ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

indan begar

ભિખારણ ગીત મઝાનું ગાય,
આંખે ઝળઝળીયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભુ મને મંગાવી આપજે, સોના રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા.’

એના કરમાંહે છે માત્ર,
ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય
ઊંડી આંખોમાં દેખાય.

એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘મારા પરભુ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી ઓઢીને મારે ના’વા જવું છે ગંગા-જમનાને તીર.’

એના કમખે સો સો લીરા,
માથે ઊડતા ઓઢણ-ચીરા,
એની લળતી ઢળતી કાય;
કેમે ઢાંકી ના ઢંકાય.

ગાતી ઉંચે ઉંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘શરદ પૂનમનો ચાંદો પરભુ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ.’

એના શિર પર અવળી આડી,
જાણે ઊગી જંગલ-ઝાડી
વાયુ ફાગણનો વિંઝાય;
માથું ધૂળ વડે ઢંકાય.

એના વાળે વાળે જુઓ બન્ને હાથે ખણતી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

‘સોળે શણગાર સજી આવું પરભુ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે.’

એનો ભક્તિ-ભીનો સાદ,
દેતો મીરાં કેરી યાદ,
એની શ્રદ્ધા, એનું ગીત,
એનો પરભુ, એની પ્રીત.

એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

– ‘ગની’ દહીંવાલા

 

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

 1. અમારી પોળમાં રોજ એક કુટુમ્બ ભીખ માગવા આવતું’તું. પતિ અંધ પણ સરસ ગાયક. એ ભક્તિગીતોનાં પદો ગાતો જાય અને આખો મહોલ્લો મ્હોરી ઊઠે.
  ———
  આપણી આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ પણ લગભગ એ ભીખારણના ગીત જેવી જ હોય છે. કાશ …. બધી અપેક્ષાઓ આથમી જાય તો જ સોનાનો સૂરજ ઊગે.

 2. sharad shah

  આ ભિખારણ આપણી ભીતર બેઠેલી છે, જો દેખાય તો. ભીતર ખજાનો પડ્યો છે અને ખજાનાની ઉપર આસન જમાવી આપણે કોડી કોડીની ભીખ માંગી રહ્યા છીએ.

 3. chandravadan

  એનો ભક્તિ-ભીનો સાદ,
  દેતો મીરાં કેરી યાદ,
  એની શ્રદ્ધા, એનું ગીત,
  એનો પરભુ, એની પ્રીત.

  એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
  આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

  – ‘ગની’ દહીંવાલા
  A TRUE DEVOTEE of GOD is like a BEGGAR.
  He believes that he.she has NOTHING….& try to reach the GOD begging for the MERCY.
  Nice one by Gani Saheb.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 4. તીવ્ર, પ્રતીકાત્મક ગીત.

 5. Ramesh Patel

  ફળિયે ફળિયે ઘૂમતી આ દર્દભરી કથાઓ માટે જ કદા જ દાનનો મહિમા હૈયે જડાઈ ગયો હશે. પ્રભાતિયા ગાતા, અગિયારસે કરતાલ સાથે ભજન ગાતા , એક તારો વગાડતા…એક સંસ્કાર ધનના ખેપિયાઓ જ હશે. શ્રી ગનિવાલા જેવાં હૈયાં જ એ વાંચી શકે…મીઠૉ સંદેશ ઝીલ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. ભારતમાં આવાં ભીખાધીન વૃદ્ધ ભીખારીઓ એ તો રોજનું દ્રશ્ય .

  દિલને સ્પર્શે એવી ગની ભાઈની આ રચના . એમાં દર્દ છે અને કરુણા પણ.

  ભીખ એ ગરીબાઈની આડ પેદાશ છે . ભીખ એક ધંધો પણ બની ગઈ છે .

  સહેલાઈથી જો પૈસા મળતા હોય તો કામ કરવાની ઈચ્છા ઓછી થાય .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s