો ખોવાય જાય કે કોઇ પ્રોફેસર ચશ્મો ભૂલી જાય તો હવે આપણે ઇ કરીને ઓબામાને પૂછી લઇશું, તંઇ શું? આ અમેરિકા એવો દાવો કરે છે કે આવી જાણકારીઓનાં આધારે તેમણે કેટલાંય આતંકવાદી હુમલા ટાળ્યા છે. આ અમેરિકન સાઇબર ખોતરપટ્ટીનાં કારણે ‘સ્નૂપિંગ’ (SNOOPING) શબ્દ ચર્ચામાં આવ્યો છે. શું છે સ્નૂપિંગ?

સ્નૂપિંગ એટલે બીજાની વાતમાં ડોકિયું કરીને જોવું, નાહકની પૂછતાછ કરવી. મૂળ ડચ ભાષાનો શબ્દ સ્નોપેઇન એટલે ચોરીછૂપી બીજાની વાત જાણવાની કોશિશ કરવી. નામ તરીકે સ્નૂપ એટલે જાસૂસ. પરંતુ 1921થી સ્નૂપિંગ શબ્દ બીજાનાં ધંધાની વિધિસરની મેળવવાની ચોક્ક્સ કાર્યપદ્ધતિ માટે વપરાવા માંડ્યો. ખાસ કરીને કપટથી, છેતરીને, દગો કરીને મેળવેલી માહિતી.

સરકારને દેશની સુરક્ષા માટે સ્નૂપિંગ કરવાનો અધિકાર છે. ઇન્ટરનેટનાં માધ્યમથી સ્નૂપિંગ સરળ થાય છે. મબલખ માહિતી મળે ત્યારે એમાંથી જોઇતી માહિતી શી રીતે તારવી શકાય? પણ અહીં હનુમાનજી જેવી મુંઝવણ નથી. સંજીવની જડીબુટ્ટી લાવવા માટે આખો પર્વત ઉપાડી લાવવાનું કામ અમેરિકી સરકાર કરે છે. ક્મ્યુટરનાં સોફ્ટવેરમાં ઘણાં ફિલ્ટર છે. સંદેશા વ્યવહાર કઇ ભુમિ પર થાય છે? એની પૃષ્ઠભુમિ શી છે? કોણ વાત કરે છે? એનો ઇતિહાસ શું છે? માહિતી મળી જાય છે. અફઘાનિસ્તાનમાં બટાકાનાં ભાવ પર પણ જાપ્તો રખાય છે. ભાવ વધે ત્યારે આતંકવાદી ઘટના વધે. કારણ કે ભૂખ ગરીબ લોકોને તાલિબાનનાં હાથમાં જવા મજબૂર કરે છે. આવી અનેક માહિતીઓ, શક્ય છે કે એકબીજા સાથે કોઇ તાલમેલ ન ધરાવતી હોય, પણ ભેગી થાય તો કાંઇ પગેરું મળી પણ આવે. નાના હતા ત્યારે કાંઇ કરતા મોટોભાઇ જોઇ ન જાય અને બાપા પાસે આપણી ચાડી ન ખાય, એનું ધ્યાન રાખતા. પણ હવે અમેરિકી સરકાર નામનો બિગ બ્રધર ઇઝ વોચિંગ. એ વાત અલગ છે કે પોતાની જ ખુફિયા એજન્સીમાં કામ કરતા પોતાનાં જ નાગરિક પર આ બિગ બ્રધર વોચ રાખવામાં નિષ્ફળ ગયો. સ્નૂપિંગ સિસ્ટમમાં સાલી ક્યાંક તો ખામી છે !

પણ ‘એનિમલ ફાર્મ’નાં વિખ્યાત લેખક જ્યોર્જ ઓરવેલની 1948માં પ્રકાશિત થયેલી એક કાલ્પનિક સમાજની નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’માં આવી કોઇ ખામી નહોતી. મૂળ સામ્યવાદી વિચારસરણી પરનો કટાક્ષ. સરકાર જ્યારે સ્નૂપિંગ કરવા માંડે ત્યારે પોલિસ રાજ આવે. પોલિસ આમ હોય તો આપણી સુરક્ષા માટે, પણ પછી એને ખબર પડે કે આપણે કાંઇક ખરાબ વિચારી રહ્યા છીએ તો પણ આપણને પકડી જાય. ‘થોટ પોલિસ’ એટલે ઊગતા વિચારોને ડામી દેતી પોલિસ. એમાં પ્રેમ મંત્રાલય ય હોય જે જુલમ કરે, વિચાર બદલવા મજબૂર કરે. કોઇને શહીદી વહોરીને હીરો બનવા ન દે. સત્ય મંત્રાલય હોય કે જે બધા જુના રેકોર્ડ બદલી નાંખે. વિરોધ કર્યો તો મર્યો. અને મરીને ક્યાં ખોવાય જાય કોઇને ખબર પણ ન પડે. એડવર્ડ સ્નોડેન પણ એવો અમેરિકી નાગરિક છે કે જેણે સુરક્ષાનાં ઓથા હેઠળ કોઇનાં અંગત જીવનમાં દખલ કરતી સરકારી થોટ પોલિસનો વિરોધ કર્યો. જોકે એક વાત સમજાતી નથી. ભાગીને એ ચીન શાસિત હોંગકોંગ શા માટે ગયો? ચીન દેશ તો સ્નૂપિંગની સ્કૂલનો હેડમાસ્તર છે.

આ જગત એક મસમોટું હમામ છે અને એમાં આપણે બધા નાગા છીએ. આપણે શું? આપણે ક્યાં એવું કાંઇ પણ કરીએ છીએ કે જે છુપાવવું પડે. અમેરિકી લેઇટ નાઇટ ટીવી કોમેડી શૉમાં કોનન ઓ’બ્રિયાને કહ્યું કે ઓબામા સરકાર આપણાં ફોનની વાત સાંભળે છે એમાં કોઇને કાંઇ વાંધો નથી. પુરુષોને વાંધો નથી કારણ કે સ્નૂપિંગથી સુરક્ષા વધે છે. સ્ત્રીઓ પણ ઓબામાની આ પોલિસી મંજુર છે કારણ કે આખરે કોઇ તો એવો ભાયડો છે જે બૈરાઓની કોઇ વાત સાંભળે તો છે !

શબદ આરતી:

બિગ બ્રેકીંગ ન્યુઝ: સાત સાત વર્ષોથી અમેરિકી સરકાર તમારા ફોનકોલ સાંભળે અને તમારા ઇ-મેલ જુએ છે. દુનિયાભરનાં પરણેલાં પુરુષો કહી રહ્યા છે કે ‘સરકાર?…. થેંક ગોડ. અમને લાગ્યું કે તમે અમારી પત્નીઓની વાત કરી રહ્યા છો.’

-બિલ માહેર, ટીવી સ્ટેન્ડ અપ કોમેડિયન ran ma khilyu parijat 004

6 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ