મિચ્છામિ દુક્કડમ …/ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

  jain1jain2

 • ક્ષમા – ફિલ બોસ્મન્સ આજે સવંતસરી, એટલે મિચ્છામી દુક્કડમ કહીને સૌની માફી માંગવાનો, અને મિચ્છામી દુક્કડમ કહેનારને દિલથી માફ કરી દેવાનો દિવસ. તો આજે કોઇ ગીત, ગઝલ કે કવિતા ના બદલે, થોડા સરળ શબ્દોમાં એક-બે વિચારો.

  કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે

  પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
  હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે.
  આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો
  એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા.
  હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું
  અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે.
  આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે
  – સમજણ અને ક્ષમા.

  હું ઘણા માણસોને જાણું છું
  અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે
  અને બરાબર પામી ગયો છું કે
  કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું
  પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે
  અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે
  પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી.
  અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો
  હજી લગી મારાથી અજાણ્યો છે.
  આથી જીવનની રોજિંદી ઘટમાળમાં
  વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું
  ખૂબજ સ્વાભાવિક લાગે છે.
  જો માણસ એટલું સમજે કે
  બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
  અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
  સાથે રહેવું શક્ય બને.
  આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
  રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.

  ———

  કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે.
  રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર
  રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી.
  હા, હું એટલું જ સમજું છું કે
  કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય
  અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય.
  તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે.
  તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી.
  તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે.
  એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે.
  આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે.
  પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો;
  તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે
  અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી.
  જિંદગીએ તમને પછડાટ આપી છે.
  અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી
  ક્યારે મુક્ત થાઉં.
  પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે.
  ક્ષમા !
  ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે.
  ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ
  લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ
  નિર્માણ કરે છે.
  તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે.
  સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે.
  કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે. Courtesy  અનુવાદ : રમેશ પુરોહિત

  પર્વાધિરાજ પર્યુષણ પર્વ ૨૦૧૪, નિમિત્તે

  http://www.gstv.in/…/18024-પર્વાધિરાજ-પર્યુષણ-…

………………….

km

ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો; લાવ્યો કાંઇ તાકીદના પયગામ:
ઉપાડો ડેરો રે તંબુ આત્મા, વસુધાના વધાવો મુકામ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

ભલે રે આવ્યો રે હરિનો ખેપિયા, ભલે લાવ્યો તાકીદના પયગામ;
આવું જો ઊભાઊભ તારી સાથમાં: વસુધાનો વધાવું મુકામ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

નથી કંઇ કહેવું, નથી કંઇ કારવવું, નથી કોઇને સોંપવી સંભાળ:
ઉઘાડા જિંદગીના મારા ચોપડા; નથી એમાં ઉકેલતાં આળ ! ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો!

નથી કંઇ છાનું, નથી કંઇ છપનું, બધુંય જુગતે જાહેર:
આટોપું આ પળે મારી જાતરા; હાલું તારી હારે હરિને ઘેર ! ભલે રે આવ્યો રે હરિના ખેપિયા !

– કરસનદાસ માણેક

કરસનદાસ નરસિંહ માણેકવૈશમ્પાયન,(૨૮-૧૧-૧૯૦૧- ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર.

જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. વડોદરામાં અવસાન. વસવાટ મુંબઈમાં

૧૯૨૩માં કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૧થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું.

મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. ‘કરસનદાસ માણેક એ અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા. તેઓ “વૈશમ્પાયન”ના ઉપનામે પણ ઓળખાતા.

5 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, કાવ્ય, ઘટના, પ્રકીર્ણ, Uncategorized

5 responses to “મિચ્છામિ દુક્કડમ …/ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો !

 1. પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
  ——
  એક સમજ ફેર.તરફ ધ્યાન દોરું?

  ‘ મિચ્છામી દુક્કડમ ‘ કહીને ક્ષમા આપવાની નહીં , માંગવાની હોય છે. અને કદાચ એ વધારે મુશ્કેલ કામ છે. આપણો અહં કદી આપણી ભુલ સ્વીકારવા દેતો નથી હોતો.

  જૈન ‘સામાયિક’ ક્રિયામાં આલોચના/ પ્રતિક્રમણ/ પ્રત્યાખ્યાન કરવાનાં હોય છે; અને સતત અભ્યાસથી એ જીવનમાં ઉતરવા લાગે છે.

 2. sharad shah

  જાણ્યે અજાણ્યે,મન, વચન, કાયાથી કોઈને દુભવ્યા હોય અને તેની ક્ષમા માંગીયે ત્યારે જો અહંમ ઓગળે અને ફરી ક્યારેય કોઈને દુભવીશ નહિ તેવો સંકલ્પ લઇ હોશ પૂર્વક પછીનું જીવન વ્યતીત થાય તો કહેલા મિચ્છામી દુક્કડમ નો અર્થ છે. બાકીતો બધું મીકેનીકલ અને અર્થહીન। મને સંત મીખાઈલ નેઈમીનું એક વાક્ય વધારે ગમ્યું “માફી માંગીશ નહિ પણ માફ કરજે”.
  માફી શા માટે મંગાવી? જે કૃત્ય કરેલા છે તેનું ફળ સહર્ષ ભોગવી લેવું. એ સમજદારી છે.

  • pragnaju

   સંત મીખાઈલ નેઈમીનું એક વાક્ય વધારે ગમ્યું “માફી માંગીશ નહિ પણ માફ કરજે”.
   માફી શા માટે મંગાવી? જે કૃત્ય કરેલા છે તેનું ફળ સહર્ષ ભોગવી લેવું. એ સમજદારી છે
   આપના પ્રતિભાવથી નવી દ્રુષ્ટિ મળ્…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s