ચૂંટણીની શ્વાનસંહિતા…/ પરેશ વ્યાસ

ચૂંટણીની શ્વાનસંહિતા…

યુધિષ્ઠિર: જેવું જેનુંપુણ્ય.

ઢળ્યાં પત્ની-બંધુ વચ્ચે, કિંતુ શ્વાનનો ને મારો

સમાન છે અધિકાર, સ્વર્ગદ્વારેયે શું અરે

ભેદ પ્રાણી પ્રાણી વચ્ચે, –નરક વિરચી દેતો

જેહ બધે? સ્વર્ગ, તો , આ સ્વર્ગ નથી. –(ઉમાશંકર જોશી ‘મહાપ્રસ્થાન’ તા. 17-5-1964)

umashanker

કેટલીક કવિતા એટલી મહાન હોય છે કે એનાં સર્જનની ય સ્વર્ણિમ જયંતિ ઉજવવી જોઇએ. જ્યાં સર્વેને સમાન

અધિકાર નથી એ સ્વર્ગ ન હોઇ શકે; એવું ધર્મરાજા યુધિષ્ઠિર માને છે. મહાભારતનાં અંતે હિમાડો ગાળવા સાથે નીકળેલા પાંચાલી

અને પાંડવો સાથે એક કૂતરો પણ મહાપ્રસ્થાનમાં સાથે છે. એક પછી એક બધા મૃત્યુ પામે છે. યુધિષ્ઠિરને હવે માત્ર શ્વાનનો

સાથ છે. યુધિષ્ઠિરને સદેહે સ્વર્ગમાં લઇ જવા ઇન્દ્રનો રથ આવે છે. શ્વાનને મનાઇ છે. યુધિષ્ઠિર જિદ કરે છે. પ્રાણી માત્ર સૌ

એક સમાન છે; માટે શ્વાનને પણ સ્વર્ગમાં પ્રવેશ મળવો જોઇએ. ચૂંટણી પરિણામનાં દિવસે આ નાટ્યકવિતાનાં સર્જનને પચાસ

વર્ષ થશે. કાવ્યનો વિષય છે એ મહાભારતની કથાને પાંચ હજાર વર્ષ થશે. પણ આજે ભારતનાં ચૂંટણી ચકરાવામાં અનેક શ્વાન

શબ્દો ચર્ચામાં છે. થોડા મહિનાઓ પહેલાં 2002નાં ગુજરાત રમખાણો વિષે નમોએ કહ્યું’તું કે ગલુડિયું ય ગાડી નીચે ચગદાય

તો દુ:ખ થાય તો માણસ મરે તો સ્વાભાવિક રીતે પીડા થાય જ. તેનાં જવાબમાં અમારે તમારી કોઇ સહાનુભૂતિ જોઇતી નથી એવું

કહીને સમાજવાદી પાર્ટીનાં સાંસદ આઝમખાને નમોને કૂતરાનાં બચ્ચાનાં મોટાભાઇ કહી દીધા. ભારતની ચૂંટણીનું મહાભારત હવે

બીજાને નીચા પાડવામાં નવી નીચાઇએ ઉતરી ગયું છે. ચૂંટણી ટાણે જે નેતા મતદાતાઓને સમજાવી શકે કે દેશનાં ગાડાનો ભાર

તાણવા માત્ર હું જ સક્ષમ છું, એ ચૂંટણી જીતી જાય. બાકી આપણે તો જાણીએ ચંદુભાઇ કે ગાડાનો ભાર તો ભારતની જનતા

રૂપી બળદોએ જ તાણવો પડે. કૂતરા તો નિમિતમાત્ર છે. ચાલો કરીએ કેટલાંક સાંપ્રત શ્વાન શબ્દોનું કીર્તન.

dogwhistle

ડોગ્સ વ્હિસલ પોલિટિક્સ: નમો સોનિયા ગાંધી પર ભારતીય માછીમારને મારી નાંખનાર ઇટાલિયન મરીન્સને

છોડી મુકવાનો આક્ષેપ કરે છે. નમો રાગા માટે શહેજાદા શબ્દપ્રયોગ કરે છે. યુવરાજ કહી શક્યા હોત. રાગા પણ વાત તો કરે છે

સમ્રાટ અશોક, અકબરની કે જેમણે લોકોને જોડવાનું કામ કર્યું હતું પણ નમો માટે ઔરંગઝેબ શબ્દનો ઉપયોગ કરે છે જે કોમવાદી

વિચારસરણીનો સૂચક છે. વિદેશી મેગેઝીન ‘ધ ઇકોનોમિસ્ટ’ અથવા દેશી અખબાર ‘ઇકોનોમિક્સ ટાઇમ્સ’માં એનો ઉલ્લેખ ડોગ્સ

વ્હિસલ પોલિટિક્સ તરીકે થયો છે. કૂતરાઓ માટે ખાસ હાઇ ફ્રીક્વન્સી વ્હિસલ હોય છે. એનો અવાજ માણસને ન સંભળાય પણ

કૂતરાને સમજાય જાય છે. રાજકારણમાં અમેરિકન પ્રેસિડન્ટનાં સ્પીચ રાઇટર અને લેખક વિલિયમ સફાયરે(1929-2009) ડોગ

વ્હિસલ પોલિટિક્સ શબ્દ પ્રયોજ્યો હતો. ઓપિનિયન પોલમાં પૂછાતા પ્રશ્નમાં થોડો શાબ્દિક ફેરફાર

કરવાથી અલગ જૂથનાં લોકો એનો અર્થ અલગ કરતા હતા. ડોગ વ્હિસલ એવી કોડ લેન્ગવેજ છે કે

સમજને વાલે સમજ જાતે હૈ. ઓસ્ટ્રેલિયામાં 1990નાં દાયકામાં જહોન હાવર્ડ સતત ચાર ટર્મ

પ્રેસિડન્ટ રહ્યા. એમની સામે રેસિસ્ટ (જાતિવાદી) હોવાનો આક્ષેપ હતો. તેઓ ખુલ્લમખુલ્લા નહોતા

કહેતા પણ અશ્વેત કે અન્ય એશિયન જાતિનાં લોકો માટે તેઓ ‘અન-

ઓસ્ટ્રેલિયન’, ‘ઇલીગલ’(ગેરકાયદેસર) અને ગોરા લોકો માટે ‘મેઇન સ્ટ્રીમ’ (મુખ્ય ધારા) શબ્દ

વાપરતા. ગોરા લોકોને સમજાય જાય કે જહોન હાવર્ડ અમારી તરફેણ કરે છે. અમેરિકાની 2012ની

ચૂંટણીમાં રુઢિવાદી વિચારસરણીવાળા ગોરાઓની સંસ્થા ટી પાર્ટી એક્સપ્રેસનાં એમી ક્રેમરે ઓબામા

માટે કહ્યું હતું કે ઓબામા અમેરિકાને એ રીતે પ્રેમ નથી કરતા જે રીતે અમે કરીએ છીએ. સીએનએન

એને ડોગ વ્હિસલ પોલિટિક્સ કહ્યું કારણ કે એમાં ઓબામાની તરફેણ ન કરવા તરફ ગોરાઓને આડકતરો

ઇશારો હતો.Under dog

અંડરડોગ, ટોપડોગ: વારાણસીમાં નમો સામે ઉમેદવારી નોંધાવી ત્યારે ધ હિન્દુ અખબારે કેજરીવાલ માટે

અંડરડોગ શબ્દ પ્રયોજ્યો. ચિદંબરમે ચેન્નાઇમાં સ્વીકાર્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અંડરડોગ છે પણ

ચતુષ્કોણિય ચૂંટણીજંગમાં અંડરડોગ જીતી ય જાય. અંડરડોગ રાજકારણ અને રમતગમતનો શબ્દ છે.

અંડરડોગ એટલે એવો પ્રતિદ્વંદ્વી જે હારી જાય એવી પૂરેપૂરી સંભાવના હોય. સામાજિક કે રાજકીય

અન્યાયનો ભોગ બનનારને પણ અંડરડોગ કહેવાય. અંડરડોગનો વિરોધાર્થી શબ્દ છે ટોપડોગ. બે શ્વાન

સત્તા રૂપી હાડકાં માટે ઘૂરકે, ભસે, કરડે અને જે જીતે તે ટોપડોગ. જે જીતે તે સિકંદર. એને બધુ માફ.

પછી નીતિમત્તાની વ્યાખ્યા જ બદલાય જાય. વર્ષ 1882માં પોપ્યુલર સાયન્સ વીકલીનાં ‘શું વિજ્ઞાને

નીતિમત્તાનાં મૂળ વિષે કોઇ સંશોધન કર્યું છે?’ લેખનાં અંતે પ્રો. સ્મિથ એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે

બે બળિયાની લડાઇમાં એવો ય સમય આવે છે કે જ્યારે શું નીતિ અને શું અનીતિ? પછી તો ટોપડોગ જ્યાં

ઊભો રહી જાય, લાઇન ત્યાંથી શરૂ…

Dogs

ડોગ્સ ઓફ વોર: ફ્રેડરિક ફોરસિથની નવલકથાનું શીર્ષક ‘ડોગ્સ ઓફ વોર’ વિલિયમ શેક્સપિયરનાં નાટક જુલિયસ

સીઝર(1601) આધારિત છે. સીઝરનાં સાગરીતો જ સીઝરની હત્યા કરે છે. સીઝરનો સરસેનાપતિ માર્ક એન્ટોની માને છે કે

રમખાણ હવે અનિવાર્ય છે. અને એ કહે છે કે ક્રાય હેવોક, એન્ડ લેટ સ્લિપ ધ ડોગ્સ ઓફ વોર.. (શત્રુનાં) વિનાશનો નારો

અને યુદ્ધનાં શ્વાનને છૂટો દોર આપી દો. અહીં શ્વાનનો મતલબ સૈનિકો જેને બેફામ બનવાનો પીળો પરવાનો મળ્યો હોય. પછી

અંધાધૂંધી, લૂંટફાટ. યુદ્ધમાં બધું જ વ્યાજબી ગણાય. હવે એવા યુદ્ધ થતા નથી. પણ રાજકારણમાં ચૂંટણી તુમુલ યુદ્ધથી કમ નથી.

કંઇ કેટલાં ડોગ્સ ઓફ વોર છૂટા મુકી દીધા છે રાજકીય પાર્ટીઓએ. કોઇ નેતાનાં નાના નાના ટૂકડા કરવાની વાત કરે છે; કોઇ બટન

દબાવીને બદલો લેવાની વાત કરે છે. સૌ પોલરાઇઝેશનનાં થાંભલે જઇને મૂતરી આવે છે. કૂતરા માલિકને વફાદાર હોય છે. લોકોને

નહીં.

dog days

ડોગ ડેઇઝ: ચૂંટણીનો માહોલ ગરમ છે. ચૈત્રી દનૈયાં તપી રહ્યા છે. ડોગ ડેઇઝનો અર્થ થાય છે વર્ષનાં સૌથી

ગરમ દિવસો. લૂ વાતી હોય. કામ બધા ઠપ્પ થઇ જાય. મૂળ કેનિસ મેજર(લેટિન અર્થ મોટો શ્વાન) નક્ષત્રનો

સૌથી ચમકતો તારો સિરિયસ છે જેને ડોગ સ્ટાર પણ કહે છે. સૂર્યોદય પહેલાં દેખાતો આ તારો ગરમી વરસાવે

છે તેવું ગ્રીક લોકો માનતા. આ એ જ તારો છે જે સંસ્કૃતમાં મૃગવ્યાઘ અર્થાંત હરણનો શિકારી કહેવાય. એનાં

તીરનાં એક તારાને અગ્નિ કહે છે. બ્રેડિઝ કેલેંડરિયા અનુસાર રોમન લોકો એવું માનતા કે આ સમયે દરિયો

ઉકળી ઊઠેછે, મદિરા ખાટી થઇ જાય છે, કૂતરા પાગલ થઇ જાય છે, સર્વ જીવજંતુઓ જોશવિહોણા થઇ જાય

છે. માણસો તાવમાં ધગે, પછી તાણ, ઉન્માદ, ગાંડપણ…એક તો ગરમી અને ઉપરથી ચૂંટણીનો ધગધગતો

માહોલ… ડોગ ડેઇઝ આર હીઅર અગેઇન..

મૂળ વાત હતી યુધિષ્ઠિરની જે શ્વાન સમેત સ્વર્ગ પ્રવેશની જિદ કરીને બેઠાં હતા. આખરે શ્વાનને પ્રવેશની છૂટ

મળે છે. પછી?

યુધિષ્ઠિર: ભાઈ શ્વાન ચાલ.

યમદેવ: શ્વાન ક્યાં છે? છું હું

એકમાત્ર અહીં,

માર્ગ આખે ધર્મફોર્યાં પગલાં સૂંઘતો ચાલ્યો

આવું છું, ત્યારે મારા જ સ્વર્ગમાં પ્રવેશવાનો

પામું છું નવધિકાર કો દીધેલો પુણ્યાળુએ.

શ્વાન દરઅસલ યમદેવ છે જે ધર્મફોર્યાં પગલે ચાલીને પોતાનાં જ સ્વર્ગમાં પ્રવેશવાનો અધિકાર પ્રાપ્ત

કરે છે. એ જ તો રાજધર્મ છે.

શબદ આરતી: ‘સ્વર્ગમાં પણ ફેવર કરવામાં

આવે છે. સ્વર્ગ જો મેરીટ પર ચાલતું હોય તો તમે બહાર રહી જાવ અને કૂતરો અંદર જતો રહે.’

Marks– માર્ક ટ્વેઇન

3 ટિપ્પણીઓ

Filed under ગીત, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ

3 responses to “ચૂંટણીની શ્વાનસંહિતા…/ પરેશ વ્યાસ

 1. વર્ષોથી ચૂંટણી વખતે રાજકીય નેતાઓના એજ ચીલાચાલુ એકબીજા ઉપર કાદવ ઉછાળવાના કાવાદાવા કરવાના અને નીચલી પાયરીએ ઉતરી જવાની ટેવમાં કોઈ પણ ફેરફાર જણાતો નથી એટલે આ કહેવત યાદ આવે છે ,

  કુતરાની પુચ્છડી વાંકી એ વાંકી , એ કદી સીધી નહિ થવાની .

  આ બીજી કહેવત પણ આ લોકોને લાગુ પડે છે .

  કુતરા તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી .આ ટ્ગઓફ વોર ચાલુ જ રહેવાની .

  કુતરું તો માલિક માટે એક વફાદાર પ્રાણી ગણાય છે .

  નેતાઓ પ્રજા માટે કુતરા જેવી જો વફાદારી બતાવે તો કેટલું સારું .

  આ લેખમાં ક્યાં ક્યાંથી સંદર્ભ પરેશભાઈ લાવ્યા છે . એના માટે કેટલું વિશાળ વાંચન

  જોઈએ . એમને ધન્યવાદ ઘટે છે .

 2. કુતરાના ગુ ણ જોઇને ગુરુ દત્તાત્રય જેવાએ કુતરાને ગુરુ કરેલો પણ એ સત્જુગી કુતરા આ રાજકારણીય કુતરા ગાયો નું ઘાસ ખાય જાય છે અને કૂતરાનો ખોરાક ખાઈ જાય અને કદાચ જરૂર પડેતો કુતરાને પણ ખાઈ જાય ? ભલું પૂછવું

 3. યુધિષ્ઠિર સાથે સ્વર્ગ સુધી ગયેલો શ્વાન એટલે Dog Star! પારસીઓ તો મૃત્યુ વખતે બે કૂતરાને મૃતદેહ સમક્ષ લાવે છે! બે કૂતરા (ડૉગ સ્ટાર્સ) સ્વર્ગના દરવાજે ચોકી કરે છે એમ પારસીઓ માને છે. (સંદર્ભઃ બાલ ગંગાધર તિલકનું પુસ્તક ‘ઓરાયન’).

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s