હોલિઅર ધેન ધાઉ: પવિત્રતાનાં હોલસેલ એજન્ટ/પરેશ વ્યાસ

હોલિઅર ધેન ધાઉ: પવિત્રતાનાં હોલસેલ એજન્ટ

હું હજી પૂર્ણ ક્યાંકળાયો છું, અડધોપડધો જ ઓળખાયો છું

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’, શૂન્ય કરતાં તો હું સવાયો છું

-અમૃત ‘ઘાયલ’

‘ઘાયલ’ સાહેબે પોતે મીંડું હોવાનો એકરાર કર્યો, પણ એમની આઠો જામ ખુમારી ‘શૂન્ય’ કરતાં સવાઇ હતી. ગણિતજ્ઞોને આ

ગુણાકાર અર્થહીન લાગશે. મીંડુંને શ્રી સવાથી ગુણો તો જવાબ તો મીંડું જ આવે. હેં ને? હેં ને? આજકાલ રાજકારણીઓમાં

શૂન્યનાં સવાયા થવાની હોડ મચી છે. ચૂંટણી ટાણે કોઇ પણ રાજકારણી પોતે સરવાળે મીંડું છે એવો એકરાર કરતો નથી. પણ

અન્યથી સવાયા હોવાનો શંખનાદ કરતા રહે છે. આ આપણાં કેજરીવાલ તો બધાને ગાળ દેવામાં શિરમોર છે. એમની એટિટ્યુડ

તુમ સબ સાલે ચોર હો-ની છે. તેમનું બયાન છે કે નમો, રાગા તો ઠીક આ બધા મીડિયાવાળાઓ પણ ગણ્યાંગાંઠયા પૂંજીપતિઓનાં

ગજવામાં છે. તે અમને થાય કે હેં કેજુભ’ઇ, આ અંબાણીનાં બુશકોટને કેટલાં ગજવાં છે? અંબાણી બધાને ગૂંજે ભરે છે? કે પછી

ગમતાંનો (અથવા ગમતાંને !) ગુલાલ કરે છે? પણ એ જવા દો. ગળે મફલર વીંટીને રાજકારણનાં ફલક પર ઉપસી આવેલો આ આમ

આદમી ગળું ખંખેરીને બોલે છે કે ભલા જો દેખન મૈં ચલા, ભલા ન મિલિયા કોઇ, અપને અંદર જબ ઝાંકા તો, મુઝસે ભલા ન કોઇ.

હું જ એક સાચો, દૂજો ન કોઇ. લો બોલો ! અંગ્રેજીમાં એને ‘હોલિઅર ધેન ધાઉ’ (Holier Than Thou) કહે છે. ચાલો કરીએ,

ઓલા કરતા સારો, પોલા કરતા સારો, હું તો ભ’ઇ સૌ કરતા સારો- શબદનું કીર્તન.

વ્યાકરણની ભાષામાં ‘ધાઉ’ એ બીજો પુરુષ એક વચન છે. આમ તો અંગ્રેજીમાં ‘યૂ’(તું) બોલાય છે, એનું

બહુવચન પણ ‘યૂ’ (તમે). પણ મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાં લખાયેલા બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ

થયો ત્યારે એકવચન માટે ‘ધાઉ’(તું) અને બહુવચન માટે ‘ધી’(તમે) શબ્દો વપરાયા. 1946માં બાઇબલનાં

સ્ટાન્ડર્ડ વર્ઝનમાં ભગવાન સંબોધવા માનાર્થે ‘ધાઉ’ અને બીજા બધા માટે ‘યુ’ શબ્દ વપરાયો.

હોલિ એટલે પવિત્ર. ધાઉ એટલે તું. હોલિઅર ધેન ધાઉ એટલે હું તારા કરતા (અથવા ભગવાન કરતા)

પવિત્ર. વધારે નીતિમાન. આ તો ખોટી બડાશ કહેવાય. દંભ કહેવાય. આવી વ્યક્તિનાં દંભની ટીકા કરવી

હોય તો કહેવાય કે એ હોલિઅર ધેન ધાઉ-ની માનસિકતા ધરાવે છે. આમ તો સ્વયં પોતાની જાતમાં

વિશ્વાસ હોવો સારી વાત છે. પણ નૈતિકતામાં બીજા બધાથી બળુકા છીએ એવી કાયમી માનસિકતા નરી

હિપોક્રસી છે. આપ પાર્ટીનાં આપડાહ્યા અરવિંદ કેજરીવાલ માટે ‘હોલિઅર ધેન ધાઉ’ શબ્દો મીડિયા

અને સોશિયલ મીડિયામાં બે વર્ષથી વપરાય છે. ‘હોલિઅર ધેન ધાઉ કેજરીવાલ’ એટલા ચાર શબ્દો

ગૂગલ પર લખશો તો ચાલીસ હજાર વેબસાઇટ્સની યાદી ખૂલશે. એ વાત સાચી છે કે કેજરીવાલ ભ્રષ્ટ

નથી. એની વિચારસરણી કોમી નથી. પણ કેજરીવાલ ટીવી ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ ટીવી એન્કરને

ઇન્ટરવ્યુનો ‘કાંતિકારી, બહોત હી ક્રાંતિકારી’ હિસ્સો હાઇલાઇટ કરવા કહે છે. કેજરીવાલ ડ્રામેબાજ છે.

શિવ-ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં વારાસણી જઇને ગંગાસ્નાન કરવાનું ચૂકતા નથી. રાજકારણ તો કીચડ

છે. ‘અરવિંદ’ શબ્દનો અર્થ કમળ થતો હોય તો ગંગાસ્નાનનાં નાટક શા માટે?

તમને કેવા કેજરીવાલ ગમે? એવા કેજરીવાલ જે હોલિઅર ધેન ધાઉ-નું નાટક બંધ કરે. રાજકારણમાં

ચૂંટાયેલા નેતાઓને લાલ બત્તી, બંગલો કે વિમાન મળે, એમાં કોઇને વાંધો નથી. એ એમનો અધિકાર

છે. પોતાના કામનાં પ્રમાણમાં હોદ્દાગત સુવિધા (પર્કસ્) મેળવે એમાં કોઇ વાંધો ન હોઇ શકે. સારું

શાસન આપે, સ્થાયી શાસન આપે, બધાને સમાન ગણે, દેશનાં વિકાસની નીતિ જેની રણનીતિ હોય એટલે

બસ. પણ આપણાં કેજરીવાલ મફલર પહેરે, ખાંસે, ઝાડા થઇ જાય છે તો ટ્વિટર પર એનો ઢંઢેરો પીટે.

બધાને ચોર-ચોર કહીને ભાંડે. પણ હે શ્રી શ્રી કેજરીવાલ, તમે તમારી આ ‘સુપર-ઓનેસ્ટ’ પાઉંભાજી

બનાવવાની બંધ કરો તો સારું !

જો કે આપણે બધા જ હોલિઅર ધેન ધાઉ છીએ ! દેખાડો ભલે ન કરીએ, પણ માનીએ જરૂર છીએ કે આપણે અનન્ય છીએ, સદ્ય

શ્રેષ્ઠ છીએ, નખશિખ નીતિવાન છીએ. અઢારે વરણમાં વિશુદ્ધ છીએ. આપણે ઊંટ હોઇએ તો પણ આપણાં અઢાર પૈકી એક પણ

અંગ વાંકા નથી. આપણે સૌથી સારા છીએ. એબીસી ન્યૂઝ પોતાના તાજા આર્ટિકલમાં લખે છે કે બધા તો સરેરાશથી સારા શી

રીતે હોઇ શકે? બધા જ ગાંધીજી હોય તો ગાંધીજી એવરેજ થઇ જાય ! જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીમાં

પ્રસિદ્ધ સંશોધન અહેવાલ અનુસાર આપણે પોતાની જાત વિષે ઊંચા ખયાલો ધરાવીએ છીએ. આમ થાય તો અમે આમ કરી

નાંખીએ. પણ જ્યારે એવા સંજોગો ખરેખર ઊભા થાય ત્યારે આપણી હોલિઅર ધેન ધાઉ એટિટ્યુડ સાગમટી પાણીમાં બેસી જાય.

આપણે માટીપગા સાબિત થઇએ. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીનાં સાયકોલોજીનાં પ્રોફેસરે પ્રયોગ કર્યો. વિદ્યાર્થીઓને

પૂછ્યું કે કેન્સર સોસાયટી ચેરિટી ફંડ માટે પ્લાસ્ટિકનાં ડેફોડિલ ફૂલ વેચાય છે તે તમે ખરીદશો? 80% વિદ્યાર્થીઓએ હા પાડી.

પછી પૂછ્યું કે તમે શું ધારો છો, તમારા સહાધ્યાયીઓ ખરીદશે? તો બધાએ કહ્યું કે બધા ન ખરીદે, માંડ 40% સ્ટુડન્ટ્સ ડેફોડિલ

ખરીદશે. ખરેખર વર્લ્ડ ડેફોડિલ ડે આવ્યો ત્યારે તો માત્ર 43% સ્ટુડન્ટ્સે ડેફોડિલ ખરીદ્યા હતા. બીજા એક પ્રયોગમાં અમેરિકી

ચૂંટણી પહેલાં થયેલા એક સર્વેમાં પ્રશ્ન પૂછાયો કે તમે મતદાન કરશો? 84% લોકોએ હા પાડી. બીજો પ્રશ્ન કે બીજા લોકો

કેટલું મતદાન કરશે? તો જવાબ હતો, બધા અમારા જેવા જાગૃત નથી. આશરે 67% મતદાન થશે. ચૂંટણીમાં ખરેખર 68%

લોકોએ મતદાન કર્યું. આપણું હોલિઅર ધેન ધાઉ મંતવ્ય આપણા પોતા માટે વધારે પડતું હોય છે, પણ બીજાઓની માનસિકતાનો

આપણો અંદાજ સાચો હોય છે.

આખરે આ નીતિમત્તા શું છે? પ્લાસ્ટિકનાં ડેફોડિલ ખરીદવા તે? ચૂંટણીમાં મત દેવો તે? લાલબત્તીને તિલાંજલિ

દેવી તે? ટ્રેનમાં મુસાફરી કરવી તે? ગંગા ઘાટ પર ડૂબકી મારવી તે? લોકશાહીમાં ઝાડૂનો મારવાનો એકાધિકાર પ્રસ્થાપિત કરવો તે?

આપણી નીતિમત્તાની વ્યાખ્યા આપણી વર્તણુંક આધારિત છે. લોકો ઘણી વાર વખાણ કરે એટલે આપણો અહં ફૂલીને ફાળકો થઇ

જાય. આપણે હોલિઅર ધેન ધાઉ થઇ જઇએ. બસ પછી ફરજિયાત એમ વર્તવું જ પડે. તમાચો મારીને ય ગાલ લાલ રાખવો પડે.

પવિત્રતાનો દાવો કરીએ તો પવિત્ર રહેવું ય પડે. એ તો સારી વાત. એટલે હોલિઅર ધેન ધાઉ હોવું સારું જ કહેવાય. પરાણે તો

પરાણે, સારા તો થવાય ! હા, એક વાત બરાબર નથી. બીજાને નીચા પાડવાની વાત. પોતાનો કક્કો ખરો કરવા બીજાની લીટી નાની

કરવાની વાત.

જો કે રાજકારણીઓ અઘરી જમાત છે. હોલિઅર ધેન ધાઉ એટલે બીજા કરતા પવિત્ર હોવાની લાગણી, પણ

રાજકારણમાં એનો મતલબ છે બાકી બધા મેલા મનનાં, મેલી મુરાદનાં, મેલી મથરાવટીનાં… વારાણસીની

ગંગામાં પવિત્ર કેજરીવાલ નાહ્યા તેથી ગંગાનાં મેલી થવાનાં પ્રશ્નનું અપ્રસ્તુત હોવું, એને કહેવાય હોલિઅર ધેન ધાઉ.

નમો એમને પાકિસ્તાનનાં એજન્ટ કહેવા કરતા પાકી(પવિત્રતા)નાં હોલસેલ એજન્ટ કહે તે વધારે પ્રસ્તુત ગણાય. ખરું ને? !!

શબદ આરતી: ‘હોલીવૂડ અજબ છે. જાહેરમાં

હોલિઅર-ધેન-ધાઉ છે. પણ હકીકતમાં અનહોલિઅર-ધેન-ધ-ડેવિલ (શેતાનથી વધારે નાપાક) છે.’ -અમેરિકન અભિનેત્રી ગ્રેસ કેલી(1928-1982). (ભારતનાં રાજકારણ વિષે એવું કહી શકાય?)

Arvind Kejriwal in ganga_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0_0

1 ટીકા

Filed under ઘટના, પ્રકીર્ણ

One response to “હોલિઅર ધેન ધાઉ: પવિત્રતાનાં હોલસેલ એજન્ટ/પરેશ વ્યાસ

  1. ભારતનાં રાજકારણ વિષે જેટલું કહીએ એટલું ઓછું છે .કેજરીવાલની પીપુડી લાંબો વખત વાગવાની નથી .લોકોને ખબર પડી ગઈ છે કે દૂધ કોણ છે અને પાણી કોણ છે .
    હું સાચો અને બીજા બધા ચોર એ કેવી રીતે માની શકાય .
    કહેતા દીવાના હોય પણ સુનતા બધા દીવાના નથી હોતા ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s