unsung hero વી.પી. મેનન / શ્રી પી. કે. દાવડા

000a

કેટલાક લોકો માને છે કે અંગ્રેજો ભારતના બે ટુકડા કરીને ચાલ્યા ગયા. હકીકતમા અંગ્રેજો ભારતના અનેક ટુકડા કરી ગયેલા. ભારતના હિસ્સામા ૧૧ આખા પ્રાંત, ૩ વિભાજીત પ્રાંત અને ૫૬૫ રજવાડા આવેલા. પ્રાંતોમાં તો અંગેજોની એક હથ્થુ સત્તા હતી, પણ રજવાડાના રાજ્યોમા ઘણી બધી સત્તાઓ રાજાઓના હાથમા હતી. જતી વખતે તેમણે પ્રાંત તો ભારત સરકારને સોંપ્યા, પણ ૫૬૫ નાના મોટા રાજ્યોની સત્તા ત્યાંના રાજાઓના હાથમા સોંપી.

આ રજવાડાને ભારત સરકારની હકુમત નીચે લાવવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આ ખૂબ જ મુશ્કેલ કામમા મદદ કરવા જે સેનાપતિઓને સરદારે પસંદ કર્યા, તેમા મુખ્ય પ્રતિભા શ્રી વી.પી. મેનન હતા. અન્ય મદદનીસોમા શ્રી યુ.એન. ઢેબર, શ્રી કે. એમ. મુનશી, શ્રી જે. એન.ચોધરી અને શ્રી વી. શંકર હતા. તે સમયના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનની પણ મદદ સરદારને મળેલી.

વી.પી. મેનન અંગ્રેજોની હકુમત વખતે છેલ્લા ત્રણ વાઈસરોયસના સલાહકાર હતા. ત્રણે જણ તેમની સલાહને ખૂબ મહત્વ આપતા. મોટા ભાગની મહત્વની મીટીંગમા મેનન હાજર રહેતા, એટલે એમને અંગ્રેજોની ઘણી ગુપ્ત વાતોની પણ જાણ હતી.

દેશને બે ભાગમાં વહેંચવાની વિગતવાર યોજના મેનને તૈયાર કરી હતી. મેનન જાણતા હતા કે દેશના માત્ર બે ટુકડા જ નહિં પણ ૫૬૭ ટુકડા થશે, કારણ કે આઝાદી પહેલાના અંગેજોના રાજની વ્યવસ્થા ખૂબ જ અલગ પ્રકારની હતી. માત્ર પ્રાંતોમાં જ અંગ્રેજોની પૂરી સત્તા હતી. અન્ય પ્રદેશોમા નાના મોટા રાજાઓના હાથમા અનેક સત્તાઓ હતી. અનેક પ્રકારની સંધિઓ દ્વારા તેઓ અંગેજોની હકુમત સાથે જોડાયલા હતા.

૧૯૧૪ માં હોમ ડીપાર્ટમેન્ટમા એક મદદનીશ તરીકે જોડાયલા મેનન, પોતાની ઈમાનદારી અને કાર્યદક્ષતાથી ૧૯૩૬ માં ડેપ્યુટી રિફોર્મ કમીશ્નરના હોદા સુધી પહોંચ્યા. ૧૯૪૨ માં તેમની બઢતી રિફોર્મ કમીશ્નર તરીકે થઈ.

૧૯૪૭માં શિમલામાંં એક મહત્વની કોન્ફરંસમા મેનની ભૂમિકાથી ખૂશ થઈ લોર્ડ માઉન્ટબેટને એમને પોતાના મુખ્ય સલાહકાર તરીકે નિમ્યા. ૧૯૪૭ની ૫મી જુલાઈના રોજ મેનની નિમણુક સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે થઈ. સરકારી નોકરીશાહીમાં તે સમયે આ સર્વોચ્ચ હોદ્દો હતો.

આઝાદી બાદ મેનનની ઈચ્છા રીટાયર્ડ થવાની હતી, પણ સરદાર પટેલના આગ્રહને માન આપી એમણે આ નિર્ણય બદલ્યો. સરદાર પટેલનું મહત્વનું સ્ટેટમેન્ટ, જેમા સરદારે રજવાડાઓને સંઘીય ઢાંચામા જોડાવાની અપીલ કરી હતી, એ સ્ટેટમેન્ટ મેનને તૈયાર કર્યું હતું.

રજવાડાના રાજ્યોના ભારતમા વિલયની પ્રક્રિયાના સુત્રધાર સરદાર પટેલ હતા, પણ એ પ્રક્રિયાની આંટીઘુંટીઓ ઉકેલવાનું કામ વી. પી. મેનન અને લોર્ડ માઉંટબેટનને સોંપવામા આવેલું. ૨૫ જુલાઈ ૧૯૪૭ ના રાજાઓની એક સભાને લોર્ડ માઉંન્ટબેટને સંબોધી અને આ પ્રક્રિયાની શરૂઆત કરી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમાં મોટાભાગના રાજાઓએ મેનને તૈયાર કરેલા કરાર પર સહી કરી. જે રાજાઓ આનાકાની કરતા એમને મેનન શામ, દામ, દંડ અને ભેદની નિતી અપનાવીને ઠેકાણે લાવતા. દરેકે દરેક કિસ્સામા તેઓ સરદારની મંજૂરી લેતા. અઘરા નિર્ણયો પણ સરદાર ત્વરાથી લેતા. જ્યાં થોડી છૂટછાટ આપવાની જરૂર હોય ત્યાં પંડિત નહેરૂને વિશ્વાસમા લેતા. નહેરૂ નહીં માને એવું લાગે ત્યાં નહેરૂને સમજાવવા લોર્ડ માઉન્ટબેટનને મોકલતા. ક્યારેક સીધા ગાંધીજી પાસે જઈ એમની મંજૂરી લઈ લેતા.

ભોપાલના નવાબ અને ઈંદોરના મહારાજા ને સમજાવવામા મેનન ને ઘણી મહેનત કરવી પડી હતી. ભોપાલના નવાબે કહ્યું કે એ ગાદી છોડી દેશે અને એની દિકરીને ગાદી સોંપશે, પણ પોતે તો વિલયની સંધી પર સહી નહીં જ કરે. આખરે મેનન અને સરદાર પાસે એમને ઝૂકવું પડ્યું. ઇંદોરના મહારાજાએ તો મેનનને સાફ શબ્દોમા સહી કરવાની ના પાડી દીધી, પણ પછી જ્યારે તેમને પરિસ્થિતિ સમજાઈ ત્યારે સંધી ઉપર સહી કરી, ટપાલ દ્વારા મેનનને મોકલી આપી.

જોધપુરના મહારાજાએ તો મેનનને કહ્યું કે એ જો દબાણ કરશે તો પોતે પાકિસ્તાનમા જોડાઈ જશે. એકવાર તો ગુસ્સામા આવી જઈ તેમણે મેનન સામે પોતાની પિસ્તોલ તાકી. પણ આખરે માઉન્ટબેટન અને મેનનની સમજાવટથી એમણે સહી કરી.

આમ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમા ૫૬૫ માંથી ૫૬૨ રજવાડાઓનો ભારતમાં વિલય થઈ ગયો. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ જ બાકી રહ્યા. મેનને હવે પોતાનું ધ્યાન આ ત્રણ રાજ્યો પ્રત્યે કેન્દ્રીત કર્યું. જૂનાગઢ દરિયા કિનારે હતું એટલે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે જોડાઈ શકે, જો કે ચારે બાજુથી એ ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું. જૂનાગઢના નવાબ મુસલમાન હતા, પણ ૮૫ ટકા પ્રજા હિન્દુ હતી. એક મુસ્લિમ પ્રધાનની ખોટી સલાહ અને પાકિસ્તાને આપેલા ખોટા વચનોથી દોરાઈ જઈ નવાબે પાકિસ્તાનમા જોડાવાની મંજૂરી ઝીણાને મોકલી આપી. ભારત સરકારે જવાબમા જૂનાગઢને ભારતીય સેનાથી ઘેરી લીધું. નાકાબંધીથી જૂનાગઢમાં ચીજ વસ્તુઓની અછત વર્તાવા લાગી. પાકિસ્તાને કંઈપણ મદદ મોકલી નહીં. મેનન ભારત સરકારનો સંદેશ લઈ, નવાબને સમજાવવા જૂનાગઢ ગયા. જવાબ આપવા નવાબે થોડો સમય માંગ્યો, અને આ દરમ્યાન એ પોતાનું કુટુંબ અને સારી એવી સંપત્તિ લઈ પાકિસ્તાન નાસી ગયા.

જૂનાગઢમા અરાજકતા છવાઈ ગઈ. મુંબઈથી શામળદાસ ગાંધીની આગેવાનીમાં સરદારની મંજૂરીથી, આરઝી હકુમત નામે લોકોની સેના જૂનાગઢ સર કરવા ગઈ. પ્રજાના કોઈપણ વિરોધ વગર ત્યાં આરઝી હકુમતની સરકાર સ્થપાઈ ગઈ. મેનની સલાહથી ત્યાં ફેબ્રુઆરી ૧૯૪૮ મા પ્રજામત લેવામા આવ્યો અને જૂનાગઢ ભારતમાં શામેલ થઈ ગયું.

હૈદરાબાદનો કિસ્સો જૂનાગઢ કરતાં વધારે પેચીદો હતો. એક તો એ એકકરોડ સાઈઠલાખની આબાદીવાળું, ઘણું મોટું રાજ્ય હતું અને એ આર્થિક રીતે સદ્ધર હતું. ત્યાં પણ સત્તા મુસ્લિમ નવાબની હતી જયારે ૮૫ ટકા પ્રજા હિન્દુ હતી. સરકારી હોદ્દામા અને લશ્કર અને પોલીસમાં મોટાભાગે મુસલમાનો હતા. નિઝામની ઝીણા સાથે સારી દોસ્તી હતી. નિઝામે એક સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવાની જીદ પકડી, અને મેનનને કહી દીધું કે ભારત જો દબાણ કરશે તો એ પાકિસ્તાનમા જોડાઈ જશે. ત્યાંના કોમવાદી મુસલમાનો, નિઝામની આડકતરી મદદથી હિન્દુઓ પર હુમલા કરવા લાગ્યા. સરદારને પરિસ્થિતિનો પૂરતો અંદાઝ હતો. એમણે મેનન ઉપરાંત પોતાના બીજા બે સેનાપતિઓને પણ કામે લગાડ્યા, લોર્ડ માઉંટબેટન અને કે. એમ. મુન્શી. જયારે એ બન્નેને પણ સફળતા ન મળી ત્યારે નહેરૂની ઇચ્છા વિરુદ્ધ જઈ સરદારે ૧૩મી સપ્ટેમ્બર ૧૯૪૮ ના ભારતીય સેના મોકલી હૈદરાબાદનો કબજો લીધો.

કાશ્મીરનો પ્રશ્ન સૌથી વધારે જટીલ અને ગૂંચવાડાભર્યો હતો. મુસ્લિમ બહુમતીવાળા આ રાજ્યમા રાજા હિંદુ હતા. ભારત અને પાકિસ્તાન બન્નેને એની સીમા લાગતી હતી. જે સિદ્ધાંતના આધારે દેશના ભાગલા પાડવામા આવ્યા હતા, એ સિદ્ધાંતતના આધારે જો કાશ્મીરના રાજા પાકિસ્તાનમા જોડાવાનું પસંદ કરે તો એમા કંઈ અજુગતું ન હતું. કમનસીબે કાશ્મીરના મહારાજા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહેવાના સપના સેવતા હતા. આ તકનો લાભ લઈ પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબર ૧૯૪૭મા કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો.

મેનન તરત શ્રીનગર પહોંચ્યા અને જોયું કે મહારાજા ખૂબ ડરી ગયેલા, અને કાશ્મીર છોડી નાસી જવાની પેરવીમા હતા. મેનને મહારાજાને સલાહ આપી કે તમે રાજકુટુંબ અને સંપત્તિ લઈ, થોડા વફાદાર સૈન્ય સાથે જમ્મુ ચાલ્યા જાવ. મેનને દિલ્હી જઈ ભારતીય સેના મોકલવાની સલાહ આપી. માઉન્ટબેટને કહ્યું કે મહારાજા પહેલા ભારતમા જોડાવાના કરાર પર સહી કરે તો જ આમ કરી શકાય. મેનન તરત પાછા જમ્મુ ગયા અને મહારાજાની સહી લઈ આવ્યા, ત્યાર પછીનો ઈતિહાસ તો આપણે બધા જાણીએ છીએ.

૨૬ જાન્યાઅરી ૧૯૫૦ ના ભારત પ્રજાસત્તાક થયું ત્યાં સુધીમાં બધા રજવાડા ભારતમા જોડાઈ ગયા, મેનન જેવા બાહોશ મદદનીશની મદદથી સરદારે આ કામમા મહાન સફળતા મેળવી.

લોર્ડ માઉન્ટબેટને મેનનની પ્રસંસા કરતાં કહ્યું, “માર્ચ ૧૯૪૭ મા જ્યારે હું ભારત આવ્યો ત્યારે મારા સારા નશીબે વી.પી. મેનન રીફોર્મ કમીશ્નર તરીકે મારા સ્ટાફમા હતા. હું પહેલા એમને કયારેય પણ મળ્યો ન હતો, પણ એમની દેશના પ્રશ્નો વિષેની સમજ અને સરદાર પટેલ સહિત દેશના અન્ય નેતાઓ સાથેના તેમના સંબંધ મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. હું કહી શકું કે એમની સતત એકધારી મદદ વગર ૧૯૪૭ ના ઓગસ્ટ મહિનામાં ભારતને સત્તા સોંપવી એ મારા માટે બહુ અઘરૂ કામ હતું. એમની મદદનો અંદાઝ લગાડવાનું મારા માટે શક્ય નથી.”

માઉન્ટબેટને એમને knighthood આપવાની ઈચ્છા જાહેર કરી પણ મેનને ભારત સરકારની નોકરી, સરદારના કહેવાથી સ્વીકારી હોવાથી આ સન્માન લેવાની નમ્રતાપૂર્વક ના પાડી. માઉન્ટબેટને તો પણ એમને એક પ્રશંસા પત્ર આપ્યો.

૧૯૫૦ માં સરદાર પટેલના અવસાન બાદ મેનનનુ મહત્વ ઘટવા લાગ્યું કારણ કે એ સરદારની નજીક હોવાથી નહેરૂ એમને પોતાનાથી દૂર રાખતા. ૧૯૫૧માં એમને ઓરીસ્સાના ગવર્નર બનાવ્યા. ૧૯૫૨માં એમને ફાઈનાન્સ કમિશનના સભ્ય બનાવવામા આવ્યા અને ધીરે ધીરે એમને ભૂલાવી દેવામા આવ્યા. રીટાયર થયા બાદ તેઓ બેંગલોરમા સામાન્ય માણસની જેમ રહ્યા અને ૧૯૬૫માં મૄત્યુ પામ્યા.

આપણા દેશના એ એક unsung hero હતા.

000b

મા. શ્રી- પી. કે. દાવડાજી ઇ મૅઈલથી રોજ લેખ,કાવ્ય કે રમુજ મોકલે તેમાંથી આજે આ લેખ

 

Leave a comment

Filed under ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s