પર્સોના નોન ગ્રાટા: ના પધારતા મારેદેશ…./ પરેશ વ્યાસ

  10 (3)

 

 

જિંદગીભર આપતાંઆવ્યાંછો જાકારો ભલે,

હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

દિનેશ કાનાણી ‘પાગલ’

 

 

અમેરિકા નમોને જાકારો આપતું આવ્યું ભલે, પણ હવે કુણું પડ્યું. થોડા દિ પહેલાં અમેરિકન એલચી નેન્સીબહેને ગાંધીનગર આવીને, લવિંગ સોપારી ‘ને પાનનાં બીડા દઇ, શુભેચ્છા મુલાકાત કીધી. હવે અમેરિકાનાં સહાયક વિદેશમંત્રી નિશાબેન દિલ્હી આવીને હરખ કરે છે કે અમેરિકા ભારતની વાઇબ્રન્ટ લોકશાહીનાં ચૂંટાયેલા નેતાને પોંખવા તૈયાર છે. હવે નેન્સી ‘ને નિશા નમોને ના રે ના નહીં, હા ભૈ હા કહે છે. ત્યાં વોશિંગ્ટનથી સરકારી પ્રવક્તા ફરી ફેરવી તોળ્યું. ચૂંટણી હજી ક્યાં થઇ છે? પછી વિચારીશું.
હાલ વિઝા નીતિમાં કાંઇ ફેરફાર નથી. વિદેશ મંત્રી જોન કેરીએ પણ મગનું નામ મરી પાડવાની ના પાડી.લો બોલો ! કવિ દુલા ભાયા કાગ કહેતા કે હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… અમેરિકાને આવું કેમ સુઝતું નથી? અમેરિકા માટે નમો પર્સોના નોન ગ્રાટા (Persona Non Grata) છે
લેટિન શબ્દ પર્સોના એટલે માણસ, નોન એટલે નહીં અને ગ્રાટા એટલે સ્વીકાર્ય. પર્સોના નોન ગ્રાટા એટલે જે સ્વીકાર્ય નથી એવો માણસ. અનિચ્છનીય આદમી.
ગ્રાટા શબ્દ ગ્રાટાસ પરથી આવ્યો છે. ગ્રાટાસ એટલે આવકારને પાત્ર, મનને ગમતો, ભલેને પધારતો
માણસ. મૂળ સંસ્કૃત શબ્દ ‘ગૃણાતિ’ એટલે પ્રશંસા કરવી. જેનાં વખાણ ન કરી શકાય એવો માણસ
અમારે ન જોઇએ. પણ અમેરિકા પોતાનાં ધંધાદારી લાભ જુએ છે. નમો વડાપ્રધાન બને તો પછી તેમને માટે નમો પર્સોના ગ્રાટા ગ્રાટા થઇ જાય. લોકસભાની ચૂંટણી વાર્તાનાં અંતમાં નમો એમને પોતાના જ લાગવાના….
કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લનાં શબ્દોમાં આપણે ગુજરાતીઓ તો શુદ્ધ આવકાર, આપણે તો સર્વનો
સમાસ. કંઇ કેટલાંય રાજ્યનાં અસંખ્ય લોકો ગુજરાતમાં આવીને પેટિયું રળે છે. આપણે તો આમચી
ગુજરાતની દુહાઇ દેતા નથી. સર્વનો સ્વીકાર કરીએ છીએ. તો પછી ગુજરાતનાં આંગણે પધારેલાં
કેજરીવાલ સામે શા માટે કાળા વાવટાં ફરકાવ્યા? એ ભલે આપણને ગાળો ભાંડવા આવ્યા હોય.
ગુજરાતનાં વિકાસનાં મુદ્દાની પોલ ખોલવા આવ્યા હોય. પણ ગરવા ગુજરાતીઓએ એની ગાડીનાં કાચ
શીદને ફોડ્યાં? એમને નમોને મળવાનાં મનોરથ હતા પણ નમો રહ્યા મરજાદી, એમ એને મળે? કોંગ્રેસ
પ્રવક્તા શક્તિસિંહને નમોએ આપેલો જાકારો જચ્યો નહીં. એમણે અતિથિ દેવો ભવો-નો મંત્ર ઉચ્ચાર્યો.
મહેમાનને તમે ગણકારો જ નહીં તે કેમ ચાલે? એ જ વાત કેજુભૈએ બાપુનગરની જાહેરસભામાં કીધી.
કે જુભૈ ગુજરાતનાં અણગમતાં અતિથિ ઊર્ફે પર્સોના નોન ગ્રાટા થૈને રહ્યાની ફરિયાદ તેઓ કરી રહ્યા
છે. રાહુલબાબા તો આવ્યા જ કરે છે. બધાને મીઠાંનાં અગરમાં કામ કરતા મજૂરો અચાનક યાદ આવી
ગયા. ચૂંટણી ટાણે કોઇ પર્સોના નોન ગ્રાટા નથી. આવતીકાલે મમતા બેનર્જી ગુજરાત આવવાનાં હતા
પણ અન્નાનાં યુ-ટર્ન પછી એમણે મુલાકાત મુલતવી રાખી છે. પણ આવશે. હવે પછી આવશે. નમો બંગાળ જઇ શકે તો મમતા ગુજરાત કેમ નહીં? ગુજરાત પર ઘણાંને મમતા છે. બસ એ બધા મમત છોડીને આવે એટલે આતિથ્ય સત્કાર.
ગુજરાતીઓ માટે કોઇ પર્સોના નોન ગ્રાટા નથી.
પર્સોના નોન ગ્રેટા આમ તો રાજનૈતિક શબ્દ છે. પરદેશની એલચી કચેરીનાં રાજદ્વારી અધિકારીઓ
(ડિપ્લોમેટ્સ)ને જાસૂસી કે કોઇ અન્ય કારણોસર જેમ કે નશીલા દ્રવ્યોની હેરાફેરીની શંકાનાં આધારે પર્સોના નોન ગ્રાટા જાહેર કરી શકાય. તેમને દેશનિકાલ પણ કરી શકાય. વિએના કેન્વેન્સન ઓન ડિપ્લોમેટિક ઇમ્યુનિટી અનુસાર વિદેશી રાજદ્વારીઓ પર સિવિલ કે ક્રિમિનલ કેસ થઇ શકતો નથી. પણ તેઓએ જે તે દેશનાં કાયદાઓનું પાલન તો કરવું જ પડે. આપણાં રાજદ્વારી અધિકારી દેવિયાની ખોબ્રાગડે અમેરિકા હતા ત્યારે તેમની સાથે અહીંથી ગયેલી કામવાળી બાઇને ત્યાંનાં કાયદાનુસાર
પગાર ઓછો આપ્યો એવા અરોપસર એમને પર્સોના નોન ગ્રાટા જાહેર કરી દેવાયા. સામાન્ય રીતે આવા સંજોગોમાં જેવા સાથે તેવા-ની નીતિ અખત્યાર કરવામાં આવે છે. આપણે પણ દેવિયાનીનાં ડિફેન્સમાં દિલ્હીની અમેરિકન એમ્બેસીનાં અધિકારીઓ સામે પણ સ્પેશ્યલ સ્ટેટ્સ છીનવી લેવા સુધીનાં પગલાં લીધા. અમેરિકન કોર્ટ દ્વારા વિઝા ફ્રોડનાં આરોપમાંથી દેવયાનીનો છૂટકારો થયો થયો. ત્યાં તો સમાચાર આવ્યા કે દેવયાની સામે ખોટું બોલવાનાં અને નોકરાણીનું શોષણ કરવાનો આરોપ ફરી મુકાયો છે. હવે દેવયાની અમેરિકા જાય તો ધરપકડ થાય અને જો ગુનો સાબિત થાય તો પંદર વર્ષની સજા. દેવયાની માટે હવે અમેરિકા નેશિઓ નોન ગ્રાટા(અણગમતો દેશ) થઇ ગયો. હવે બે દેશો વચ્ચેનાં સંબંધ વણસવાની પૂરેપૂરી વકી છે.

નોન-ડિપ્લોમેટિક અર્થમાં પર્સોના નોન ગ્રાટા શબ્દ દેશનિકાલ અથવા સામાજિક બહિષ્કાર માટે પણ ઉપયોગ થાય છે. આ માટે ન્યાયિક પ્રક્રિયા અનુસરવી જરૂરી નથી. ખાપ પંચાયતો સગોત્રી લગ્ન
સબબ કોઇને પણ પર્સોના નોન ગ્રાટા જાહેર કરી શકે. અન્ય જ્ઞાતિ કે ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કે
ધર્મ પરિવર્તનનાં કૃત્યો પણ સામાજિક બહિષ્કાર નોતરી શકે. અર્બન ડિક્સનરી અનુસાર કોઇ
અણગમતી વ્યક્તિ હોય અને એટલે એને કોઇ આવકારતું કે સ્વીકારતું ન હોય તો તે પર્સોના નોન
ગ્રાટા કહેવાય. ગોલ્ફ ખેલાડી ટાયગર વૂડ્સનાં સેક્સ સ્કેન્ડલ્સ જાહેર થયા પછી એની પત્નીનાં પેરન્ટ્સનાં ઘરે એ પર્સોના નોન ગ્રાટા થઇ ગયો હતો. આ શબ્દ ગયા મહિને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ચર્ચાયો.

વાત એમ બની કે બે વર્ષ પહેલાં પોતાની એક ફિલ્મનાં પ્રમોશન વખતે ડેનિસ ડાયરેક્ટર લાર્સ વોને હિટલરનાં વખાણ કર્યા હતા એટલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે એમને પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યા. એમનો બહિષ્કાર કર્યો. આજે બે વર્ષ બાદ લાર્સ વોન બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફિલ્મ ‘નિમ્ફોમેનિઆક’નાં પ્રમોશન અર્થે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં ટી શર્ટ પહેરીને આવ્યા; તેની પર
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો લોગો હતો અને લખ્યું હતું પર્સોના નોન ગ્રેટા. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં કાંઇ
બોલ્યા વિના જતા રહ્યા. ટી શર્ટ પરનાં લખાણે એમની બધી વાત કરી દીધી. કલાની સ્વતંત્ર અભિવ્યક્તિને જાકારો ન દેવો જોઇએ. ભલે હિટલરનાં કોઇ વખાણ કેમ ન કરે?
અમને ચિંતા એ જ છેજેકવિવર રપાનેહતી. અમનેઅમેરિકાનાંવિઝાનો મોહ નથી. એ ભલે અમને જાકારો આપે. પણ હજાર હાથવાળા હરિ દ્વારા સ્વીકાર ન થાય એની અમોને ચિંતા છે. રપા લખે કે હરિએ દઇ દીધો હરિવટો… ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ? ‘દેશવટો’ શબ્દ સાંભળ્યો છે. દેશમાં નહીં આવવા દેવું તે. પણ ‘હરિવટો’ શબ્દ આપણી ગુજરાતી ભાષાને રપા જ આપી શકે. ભલે પાંપણથી ચપટી વગાડવાની સજા દઇ દો, પણ હે હરિવર, અમને પર્સોના નોન ગ્રાટા ડિકલેર કરશો નહીં. કવિ મિત્ર સંજુ વાળાની પંક્તિથી લેખ સમાપ્ત કરું. ‘કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?’ આ ગુજરાત છે. અહીં કોઇ પર્સોના નોન ગ્રાટા નથી. ભલે પધારો…

શબદ આરતી: મધર ટેરેસા એવું કહેતા કે ખાવાને અન્ન ન હોય, પહેરવાને કપડાં ન હોય, રહેવાને ઘર ન હોય તેનાથી ય વધુ ખરાબ સ્થિતિ પર્સોના નોન ગ્રાટા તરીકેની છે. કોઇ સ્વીકાર ન કરે, કોઇ કાળજી ન લે, કોઇ પ્રેમ ન કરે એનાથી ખરાબ બીજું કાંઇ નથી.

winter swimming2

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “પર્સોના નોન ગ્રાટા: ના પધારતા મારેદેશ…./ પરેશ વ્યાસ

  1. chandravadan

    કવિ મિત્ર સંજુ વાળાની પંક્તિથી લેખ સમાપ્ત કરું. ‘કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?’ આ ગુજરાત છે. અહીં કોઇ પર્સોના નોન ગ્રાટા નથી. ભલે પધારો…
    A Post with Pareshbhai Vyas’s Thoughts.
    “Person non Grata” is the topic.
    Unwanted or undesired Individual often a “politically charged” word.
    Of all …I am perflexed at the attitude of USA towards Narendra Modi.
    How can even Governing Congress tolerate “such a treatment” to a legitimate leader of one of the States of India ????
    If bold & faithful Leadership @ the Central Government, it should have severed the DIPLOMATIC TIES with USA ….but I suspect the Governing Congress has “some selfish intents” behind this “illogical” act of USA.
    I just hope Modi wins as the BJP candidate…. I will eagerly wait for USA action then !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

  2. Sharad Shah

    પર્સોનાનો એક અર્થ “મહોરું” થાય છે અને તેના ઉપરથી શબ્દ આવ્યો છે “પર્સન”. એટલે કે ‘માણસ’. મહોરા વગરનો માણસ નથી હોતો અથવા કહી શકો કે દરેક માણસ મહોરાઓ પહેરીને જ ફરે છે. પત્ની સામે એક મહોરું તો બોસ સામે બીજું, બાળકો સામે વળી ત્રીજું તો મિત્રો સામે ચોથું. જેટલાં સંબધો તેટલાં મહોરાં.
    બીજો શબ્દ “પર્સનાલીટી” પણ આ પર્સોના શબ્દ પરથી જ આવેલો છે. પર્સનાલીટી એ માણસે ઓઢેલો આંચળો છે જે અસલિયત નથી.

    • Sharad Shah

      ઠીક છે મારા ભાઈ…

      ઠીક છે મારા ભાઈ
      આ તો કરવા ખાતર કરીએ બઘું
      સ્મિત પહેરીને ફરીએ વઘુ
      બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
      ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
      ઠીક છે મારા ભાઈ…

      રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
      ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
      સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
      બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
      ઠીક છે મારા ભાઈ…

      રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
      દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
      મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
      તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
      ઠીક છે મારા ભાઈ…

      હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
      ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
      કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
      તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
      ઠીક છે મારા ભાઈ…

      – કૃષ્ણ દવે

      • pragnaju

        .એતો ઠીક છે મારી બઈ
        પાણીયારામાં પાણી ભરતાં
        આંખે ઝાપત આવે છતાં
        આંખમાં આવેલા પાણી પીવા
        પવાલુ કોની પાસે માંગીએ બઈ
        . ………….એતો ઠીક છે મારી બઈ
        પીયેરમાં કહીએ આમારા ઘરે ઈમ
        સાસરિમાં બોલીએ અમારે ઘરે તેમ
        સાસરા પીયેરનાં સહુ છે મારા
        પણ હું તો કોઈની નહિ
        ………….એતો ઠીક છે મારી બઈ
        ભર્યા ભાણાં પીરસતા પીરસતા
        મનમાં સંકોચાતા કે ભઈ ચટની આજે થોડી ઓછી પડશે
        વાટકો વહેવાર જાળવતા જાળવતા
        મારી માંગણ વાટકી સંતાડી દઈ
        ………….એતો ઠીક છે મારી બઈ
        મહેમાન હતા ને રાંધણિયામાં ખોટી થઈ
        એટલે ભઈ તારી ચિત્ર કળાની હરીફાઈમાં થોડી મોડી પડી
        પરભાતિયા ગાનાર મારા હોઠ પર હવે પડી ગએલા ચીરાને લીધે
        મારા સંગીતને,મારા ચિત્રકાર હાથેથી મારી દીધા તાળા
        ………….એતો ઠીક છે મારી બઈ
        માંદાની પાંગતે રાત દિન ઉઠતા બેઠતા વિત્યું આયખું આખે આખું
        હવે ચાલવાની ના પાડવાની જક લઈને બેઠેલા પગને અરજ કરવા
        જાતે જઈને લઈ આવેલા વૉકર ને ટેકે ટેકે
        પોઢી જવાની શય્યા સુધી આખરે પહોંચી જ જઈશ કોઈ ફિકર નઈં
        ………….એતો ઠીક છે મારી બઈ
        ખારાં ખારાં પાણી ઉલેચી
        ખૂદથી ઉપરને ઉપર ઊઠી ઊઠી
        હળવા થઈને હરવા ફરવા ચલા વાદળી બનીને વરસ્યા જા કરીએ
        ………….એતો ઠીક છે મારી બઈ !!!!Source Unknown
        Rec E-mail

  3. Aapani pasethi nava nava shabdo janavani maja ave chhe. joke rajkaranma ras nathi are emaj kahuke chachaj doobati nathi.

  4. Ramesh Patel

    કવિ મિત્ર સંજુ વાળાની પંક્તિથી લેખ સમાપ્ત કરું. ‘કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?’ આ ગુજરાત છે. અહીં કોઇ પર્સોના નોન ગ્રાટા નથી. ભલે પધારો…
    મનનીય લેખ. અનેક પાસાં રસપ્રદ રીતે શ્રી પરેશભાઈએ ઝીલી લીધા છે…છતાંય ગુજરાતી હૈયું ગરજી બતાવશે!!!

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a reply to Anila Patel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.