અગ્નિપરીક્ષા સમી અક્ષરયાત્રા : અમૃતા પ્રીતમ – લતા હીરાણી

  ap

અક્ષરોની અદબનાં બીજ જેમના હદયમાં બાળપણથી જ રોપાઈ ચૂક્યાં હતાં એવા એવાં પંજાબી કવયિત્રી, લેખિકા અમૃતા પ્રીતમની સાહિત્યયાત્રા અભિવ્યક્તિના શ્વાસ રુંધાઈ જાય એટલી હદે અવરોધો ખમી મંઝિલ સુધી પહોંચી શકી છે. એમની રચનાઓ સંબંધે, રચનાઓના જન્મ સંબંધે કેટલીયે વાર આફતોનાં ઘટાટોપ વાદળો ઘેરાતાં રહ્યાં, પણ અમૃતા ન ડગ્યાં. તેમની સંવેદનાઓ વધુ ને વધુ પ્રખર થતી ગઈ. અભિવ્યક્તિ વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. ડર્યા વગર, થાક્યા વગર, નાસીપાસ થયા વગર અને સમાજની પણ પરવા કર્યા વગર તેઓ સાહિત્ય સર્જન કરતાં જ ગયાં.

ઈ.સ. ૧૯૧૯ ની ૩૧ ઑગસ્ટે પંજાબના ગુજરાનવાલામાં જન્મેલાં અમૃતા કરતારસિંહ હિતકારીનાં પુત્રી. અતિ સંવેદનશીલ આ કવયિત્રીએ ૧૬ વર્ષની ઉંમરે તેમન પ્રથમ કવિતા રચી. એ છપાઈ અને તેમની અભિવ્યક્તિને આધાર મળી ગયો. પછી તેમની કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓનો અવિરત પ્રવાહ ચાલ્યો.

એ વખતના પંજાબી લેખકો – વિવેચકો અમૃતાની પ્રસિદ્ધિ જીરવી ન શક્યા. અમૃતાના લખાણો વિશે આકરી ટીકાઓનો વરસાદ થવા માંડ્યો. અમૃતા એ બધું વાંચી સમસમી જતાં. પંજાબી ભાષાના પ્રસિદ્ધ વિવેચક તેજાસિંહે એકવાર તેમને લખ્યું હતુંઃ “અજીજી અમૃતા! અખબારોની છીછરી વાતોને મનમાં ન લાવશો. આપ અનંતકાળ માટે છો. કદાચ સમયનો કોઈ એક ટુકડો આપની કાવ્યપ્રસિદ્ધિને પચાવી ન શકે તો પરવા ન કરશો…” એમના આ શબ્દો સમયાંતરે સત્ય સાબિત થયા. અમૃતાના ટિકાકારો ક્યાંક ખોવાઈ ગયા અને અમૃતા સાહિત્યક્ષેત્રે એક અણમોલ પ્રતિભા બની ઊપસી આવ્યાં. માત્ર પંજાબમાં જ નહીં, દેશવ્યાપી અને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ તેમણે મેળવી.

ઈ.સ. ૧૯૩૭-૩૮ માં ‘નવીન દુનિયા’ સામયિક અમૃતાએ શરૂ કર્યું. ઈ.સ. ૧૯૩૮ થી ૧૯૪૭ સુધી તેમણે આકાશવાણીમાં કામ કર્યું. ઈ.સ. ૧૯૬૬થી તેમણે ‘નાગમણિ’ માસિકનું સંપાદન સંભાળ્યું.

ઈ.સ. ૧૯૪૭ સુધીમાં ૧૦ કવિતા સંગ્રહો આપી તેમણે એક ઉત્તમ કવયિત્રી તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું. તેમની કવિતાઓ મહદઅંશે પ્રણાલીગત, વસ્તુલક્ષી, કલ્પનાપ્રધાન અને સંવેદનશીલ હતી. તેમાં ક્યાંક ક્યાંક નારીની લાગણીઓની મુક્ત અને નિખાલસ અભિવ્યક્તિ તથા વિદ્રોહના સૂરો પણ જોવા મળે છે. ઈ.સ. ૧૯૫૬માં તેમના ‘સુનહરે’ કાવ્યસંગ્રહ માટે તેમને સુપ્રસિદ્ધ ભારતીય સાહિત્ય અકાદમી એવૉર્ડ મળ્યો આ એવૉર્ડ મેળવનાર તેઓ પ્રથમ કવયિત્રી હતાં. એ પછી બીજાં આઠ આમ કુલ ૧૮ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા. અમૃતા જન્મજાત કવયિત્રી છે. કવિતા તેમના અસ્તિત્વનું બીજું રૂપ છે. તેમનુ ગદ્ય પણ કાવ્યમય રહ્યું છે. તેમના ૩ કાવ્યાંગ્રહોના અંગ્રેજીમાં અનુવાદ થયા, એક કાવ્યસંગ્રહનો રશિયન ભાષામાં અને એકનો આલ્બેનિયમ ભાષામાં અનુવાદ થયો છે. દેશના ભાગલા વખતે સ્ત્રીઓ પ્રત્યે થયેલા અત્યાચારની વેદનાને વાચા આપતી, સંવેદનાથી છલોછલ પ્રખ્યાત કૃતિ ‘વારિસ શાહને પ્રાર્થના’ માં તેમની ઊર્મીઓ આક્રોશ સુધી વિસ્તરી છે.

અનેક ગ્રંથોના તેમણે અનુવાદ પણ કર્યા છે. જે દેશની તેઓ મુલાકાત લેતા તે દેશના સાહિત્યમાંથી ઓછામાં ઓછી દસ શ્રેષ્ઠ કવિતાઓ અને વાર્તાઓનો અનુવાદ તેઓ અવશ્ય કરતાં. આનાથી તેમણે એ દેશના સાહિત્યનો અને સાહિત્યકારનો ખૂબ સારો પરિચય થઈ જતો.

ઈ.સ. ૧૯૬૬માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજ્યાં. ઈ.સ. ૧૯૮૧માં તેમની કૃતિ ‘કાગઝ તે કેનવાસ’ માટે તેમને ‘ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડ’ પ્રાપ્ત થયો. તેમને માટે ગદ્ય-પદ્યનાં તમામ સ્વરૂપો સિદ્ધ હતાં. ૧૮ કાવ્યસંગ્રહો, ૨૮ નવલકથાઓ, ૧૨ ટૂંકી વાર્તાના સંગ્રહો તેમજ સંકલનો, ૩ પ્રવાસ ગ્રંથો, ૨ આત્મકથનાત્મક ગ્રંથો, આત્મકથા ‘રસીદી ટિકટ’ તથા સંસ્કૃતિ અને સાહિત્યવિષયક અનેક કૃતિઓ એમણે આપી છે. હિંદી ફિલ્મ ‘કાદંબરી’ તેમની નવલકથા પર આધારિત છે.

સાહિત્યક્ષેત્રે પોતાનું સર્વસ્વ રેડી દેનાર આ મહાન કવયિત્રીને ઈ.સ. ૨૦૦૪ માં ભારત સરકારે ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યાં અને આ જ વર્ષમાં સાહિત્ય અકાદમીએ એમને ફેલોશીપ આપી સન્માન્યા. ૮૬ વર્ષની વયે, ૨૦૦૫ ની ૩૧ ઑકટોબરના રોજ સમયને પણ અતિક્રમી જનાર કવયિત્રી અમૃતા પ્રીતમે પોતાનો નશ્વર દેહ ત્યજી શબ્દ દેહે અમરત્વ પ્રાપ્ત કર્યું.

– લતા હીરાણી

બિલિપત્ર

સારમાં સાર અવતાર અબળા તણો
જે બળે બળિભદ્રર વીર રીઝે.
– નરસિંહ મહેતા

……………………………………….

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે –‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

Courtesy લયસ્તરો

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “અગ્નિપરીક્ષા સમી અક્ષરયાત્રા : અમૃતા પ્રીતમ – લતા હીરાણી

  1. sharad shah

    અમ્ર્તા પ્રીતમ રીયલ લાઈફ મરદાની હતાં. અનેક લેખકો, કવિઓ, સાહિત્યકારો અને નામી લોકો ઓશોના પ્રશંશક હતા. પરંતુ ભાગ્યેજ કોઈ જાહેરમાં સમર્થન કરવા તૈયાર થતા. એ સમયે અમ્રતા પ્રીતમજી પબ્લિક પ્લેટફોર્મ પરથી ઓશોને સમર્થન આપ્યું અને તેમની બહુ ચર્ચિત કિતાબની પ્રસ્તાવના લખી હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s