પ્રયત્નો કરે છે… – ગની દહીંવાલા

 gani

જખમના અધર પર દીઠું સ્મિત ઓછું મહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે
હ્રદયમાં હવે દર્દ પણ દુઃખ વિસારી વધુ જીવવાના પ્રયત્નો કરે છે.

ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે એ.

થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે,
ન જાણે હ્રદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે!

જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે, કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે.

છે એવું વહન ઊર્મિઓનું હ્રદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હ્રદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે!

જૂઠી આશના ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે!

દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’ કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.

– ગની દહીંવાલા

શ્રી ગની દહીંવાલાની ગઝલ વિશે કવિશ્રી નયન દેસાઈ કહે છે, ‘ગની’ ભાઈની ગઝલોમાં કાફિયા અને રદીફનું ચયન ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. ગઝલોમાં અપેક્ષિત એવી ભાવની પુષ્ટતા, કાફિયા અને રદીફનું શેરમાં બરાબર રીતે ઓગળી જવું અને વાતચીતની જીવંતતા દર્શાવવા સંબોધનની યોજના કરવી પણ ‘ગની’ ભાઈની વિશેષતા છે. ક્યાંય પણ છીછરા કે સસ્તા થયા વગર, વાહવાહીના તૂંકા રસ્તા લીધા વગર તેમણે લાંબા સમય સુધી વિદ્વાનો કે સામાન્ય જનતાના હ્રદયમાં અમિટ સ્થાન જમાવ્યું છે. પ્રસ્તુત ગઝલ તેમની આ વાતની ખાત્રી દરેક શેરમાં સુપેરે કરાવી જાય છે.

‘ગની’ દહીંવાલાની પ્રસ્તુત ગઝલ તેમના જન્મશતાબ્દી વર્ષ ૨૦૦૮ નિમિત્તે પ્રકાશિત ‘ગની’ ની મહેક સંગ્રહમાંથી લેવામાં આવી છે. ગુજરાતી સુગમ સંગીત ફાઊન્ડેશન દ્વારા પ્રકાશિત પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી બકુલેશ દેસાઈ છે.દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા’ (૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.
ગાતાં ઝરણાં (૧૯૫૩) : ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “પ્રયત્નો કરે છે… – ગની દહીંવાલા

 1. જૂઠી આશના ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
  તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે!

  દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
  ‘ગની’ કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.
  ——–
  સરસ ગઝલ. સભર જીવનનું નવનીત.

 2. જૂઠી આશના ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
  તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે!

  વાહ , આ ગઝલના દરેક શેરમાં ગઝલકાર ગની ભાઈની ખૂબી દેખાય છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s