આ મૃગેશભાઇ આપણી વચ્ચે નથી+જિંગોઇઝમ: યુદ્ધખોર રાષ્ટ્રવાદ / પરેશ વ્યાસ

0

 

નેટજગત માટે અત્યંત દુખદ સમાચાર !

આટલી નિષ્ઠાથી ગુજરાતીની સેવા કરનારો આ ગુજરાતીપ્રેમી આપણી વચ્ચે નથી તે વાત અસહ્ય છે.

એમની નિષ્ઠા જ એમનો આગળનો માર્ગ દોરશે…..ઈશ્વર એમનું શુભ કરે અને એમના પિતાને હિંમત આપે.

એ માતૃભાષાસેવીને મારાં વંદન…..– જુ.

 

03

 

 

 

 

 

 

 

 

 

 

યુગયુગથી લૂંટાય ત્હોય

સદા શણગારવંતી શોભતી :

સૈકે-સૈકે ઘવાય ત્હોય

સદાની એ સજીવન.

ને ભરતખંડની મહાકથા છે

એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

– ન્હાનાલાલ ‘ભારતમહિમા’

ભારતની તાસીર યુદ્ધખોર નથી. ધર્મ સંસ્થાપનાર્થાય યુદ્ધ થયા છે. પણ ક્ષુલ્લક કારણોસર મારોકાપોનાં

રણશિંગા ફુંકાયાનાં દાખલા નથી. મેરા ભારત મહાન હોય એટલે બીજાને તુચ્છ પામર સમજી કચડી નાંખવા, એવું આપણું તત્વજ્ઞાન નથી. ભારતમહિમામાં આપણાં મૂર્ધન્ય કવિ ન્હાનાલાલ એ જ કહે છે. લૂંટાયા છીએ, ઘવાયા છીએ, છતાં સદાનાં સજીવન છીએ.

06

મનમોહનસિંઘ મૃદુભાષી છે. નરેન્દ્ર મોદી આક્રમક છે. તડ ‘ને ફડ કહી શકે છે. તડાફડી ય કરી શકે છે. આકરા અને ઉદ્દામ દેશપ્રેમ જ્યાં વાતે વાતે દેશ વાસ્તે યુદ્ધે ચઢવાની તલપ હોય, એને અંગ્રેજીમાં જિંગોઇઝમ (JINGOISM) કહે છે. નવાઝ શરીફ શરાફત દેખાડે પણ પાકિસ્તાનમાં લશ્કર અને તાલિબાનની જુગલબંધી જિંગોઇઝમનું આતંકી સ્વરૂપ છે. નમોની તાજપોશી બાદ પાકિસ્તાન પરત ફર્યા પછી,

શરીફ પર કાશ્મીર મુદ્દો નહીં ઊછાળવાનાં મુદ્દે તડાપીટ બોલી તો પાકિસ્તાન પીએમનાં એડવાઇઝર સરતાજ અઝીઝે કાશ્મીર મુદ્દો મોદી સાથે ચર્ચાયાની વાત પાકિસ્તાની મીડિયાને કરી. પાકિસ્તાન જિંગોઇઝમથી ખદબદે છે. ૧૭મી મેનાં રોજ હેડલાઇન્સ ટૂડે ટીવી ચર્ચામાં પાકિસ્તાની યુદ્ધ વિશ્લેષક પરમાણુ શસ્ત્રોની દુહાઇ આપીને દિલ્હીને ક્ષણોમાં તબાહ કરવાની ધમકી દઇ દીધી. તો ૨૭ મેનાં રોજ ટાઇમ્સ નાઉમાં, એક અન્ય વિશેષજ્ઞે 26/11નાં મુંબઇ આતંકી હુમલાને ઘટનાને ક્ષુલ્લક ગણાવી દીધી.

ઇશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. ભલું થજો નમોનું કે એમણે જિંગોઇઝમની લપેટમાં આવ્યા વિના નવાઝ શરીફને નિમંત્ર્યા. ઉર્દૂ શાયર ડો. બશીર બદ્રનાં શબ્દોમાં નયે દૌર કે નયે ખ્વાબ હૈ, નયે મૌસમો કે ગુલાબ હૈ; યે મહોબતો કે ચિરાગ હૈ, ઇન્હે નફરતો કી હવા ન દે. અને શરીફ આવ્યા, મળ્યા. ભેટ્યા? ના, હજી વાર છે. ગળાકાપ માહોલમાં ગળે મળવાની વાત તો ક્યાંથી હોય? હા, હસીને હાથ જરૂર મેળવ્યા. ઘણાં કહે છે આ સહિયારી તસ્વીર ખેંચવાની વિધિ માત્ર હતી. એમાં ઝાઝુ જોવું નહીં. સોગંદવિધિમાં જીવવા મરવાનાં કે મરવા મારવાનાં સોગંદ તે વળી હોતા હશે? પણ અમને જિગોંઇઝમ શબ્દ ગમ્યો. પાકિસ્તાની અખબાર ‘ધ નેશન’માં રીટાયર્ડ જનરલ મિર્ઝા અસ્લમ બેગે ૨૫ મેનાં રોજ લખ્યું કે મોદીની સરકાર ચલાવવાની નીતિ જિંગોઇઝમ પ્રેરિત ન
હોવી જોઇએ. જનરલ બેગ પાકિસ્તાનમાં લોકશાહીની સ્થાપના કરવાનાં પુરસ્કર્તા ગણાય છે. સરમુખત્યાર લશ્કરી શાસક જન.

ઝિયાનાં વિમાન અક્સ્માતમાં મૃત્યુ બાદ પાકિસ્તાનનાં બંધારણને બહાલ એમણે કર્યું હતુ. બાકી પાકિસ્તાન લશ્કરનાં હાકેમ અને સત્તાનાં હાડકાં માટે પૂછ ન પટપટાવે; એ જ નવાઇ કહેવાય. હશે, પણ જિંગોઇઝમ છે શું?

વિકિપિડિયા અનુસાર જિંગોઇઝમ દેશદાઝ, રાષ્ટ્રભક્તિનું જહાલ રૂપ છે. એનસાઇક્લોપિડિયા બ્રિટાનિકા અનુસાર જિંગોઇઝમ યુદ્ધારુઢ રાષ્ટ્રવાદ છે. આંધળી, ઝનૂની અને દાદાગીરીથી ભરેલી દેશભક્તિ છે જ્યાં ઇંટનો જવાબ એકે-47થી આપવાનું બહાલ છે.

અહીં કાંકરીચાળો થાય તો જવાબમાં તોપગોળાનાં વિસ્ફોટની છૂટ છે. કોઇ કસાબ મુંબઇ આવીને ધાણીફૂટ ગોળીબાર કરીને નિર્દોષ ભારતીયોને વીંધી નાંખે અને આપણે જવાબ પણ ના દઇએ? જિંગોઇઝમ માને છે કે દેશનાં હિતમાં ચર્ચાનો અર્થ નથી. વળતો હુમલો કરવો જ જોઇએ. શાંતિવાર્તા બકવાસ છે. સાપનાં મોંમાંથી અમૃત નીકળે? મીડિયા કે સોશિયલ મીડિયા જિંગોઇઝમને ફેલાવે છે. દૂધ માંગો તો ખીર દેંગે, પર કાશ્મીર માંગોગે તો ચીર દેંગે વગેરે વગેરે. અરે ભાઇ, ફેસબૂકિયા કે ટ્વિટરિયાને ક્યાં સરહદ પર લડવાનું છે?

04

જિંગોઇઝમ શબ્દ ૧૮૭0નાં દશકામાં રશિયા સામે બ્રિટનની લડાયક માનસિકતાનાં સદંર્ભે ચર્ચાયો. આમ તો યુદ્ધ રશિયા અને તૂર્કી વચ્ચે હતું. જેમાં બ્રિટનની ભૂમિકા તટસ્થ હતી. પણ એને ચિંતા હતી કે તૂર્કીનું કોન્સ્ટંટિનોપલ જો રશિયાનાં કબજામાં જશે તો એનો ભારત આવવાનો રસ્તો બંધ થઇ જશે. તેવે ટાણે બ્રિટનનાં મ્યુઝિક હોલ અને દારૂનાં પીઠામાં જી. ડબલ્યૂ. હંટે લખેલા અને જી. એચ. મેકડર્મોટે ગાયેલા ગીતનાં કોરસનાં શબ્દો હતા: અમે લડાઇ ઇચ્છતા નથી પણ બાય જિંગો, જો અમારે કરવી પડે તો.. અમારી પાસે (યુદ્ધ)જહાજ છે, માણસો(સૈન્ય) છે, નાણાં ય છે. અમે (રશિયન્સ) રીંછ સાથે અગાઉ પણ લડી ચુક્યા છીએ, અમે સાચા બ્રિટન્સ છીએ,રશિયન્સને કોન્સ્ટંટિનોપલ નહીં લેવા દઇએ. ‘બાય જિંગો’ શબ્દ એ ‘બાય જિસસ’ (ભગવાન સોગંદ) શબ્દોનું અપભ્રંશ છે. પછી તો તત્કાલીન વડાપ્રધાન બેંજામીન ડિઝરાઇલીએ કોન્સ્ટંટિનોપલની રક્ષા માટે યુદ્ધજહાજ મોકલ્યા. પણ દરમ્યાન રશિયા અને તૂર્કી વચ્ચે સંધિ થઇ ગઇ. તે સમયે પ્રખર બ્રિટિશ સુધારાવાદી જ્યોર્જ હોલીયોકે બ્રિટિશ અખબાર ડેઇલી ન્યૂઝને ૧૩ માર્ચ, ૧૮૭૮નાં રોજ લખેલા પત્રમાં રાજકીય સંદર્ભે રણે
ચઢવાનાં અભરખા માટે જિંગોઇઝમ શબ્દ પહેલી વાર પ્રસ્થાપિત કર્યો. બાય ધ વે, જ્યોર્જ હોલીયોક ભારતીય રાજકારણમાં બહુચર્ચિત એવા ‘સેક્યુલર’ શબ્દનાં પણ જન્મદાતા છે. આપણે પ્રખર વિચારક લેખક ગુણવંત શાહને વાંચતા હોઇએ એટલે સેક્યુલર શબ્દનાં અર્થોથી અને અનર્થોથી તો વિદિત હોઇએ જ. હેં ને? જિંગોઇઝમ-ને સેક્યુલરિઝમ સાથે કોઇ ટાંગામેળ છે કે કેમ?- એ શોધખોળનો વિષય છે. એ તો ગુણવંત શાહ સાહેબ જ કહી શકશે.

07

પણ એ જવા દઇએ. મેકડર્મોટનાં કોરસનો શબ્દ જિંગોઇઝમ પછી તો અમેરિકા પહોંચ્યો. જ્યારે 1893માં હવાઇ ટાપુનાં રજવાડાને ઉથલાવીને અમેરિકાએ પોતાનો હિસ્સો ઘોષિત કરી દીધો ત્યારે અમેરિકન પત્રકારોએ તે સમયનાં પ્રેસિડન્ટ હેરીસનને જિંગોઇઝમનાં પુરસ્કર્તા તરીકે નવાજ્યા. કેન્સાસ સીટી ટાઇમ્સે તંત્રીલેખ લખ્યો, જેનું શીર્ષક હતુ: ‘જિંગોઇઝમ પ્યોર એન્ડ સિમ્પલ.’ અમેરિકાનાં 26માં
પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ(કાર્યકાળ 1901-1909)ની વિદેશ નીતિ પર જિંગોઇઝમનું આળ મુકવામાં આવતું
હતું. રૂઝવેલ્ટે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું હતું કે ‘ આજકાલ જિંગોઇઝમ વિષે ઘણી ચર્ચાઓ ચાલે છે.
નિશ્ચયાત્મક કોઠાસુઝથી નક્કી કરેલી આપણી રાજનીતિ કે જેમાં વિદેશી સત્તાઓ અમેરિકી લોકોનાં
સ્વઅધિકારોને સન્માન આપે એવો ભારપૂર્વક આગ્રહ રાખવો જિંગોઇઝમ હોય તો ભલે અમે જિંગોઝ
છીએ.” ટૂંકમાં અમે તો દાદાગીરી કરીશું જ. તમે શું તોડી લેશો?

02

અમેરિકાનો ઇતિહાસ જિંગોઇઝમથી ભરેલો છે. વિયેતનામ યુદ્ધ હોય કે ઇરાક હુમલો, અમેરિકા
દેશભક્તિનાં નામે હુમલો કરવા ટેવાયેલો દેશ છે. અમેરિકામાં એને સ્પ્રેડ ઇગલિઝમ પણ કહે છે. અમેરિકન રાષ્ટ્રીય ચિહ્ન ગરુડ પાંખ ફેલાવે ત્યારે કેટલાયનો શિકાર કરે. ૧૯૯૦-૯૧નાં ખાડી યુદ્ધનાં વિજય બાદ પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યૂ. બુશનાં સિતારા બુલંદ હતા. પણ પછીની ચૂંટણીમાં એ ફરી ચૂંટાયા નહીં. કારણ એમનાં પ્રતિસ્પર્ધી જિમ્મી કાર્ટરનો બિલ ક્લિન્ટનનો નારો હતો: ઇટ્સ ઇકોનોમી, સ્ટુપિડ ! આખરે તો લોકોને મોંઘવારી ઘટે, જીવન સ્તર સુધરે એમાં રસ હોય છે,ધીંગાણામાં નહીં. નમો નરમ નથી. જરૂર પડ્યે જિંગોસ્ટિક થઇ શકે છે. પણ એનાં ચૂંટાવાનાં કારણમાં અચ્છેદિન અબ આનેવાલેહૈનારાનો ફાળો ઘણો મોટો છે. આશા રાખીએ કે નમોનો રાષ્ટ્રવાદ રોટીવાદથી પ્રેરિત હોય.

05

શબદ આરતી: ‘દેશભક્તિ એવો શબ્દ છે કે જેનો એક અર્થ થાય છે સાચો કે ખોટો પણ મારો દેશ. બીજો અર્થ થાય છે મારો દેશ હંમેશા સાચો. પહેલું અર્થઘટન શરમજનક છે, પણ બીજું અર્થઘટન તો સાવ મૂઢ, જડ અને કમઅક્કલ છે.’
–અંગ્રેજ લેખક પેટ્રિક ઓ’બ્રિયાન(1914-2000) પોતાની નવલકથા ‘માસ્ટર એન્ડ કમાન્ડર’ માં

 

 

0The American War-Dog, a 1916 political cartoon

by Oscar Cesare, with the dog named ‘Jingo’

9 ટિપ્પણીઓ

Filed under ગીત, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

9 responses to “આ મૃગેશભાઇ આપણી વચ્ચે નથી+જિંગોઇઝમ: યુદ્ધખોર રાષ્ટ્રવાદ / પરેશ વ્યાસ

 1. જિંગોઇઝમ: યુદ્ધખોર રાષ્ટ્રવાદ શબ્દ વિષે નવું જાણ્યું .

  અમેરિકાના આ પહેલાના બુશ ઓબામાની સરખામણીમાં જિંગોઇઝમના શિકાર હતા

  અને એમની એ નીતિથી અમેરિકાની આર્થિક પડતી થઇ !

  યુગયુગથી લૂંટાય ત્હોય

  સદા શણગારવંતી શોભતી :

  વાહ , કવિ નાન્હાલાલ !

  ભારત ઉપર વિદેશી સત્તાઓઓએ ઘણી વાર ચઢાઈ કરીને પગદંડો જમાવીને સૈકાઓ સુધી

  રાજ્ય કર્યું છે . ભારતે હજુ કોઈ દેશ ઉપર હુમલો કરી પ્રદેશ પચાવવાની

  દાનત રાખી નથી .ભારત એ એક સહિષ્ણુતમાં માનતો દેશ છે .

  અને એટલે જ ભારત માતા “સદા શણગારવંતી શોભતી “

 2. જીન્ગોરીઝમ બાબત ઘણું જાણવા મળ્યું .આપણો ભારત દેશ આદિ કાળથી યુદ્ધ ખોર માનસ ધરાવતો નથી .પણ સત્ય અને નીતિ ખાતર યુધ્ધો ખેલ્યા છે . ખરાં .

 3. Parting salute to Mrugesh. I came to know @ blogs from Read Gujarati only.
  May his soul find eternal peace.

 4. pragnaju

  pkdavda@gmail.com
  શ્રી મૃગેશ શાહ ના અકાળ અવસાનથી ગુજરાતી બ્લોગ જગતને પૂરી ન શકાય એવી ખોટ પડી છે. બ્લોગ એટલે શું એ સમજ્યા પછી મારા જીવનની પહેલી બ્લોગ-પોસ્ટ શ્રી મૃગેશ શાહે મારા પરિચય સાથે “રીડ ગુજરાતી” માં મૂકેલી. માત્ર ૩૬ વર્ષના જીવનમાં ગુજરાતી ભાષા માટે એમણે જે કર્યું છે એમને દોહરાવવું કદાચ અશક્ય છે.
  પ્રભુ એમને ચિરશાંતિ બક્ષે.

  -પી. કે. દાવડા

 5. બહુ જ યુવાન વયે એક ભાષા પ્રેમી મૃગેશભાઈની વિદાય બહુ જ દુખદ છે .
  રીડ ગુજરાતી .કોમ બહુ જ લોક પ્રિય બ્લોગ એમના હાથે વૃદ્ધિ પામ્યો ત્યારે જ
  એમની ખોટ સાલે એવી છે .
  પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબી જનોને એમની ખોટ સહેવાની
  શક્તિ આપે.

 6. મૃગેશ નામે એક ફુલ

  જગતનું એક ફુલ, મૃગેશ નામે ખીલ્યું હતું

  હજુ તો કળીમાંથી એક ફુલ બન્યું હતું,

  કેમ આજે અચાનક કરમાય ગયું ?

  દુરથી મેં એ ફુલને નિહાળ્યું હતું,

  અનેકે નજીક આવી સ્પર્સયું હતું,

  કેમ આજે આવું થયું ?

  ડાળીએ રહી જે મહેક આપી હતી,

  તે કદી ભુલી શકાય એવી નથી,

  તો, શા કારણે આવું થયું ?

  એવી મહેકમાં “રીડગુજરાતી”બ્લોગ રહે,

  એવા બ્લોગમાં મૃગેશ શાહ રહે,

  ભલે જે થયું તેમાં મૃગેશ તો અમર છે !

  માનવરૂપી ફુલ જગમાં જે ખીલે,

  તે એક દિવસે કરમાય મરે,

  યાદ એની મહેકમાં જગમાં રહે !

  જગમાં કોણ કેટલો સમય રહે,

  મુલ્ય તો કર્મરૂપી મહેકનું રહે,

  એથી, મૃગેશ-મહેકનું મુલ્ય જગમાં રહે !

  ચંદ્ર આવી વિચારધારામાં રહી કહેઃ

  મૃગેશ તો મીઠી યાદોમાં જગમાં છે,

  એક આત્મારૂપે એ તો અમર છે !

  આવી અંજલી આજે મૃગેશને ધરી,

  અર્પી પિતા,પરિવારને “આશ્વાશન”કળી,

  સ્વીકારજો એને, ચંદ્રવિનંતી એવી રહી !

  ….ડો. ચંદ્રવદન

  તારીખ ઃ ૫મી જુન, ૨૦૧૪
  Sad to know of the untimely death of Mrugesh Shah.
  My Condolences to all in his Family
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 7. pragnaju

  અક્ષરનાદ II Aksharnaad.com
  ગઈકાલે મૃગેશભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, રીડગુજરાતી.કોમ પર મૃગેશભાઈના અવસાન વિશે પોસ્ટ કરી, ફેસબુક પર પણ એ જાણકારી મૂકી અને પછી શરૂ થઈ યાદોની સફર. મૃગેશભાઈની મુલાકાત તો ઘણે મોડેથી થઈ, પણ એ પહેલા ૨૦૦૬માં મારી બે ગઝલ તેમણે રીડગુજરાતી પર મૂકેલી, દરમ્યાનમાં ૨૦૦૭માં મેં ‘અધ્યારૂનું જગત’ બ્લોગ શરૂ કર્યો અને ત્યારબાદ મેં ૨૦૦૮માં રીડગુજરાતી પર પ્રતિભાવ આપ્યો તેના જવાબમાં તેમનો ઈ-મેલ આવ્યો હતો. તેમણે મને ફોન કરીને વાત કરવા અથવા મારો નંબર આપવા કહેલું, અને મેં તેમને જે પહેલો ફોન કર્યો હતો એ પોણો કલાક ચાલ્યો હતો. તે દિવસથી લઈને ગત મહીને છેલ્લે તેમની સાથે વાત થઈ, ત્યારે સવારે સાડા નવ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા કલાક વાત કરી હતી. એક ખૂબ જ અંતરંગ, લેખનમાં આંગળી પકડીને દોરનાર અને સુધારા સૂચવનાર મિત્ર અને સહ્રદય ભાઈની જેમ ચિંતા કરતા એક અંગત સ્નેહીને ગુમાવ્યાનો વસવસો આજે ભારે થઈ રહ્યો છે….Read more of this post Aksharnaad.com

 8. આદરણીય વડિલ બહેન શ્રીપ્રજ્ઞાજુબહેન

  નેટ જગતનો ઝગમગતો તારલો ખરી પડ્યો.

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s