મૃત્યુ પહેલા માણવા જેવી ૩૧ જગ્યાઓ+… ન સમજાયું કે જીવનસાથીની નાડ ક્યાં છે ?

બ્ર

From: Surekha Rama <smrama3@gmail.com>
31 Places Everyone Should See Before They Die

જીવનસાથી માટે અમારા દાદાજી એ ગુરૂવારે થોડીક હળદર અથવા સરસિયું મિક્ષ કરેલા પાણીથી સ્નાન કર્યા બાદ  પીળા કપડા પહેરી નવગ્રહ  મંદિરમાં ચંદન નું તિલક કરાવી ऊँ बृं बृहस्पतये नम:’  મંત્રનું  સ્મણ કરતાં  પીળા ફુલ, પીળા કપડાં, પીળી ચણાની દાળ, ગોળ,  બેસનની મીઠાઈ  અર્પણ કરાવી હતી.

જરાક આપણા જુવાનીના માનસ પર નજર કરીએ. સહ`ર્ચારણીની પસંદગી વખતે મુખ્યત્વે તો એનો દેખાવ જ આપણે જોતા. યુવતિ યુવકની ઉંચાઈ, વાત કરવાની રીત, વર્તણુંક પર ધ્યાન આપતી. અરસપરસનો સ્વભાવ એ તો નીવડે વખાણ. બાહ્ય દેખાવથી વ્યક્તિનું માનસ જાણી નથી શકાતું. પુસ્તકનું લખાણ ભલે દમ વગરનું હોય પણ મુખપૃષ્ઠ આકર્ષક હોય તો પુસ્તક ખપે ! લખાણ વાંચ્યા પછી પસ્તાવો પણ થાય કે મુખપૃષ્ઠ જોઈને નકામો આકર્ષાયો. પુસ્તક ન ગમે તો કોઈને ભેટ અપાય કે કાઢી નખાય પણ લગ્ન કરેલી લાવેલી પત્ની કે પતિના દમ વગરનો સ્વભાવ વેઠે જ છૂટકો !

પારકાની પત્ની સાથે સહજમાં સરખામણી થઈ જાય. (જે વાત હું પત્ની માટે લખી રહ્યો છું, તે પતિ માટે પણ એટલી જ લાગુ પડે છે.) પત્નીને ટકોર પણ કરે : ‘પેલીની રસોઈ જો, હેરસ્ટાઈલ કરે છે એવી કર, સાડીની પસંદગી શીખ, પહેરવાની જુદી જુદી રીત જો, કેવું મીઠું હસે છે, દરેક વાતમાં રસ છે ને જ્ઞાન છે, બધા સાથે કેવી હળીમળી શકે છે.’ રેસ્ટોરન્ટમાં જઈ મેનુ કાર્ડ પર નજર ફેરવી પસંદ કરેલી વાનગી ટેબલ પર આવે, એને ચાખો ત્યારે મોઢુ બગડે. બાજુના ટેબલવાળાઓએ શું શું મંગાવ્યું છે એના પર નજર ફરે ને મનોમન થાય કે એવું મંગાવ્યું હોત તો સારું થાત. રેસ્ટોરન્ટમાં બીજી વાનગીઓ ઓર્ડર આપી શકાય પણ પરિણીત જીવનમાં કેટલે અંશે શક્ય છે ?

કોઈકવાર વળી મિત્રોને કે સંબંધીઓને કહેતા સાંભળ્યા છે : ‘કાગડો દહીંથરું લઈ ગયો.’ હું કહું છું કે તો પછી મને શાબાશી આપો કારણ કે મારી પસંદગી એના કરતા ચઢિયાતી નીકળી. દહીંથરાની વાત સુધી ઠીક છે પરંતુ ગઈ પેઢીનો પુરુષ હોય કે આજના જુવાનિયાઓ, પત્ની ભણેલી જોઈએ છે (ચાર ચોપડી ભણેલી નહિ – મુખ્યત્વે આ માનસ શહેરી યુવાનોનું છે.), બહુ દેખાવડી ન હોય તો ઓ.કે. પણ દાધાબળી ન લાગવી જોઈએ. પસંદગી કરતી વખતે વિચાર મિત્રોને સગાં-સંબંધીઓનો આવે છે. એમને આ પસંદગી ગમશે ? ટીકા તો નહિ કરે ને ? રીસેપ્શનમાં સાથે ઊભા રહીશું તો ફોટામાં શોભીશું, આમંત્રિતો સ્ટેજ પરથી હાથ મિલાવી ઊતરીને કુથલી તો નહિ કરે ને ? યુવતિ ભણેલી લાવવી છે પણ પોતાના કરતા વધુ ભણેલી નહિ. વધુ દેખાવડી ગમે કારણ કે કહેવા થાય કે પુરુષમાં રૂપ નહિ, બુદ્ધિ જોવાની હોય છે પણ પરણેતર વધુ કમાતી થાય, બધે વધુ પોપ્યુલર થાય, પાર્ટી કે સમારંભમાં પુરુષની ગણત્રી ન થાય ને બધા પૂછ પૂછ કરે, ‘એ નથી આવી ? એકલા જ આવ્યા છો ?’ તો અહમ ઘવાય. જયા-અમિતાભનું પિક્ચર ‘અભિમાન’ યાદ છે ને ?

યશ હંમેશા પતિને લેવો છે, વાંક હંમેશા પત્નીનો જ હોય ! બહારગામ જવાની પતિની બેગ પણ પત્ની તૈયાર કરે અને કંઈ મૂકતા ભૂલી જાય તો આખી મુસાફરી દરમ્યાન સંભળાવે. જાતે બેગ ગોઠવવી નથી ને પત્નીનો વાંક કાઢવામાં પાછા પડવું નથી. પત્નીને ઘેર, પતિ, સંતાન, પિયરિયા, સાસરિયા, સગાં-વહાલાં ને વિવિધ રિવાજોમાં હાજરી આપવી પડતી હોય છે. નોકરી કરતી હોય કે ધંધાદારી હોય તો આ ઉપરાંત ઓફિસની જવાબદારીઓ. કેટલા પતિઓ પત્નીને ઘરકામમાં મદદ કરતા હોય છે ? આ ચાનો ખાલી કપ પણ નોકર ન હોય તો પત્ની ઊંચકે ને પાણીનો ગ્લાસ પણ બૂમ મારી મંગાવે.

આગલી પેઢીની મહિલાઓમાં સહનશીલતાનો ઉંબરો ઊંચો હતો. આજે તો પરણેલા યુવક-યુવતિઓ, તેમાં પણ જો યુવતિ પણ કામે જતી હોય ને કમાતી હોય તો વાસણો વારંવાર ખખડે, ‘તમે જેમ કામે જાવ છો ને કમાવ છો તેમ હું પણ જાઉં છું ને ઘરમાં પૈસા લાવું છું. બેઉ જણા સાથે મળીને ઘરનું કામ કરીએ.’ – ‘ઘરનું કામ’ એટલે નવોદિત શિશુની સંભાળ, અડધી રાત્રે રડે તો સાચવવાનું, કપડા પહેરાવવાના, બાથરૂમ લઈ જવાનું, શાળામાં મૂકવા-લઈ આવવા, મિત્રોની બર્થ-ડે પાર્ટીમાં, ઘરમાં બાળકોની પાર્ટીમાં, દરેકમાં ફીફટી ફીફટી. વાસણો તો આગલી પેઢીમાં પણ ખખડતા હતા પણ ‘ગોબા’ નો’તા પડતા. આજના પરણેલામાં ગોબા પડતા વાર નથી લાગતી.

ટહુકે ટહુકે ઓળખવું, સખી દે તાળી
ટહુકે ટહુકે માણીએ પ્રીત, સખી દે તાળી
ટહુકે ટહુકે થયા બાળકો,
આ તે કેવી તાળી,
અને હવે
ટહુકે ટહુકે થાય કેકારવ
ને ટહુકે ટહુકે થાય કલહ
અસહ્ય લાગે હવે તારો ટહુકો
ગોરી જરા ધીરેથી મહેકો
કલહ મટ્યો ને થયો રકાસ
દુનિયા આખી જુએ કંકાસ
શોર મટ્યો ને થઈ શાંતિ
કંકાસમાંથી થયા અબોલા
સખી ક્યાં ગઈ આપણી તાળી
હાથ છોડ્યા ને હવે છૂટાછેડા ?
તાળી ગઈ ને હવે હાથતાળી ?

માનસશાસ્ત્રીઓ દઢપણે માને છે કે પતિ-પત્નીએ જીવનમાં એકાદવાર અડછટ્ટે પણ ન ગમે તો છૂટા થઈ જઈએ એવું કહ્યું હશે જ. આગલી પેઢીના આટલું કહીને વાસણને સંભાળી લેતા. આજની પેઢી માત્ર બોલીને અટકતી નથી. છૂટાછેડા ધમકી નથી હોતી, વાસ્તવમાં થાય છે. ૩૬ ટકા યુગલોમાં છૂટાછેડા થયેલાની નોંધ છે ને તેમાંય મુખ્યત્વે લગ્નના ત્રણ વર્ષની અંદર. પહેલા છૂટાછેડા લીધેલી યુવતિનો હાથ ઝાલવા બીજો યુવક જલ્દી તૈયાર નહોતો થતો. આજે છૂટાછેડા એ કાળીટીલી નથી. નિ:સંતાન છૂટાછેડા થયેલાને અપનાવવા યુવક કે યુવતિ બેઉ તૈયાર હોય છે. પરણ્યા પછી સંતાન ન થાય તો ઝઘડો. મોટા ભાગે મહિલાની શારીરિક તપાસ પહેલા કરાવવામાં આવે. હકિકતમાં પહેલી તપાસ પુરુષની થવી જોઈએ પણ હજી આપણો સમાજ આ સ્વીકારવા તૈયાર નથી. અરે બિનશહેરી લોકો તો પુરુષની તપાસની વિરુદ્ધ હોય છે. સંતાન થાય તો હવે ઝઘડાના કારણો બદલાય :
‘જોયું તારો છોકરો, છે કોઈ જવાબદારી ?’ પિતા ઉવાચ.
‘તમારી છોકરીને શિખામણ આપો કે રાતના વહેલી ઘેર આવે…’ માતાનો સંતાપ.
પુત્ર માનો ને પુત્રી પિતાની. મહિલાનો પ્રેમ ત્રણ ‘પ’ વચ્ચે વહેંચાયેલો રહે છે. પિતા, પતિ અને પુત્ર. પુરુષની લાગણી માતા, પત્ની અને પુત્રીમાં પ્રસરેલી છે. વિજાતિય વાત ફક્ત પતિ-પત્ની પુરતી સિમિત નથી. આ વિજાતિય વાત સાહિત્યમાં પણ જોવા મળે છે. પુરુષો ગાય તે ‘ગરબી’ અને સ્ત્રીઓ ગાય તે ‘ગરબો.’ પુરુષ રાખે તે ‘ચોટલી’ ને સ્ત્રીઓ રાખે તે ‘ચોટલો’. કેવી અદ્દભુત વાત !

લગ્ન એક ભૂમિતિ છે. ચોરીમાં પહેલા બે ચોરસ ખુરશીઓ સામસામે મૂકવામાં આવે. વચ્ચે અગ્નિ પ્રજ્વળે. બે સમાંતર રેખાઓ (યુગલ) આ અગ્નિની સાક્ષીએ સાત વર્તુળ ફરે પછી બે ચોરસ ખુરશીઓ બાજુબાજુમાં ગોઠવાય ને એક લંબચોરસ બને ! આ લંબચોરસ રાત્રે પાછુ બદલાય. બે લંબચોરસ ખાટલા જોડાય ને ફરી એક ચોરસ થાય જેના પર આ બે સમાંતર રેખાઓ મળે. પણ કદાચ જિંદગીભર વર્તુળ જેવા એમના શિર કદીય ન મળે ! અગ્નિ હંમેશા પ્રજ્વળતો જ રહે. સપ્તપદીના છેલ્લા ફેરામાં કહેવાય છે, ‘ૐ સખે સપ્તપદા ભવં’ પણ જિંદગીભર બે વર્તુળો મળે નહિ ત્યારે સપ્તપદીમાં સાત જન્મ એકબીજાના થઈએ એના પર મનોમન ચોકડો મંડાય ને પ્રભુને પ્રાર્થના કરે કે આ સાતમો જન્મ હોય તો સારું જેથી આવતે જન્મે તો કોઈ બીજું મળે ! આ સાત જન્મના સથવારામાં બીજો પણ કાંટો છે. મનુષ્યના કર્મને આધારે એને બીજો જન્મ મળે છે એવું શાસ્ત્ર કહે છે. જો પતિના કુકર્મને આધારે એ કાગડો થાય તો પત્નીએ પુણ્ય કર્યું હોવા છતાં એણે કાગડી થવાનું ?

લગ્નના પંદર-વીસ વર્ષના વ્હાણા વીતે પછી ઉભય પક્ષે જાતિય આકર્ષણ સ્વાભાવિક રીતે જ ઘટે છે. હવે જ પત્ની સખી બની રહે, મિત્ર બની રહે તો પ્રેમમાં કદી ઓટ ન આવે. બહારગામ જતી વખતે લોકો મિત્રોનો સાથ શોધતા હોય છે. માત્ર પતિ-પત્ની હનીમુન સિવાય શું બીજા વગર ન જઈ શકે ? નથી જતા, કારણ કે અંદરખાને ડર લાગે છે કે આખો દિવસ એકબીજા સાથે અથડાયા કરીશું તો બહારગામમાં પણ વાસણો ખખડશે. બે જ જણા હશું તો વાત શું કરશું ? સમય કેમ જશે ? પત્નીની સાથે જ ગાઢ મિત્રતા કરી હોય તો બીજા કોઈની જરૂર જ ન પડે. ટુ ઈઝ એ કંપની… ખરા અર્થમાં પરિણમે. સ્વાભાવિક છે કે પતિ-પત્નીની પસંદગી એક સરખી ન હોય, એકને હીલ-સ્ટેશન ગમે તો બીજાને દરિયો કાંઠો. સાથે જન્મેલા જોડકા પણ સ્વભાવે એક સરખા હોતા નથી તો આ તો બે કુટુંબના રતનો. પાંચ આંગળીઓ પણ આપણી ક્યાં સરખી છે ? લગ્નજીવન એ બાંધ-છોડની રમત છે. આટલું સમજીએ તો દરેકનો બુઢાપો સુધરી જાય. કોમ્પ્રોમાઈઝ એ જ જીવનનો મહામંત્ર છે. શયનખંડમાં મોટા અક્ષરોએ આ મંત્ર ફ્રેમ કરી લગાડવો જોઈએ.

ભલે બેઠી હજારોવાર એનો હાથ ઝાલીને
હજી ન સમજાયું કે એની નાડ ક્યાં છે – મરીઝ

જીવનમાં જેને આપણે માટે લાગણી હોય એને જ હક્ક છે કે આપણને ટોકે, આપણી ખોડ બતાવે. પતિ-પત્ની એકબીજા માટે પૂરક છે. નાની નાની બાબતોમાં પણ જો એકબીજાને કહે તો છંછેડાઈ જાય : ‘તારા મોઢામાંથી વાસ આવે છે….’, ‘મોઢું ધોયા જેવું લાગતું નથી…’, ‘જમતી વખતે સબડકા લો છો તે સારું નથી લાગતું…’, ‘ખાંસી ખાતા કે બગાસુ લેતાં મોઢાં પર હાથ રાખતા હો તો….’ વિગેરે…. જો બહાર લેક્ચર આપતો હો તો એ કેવું ગયું તે ચમચાઓ વખાણ કરશે ને પ્રતિસ્પર્ધીઓ વખોડશે. પતિ કે પત્ની સિવાય સમતુલન અભિપ્રાય બહારના નહિ આપી શકે પણ જો એકબીજાને સાચા હૃદયથી મિત્ર માન્યા હોય તો, આમાં વિવાદ ન હોવો જોઈએ, દલીલ ન હોવી જોઈએ, માત્ર સ્વીકાર જ હોવો જોઈએ.

ઘણીવાર જોયું છે કે પતિ બોલતો હોય, કોઈ વાત ઉત્સાહપૂર્વક કહેતો હોય, ટુચકો સંભળાવતો હોય, બહારગામનું નિરૂપણ કરતો હોય તો પત્ની અધવચ્ચેથી જ ઝંપલાવી વાતને પૂરી કરે. આ પતિ કે પત્નીને હીણપ ઉપજે એવી વર્તણુક છે. જો પતિ હેન્ડપેક હોય તો એને વાંધો આવતો નથી પણ આ એક ખરાબ મેનર્સ છે. સમય જતા જોયું છે કે જે પતિ આ રીત ચલાવી લેતો હતો તે કંટાળે, ‘ના, તુ જ કહે ને.’ અથવા ‘હું કહી રહ્યો છું ને, વચ્ચે ડહાપણ કરવાની કંઈ જરૂર નથી.’ દર્દી તરીકે આવેલા પતિને પૂછું કે શું થાય છે તો પત્ની જ બોલબોલ કરતી હોય. પત્નીને બહાર મોકલી પતિને પૂછીએ તો કહે, ‘સાહેબ શું કહું ? મારી જીભ પણ એ જ વાપરે છે. મને તો લાગે છે કે જતે દિવસે હું મૂંગું પ્રાણી થઈ જઈશ.’

રસ્તે ચાલતા કુટુંબને નિહાળ્યું છે ? ઘણીવાર પતિ આગળ ચાલતો હોય ને પત્ની પાછળ ઢસડાતી હોય, સંતાનો વળી અલગ જ લાઈનમાં. રેસ્ટોરન્ટમાં જાય ને જો ઘણા ટેબલો પર જગ્યા હોય તો ઘરમાં પાટલુન કોણ પહેરે છે એની પ્રતીતિ થાય. ક્યાંતો જમાદાર પત્ની કોઈ ટેબલ પર ગોઠવાય ને પતિ એ ટેબલ પર બિરાજે અથવા સંઘર્ષ થાય – પતિ એક ટેબલ કહે તો પત્ની બીજું. ઘણીવાર ઓર્ડર આપ્યા પછી ટેબલ બદલે. આ પરિવારના ઉપરીનું કન્ફ્યુઝન બતાવે છે. જમતી વખતે ઓર્ડર આપવામાં પણ ભારી મતભેદ. સ્કુલમાં જતો બાળક કહે, ‘પપ્પા, વીન્સ્ટન ચર્ચીલ વિશ્વ યુદ્ધ વખતે કહેતા કે લડો, જમીન પર લડો ને ડુંગર પર લડો, પાણી પર લડો… પપ્પા, એને આપણા ફેમિલી વિશે કેવી રીતે ખબર ?’ – ડૉ. અજય કોઠારી                                                                                              સૌજન્ય રીડગુજરાતી

7 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ, Uncategorized

7 responses to “મૃત્યુ પહેલા માણવા જેવી ૩૧ જગ્યાઓ+… ન સમજાયું કે જીવનસાથીની નાડ ક્યાં છે ?

 1. Hemant Bhavsar

  Very nice blog ; contain practical issue of married couple from young age to an old age , the key of a successful marriage is comprise and respect to each partner . listening and personnel open communication play vital role on its success . Thank you .

 2. Sharad Shah

  મૃત્યુ પહેલા માણવા જેવી એક જ જગ્યા છે.” માનવીનું હૃદય” (હાર્ડવેર નહિ) જ્યાં પરમાત્મા નો વાસ છે.

  • pragnaju

   ધન્યવાદ આપનો પ્રતિભાવ નવી દ્રુષ્ટિ પ્રદાન કરે છે
   જરુર પધારતા રહેશો અને કોઇ વાત તર્ક વગરની કે
   ગુણાત્મક ન હોય તો જરુર ધ્યાન દોરશો.

   • Sharad Shah

    ક્યાં સુધી તર્કમાં જીવીશું? સત્ય તર્કાતીત છે. કુકા ભેગા કરવા ભલે જીવનભર તર્ક કર્યા, હવે 60-70 પછીતો તર્કને બાજુમાં રાખી હૃદય થી જીવતા શીખીએ. બાકી તમારી વિદ્વતાને સો સલામ.

 3. હ્રદયમાં પરમેશ્વર નો વાસ છે . એટલે જો કોઈને પણ ખરા હ્રદયથી ચાહીએ તો પરમેશ્વર સાથ જરૂર આપે .

  • Sharad Shah

   જ્યારે ખરા હૃદયથી ચાહીએ છીએ ત્યારે કોઈને નથી ચાહી શકાતું, પણ સૌ ને જ ચાહી શકાય છે. જ્યાં સુધી હ્રુદય ભેદ કરે છે ત્યાં સુધી તે ખરું નથી હોતું.

 4. દુનિયાના દરેક દેશમાં વિવિધ સ્થળોએ કેટ કેટલું જોવા જેવું કુરતે અને મનુષ્યોએ
  સર્જ્યું છે। એક જિંદગીમાં જોઈ જોઇને કેટલું જોઈ શકાય.બાકી આ 31 જગાઓ ઘણી સુંદર દેખાય છે.

  ‘પપ્પા, વીન્સ્ટન ચર્ચીલ વિશ્વ યુદ્ધ વખતે કહેતા કે લડો, જમીન પર લડો ને ડુંગર પર લડો, પાણી પર લડો… પપ્પા, એને આપણા ફેમિલી વિશે કેવી રીતે ખબર ?’

  નિર્દોષ બાળક ઘરમાં જે જુએ એ જ કહેને !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s