‘સંજય’ દ્રષ્ટિ અને સતની ‘પરખ’ -ટેલ ઓલ / પરેશ વ્યાસ

‘સંજય’ દ્રષ્ટિ અને સતની ‘પરખ’ -ટેલ ઓલ

tell all3

 

 

 

 

 

………………………………………………………………………..

મજહબ મયદાન કુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

ન ઉમ્મીદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન! –

‘ગઝલમાં ગીતા’ જ્યોતીન્દ્ર દવે

 

…………………………………………………………………..

tell all4

 

 

 

 

 

 

………………………………………………………………….

સંજય બરૂ  સંજય દ્રષ્ટિથી ‘એક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નામનો આંખે દેખ્યો હાલહવાલ  છતો કરે છે, ભલાભોળા ‘ને મનનાં મોળા મનમોહનનો ફજેતો કરે છે; એ ય એવા ટાણે જ્યારે ભારતનાં કુરુક્ષેત્રે ચૂંટણી નામનું મહાયુદ્ધ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. મનમોહન સિંઘ આકસ્મિક રીતે વડાપ્રધાન બન્યા’તા એ સૌને ખબર છે. પણ વાત ચૂંટણી ટાણે નીકળી. અને આવા ટાણે બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી. રફિકે મન મનમોહન સિંઘને રાજગાદીની ઉમ્મીદ નહોતી. ન તેઓને ભારતનાં નાથ બનવાની ખ્વાહિશ હતી. પણ તેઓએ દસ વર્ષ સુધી સત્તા વિનાનો હોદ્દો ભોગવ્યો. હવે દસ વર્ષે એમનાં એક વખતનાં મીડિયા સલાહકાર ટીકા કરતું પુસ્તક લખે છે. ત્યાં અધુરામાં પુરું મન મોહનનાં એક વેળાનાં કોલસા સેક્રેટરી પ્રકાશ ચંદ્ર પરખ પણ રોકડું પરખાવે છે. એમની કોલસા બાળીને પ્રકાશ રેલાવવાની વૃત્તિ મનમોહનની નિવૃત્તિ પર કાળી ટીલી પુરવાર થાય તો નવાઇ નથી. પી. સી. પરખે ‘ક્રુસેડર ઓર કોન્સ્પિરેટર-કોલગેટ એન્ડ ધ અધર ટ્રુથ્સ’ પુસ્તક લખીને સઘળું સત્ય ફટાફટ કહી દીધું. મનમોહન સિંઘ પોતે નખશિખ પ્રામાણિક છે. પી.સી. પરખ પણ કહે છે કે કોલસાકાંડમાં મનમોહન સિંઘ તો પોતે દુ:ખી હતા. કોલસાની ફાળવણીમાં હર-રાજી થાય, સૌ કોઇ ભાગ લે, સરકારને સારો ફાયદો થાય તેવા સુધારાની તેઓ તરફેણ કરતા હતા. પણ સાથી મંત્રી શિબૂ સોરેન થે કે માનતે ચ નહીં થે. સંજય બરૂ લખે છે કે મનમોહન સિંઘ ધૃતરાષ્ટ્ર નહોતા. અંધ નહોતા. તેમની ભૂમિકા ભીષ્મ જેવી હતી. ગમે નહીં તો ય કૌરવોની વાત માનવી પડતી હતી. આ પુસ્તકોને દેશ વિદેશનાં મીડિયા ટેલ ઓલ બૂક કહે છે. ટેલ ઓલ(Tell All) એટલે સઘળું સોય ઝાટકીને કહી દેવું. પુસ્તકનાં સંદર્ભે કલમ ઝાટકીને- એવું કહી શકાય. બધું ઉઘાડે છોગ કહેવું. ખાનગી કે અંગત વાતને ખુલ્લેઆમ કહેવી. એવી વાત કે જેથી કોઇની પાઘડી ઉછળે. ટેલ ઓલ શબ્દ આવી વાત કહેતા પુસ્તક, મેગેઝીન આર્ટિકલ અથવા પર્સનલ ઇન્ટર્વ્યુ માટે વપરાય છે. ટેલ ઓલમાં બે વાત ફરજિયાત છે. એક કે એમાં સેલેબ્રિટી વિષેની જ વાત હોઇ શકે. રાજદ્વારી ઉચ્ચ નેતા, ફિલ્મ્સનાં સફળ નટ-નટીઓ કે રમતગમતનાં ક્ષેત્રે કાઠું કાઢી ગયેલા ખેલાડીઓનાં જીવનની અંગત, રંગત નવીન વાતો ચર્ચાનો વિષય બને છે. મહાન ગોલ્ફ ખેલાડી ટાયગર વૂડ્સનાં કોચ હેન્ક હેનીએ પોતાનાં ટેલ ઓલ પુસ્તક ‘ધ બિગ મિસ’માં વૂડ્સને ઘમંડી, સ્વાર્થી તેમજ પોર્નોગ્રાફી અને પોટી હ્યુમરનાં રસિયા તરીકે ચીતર્યો હતો. સામાન્ય માણસનાં સાદા સરળ જીવનમાં કોને રસ હોય? એવી ચોપડીઓ જો છપાય તો પ્રકાશકને માથે પડે. અને બીજી વાત એ કે આખી વાર્તા આવા સેલેબ્રિટીનાં કો’ક અંગતે જ લખી હોય, પોતાની નજરે લખી હોય છે. અહીં સામાન્ય રીતે મીઠું, મરચું ભભરાવવાની છૂટ હોય છે. જ્યાં મગનું નામ મરી ન પાડવું અપેક્ષિત હોય એવી હાઇ-ફાઇ કક્ષાએ વટાણાં વેરી દેતા પોતાનાં જ એક સમયનાં અંગત સાથી દ્વારા લખાતી ચોપડીને  ટેલ ઓલ કહે છે. સંજય બરૂ કે પી. સી. પરખ બન્ને મનમોહન સિંઘનાં એક સમયનાં વિશ્વાસુ હતા. તે સિવાય તો એમની અંગત અંગત વાત ઓથેન્ટિકલી કોઇ કહી પણ કેવી રીતે શકે?

 ભારતનાં વડાપ્રધાનની અંગત વાતને  સનસનીખેસ હેરતઅંગેઝ ફોર્મેટમાં પુસ્તક સ્વરૂપે રજૂ કરવાનો આ બીજો પ્રસંગ છે. આ પહેલાં નહેરૂનાં અંગત સચિવ એમ. ઓ. મથાઇ ‘રેમિનિસન્સ ઓફ નેહરૂ એજ’ અર્થાંત નેહરૂ યુગનાં સંભારણા લખી ચૂક્યા છે. આ ટેલ ઓલ કિતાબની પ્રસ્તાવનામાં મથાઇ લખે છે કે જ્યારે મારા મિત્રોએ નહેરૂ સાથે મારા અનુભવોનાં સંભારણા લખવા આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું’તું કે ‘કાં તો હું કોઇ પણ જાતનાં  અવરોધ વિના લખીશ અથવા કાંઇ પણ લખીશ નહીં.’ પછી ફ્રેડરિક મેસનને ટાંકીને મથાઇ લખે છે કે જાહેર જીવનની વ્યક્તિનું અંગત જીવન જુદુ ન હોય શકે. વ્યક્તિનું ચારિત્ર્ય એનાં સ્વભાવની માફક એક જ હોય. જે ઇતિહાસનો હિસ્સો બની જાય, એનાં વિષે બધું સાચેસાચુ લખી શકાય. સાહિત્યમાં કવિતાને તરંગો પર સવારી કરવાની છૂટ, નવલકથાને કલ્પનાનાં ઘોડા દોડાવવાની છૂટ પણ ઇતિહાસ લખવામાં સારું સારું જ લખવું જોઇએ એવું  માનવું ઉચિત નથી. ઇતિહાસને લજ્જાનો લિબાસ લપેટવો કેટલો વ્યાજબી? ઇતિહાસને મર્યાદાનાં બંધનમાં બાંધવું કેટલું યોગ્ય? નહેરૂ દેશ ચલાવવાનાં અગત્યનાં નિર્ણયો આખરી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનનાં પત્ની એડવિનાની સલાહ લઇને કરતા. નહેરૂ એડવિનાને પત્રો લખતા. દરરોજ લખતા. એડવિનાની નહેરૂ સાથેની યે નજદિકયાં પર તો એડવિનાની દીકરી પમેલાએ પણ ‘ડોટર ઓફ એમ્પાયર’ નામની ટેલ ઓલ કિતાબ લખી હતી. જો કે આ સંબંધ શારીરિક નહીં, પણ આધ્યાત્મિક હતા; એવું પમેલા માનતી હતી.  ભારતમાં  ટેલ ઓલ કિતાબ ઓછી લખાય છે. મનમોહન સિંઘનાં કિસ્સામાં તો એમની હયાતીમાં બે કિતાબ લખાઇ અને તે પણ ઘણી વહેલી રજૂ થઇ. ચૂંટણી છે ભાઇ, પછી આવી નીરસ વાર્તા કોણ વાંચે? લોકોને તો ચટાકેદાર વાતોનું જ પિષ્ટપેષણ કરવામાં જબરી મઝા આવતી હોય છે.

અમેરિકન ટેબ્લોઇડ ‘નેશનલ ઇંક્વાયરર’ ઓપનલી કહે છે કે એ સનસનાટી ભરી માહિતી માટે નાણાં ચૂકવે છે. ગયા વર્ષે એણે ક્લિન્ટનનાં આંતરિક કૌટુંબિક સૂત્રોનો હવાલો ટાંકીને લખ્યું હતું કે  એક વખતનાં ફર્સ્ટ લેડી અને 2016માં પ્રેસિડંટશિપનાં સંભવિત ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પોતે પોતાની  ટેલ ઓલ કિતાબ લખી રહ્યા છે. જેમાં પોતે સમલૈંગિક સંબંધો ધરાવે છે એવી કબૂલાત કરશે. પ્રેસિડન્ટ ઓબામા આલ્કોહોલિક છે, મિશેલ સાથેનું એમનું લગ્નજીવન ડામાડોળ છે અને ઓસામા બિન લાદેનની મારી નાંખ્યા પછી એની સાબિતી તરીકે એની લાશને અમેરિકા લઇ આવવાની હિલેરીએ જબરી તરફેણ કરી હતી પણ તે વખતે ઓબામા માન્યા નહીં અને લાશને જળમાં દફનાવી દીધી; આવી કંઇ કેટલી વાતો હોવાનો એમાં દાવો કર્યો છે. હવે આ ટેલ ઓલ કિતાબ 10 જુન-2014નાં રોજ પ્રકાશિત થશે. ત્યારે જ ખબર પડે કે એમાં ખરેખર આવી બધી વિવાદી વાતો છે કે નહીં? એમ હોય તો મઝા આવે. આવા ટેલ ઓલ પુસ્તકો ખરેખર તો લખનારાઓનું પોતાનું સત્ય છે. વિશ્વવિખ્યાત કવયત્રી એમિલી ડિકનસન પણ સત્યને છૂપાવવાની હિમાયત કરતા નથી. કવિતાનું શીર્ષક છે:  ટેલ ઓલ ધ ટ્રુથ…પણ બીજી પંક્તિમાં સત્ય કહેવાની રીત સમજાવતા કહે છે કે… ટેલ ઇટ સ્લેન્ટ (પક્ષપાતી)… કારણ સત્યનો ઝળહળાટ આહિસ્તા આહિસ્તા વિખેરવો જોઇએ, નહીંતર દરેક માણસ આંધળા થઇ જાય.

tell all

શબદ આરતી:

“સત્ય કહી દેવું, નહીંતર તમારા વતી કોઇ બીજું એમ કહી દેશે.” –લોકપ્રિય અમેરિકન બ્લોગર અને લેખિકા સ્ટેફની ક્લેઇન પોતાની સ્મરણકથા ‘સ્ટ્રેઇટ અપ એન્ડ ડર્ટી’માં   

 

1 ટીકા

Filed under ગીત, ઘટના, પરેશ વ્યાસ, પ્રકાર, પ્રકીર્ણ

One response to “‘સંજય’ દ્રષ્ટિ અને સતની ‘પરખ’ -ટેલ ઓલ / પરેશ વ્યાસ

  1. મન વગર વડા પ્રધાન બનેલા મનમોહનસિંગ વિષે એમની નજીકના બે માણસોએ જ લખેલી બધું કહી દેતી -ટેલ ઓલ -બુક ચૂંટણીનાં સમયે ડૂબતી કોન્ગ્રેસને વધુ નુકશાન કરશે . લેખકોને પૈસા કમાવવાની તક મળશે . વિરોધીઓ ગેલમાં આવી જશે .

    શાંત પાણી ઊંડાં હોય છે એ મનમોહનસિંગના કેસમાં સાચું પડશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s