ચાય પેચર્ચા:પરેશ વ્યાસ

 

ચાય પેચર્ચા:

 

અફવાથી છાપુંભરવાનુંચાલ, નયન એક ચા મંગાવ

 

આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

 

-નયન હ. દેસાઈ

 

“હું તમને વચન આપું છું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર નહીં બની શકે… પણ જો એણે અહીં ચા વેચવી હોય તો આપણે એને માટે જગ્યા ફાળવીશું.” ચૂંટણી પહેલાં ભૂંડાબોલાં કોંગી નેતા મણિશંકર અય્યર કોંગ્રેસ અધિવેશનમાં આમ બોલ્યા અને ચાય પે ચર્ચા ચાલી, એવી તો ભાઇ ચાલી. અને ચૂંટણીનાં અંતે ચા વિષેની આ વિવાદી ટિપ્પણી કોંગ્રેસને સરવાળે મોંઘી પડી. કોંગ્રેસનું નામું મંડાઇ ગયું. અનેક દિગ્ગજો હાર્યા. ખુદ મણિશંકર પોતાની ચૂંટણીમાં ચોથા ક્રમે રહ્યા. મયલાદુથુરાઇ 

 

લોકસભા મતવિસ્તારનાં 5.12 લાખ મતોનાં મતદાન પૈકી એમને માત્ર 58 હજાર મત મળ્યા. એક સમયનો ચા વેચતો છોકરો નામે નમો લોકચાહનાની સુનામી પર સવાર થયો અને વિરોધીઓને તહસનહસ કરતો ગયો. રાહુલ ગાંધી હવે મનોમંથન કરે છે કે ચાહ બરબાદ કરેગી હમે માલુમ ન થા ! વિખ્યાત અભિનેત્રી ઓડ્રી હેપબર્ન માનતા કે “જ્યારે તમારી સાથે એવા કોઇ ન હોય કે જેના માટે તમે ચા બનાવી શકો, જ્યારે તમારી કોઇને જરૂરિયાત જ ન રહે તો સમજવું કે જીવન પૂરું થયું.” રાગાકા રાજકીય જીવનકા ક્યા હોગા? પણ આપણાં કવિ નયનભૈ કહે છે કે કંઇ ન બને ત્યારે પણ ચા મંગાવવી જરૂરી છે. રાજકારણ મારું કપ ઓફ ટી(Cup of Tea) નહોતું. રાજકારણ રહ્યું ગંદુ. અને અમે રહ્યા સ્વચ્છતાનાં આગ્રહી. પણ ભૂંડની પેઠે અમે રાજકારણનાં અવનવા શબ્દોથી ખરડાયા અને એવા શબ્દો વિષે કીર્તનો કર્યા. ચાલો આજે ‘માય કપ ઓફ ટી’ મહાવરા વિષે વાત કરીએ. ચાલો આજે અંદરથી સ્નાન કરીએ.

 

ચા દુનિયાનું ડાર્લિંગ પીણું છે. ટી હોય કે ચાય બન્ને શબ્દો ચીનની દેન છે. કારણ ચાય તો ચીનમાં જન્મી છે. ચીનમાં મેંડારીન ભાષામાં ચાય શબ્દ છે જે પર્શિયા થઇને ભારતીય ભાષામાં પહોંચ્યો. ચીની ભાષાની અમોય બોલીમાં ‘ટે’ યુરોપનાં વેપારીઓ મારફત પશ્ચિમમાં પહોંચ્યો અને ટી કહેવાયો. વીસમીસદીની શરૂઆતમાં ‘કપ ઓફ ટી’ યાને ચાયની પ્યાલી એ ‘મિત્રતાનાં સ્વીકાર’નો પર્યાય બન્યો. એવો મિત્ર જે ચાયની પ્યાલીની માફક તમને ઉત્સાહથી તરબતર કરી દે, ચેતનવંતો કરી દે. બ્રિટિશ કલાકાર અને નવલકથાકાર વિલિયમ ડી મોર્ગન પોતાની નવલકથા ‘સમહાઉ ગૂડ’(1908)માં એનો ઉલ્લેખ કરે છે.

 

કથા કંઇક આવી છે. ન્યૂયોર્કથી લંડન આવેલો ફ્રેન્વિક નામનો માણસ અકસ્માતે ઇલેક્ટ્રિક શૉકથી દદાસ્ત ગુમાવી બેસે છે. અકસ્માત માટે પોતાને જવાબદાર માનતી સેલી નામની યુવતી એને પોતાનાં ઘરે લઇ આવે છે. સેલી કહે છે કે ‘એ કદાચ થોડો ગરમ મિજાજી છે, કદાચ લાગણીનાં આવેશમાં નિર્ણય લેનારો….પણ એ સિવાય એ તમને ગમે નહીં એ અશક્ય છે. એ કપ ઓફ ટી છે.’ ‘કપ ઓફ ટી’ સ્વાસ્થ્ય અને શક્તિની દ્યોતક છે. મનને ગમે. સારું લાગે એવી વ્યક્તિ એ કપ ઓફ ટી. પોતાની નોકરાણી ઍન પાસેથી સાંભળેલી આ રૂપક અલંકારની અભિવ્યક્તિ સેલી ફ્રેન્વિક નામનાં અજાણ્યા માણસનાં ગમતીલાં સ્વભાવ સાથે સાંકળી લે છે. આમ 1930ની સુધીમાં મનગમતી વ્યક્તિ, વાત કે વસ્તુને ‘માય કપ ઓફ ટી’ કહેવાનો રિવાજ પડ્યો. આ એક પ્યાલી ચાયનું સન્માન હતું કે કોઇ પણ સગાસંબંધી જે સારા, સજ્જન અને જોમવંતા હોય એને લોકો ‘મારી ચાયની પ્યાલી’ તરીકે સંબોધાતા થયા. તે પછી જો કે એવું સંબોધન ક્રમશ: ઓછું થતું ગયુ અને આ મહાવરો માત્ર નકારાત્મક અર્થમાં વધારે વપરાવા માંડ્યો. એટલે કે કોઇ વ્યક્તિ કે વિષય ન ગમે તો તેને કહેવાય, ‘નોટ માય કપ ઓફ ટી’. ઇગ્લેંડની જીવનશૈલી વિષે અમેરિકાને અવગત કરાવતી અખબારી કોલમ લિવ્સ ફ્રોમ વોર કોરસપોન્ડન્ટ્સ નોટબૂક-માં કોલમિસ્ટ હલ બૉયલ લખ્યું હતું કે ‘ઇંગ્લેંડમાં કોઇ ન ગમે તો એને પેઇન ઇન ધ નેક(ડોકનો દુ:ખાવો) કહેતા નથી, એને કહેવાય કે હી ઇઝ નોટ માય કપ ઓફ ટી.’ હવે ગમતા ‘માય કપ ઓફ ટી’ નથી. પણ નહીં ગમતા ‘નોટ માય કપ ઓફ ટી’ જરૂર છે. સુગમ સંગીત સમજાય. પણ શાસ્ત્રીય સંગીત? નોટ માય કપ ઓફ ટી. કાંઇ ગમે નહીં કે કાંઇમાં ગતાગમ ન પડે એ બધુ મારી ચાયની પ્યાલી નથી. આ મહાવરાનાં મૂળમાં ચાય વિષેની અનહદ ગમતીલી લાગણી સમાયેલી છે. જે નથી ગમતા એ મારી ચાયની પ્યાલી નથી. અહીં ચા અને ચાહ એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા છે.

 

નમો પ્રધાનમંત્રી બન્યા. ઘણાં પ્રબુદ્ધ નાગરિકોને નમો સામે વાંધો હતો. બલકે છે. નમો એમની કપ ઓફ ટી નથી. ડીએનએ લખે છે કે ઉદારમતવાદી બુદ્ધિજીવીઓ અને પત્રકારો નમોને શૂદ્ર માને છે અને માને છે કે એમને દુનિયાદારીનો કોઇ અનુભવ નથી. ટાઇમ્સ ઓફ ઇંડિયાનાં સમાચાર મુજબ એક્ઝિટ પોલ પછી પણ ગાયિકા શોભા મુદગલ, લેખિકા ગીતા હરિહરન, ફિલ્મકાર મહેશ ભટ્ટ, કબીર ખાન વિગેરેએ નમોનાં નામ પર ચોકડી મારવા અપીલ કરી. આંતરરાષ્ટ્રિય સ્તરે પણ લેખક સલમાન રુશદી, શિલ્પકાર અનિષ કપૂર, હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર હોમી કે. ભાભા વિગેરે સંયુક્ત રીતે કહ્યું હતુ કે મોદી પ્રધાનમંત્રી બનશે તો ભારતની માઠી દશા બેસશે. નોબેલ પ્રાઇઝ વિજેતા આમર્ત્ય સેન અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા વી. આર. અનંતમૂર્થિની નમો નારાજગી સ્પષ્ટ છે. દરઅસલ અમને એવું લાગે છે કે આ બધા પ્રબુદ્ધ નાગરિકો લોકોનાં મનને પારખી શક્યા નથી. દરેક રાજનીતિજ્ઞનાં જીવનમાં ત્રણ તબક્કા આવે છે. પહેલાં તબક્કામાં એ આક્રમક હોય છે. પછી એને સદભાવના સુઝે છે. અને પછી એ અતિ વિનમ્ર વ્યક્તિ બની જાય છે. પછી…. એ તમને તમારા પોતીકાં લાગવા માંડે છે. બાલ્તી (પાકિસ્તાનનાં ગિલ્ગિટ-બાલ્તિસ્તાન વિસ્તારનાં લદાખી-તિબેટિયન રહીશો) કહેવત છે કે તમે પહેલી વાર કોઇ બાલ્તી સાથે ચાયનો પ્યાલો શે’ર કરો ત્યારે તમે અજાણ્યા વ્યક્તિ છો, જ્યારે બીજી વાર સાથે ચાય પીઓ છો ત્યારે તમે એમનાં માનવંતા મહેમાન છો. અને ત્રીજી વાર સાથે ચાય પીઓ એટલે તમે એમનાં અંગત કુટુંબી થઇ જાવ છો. એક સમયે ચાય વેચતા આપણાં નમો હવે બધાનાં કપ ઓફ ટી બનવા ઇચ્છે છે. અંગત કુટુંબી થવા માંગે છે. એમનાં પ્રવર્તમાન તેવર ઘણાં મૃદુ છે. ભાવુક છે. તેઓ બોલતા બોલતા રોઇ પડે છે. માટે હે દુનિયાભરનાં પ્રબુદ્ધ નાગરિકો, તમારી નજરે નમો નફરતને કાબિલ ભલે હોય પણ એમનાથી ડરવાની જરૂર નથી. અને નમોએ તો ગાલિબની સલાહ માનવી. ગાલિબ બુરા ન માન જો વાઇઝ(ધર્મઉપદેશક) બૂરા કહે, ઐસા ભી કોઇ હૈ, સબ અચ્છા કહે જિસે?

 

શબદ આરતી: ‘કોફી એ મારી કપ ઓફ ટી નથી.’

 

– અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર સેમ્યુઅલ ગોલ્ડવીન (1879-1974)

 

La-de-Da-December-Square-033maxresdefault

 

 

download (1) (1)

il_fullxfull.319519205

8 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ, સમાચાર

8 responses to “ચાય પેચર્ચા:પરેશ વ્યાસ

 1. શ્રી પરેશભાઈનો બહું જ સરસ પ્રસંગોચિત લેખ

  શ્રી નરેન્દ્ર મોદી અંગે ગત લોકસભાની ચૂંટણીમાં એમના વિરુદ્ધમાં ઘણું ઘણું બોલાયું, લખાયું અને કહેવાતા પંડિતોએ ટી .વી. પ્રોગ્રામોમાં પણ પુષ્કળ ઝેર ઓક્યું હતું .

  નરેન્દ્ર મોદી વિષે એમ કહેવાય છે કે એમના ઉપર એમના વિરોધીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી ગભરાયા વિના એ પથ્થરોનાં પગથીયા બનાવી એમની મંઝીલ તરફ ઉપર ચઢતા જાય છે .

  સોનાને જેમ વધુ તપાવો અને ટીપો એમ ઘરેણાંનો ઘાટ સરસ બનતો હોય છે એવું જ એમનું બન્યું છે .

  લોકોએ એમની ચા વેચનાર તરીકે મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો તો એમણે દેશભરમાં ચાય પર ચર્ચાની ઝુંબેશ શરુ કરી અને ચૂંટણીના પ્રચારમાં એક નવી લહેર ઊભી કરી દીધી .

  કહેવાતા દેશ વિદેશના બુદ્ધિવાદીઓ પણ નરેન્દ્ર મોદીને સમજવામાં ખરેખર ઉણા ઉતર્યા છે .

  લોખંડી પુરુષ સરદારની જેમ ગુજરાતના આ છોટે સરદાર મોદીના લોખંડી વ્યક્તિત્વનો અંદાજ તો વડા પ્રધાન બન્યા પછી એમણે જે એક પછી એક નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે એમાંથી આવી જાય છે .

  સંદેશ .કોમમાં વાંચેલ શ્રી મોદી વિશેની આ માહિતી વાંચવા જેવી છે .

  –શ્રી મોદી પ્રથમ એવા વડાપ્રધાન બનશે કે જે પોતાન સરકારી આવાસમાં પરિવાર વિના એકલા જ શિફ્ટ થશે. અત્યાર સુધી દેશના 14 વડાપ્રધાન રહી ચુક્યા છે.

  તે તમામની સાથે કમસે કમ એક પરિવારજન તો તેમના અધિકૃત નિવાસ સ્થાને તેમની સાથે રહેવા આવ્યા જ છે.

  -ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને જે પગાર મળ્યો છે તે ગાંધીનગર સચિવાલયના સ્ટાફના બાળકોને અભ્યાસ માટે આપી દેશે.

  -ફંડમાં મોદી પોતાની સાથે મોમેન્ટો કે બીજી કોઈ ગિફ્ટ પણ નહીં લઈ જાય. આ તમામની હરરાજી કરી દેવાશે. તેમાંથી જે રકમ ઉપજશે તે ગુજરાતની કન્યા કેળવણી પાછળ ખર્ચ કરાશે.

  -નરેન્દ્ર મોદી દિલ્હી પોતાની સાથે કોઈ અંગત સામાન લઈ જવાના નથી. તે ગેજેટ્સના શોખીન છે. જેથી લેપટોપ, ટેબ, આઈપોડ વગેરેને કાળજી પૂર્વક દિલ્હી લઈ જવા માટે પેક

  કરી દેવાયાં છે. મોદી ટેબ પરથી ન્યુઝપેપર વાંચે છે અને ટીવી ચેનલ્સ પર ધ્યાન રાખે છે. એમને પોતાની ગાડીમાં હંમેશા રામચરિતમાનસની કોપી સાથે જ રાખવાની ટેવ છે.

  વડાપ્રધાન બન્યા બાદ પણ તે પોતાની આ ટેવને ચાલુ જ રાખશે.

  તેના સિક્યુરીટી સ્ટાફનું માનવું છેકે આ પવિત્ર પુસ્તક તેમને વિરોધીઓથી બચાવી રાખે છે.

  -મોદી સાથે તેની અત્યંત વિશ્વાસુ ટીમ રહેશે. જેમાં બદરી, તેના પર્સનલ કુકનો સમાવેશ થાય છે. જે તેમના અત્યંત નજીક મનાય છે અને 12વર્ષથી તેમની સાથે જ રહે છે.

  મોટાભાગના ગુજરાતીઓની માફક મોદી ચુસ્ત શાકાહારી છે અને બદરી મોદીની પસંદગીઅનુસાર સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન તૈયાર કરી આપે છે.

  તે પીએમ હાઉસના કિચન ઈન્ચાર્જ રહેશે જ્યાં તે ઢોકળા અને ખાખરા બનાવશે.

 2. મોદીના વિરોધીઓએ એની સામે ઝેર ઓકવામાં બાકી નથી રાખ્યું .પણ એ ઝેર મોદી માટે અમૃતમાં ફેરવાઈ ગયું એ આપણે સહુએ જોયું .

 3. pragnaju

  આખી ગઝલ
  એક ચા મંગાવ – નયન દેસાઈ

  અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

  એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
  પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

  હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
  દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

  શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
  બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

  આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
  કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

  ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
  તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

  આ અંગે ડૉ વિવેક કહે છે સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!

 4. પિંગબેક: ( 462) ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો……—ચંદ્રકાંત બક્ષી/ ચાય પે ચર્ચા: -પરેશ વ્યા

 5. Ramesh Patel

  મોદી ઉવાચ: ચાલો ચા પીવા…શ્રીમોદીએ જે રંગત જમાવી..વડોદરામાં ચાય વાળાને ફોર્મમાં સહી કરાવી ને પાછો શપથ સમારંભમાં બોલાવ્યો. ચાય બે બુલાયાનો આ મજાનો લેખ માણ્યો..કેટલા બધાની કિટલી ગરમ કરી દીધી…બીચારા વાતોનાં વડાં કરતા..મોદીજીને ન ઓળખતા લોકોની અમે તો પહેલીથી જ દયા ખાતા હતા.

  ચાની રંગત….રમેશ પટેલ(આકાશદીપ)

  હું નગર ચોકનો ચાવાળો

  ટી-હાઉસનું પાટિયું ઝુલાવું

  એવી ચા બનાવું કે… હેરત પામે પીવાવાળો

  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈક માગે કડકી-મીઠી

  તો કોઈ માગે મોરસ વિનાની

  કોઈ કહે સ્પેશીયલ લાવો

  તો કોઈને ગમે ઈલાયચીવાળી

  ચોકલેટ ટી ભૂલકાઓ માગે

  મોટા માંગે ફૂદીનાવાળી

  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  કોઈ પીવડાવે જીતવા ચૂંટણી

  તો કોઈ નાના મોટાકામે

  કોઈ પીવડાવે ગામ ગપાટે

  ને કડક બાદશાહીની બોલાબોલી

  આજ ઘર હોય કે હોય ઓફિસ

  ચાની ફેશન નીકળી મસ્તાની

  ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો

  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  સવાર થાય ને સૌને સાંભરે

  પ્રભાતિયાની જેમ

  ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય

  આખા દિવસના રંગતની ભાઈ થઈ જાતી હોળી

  ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો

  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  ભેળા થાય ભાઈબંધો કે વ્હાલી સાહેલીનાં ટોળાં

  મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશીપાડોશી

  એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો

  ચાલો આજ સૌ ચાની રંગત માણો(૨)

  કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા,

  તો કોઈ તાજગી માટે

  ચાના બંધાણીની છે ભાઈ ! ચા રૂપલી રાજરાણી

  મોંઘવારીના જમાનામાં, અડધી ચા રે કરતી કમાલ

  ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે માલંમાલ

  ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો

  ચાલો આજ સૌ ચાની રંગત માણો

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. આદરણીય વડિલ બહેન શ્રીપ્રજ્ઞાજુબહેન

  મણિશંકર ને પ્રજાએ પાણીચું પકડાવી દીધું

 7. pragnaju

  : Dr.Kanak Ravel
  What’s common between Buddha,
  Mahavira and Modi ?

  Buddha left home for a higher calling — leaving behind a wife called Yashodhara .

  Mahavir left for a higher calling — leaving a wife called Yashoda

  Modi left home on a higher calling — leaving a wife called
  Yashodaben.

  A remarkable coincidence?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.