દન્યાવાદ, નામસ્તે ! – વલીભાઈ મુસા

વ્મ

ઈન્ટરનેશનલ જ્યોગ્રોફિક ન્યુઝ ચેનલની પત્રકાર ટીમ પહાડી વિસ્તારના અનોખા એવા એ ‘નગાવાસ’ ગામની મુલાકાત લઈ ચૂકી હતી. ત્યાંનું વિડિયો શુટીંગ પતાવ્યા પછી ત્યાંના સરપંચશ્રીના સૂચનથી એ ટીમ ત્યાંની સનસનાટીપૂર્ણ સમાચાર-વાર્તાના પૂરક વિડિયો-શુટીંગ માટે તેના રસાલા, ઉપકરણો અને દુભાષિયા સાથે મારી ખેતઝૂંપડી(Farm hut) ખાતે મારી પાસે આવી પહોંચી હતી. મારી એ ગામની ભૂતકાલીન મુલાકાત અને મારા અનુભવો વિષેનો મારો ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યો હતો. તેમના એક પ્રશ્નના જવાબમાં મેં એ ગામ વિષેની વિશિષ્ટ માહિતી મારા પોતાના અંદાઝમાં મારા આ શબ્દોમાં આપી હતી :

‘આપની ટીમે એ જોયું હશે કે પહાડની તળેટીમાં રમતા એ ગામ અને તેના ગામવાસીઓને આપણી કહેવાતી આધુનિક જીવનપદ્ધતિ કે સંસ્કૃતિ હજુ અભડાવી શકી ન હતી. આ ગામમાં એક જ વિશિષ્ટ જાતિનાં માનવીઓ રહેતાં હતાં અને તે જાતિનું નામ હજુ સરકારી ચોપડે ચઢ્યું ન હતું, એમ છતાંય કે એ જાતિ તો આદિમકાળથી અસ્તિત્વમાં હતી અને હાલમાં પણ છે જ! જી હા, એ હતી માનવજાતિ અને તેમનો ધર્મ પણ હતો માનવધર્મ! રૂપાળું વિશ્વ તેમનું ધર્મસ્થાન હતું અને શ્વાસની અહર્નિશ આવનજાવન સાથે એની મેળે જ નીરવ રવે થતો રહેતો ‘રે તુંહી’ નો જાપ એ તેમની બંદગી, ભક્તિ કે પ્રાર્થના (Prayer) હતો. તેઓ ઈશ્વરને સાચે જ પામી શક્યા હતા, કેમ કે તેઓ પ્રત્યેક ઘટમાં તેને રમતો જોઈ શકતા હતા. ગ્રામજનોનાં નામો પણ જુદા જુદા ધર્મીઓ જેવાં ન રહેતાં કુદરત અને કુદરતી દૃશ્યો સાથે સામ્ય ધરાવતાં એવાં રહેતાં હતાં કે જે થકી એ તમામ લોકોની ઓળખ માત્ર અને માત્ર માનવધર્મી તરીકેની જ જણાઈ આવે ! ‘નગાવાસ’નો અર્થ થાય છે, નગ (પર્વત) જેનો આવાસ (રહેઠાણ) છે તે અર્થાત્ ‘મોર’ અને ખરે જ તે શબ્દનો અર્થ ‘મોર’ થાય પણ છે. તમે લોકોએ કદાચ ઠેર ઠેર મોર જોયાં પણ હશે. નવાઈની વાત એ છે કે ત્યાં માણસો કરતાં મોરની સંખ્યા વધારે છે અને ગામલોકો તેમને પોતાના સમાજના એક હિસ્સા તરીકે સ્વીકારે છે. તેઓ તેમનું જતન કરે છે અને રક્ષણ પણ કરે છે. એવું સાંભળવા મળે છે કે મોરની ખૂબ જ વસ્તી ધરાવતું એવું જ એક ચિંચોલી (મોરાચી) નામે ગામ મહારાષ્ટ્રમાં પણ છે.’

’અંકલ, ધ ગ્રેટ! વચ્ચે આપને ખલેલ પહોંચે તો માફ કરશો, પરંતુ આપ આપનું નામ જણાવીને આપનું વક્તવ્ય આગળ સંભળાવશો તો અમારા દર્શકો આપના નામથી પરિચિત થયા પછી આપની વાતને સારી રીતે જાણી અને માણી શકશે.’ તરવરિયા જુવાન એવા ન્યુઝટીમના મેનેજર ફ્રેડરિકે મને અટકાવતાં કહ્યું.

‘બેશક, મારું હાલનું નામ ‘માનવ’ છે. ‘નગાવાસ’’ ની મારી મુલાકાત પછી ધારણ કરેલું અને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરેલું આ નામ છે! હું મારા જૂના નામને યાદ કરવા માગતો નથી. માની લો ને, કે તેને હું ભૂલી જ ગયો છું!

ફ્રેડરિકની વિચક્ષણ એવી સહપત્રકાર જુલિયા બોલી, ‘મિ. માનવ, આપ આટલું સરસ બોલી શકો છો, તો અમે જાણી શકીએ કે આપ શું ભણેલા છો?’

ગાંધીઅન વિચારધારાના પાયા ઉપર સ્થપાએલી ગુજરાત વિદ્યાપીઠનો સાહિત્ય અને ગ્રામ-અર્થશાસ્ત્ર વિષયો સાથેનો અનુસ્નાતક હોવા ઉપરાંત શૈક્ષણિક અનુસ્નાતકીય ઉપાધિ પણ ધરાવું છું. પરંતુ યુનિવર્સિટી છાપ શિક્ષણસંસ્થાઓમાં નોકરી ન મળતાં અને બુનિયાદી શિક્ષણસંસ્થાઓમાં પણ નોકરીઓની મર્યાદિત શક્યતાના કારણે અલ્પ સમય પૂરતો હું બેકારોની ફોજમાં જોડાઈ ગયો હતો! હાલમાં હું ઓર્ગેનિક પદ્ધતિએ ખેતી કરતો પ્રયોગશીલ ખેડૂત છું અને મારા ગામના અને આજુબાજુના ખેડૂતોને આ દિશામાં સેવાકીય માર્ગદર્શન આપું છું.’ મેં સ્મિતસહ કહ્યું.

‘આભાર, માનવ અંકલ. હવે આપ આપના કથનમાં આગળ વધી શકો છો.’ જુલિયા બોલી.

મેં મારા કથનને આગળ લંબાવતાં કહ્યું, ‘આપણે રહીએ છીએ એ જ આસમાન નીચે જીવતી અપવાદરૂપ એવી આ વિશિષ્ટ પ્રજાનો આગવો ઇતિહાસ છે. એ લોકોની જીવનપદ્ધતિ, તેમના રીતરિવાજો, તેમનું ચારિત્ર્ય, તેમના સંસ્કારો, તેમની સંસ્કૃતિ, તેમનું માનવીપણું, તેમનો પ્રકૃતિપ્રેમ, તેમનો પ્રાણીપ્રેમ, તેમનો પર્યાવરણ પ્રત્યેનો અભિગમ, તેમની શક્યત: આત્મનિર્ભરતા વગેરે જેવું સઘળું વર્ણવતાં ગ્રંથો ભરાઈ જાય. વાર્તાલાપની સમયમર્યાદા ધ્યાનમાં લેતાં આ પ્રજાજનો વિષેની કેટલીય આશ્ચર્યજનક વિપુલ માહિતીના ભંડારને અણખોલ્યો જ રાખીને મારા તેમની સાથેના પ્રથમ અનુભવની વાત તમારા સામે હું રજૂ કરીશ.’

એટલામાં મારી પત્ની ‘શક્તિ’ માટલાના ઠંડા પાણીમાં મધ અને લીંબુ નાખીને બનાવેલા શરબત ઉપર તરતાં ફુદીના અને તુલસીનાં પાંદડાં સાથેના માટીના પ્યાલાઓ એક થાળમાં ગોઠવીને લઈ આવી. હળવી ચુસકીઓ સાથે ખાસ પ્રકારના અમારા પીણાની સોડમને માણતાં આખી ટીમ ખુશખુશાલ થઈ જણાઈ.

મેં મારા વક્તવ્યને આગળ લંબાવતાં કહ્યું, ‘વચ્ચે ઓળખ આપી દઉં કે આ મારી પત્ની ‘શક્તિ’ છે અને તેનું નામ પણ મારી જેમ બદલી નાખવામાં આવ્યું છે! અમે પાંત્રીસેકની વય ધરાવતાં હોવા છતાં હજુ નિ:સંતાન છીએ. ભવિષ્યે અમારાં સંતાનોનાં નામ પણ અમે એવાં જ રાખીશું કે જેથી તેઓ કોઈ ધર્મ, સંપ્રદાય કે નાતજાતનાં ઓળખાવાના બદલે માત્ર માનવી તરીકે જ ઓળખાય!

હવે આગળ વધવા પહેલાં થોડીક આડવાત છતાં મારા વિષેની થોડીક પૂર્વભૂમિકા આપું તો, મારે મારા કુટુંબ માટેની રોજીરોટીની કોઈ વિકટ સમસ્યા તો ન હતી, પણ હું શિક્ષિત બેકાર હોવાના કારણે મારી લઘુ કદની ખેતીવાડીના વિકલ્પે કંઈક વિશિષ્ટ પ્રવૃત્તિ કરવા માગતો હતો. મારા પ્રશ્નના ઉકેલ માટે મારા વતનના જ એવા, અનુભવો અને બુદ્ધિનો ભંડાર ધરાવતા, એક વયોવૃદ્ધ વડીલજન પાસે માર્ગદર્શન મેળવવા ગયો. તેમણે મને વિરોધાભાસી લાગતી બે વાતો કહી સંભળાવી હતી. પ્રથમ તો એ કે ‘ખુશનસીબ એ માણસ છે કે જે પોતાના વતનમાં રહીને જ પોતાની રોજીરોટીને રળી લે છે.’ બીજી વાત એ કે ‘બદકિસ્મત કોઈ માણસ વતનમાં રોજીરોટીની બાબતે તંગ હાલતમાં જીવતો હોય, તો તેણે પોતાના ભાગ્યને અજમાવવા સ્થળાંતર કે દેશાટન કરવું જોઈએ.’

મને થોડાક અંશે પાછલી વાત લાગુ પડતી હોઈ હું મારાં માતાપિતા અને મારી પત્નીને અહીં મારા વતનમાં છોડીને પહેરેલાં કપડે અને ખાલી ખિસ્સે પગપાળા દેશાટને નીકળી પડ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે આવો કઠોર પ્રયોગ કરવો મારા માટે સહજ હતો. રસ્તે ખેતરો આવતાં ગયાં, હું ખેડૂતોના ત્યાં એક એક દિવસ કામ કરતો ગયો, ખાવાનું મળતું ગયું, પોટલીમાં પહેરવાનાં થોડાંક કપડાં ઉમેરાતાં ગયાં, ખિસ્સામાં થોડુંક પરચૂરણ રણકતું થતું ગયું. આમ આગળને આગળ વધતા જતાં એક દિવસે હું એ ‘નગાવાસ’ ગામના સીમાડે જઈ પહોંચ્યો હતો.’

‘અંકલ, વ્હોટ એન ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી! આઈ મિન…’ પોતાના વાક્યને કાપીને દુભાષિયા સામે જોતાં જુલિયા બોલી.

‘ગામની સીમમાં દાખલ થતાં જ પહેલા જ આવેલા એક ખેતરના છીંડેથી હું કૂવાકાંઠે ગયો. ત્યાં લાકડાની તિપાઈ ઉપર મૂકેલા માટલામાંથી મેં જાતે જ પાણી પી લીધું. દૂરના ખેતરમાં એક મોટી વયનો અને બીજો જુવાન એવા બે માણસો, એકને બીજો અનુસરતો હોય તે રીતે, પોતપોતાનાં હળ વડે એક જ ખેતરની જમીન સંયુક્ત રીતે ખેડી રહ્યા હતા. ખેડના ચાસમાંનાં જીવજંતુ કે અળસિયાંનો આહાર તરીકે ભક્ષ કરવા શ્વેત બગલાં અને મોર આમથી તેમ વિહરી રહ્યાં હતાં. થોડીકવારમાં મેં જોયું તો આગળના ભાગે હળ ચલાવતો પેલો જુવાન તેના ચાલુ કામે જ જમીન ઉપર પડી ગયો હતો. પેલા મોટી વયવાળાએ પોતાનું કામ અટકાવી દઈને પેલા જુવાનને જમીન ઉપર સુવાડી દીધો હતો. તેણે એ જુવાનની છાતી ઉપર હાથ મૂકીને, પછી તેની કાંડાની નાડીને પરખીને અને તેના નાક આગળ પોતાની ઊંધી હથેળી રાખીને તેના શ્વાસને તપાસતો હોય તેવું મને દૂરથી લાગ્યું. પછી તો મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો તેણે પેલા જુવાનને ઊંચકીને ખેતરના શેઢા ઉપર સુવાડી દીધો હતો. તેના બળદોને તેણે ખેતરની વાડ પાસેના ઝાડ નીચે બાંધી દીધા. તેના હળને વાડ પાસે મૂકી દીધું અને પોતે ફરી પાછો પોતાના કામે લાગી ગયો. કોઈ નાટ્યકલાકારને તેના નાટકના ચાલુ અભિનયે કોઈક દુ:ખદ સમાચાર મળવા છતાં ‘Show must go on! (ખેલ ચાલુ રહેવો જ જોઈએ!)ની ભાવનાને સમર્પિત એવો તે પોતાનો નાટ્યકલાધર્મ બજાવવાનું ચાલુ રાખે એવું જ કંઈક અહીં ઘટી રહ્યું હોય તેવો આભાસ મને થઈ રહ્યો હતો. આ બધું મને કંઈક વિચિત્ર લાગ્યું હતું અને હકીકતના ઊંડાણ સુધી પહોંચવા હું ત્યાં જ રોકાઈ રહ્યો હતો.

પેલા મોટી વયના માણસે મને જોયો હોય કે ન હોય, પણ તેણે બરાબર મધ્યાહ્ન થવા સુધી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. છેવટે તેણે પોતાના બળદ અને હળને પેલી વાડ પાસે છોડી દઈને પેલા સૂતેલા જુવાનને પોતાના બંને હાથોમાં ઊંચકીને કૂવાકાંઠા તરફ આવી રહ્યો હતો. હું સફાળો દોડતો એ વડીલના સામે ગયો અને ગભરાએલા અવાજે મેં તેમને પૂછ્યું કે ‘જુવાનને શું થયું છે?’

‘તમે સૌ ચોકી ઊઠતા નહિ, પણ પેલા વડીલે બહુ જ સ્વસ્થ અવાજે મને કહ્યું કે આ મારો પુત્ર છે અને તે હૃદયરોગના હુમલાથી હમણાં જ અવસાન પામ્યો છે!’

‘હે, ઈશ્વર!’ મારાથી બોલી જવાયું. મારા ‘ઈશ્વર’ શબ્દથી તેઓ થોડાક ચમક્યા લાગ્યા. તેમના ચહેરાના ભાવો ઉપરથી તેઓ એમ વિચારતા હોય તેવું લાગ્યું હતું કે હું કયા ‘ઈશ્વર’ને સંબોધી રહ્યો હતો! હું ચૂપ ન રહી શક્યો અને પૂછી બેઠો કે, ‘પણ તમે તમારું કામ કેમ ચાલુ રાખ્યું હતું, વડીલ?’

તેમણે ચહેરા ઉપર કોઈપણ જાતનો ગમગીનીનો ભાવ બતાવ્યા સિવાય જવાબ આપ્યો હતો કે, ‘જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું અને કોઈ દાકતરી સારવાર હવે કામ આવવાની ન હતી, તો મારે મારું કામ શા માટે અટકાવવું જોઈએ! વળી આ મારા મૃત પુત્રને રાત્રે વાળુ પત્યા પછી મારાં કુટુંબીજનો, મારા ઘરનાં આડોશીપાડોશી અને નજીકનાં ખેતરોના પાડોશી ખેડૂતો એમ મર્યાદિત લોકોની હાજરીમાં વન્ય પર્યાવરણની જાળવણીના ભાગરૂપે અગ્નિદાહના બદલે આ જ ખેતરના ખૂણે ભૂમિદાહ આપવામાં આવશે. ખેર મારા ભાઈ, ચાલો એ બધી વાત છોડો. હવે જો તમારે જમવાનું બાકી હોય તો થોડોક સમય રોકાઈ જાઓ તો મારી પત્ની અમારું ભાત લઈને આવશે અને તમને મરનારના હિસ્સાનું ખાવાનું મળી રહેશે. અહીં કોઈ આગ્રહ કરવામાં નહિ આવે. જો તમારે જમવાનું ન જ હોય અને ગામ તરફ જવાના હો, તો ગામના પાદરેથી જમણી બાજુના રસ્તે થોડાક આગળ ગયા પછી વળી પાછા જમણી બાજુએ એક મહેલ્લો આવશે. ત્યાં આંગણે લીમડાના ઝાડવાળું મારું ઘર છે. મારી પત્ની થોડીવારમાં અમારા બેનું ભાત લઈને અહીં આવવા નીકળશે. ત્યાં જરા સમાચાર આપી દેશો કે તે એક જ જણનું ભાત લાવે અને તેને કહેજો કે તમારો દીકરો મૃત્યુ પામ્યો છે!’

‘વ્હોટ અ માર્વેલસ એક્સપીરીઅન્સ! આઈ મિન..’ બોલતી જુલિયાએ દુભાષિયા સામે ફરીવાર જોયું.

મેં એને કહ્યું, ‘ડોન્ટ વરી, મેડમ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્પીક સમ પ્રાયમરી ઈંગ્લીશ!’

મેં જોયું તો ટીમના તમામ સભ્યો એક ધ્યાને મારી વાત સાંભળી રહ્યા હ્તા. તેમના ચહેરા ઉપર અવાચ્ય અને અકથ્ય ભાવો રમી રહ્યા હતા. મેં મારી વાતને આગળ લંબાવી :

‘પેલા વડીલની વાત સાંભળીને મને નવાઈ તો લાગી હતી, પણ હું ચૂપ રહ્યો હતો. મેં જમવાની ના પાડી અને પેલા વડીલ ખેડૂતની સૂચના પ્રમાણે તેમના ઘરે ગયો. તેમનાં પત્ની માથે ભાત સાથે પોતાના ઘરના કમાડની સાંકળ ચઢાવી રહ્યાં હતાં. હું સમયસર તેમના ઘરે પહોંચી ગયો હતો. મેં પેલા વડીલે મોકલેલા સમાચાર એ વૃદ્ધાને આપ્યા, ત્યારે મારું મગજ ચકરાઈ જાય તેવો તેમણે પ્રત્યુત્તર વાળ્યો હતો.’

‘સારું થયું ભાઈ, તમે વેળાસર આવી પહોંચ્યા અને મને આ સમાચાર આપી દીધા!’ આમ કહીને તેમણે ઘરમાં જઈને દીકરાનું જમવાનું કાઢી લીધું. વળી કહ્યું કે ‘તમે પરદેશી લાગો છો. જો થોડીવાર માટે ઠહેરી જાઓ, તો હું અબઘડીએ ખેતરે ભાત આપીને પાછી આવું છું અને મારા દીકરા માટેનું બચેલું ખાણું તમને ખાવા આપું છું.’

‘ના, માજી ના. તમે ખુશીથી જાઓ. હું પાસેના ગામડેથી જમીને જ નીકળ્યો છું.’

પેલી વૃદ્ધા તેના રસ્તે પડી અને મેં આ ગામ વિષે વધારે માહિતગાર થવા તેના મહેલ્લાઓ ફરી વળવાનું શરૂ કર્યું.

‘તમારો આ ગામ વિષેનો કોઈ નોંધપાત્ર અનુભવ ખરો?’ મિ. ફ્રેડરિકે પૂછ્યું.

‘હા-હા, કેમ નહિ? મારા એ અનુભવે તો મારા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. હું મહેલ્લાઓમાં ફરી રહ્યો હતો અને એક મેડીબંધ મકાનના ઝરૂખેથી અવાજ આવ્યો,

‘અય પરદેશી, દરવાજેથી અંદર ચાલ્યા આવો અને મારા બેઠકખંડમાં જઈ બેસો અને હું અબઘડી નીચે આવું છું.’

‘જેવો હું ગાદીતકિયાને અડીને બિછાવેલી શેતરંજી ઉપર બેસવા જતો હતો કે મકાનમાલિકે મને બાવડેથી પકડી લઈને ગાદી ઉપર તકિયાને અઢેલીને બેસાડી દીધો. પોતે જ પાણિયારે જઈને ત્રાંબાનો લોટો પાણીથી ભરી લાવીને મારી સામે ધરતાં તેઓ મારી જોડે ગાદી ઉપર બેઠા. મારા ખબરઅંતર પૂછ્યા પછી મને તેમના ગામે આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં મારી સઘળી કેફિયત વર્ણવ્યા પછી છેલ્લે કહ્યું કે ‘મને થોડીક મૂડી ઉછીની આપવામાં આવે, તો હું આ જ ગામમાં નાનોમોટો વેપાર કરવા માગું છું.’

‘બેશક, બોલો કેટલા રૂપિયા જોઈએ?’

‘પણ આપ મને ઓળખતા નથી અને અવેજમાં આપવા માટે મારી પાસે કંઈ છે પણ નહિ. બીજું કે આપ શું વ્યાજ લેશો?’

‘ઓળખાણની જરૂર નથી, અવેજમાં કંઈ જોઈતું નથી અને વ્યાજનો તો વિચાર સુદ્ધાં પણ કરશો નહિ.’’

મેં અચકાતાં અચકાતાં દસ હજાર રૂપિયા માગ્યા અને તેમણે ઊભા થઈને કપડાંના કબાટમાંની એક કપડાની થેલી લઈ આવીને મારી સામે મૂકી દેતાં કહ્યું, ‘આમાંથી દસ હજાર કે તેથી પણ વધારે જેટલા રૂપિયા જોઈએ તે લઈ લ્યો. આ ગામથી તમે અજાણ્યા હોઈ અહીંની રીતભાત તમને સમજાવી દઉં. ગામ ઘણી બાબતે આત્મનિર્ભર હોઈ લોકો વસ્તુવિનિમયથી પોતાની જરૂરિયાતો સંતોષી લે છે. ગામમાં જે અપ્રાપ્ય હોય તેનો જ તમારો વેપાર ચાલશે. કોઈપણ જાતનાં વ્યસનોની કોઈ બદી ગામમાં લાવતા નહિ. કોઈને ઉધાર આપશો નહિ કે ઉધાર લેવા તેને પ્રોત્સાહિત કરશો પણ નહિ. દેવામુક્ત રહેવું એ વાત અહીંના લોકો ગળથૂથીમાંથી જ શીખ્યા હોય છે. આમ છતાંય અપવાદરૂપે કોઈ ઉધાર માગે તો નાણાં માંડી વાળવાની તૈયારી સાથે જ તેને ઉધાર ધીરશો, ઉધાર ધીરી દીધા પછી ઉઘરાણી કરશો નહિ. લોકો આપમેળે નાણાં ચૂકવી જશે. કોઈ દેવું ન ચૂકવે તો તેની ઈજ્જત ઉપર ત્રાપ મારશો નહિ; કેમ કે દેવું ચૂકવવાની તેની દાનત તો હશે, પણ તેની પાસે સગવડ નહિ હોય. વેપારમાં નફાખોરી કરતા નહિ. તોલમાપમાં બેઈમાની કરશો નહિ. મારી પાસેથી હાલ તમે જે નાણાં લીધાં તેની કોઈ નોંધ હું રાખીશ નહિ, જેમ સગવડ થાય તેમ તમે મૂળ રકમનું દેવું ભરપાઈ કરી શકશો. આ હિસાબ તમારે જ રાખવાનો રહેશે. તમારા વેપારની જણસોમાં તાળાંકૂંચીના વેપારને તો ભૂલી જ જજો. અહીં ઘરના દરવાજે કે ઘરની અંદર ક્યાંય તાળાનો ઉપયોગ થતો નથી.’

હું તો તેમનાથી અને તેમની વાતોથી એવો તો પ્રભાવિત થઈ ગયો હતો કે મેં તો તેમનું નામ સુદ્ધાં પણ પૂછ્યું ન હતું અને તેમને મારું નામ જાણવાની કોઈ દરકાર હોય તેવું મને લાગ્યું પણ ન હતું. મેં થેલીમાંથી દસ હજાર રૂપિયાની એક થોકડી મારી પાસે રાખીને બાકીનાં નાણાં ભરેલી થેલી તેમના તરફ સરકાવતાં કહ્યું ‘આપની તમામે તમામ વાતો અને ધંધા અંગેના નીતિનિયમોનું હું પાલન કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મારા જેવા પરદેશી ઉપર આટલો મોટો ભરોંસો મૂક્યો છે. હવે આપના ગામ વિષેની અજાયબીભરી એક વાત મને અકળાવી રહી છે. હું મારી એ અકળામણ અંગે આપને કોઈ સવાલ પૂછી શકું? વળી આપનું નામ પણ જાણવા માગું છું.’

‘મારું નામ વિશ્વાસ છે. સરકારે પંચાયત રચવાનું કહેતાં ગામલોકોએ મને સરપંચ બનાવ્યો છે. મારી પંચાયતના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાએલા છે. ટૂંકમાં કહું તો અમારા ગામમાં આજસુધી કોઈ સ્થાનિક ચૂંટણી થઈ નથી. અન્ય ચૂંટણીઓમાં અમે મતદાન કરતા નથી, જ્યાં સુધી કે ‘કોઈનેય મત નહિ’ ના ખાનાની મતપત્રકમાં જોગવાઈ થાય નહિ! હાલમાં પણ અમારો મતદાનનો બહિષ્કાર ચાલુ છે. ચૂંટણીતંત્રે અમારી માગણી મુજબની જોગવાઈ તો કરી છે, પણ તેમાં ગુપ્તતા જળવાતી નથી. ખેર, આવી બધી વાતો હવે તમે ગામમાં રહેવાના જ છો, એટલે ધીમેધીમે તમને સમજાતી જશે. હવે પેલી તમારી માનસિક અકળામણ અંગે તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો.’

પછી તો મેં મારા ગામપ્રવેશ વખતના પેલા યુવકના અવસાન અંગેની અને તેનાં માતાપિતાએ આપેલા સાવ લાગણીવિહીન પ્રતિભાવ અંગેની વાત કહી સંભળાવી. આ સાંભળીને વિશ્વાસ અંકલ થોડાક ચમક્યા તો ખરા, પણ તેમણે મને પ્રતિપ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તમારા લોકોમાં આવા કોઈના અવસાન પ્રસંગે કેમનું થતું હોય છે!’

મેં તો આપણા લોકોમાં મરનાર પાછળ થતા હૈયાફાટ રૂદન અને છાતી કૂટવાની પ્રથાનું સવિસ્તાર બયાન સંભળાવવું શરૂ કર્યું. મારા પ્રત્યેક શબ્દે વિશ્વાસ અંકલના ચહેરા ઉપરના ભાવ બદલાયે જતા હતા. જેવું મારું કથન પૂરું થયું કે તરત જ તેમણે મારા આગળ પડેલી પેલી દસ હજાર રૂપિયાની થોકડીને પોતાના તરફ ખેંચી લેતાં માત્ર એટલું જ બોલ્યા કે ‘આપ જઈ શકો છો અને ગામના સરપંચના હોદાની રૂએ તો નહિ, પણ અમારા ગામની પરંપરાઓના રખેવાળ તરીકેના મારા કર્તવ્યને અનુસરતાં હું તમને સલાહ આપું છું કે તમે વહેલામાં વહેલી તકે આ ગામ છોડી દો અને અહીં વેપારધંધો કરવાનો તો વિચાર સુદ્ધાં કરતા નહિ. વળી તમારું અહીં એક પળભર પણ રોકાવું એ અમારા ગામના લોકોના ઉમદા ચારિત્ર્યને જોખમમાં મૂકવા બરાબર છે. અમે લોકો કોઈ ઈશ્વર-અલ્લાહ કે કોઈ દેવ-ફરિસ્તાઓમાં માનતા નથી, હા અમે લોકો કોઈ પરમશક્તિ હોવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. એ પરમશક્તિએ અનામત તરીકે સોંપેલાં અમારાં સંતાનો કે આપ્તજનોને જ્યારે તે પોતાની પાસે બોલાવી લે ત્યારે રૂદન કે કકળાટ ન કરતાં રાજીખુશીથી એ પરમ શક્તિની ઈચ્છાને અમે માથે ચઢાવી દઈએ છીએ. પણ અફસોસ ભાઈ કે, તમે તો એવા લોકોમાંથી આવી રહ્યા છો કે જેઓ પોતપોતાના જે તે ધર્મના નીતિનિયમોને સૈદ્ધાંતિક રીતે તો માનતા હશે, પણ આચરતા હોય તેમ લાગતું નથી. તમારી ઈશ્વર કે અલ્લાહ નામધારી પરમશક્તિ કોઈ જીવાત્માને પોતાની પાસે બોલાવી લે તેનો મતલબ એમ જ સમજવો પડે કે તેણે પોતાની અનામત પાછી લઈ લીધી. હવે તમે કહો છો તેમ તમારા લોકો કોઈના અવસાન પ્રસંગે રોકકળ કરતા હોય તો માનવું રહ્યું કે તેઓ પેલી પરમ શક્તિ સાથે અવળચંડાઈ કરી રહ્યા છે. તો ભલા, હું જ્યારે તમને દસ હજાર રૂપિયા જેવી માતબર રકમ વિશ્વાસપૂર્વક અનામત તરીકે આપતો હોઉં; અને જ્યારે તેને પાછી આપવાનો તમારો વખત આવશે, ત્યારે તમે રોકકળ નહિ કરો તેની શી ખાતરી? માટે અમારી ભલાઈ તો એમાં છે કે તમારા જેવા માણસો અને કહેવાતી લાભદાયી સરકારી બેન્કીંગસેવાઓ કે એવી પ્રથાઓઓ અમારાથી દૂર રહે! એ બધી સુવિધાઓની આડઅસરો એવી નીવડતી હોય છે કે માનવીની લોભવૃત્તિ અને શોષણખોરીને પોષણ મળતું રહેતું હોય છે!’

મેં તરત જ એ ગામ છોડી દીધું હતું; નારાજ થઈને નહિ, પણ એક ઉમદા ચારિત્ર્યના ભાથા સાથે હું મારા વતનમાં પાછો ફર્યો હતો. ‘નગાવાસ’ તો આ પૃથ્વીપટ ઉપરનું બેમિસાલ એવું એક ગામ હતું કે જ્યાંનાં પ્રત્યેક માનવી તેમની આગવી પરંપરાઓ અને સંસ્કૃતિને વરેલાં હતાં. હું મારી જાત પૂરતો ‘નગાવાસ’ ના વિશ્વાસ અંકલ જેવો તો નહિ, પણ ત્યાંના એક અદના માનવી જેવો થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારી આ પ્રકારના જીવનને જીવવાની હાક સાંભળીને મારી સાથે કોઈ જોડાય કે ન જોડાય, પણ હું એકલો એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો કે મારે એટલું તો સ્વીકારવું પડશે કે મારી ‘શક્તિ’નો તેણીના પૂરા દિલોદિમાગ સાથે મને સાથસહાકર મળી રહ્યો છે; હું ‘માનવ’ અને તે ‘શક્તિ’, અમારા સમન્વયથી અમે બેમાંથી એક બન્યાં છીએ ‘માનવશક્તિ’ ! અમને વિશ્વભરની એ ‘માનવશક્તિ’માં પણ એટલો જ વિશ્વાસ છે કે કોઈક દિવસે તો એ રંગ લાવશે જ અને ત્યારે આપણ સૌને પ્રતીતિ થશે જ કે ‘હેઠે ન ભૂ સ્વર્ગથી!’

mo

 

મારો ઈન્ટરવ્યુ પૂરો થયો હતો. ઈન્ટરનેશનલ જ્યોગ્રોફિક ટીમના પ્રત્યેક સભ્યના ચહેરા ઉપર અકથ્ય એવા વિસ્મયતાસભર પરમ સંતૃપ્તિના ભાવો દેખા દઈ રહ્યા હતા. એ અંગ્રેજ મહિલા જુલિયા તો એવી ભાવવિભોર બની ગઈ હતી કે તેણીએ તો આંખોમાં ઝળહળિયાં સાથે અને લગભગ રડમસ અવાજે મને શુભાશિષ પાઠવી હતી, આ શબ્દોમાં કે ‘Wish you the best of luck in your mission, Mr. Maanav! Thank you, thank you very much, Mrs. Shaakti – you both Maanav and Shaakti, I mean you Maanav-Shaakti ! Danyaavaad – Naamaste !’ (તમારી જીવનલક્ષની સિદ્ધિ માટે સદભાગી થવાની તમને શુભેચ્છા પાઠવું છું, મિ. માનવ ! આભાર, ખૂબ ખૂબ આભાર શ્રીમતી શાક્તિ, તમે બંને માનવ અને શાક્તિ; મતલબ કે માનવશાક્તિ! દન્યાવાદ – નામસ્તે!’)

Courtesy- વલીભાઈ મુસા

 

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized

2 responses to “દન્યાવાદ, નામસ્તે ! – વલીભાઈ મુસા

  1. પિંગબેક: દન્યાવાદ – નામસ્તે ! | વલદાનો વાર્તાવૈભવ

  2. આભાર પ્રજ્ઞાબહેન, મારી વાર્તાને Reblog કરવા બદલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.