(૫) કાવ્ય અને પ્રતિભા / જુગલકીશોર વ્યાસ

સરનામુ યામિની વ્યાસ
        કવિતાનો જન્મ એ માનસિક પ્રક્રિયા છે. એને પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ જોઈ જાણી શકે નહીં. મનનો જ આ વ્યાપાર હોવાથી એને કલ્પના, તર્ક, શ્રદ્ધા, બુદ્ધિ વગેરેથી જ તપાસવાથી સમજી–પામી શકાય છે.
કવિતાની ઉત્પત્તિમાં કારણભૂત બનતાં બળો વિશે વિચાર કરતી વખતે જે ત્રણ બળો ખડાં થાય છે એ છે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ. આ ત્રણેને પ્રથમ સમજીને પ્રતિભાનું મહત્ત્વ કવિતાની ઉત્પત્તિમાં શું છે તે જાણી શકાય.

આપણા આલંકારિકો અને પશ્ચિમના વિચારકો પણ એક વાત એકી અવાજે વ્યક્ત કરે છે કે કાવ્યની ઉત્પત્તિમાં જે બળ મહત્ત્વનું ગણાય છે એ કોઈ અવર્ણનીય, લગભગ અજ્ઞાત, દૈવી કહી શકાય એવી શક્તિ છે. આ શક્તિને સંસ્કૃતિના ભેદને કારણે હિન્દુ આલંકારિકો પ્રતિભા કહેશે, દૈવીશક્તિ કહેશે તો પશ્ચિમના વિચારકો અદ્ભૂત, અદૃશ્ય શક્તિ કહેશે પરંતુ મૂળ વાત તો બધા સ્વીકારે જ છે કે એ પ્રયત્નથી ન મેળવી શકાય પરંતુ જન્મથી જ મળેલી કોઈ ઈશ્વરી દેન છે. જેનું કવિતામાં અનિવાર્ય સ્થાન છે.

કવિતામાં પ્રતિભાનું જે મહત્ત્વ છે અને એનાથી કાવ્યમાં જે કાવ્યત્વ ઊભું થાય છે એની ચર્ચા કરતાં પહેલાં પ્રતિભા એ શું છે એ પણ જાણવું જરૂરી છે.

પૂર્વજન્મમાં માનનારા આપણે એટલું તો અવશ્ય સ્વીકારીએ છીએ કે પૂર્વજન્મમાં કરેલાં કર્મો સંચિત થઈને પછીના જન્મમાં જે મૂડીરૂપે આવે એનું પ્રારબ્ધ બને છે. એને કવિતાના ક્ષેત્ર પૂરતું ગણવા માટે કવિની પ્રતિભા નામ આપી શકાય. આત્માના અનંત પ્રવાસમાં જન્મજન્મે મળતાં શરીર તો ઉપવસ્ત્ર જ છે. પરંતુ માનસિક તત્ત્વો બુદ્ધિ, મન વગેરેનું બનેલું સૂક્ષ્મ શરીર મરતું નથી અને નવેનવે જન્મે પોતે તો એ જ રહે છે. આમ દરેક જન્મે એ જે કર્મો બાહ્ય શરીર પાસે કરાવે એમાંથી એ એક પ્રતિભા ઘડે છે. આ પ્રતિભા કવિતાના ક્ષેત્રની પણ હોય અને વિજ્ઞાન કે સુથારી–લુહારી ક્ષેત્રની પણ હોય.
આમ પૂર્વ જન્મથી મળેલી દેન એ જ પ્રતિભા એમ આપણે સ્વીકાર્યું છે. હવે, જ્યારે કવિને આપણે આપણા સામાન્ય મનુષ્ય કરતાં જુદો, વિશિષ્ટ ગણ્યો છે ત્યારે તેની પાછળની ભાવનામાં જ આ પ્રતિભાનો સ્વીકાર આવી જાય છે. પોતાના જન્મજાત સંસ્કારોને કારણે એની આંખ, કાન વગેરે ઇન્દ્રિયો સામાન્ય માણસ કરતાં જુદી જ રીતે અનુભવ લઈ શકે છે. એની કાવ્યક્ષેત્રની પ્રતિભા દુનિયાનાં દૃશ્યો, દુનિયાના વહેવારોમાંથી નવી જ જાતનો અનુભવ વીણી લે છે. આ અનુભવ જેમ વિશિષ્ટ હોય છે એમ એક બીજી પણ પ્રક્રિયા (અનુભવ પછીની) સામાન્ય માનવી કરતાં વિશિષ્ટ હોય છે. તીવ્ર અનુભવનું પ્રાકટ્ય કર્યા વિના સામાન્ય માણસ પણ રહી ન શકે. પોતાના અનુભવને એણે બહાર કાઢવો જ પડે છે. સિસૃક્ષાનો આ ધક્કો માણસ પાસે અનુભવને વ્યક્ત કરાવે છે. કવિની પ્રતિભા આ પ્રકટીકરણમાં પણ જુદી તરી આવે છે. પોતાની અનુભૂતિને વ્યક્ત કરવા માટે જે માર્ગ એ અપનાવશે, એ માર્ગમાં જે સચોટતા, સુંદરતા, સરળતા-સહજતા ઉમેરશે એ કવિની પ્રતિભાને કારણે જ હોય છે.

આવી રીતે અનુભવ કરવામાં અને અભિવ્યક્તિમાં પણ પ્રતિભા કવિને વિશિષ્ટ સ્થાને મૂકે છે.
આ ઉપરથી જ બધાએ એકી અવાજે કાવ્યને ઊંચું સ્થાન આપતાંની સાથે જ પ્રતિભાને, એ કાવ્યનું મૂળ કારણ ગણીને, મુખ્ય સ્થાન આપી દીધું છે. આમ પ્રતિભા કાવ્યનું મૂળ કારણ ગણાયું.

આ પછી જે વાત આવે છે એ પ્રતિભાની સાથે જ ગણવામાં આવતાં અથવા પ્રતિભાને મદદ કરતાં બે તત્ત્વો વિશેની છે. આ બે તત્ત્વો તે વ્યુત્પત્તિ (નિપુણતા) અને અભ્યાસ. પ્રતિભાને મોખરાનું સ્થાન આપનારા વિચારકો આ બંને તત્ત્વોને પણ નકારી શકતા નથી. પ્રતિભાને અને નિપુણતા તથા અભ્યાસને જુદાં કરીને પાછલાં બંનેને બાદ કરી શકાતાં નથી. એનું કારણ એ બંને તત્ત્વોની અનિવાર્યતા કહી શકાય.આ બંને બળો માટે જે મતભેદ છે એ પ્રતિભા સાથે એ બંનેના સ્થાનનો, એ બંનેના સંબંધનો છે. એક વાદ પ્રતિભાને અને એ બંનેને એક સાથે જ ગણીને કાવ્યઉત્પત્તિના એક હેતુ તરીકે સ્વીકારે છે જ્યારે બીજો વાદ એ બંનેને પ્રતિભાને સંસ્કારનારાં ગણે છે. કોઈ એમ કહે છે કે પ્રતિભા અનિવાર્ય છે એવી જ રીતે મહાન કાવ્ય માટે નિપુણતા અને અભ્યાસ પણ અનિવાર્ય છે. જ્યારે કોઈ એમ કહે છે કે પ્રતિભા અનિવાર્ય પણ એને સંસ્કારવા, કાવ્યને ‘‘વધું સારું બનાવવા માટે’’નાં બળો તરીકે એ બંને જરૂરી છે. કાવ્યના જન્મમાં ‘અનિવાર્ય’ એને ન પણ ગણાય.
જોકે પ્રતિભાને જો પૂર્વજન્મનો સંસ્કાર ગણીએ તો એમાં પૂર્વજન્મનાં મેળવેલા વહેવારના, લોકશાસ્ત્રના અનુભવો તથા અભિવ્યક્તિનો અભ્યાસ એમાં આવી જ જાય છે. આ વાતમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ ‘કવિ’ એક જન્મે બનતો નથી. આ જન્મે જેણે ઉત્તમ કવિતા કમસે કમ સારી કવિતા – લખી એ માણસ ગયા જન્મે પણ એ વિશેના સંસ્કારો મેળવીને જ આવ્યો હશે. એક જન્મે મહાકવિ બનવા માટે ગમે તેટલા વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય છતાં પ્રતિભા તો તેણે આગલા જન્મની જ લાવવાની છે ને ? કવિતાક્ષેત્રની પ્રતિભા જો પૂર્વજન્મનો જ સંસ્કાર હોય તો એ માન્યતામાં જ એવું આવી જાય છે કે પ્રતિભા આ જન્મે ઘડી ન શકાય અને ઘડી શકીએ તો તેનો ઉપયોગ તો આવતા જન્મે જ થઈ શકે. આમ આ જન્મનાં વ્યુત્પત્તિ અને અભ્યાસ સંપૂર્ણ હોય છતાં પ્રતિભા તો પૂર્વજન્મની જ મળતી હોવાથી શ્રદ્ધાથી,  કલ્પનાથી કે તર્કથી સ્પષ્ટ થાય છે કે કવિ એક જન્મે જ ‘સિદ્ધ’ ન થઈ શકે.
આ નાનકડા મતથી હવે વ્યુત્પત્તિનો અને અભ્યાસનો ઉપયોગ જે ખરેખર છે એ પણ આ પ્રમાણે કહી શકાય –પૂર્વજન્મના ‘પ્રયત્નો’થી મળેલી પ્રતિભામાં જ વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય તો આ જન્મે વ્યુત્પત્તિ અને અભ્યાસની શી જરૂર ? આ જરૂર બે રીતે, બે કાર્ય માટે પડે છે:

૧. પૂર્વજન્મના સંસ્કારો પર જન્મના – સ્થૂળ શરીરના – બદલાવવાથી જે વિસ્મૃતિ થઈ હોય છે એને સતેજ કરવાનું કાર્ય વ્યુત્પત્તિ કરે છે. અભ્યાસનો પણ તેમાં હાથ હોય છે. કોઈ કોઈ બાળકો આપણને એવાં પણ જાણવા મળે છે જેને પૂર્વજન્મની સ્મૃતિ હોય. બધાંને આ શક્ય નથી. તેથી ‘પ્રયત્ન’થી આ જન્મે વિસ્મૃતિનાં પડળને હઠાવીને પૂર્વના અનુભવ, જ્ઞાન, અભ્યાસ વગેરેને  જાગૃત કરવાનું કાર્ય, આ જન્મની આપણે જેને વ્યુત્પત્તિ અને અભ્યાસ કરીએ છીએ, એ કરે છે. હેમચંદ્રાચાર્ય આજ વાત ‘‘પ્રતિભાને સંસ્કારવી’’ વાક્યથી કરે છે.
૨. બીજું મહત્ત્વનું કાર્ય આ જન્મનું  જ ખાસ છે. ગત જન્મમાં જે કવિતાનાં લક્ષણો ન હોય અને સાહિત્યનાં રૂપો, અંશો વગેરે બદલાઈ જવાથી પૂર્વજન્મમાં જે મળ્યું ન હોય તે મેળવી આપવાનું છે. નવાં પ્રતીકો, અલંકારો, રૂપકોનો જે ગત જન્મમાં કવિને અનુભવ ન હોય તેને આ જન્મના પ્રવાહથી ઘડવાનું કાર્ય વ્યુત્પત્તિ અને અભ્યાસ કરે છે. ગત જન્મમાં સંભવ છે કે રૉકેટથી કવિ અજાણ હોય તો આ યુગમાં રોકેટ પર કાવ્ય લખવા માટે એને એકલી પ્રતિભા કામમાં ન આવે. આ જન્મે એ પ્રતિભાને રોકેટનું કાવ્ય બનાવવા માટે વ્યુત્પત્તિની જરૂર  પડે જ પડે.
સમગ્ર વિચારણાના અંતે આટલું સ્પષ્ટ થાય છે કે કવિતાની ઉત્પત્તિમાં પ્રતિભા અનિવાર્ય છે. એને માટે કોઈ બે મત નથી. પ્રતિભા વિના કાવ્ય બને જ નહીં. જોડકણામાં પણ જો કંઈક સામાન્ય પણ ‘કવિતા’ હોય તો એ પ્રતિભાના કારણે જ છે.
બીજું સ્પષ્ટ થાય છે તે વ્યુત્પત્તિ અને અભ્યાસની જરૂર. (જેને માટે ટૂંકમાં સમજણ આ પ્રમાણે આપી શકાય કે જીવનનાં બધાં શાસ્ત્રોનું જ્ઞાન, ઉત્તમ કાવ્યકૃતિઓનું જ્ઞાન, એનો પરિચય હોવો એ વ્યુત્પત્તિ છે. જેને કારણે કવિમાં એક જાતની નિપુણતા આવે છે અને અભ્યાસ એટલે મહાવરો, સંગીતની પરિભાષામાં રિયાઝ; જે ગુરુ પાસેથી અને પોતાના પ્રયત્નથી સતત રીતે વધતો જ જાય.)
આ બંને બળોની જરૂર કોઈ મમ્મટ જેવા ‘પ્રતિભાની સાથે અભિન્ન’ ગણીને ગણાવે છે. તો હેમચંદ્ર જેવા પ્રતિભાને સંસ્કારનાર બળ તરીકે અલગ ગણીને ઘટાવે છે. પશ્ચિમના વિચારકો પણ ઉપર ગણાવેલું તારણ જ જુદીજુદી ભાષામાં, શૈલીમાં સમજાવે છે.

દંડિ જેવા કોઈક પ્રતિભાની ઓછી આવશ્યક્તા ગણાવે છે. પણ એને માટે ઘણો મોટો મતભેદ થશે. પ્રતિભાનું મુખ્ય કારણ તરીકે મહત્ત્વ કોઈ અસ્વીકારતું નથી.શ્રી અરવિંદની આ બાબતમાં માન્યતા જોવાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે – એઓ જન્મજાત સંસ્કારોથી પ્રાપ્ત થયેલી શક્તિને કારણે રચાયેલી કવિતાને કાવ્ય ગણે છે અને એના કર્તાને જ કવિ કહે છે. જ્યારે પ્રયત્નથી જ કેવળ રચાયેલ કૃતિને પદ્ય કહે છે અને કર્તાને પદ્યકર્તા જ.

Ghazal Sandhya

4 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય, ગઝલ, યામિની વ્યાસ

4 responses to “(૫) કાવ્ય અને પ્રતિભા / જુગલકીશોર વ્યાસ

 1. કવિતા એના રચયિતા કવિના મનમાં ચાલતા વ્યાપારો , એની જન્મજાત સંસ્કારોથી પ્રાપ્ત કલ્પના શક્તિ અને એના વ્યક્તિત્વની દ્યોતક હોય છે .
  યામિનીબેનની કાવ્ય રચના અને જુ’ભાઈનો કાવ્ય ઉપરનો મનનીય લેખ ખુબ
  ગમ્યા .

 2. Sharad Shah

  સતત હાર્યા જીવનની બાજી આ કિન્તુ;
  હુકમનુ અંતમાં પાનુ મળી જાય.

  જ્યાં સુધી જીતવાની કામના છે ત્યાંસુધી હુકમનુ પાનુ મળતું નથી. બાકી હુકમનુ પાનુ આપણી ભિતર હૃદયમાં જ છે. જરા નજર ઝુકાવવાની જ જરુર હોય છે.
  દામીની બહેનનુ મનભાવન કાવ્ય.

  જુ’ભાઈનો કાવ્ય પરનો વિશ્લેષણ ભર્યો લેખ.

 3. chandravadan

  Yamini’s Poem….and Jugalkishor’s thoughts on Kavya/Kavita.
  Enjoyed.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 4. Yaminibenani kavitv shakti adabhoot ane Jugalbhai jeva kavita vishe lakhe–pachhito e kavya ane kavitv vishe kahevanuj shu rahe?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s