ગ ઝ લ ગી તા

bg

મહાભારતમાં અર્જુનનો વિષાદ દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે ગીતા બોધ આપ્યો હતો. વળી પાછળથી ફરી એક વાર અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ગીતાબોધ કરવા કહ્યું હતું. તેના જવાબમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, ”તારો મોહભંગ કરવા માટે આપેલો ગીતાબોધ હવે હું ભૂલી ગયો છું.”

પરંતુ વેદવ્યાસે પોતાના તપ અને યોગબળથી ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ગીતાબોધનું પવિત્ર જ્ઞાાન યોગબળના પ્રતાપે જ પાછું મેળવ્યું હતું અને ગીતારૂપે રજૂ કર્યું હતું. આવું અદ્ભુત ‘મહાભારત’ આમ તો વેદવ્યાસે રચ્યું પણ તે નારદે દેવોને સંભળાવ્યું . દેવોએ પિતૃઓને તથા શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું.   આ પૃથ્વી પર વેદવ્યાસ જેવા કોઈ લેખક થયા નથી અને થશે નહીં. મહાભારતમાં સેંકડો પાત્રો આવે છે અને દરેક પાત્રની સ્વતંત્ર કથા છે. અનેક પાત્રો પર આધારિત આવા મહાનગ્રંથની રચના કોઈ અલૌકિક શક્તિ ધરાવતી દૈવી પ્રતિભા જ કરી શકે. એ પ્રતિભા તે ભગવાન વેદવ્યાસ જ હતા. ભગવાન વેદવ્યાસ એ કૌરવો અને પાંડવોના દાદા હતા છતાં એમણે પોતાના જ કુટુંબના ઝઘડાની કથા લખી. જગતને સ્વાર્થ, માન-અપમાન, કૂટનીતિ અને છેવટે ધર્મના વિજયનું જ્ઞાાન આપ્યું. એ કરતાં યે તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલા દિવ્ય ગ્રંથ- શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો શ્રેષ્ઠ જ્ઞાાનબોધ વિશ્વને આપ્યો.

જયોતીન્દ્ર દવેએ જ ‘શ્રીમદ્ ભગવદ્દગીતા’ના કેટલાક સંસ્કૃત શ્લોકોનો ‘ગઝલગીતા’ ના હાસ્યલેખમાં નીચે પ્રમાણે અનુવાદ જોઇ શકાય

મઝહબમયદાન-કુરુક્ષેત્રે, મળ્યા પાંડવ અને કૌરવ

જમા થઈ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય !

ઘડપણમાં પણ પ્રચંડ અવાજે ધૃતરાષ્ટ્રે લલકારેલી ગઝલ સાંભળી ગાંધારીએ વર્ષોથી આંખે બાંધેલો પાટો એકદમ છોડી નાખ્યો. ‘આ શું? એકાએક ‘એ’ ગાંડા તો નથી થઈ ગયા? ઘરડે ઘડપણ આ ઈશ્કી જુવાનની પેઠે એમને ગઝલ લલકારવાનો શોખ ક્યાંથી થઈ આવ્યો?’ પણ હજી વિચાર વાચાનું રૂપ લે તે પહેલાં તો સંજયે ધૃતરાષ્ટ્ર કરતાં પણ વધારે પ્રચંડ અવાજથી ગઝલ લલકારી અને આશ્ચર્યથી અવાક કરી મૂકી.

સંજય બોલ્યો:

નિહાળી ચશ્મથી લશ્કર કંઈ દુશ્મનનું દુર્યોધન
જઈ ઉસ્તાદ પાસે લફઝ કહ્યા, તે સુણ દોસ્તેમન !

અર્જુન બોલ્યો:

બિરાદર, દોસ્ત ને ચાચા, ઊભા જો ! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનુ કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખાહિશ છે ચમનની એ,
કરું શું પાદશાહતને, ચમનને ? અય રફીકે મન !

ધરી ઉમ્મિદ જે ખાતિર જિગરમાં પાદશાહતની,
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાનદૌલતને.

લથડતાં જો કદમ મારાં, બદન માંહી ન તાકાત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ !

શ્રીકૃષ્ણે કોકિલ-કોમળ કંથે ગાવા માંડ્યું:

દીવાનો તું બન્યો નાદાન, ધરે ગુમાન કાં ખોટું?
ફના જ્યાં ના કંઈ થાતું, તહીં દિલગીરી શાને આ?

ચલાવી દે છૂરી કાતિલ, કરે કાં ઢીલ સનમ પેઠે?
અરે જો આ ઊભા સર્વે, ધરી ગર્દન છૂરી હેઠે.

જિગરને રાખીને મજબૂત, શરાબે જામ તું ભરની,
ચઢે તો લિજ્જતે જિન્નત, નહિ તો ગુફતગુ તો છે

અર્જુન બોલ્યો:

સુણી તુજ બંસરી ઘેલી, દીવાની નાજનીન્ રાધા;
મીઠી કવ્વાલી પર તારી, દીવાનો મર્દ હું-અર્જુન.

ન કર તું ખત્મ ગાયનને, અહા બુલબુલ ! તું ગાયા કર;
અરે બુલબુલ ! તું ગાયા કર, અહાહાહા ! તું ગાયા કર.

આમ કહીને અર્જુન ત્રણ ડગલે ઘેર પહોંચી ગયો, તેણે ‘બાગે અર્જુન’માં બેઠેલી દ્રૌપદીને બોલાવી તબલાંની એક જોડી મંગાવી. તબલાંની જોડી લઈ તેમાં પોતાનું મોઢું જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતી દ્રૌપદી આવીને કિંચિત લજ્જાથી રક્ત થયા છે કપોલ જેના એવી એ મંજુ સ્વરે બોલી: ‘હ્રદયેશ’ — પણ એક કૂદકે તબલાંની જોડ ઝૂંટવી લઈ કંઈ પણ જવાબ દીધા વગર અર્જુન શ્રીકૃષ્ણ પાસે આવી પહોંચ્યો ને એણે જમીન પર બેસી જઈ તબલાં વગાડવા માંડ્યાં. શ્રીકૃષ્ણે ગઝલ ગાવા માંડી. દુર્યોધન ને યુધિષ્ઠિરે એકેકના ગળામાં હાથ નાખી નાચતા નાચતા ગાવા લાગ્યા: ‘ડાલ ગલે બૈયાં મેં રોયે રોયે જાનીઆં.’

નાચતા નાચતા થાકી ગયા ત્યારે બંને બેસી ગયા. દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું: ‘હું તો આ ગઝલ જ સાંભળીશ. મારે કંઈ રાજ્ય કરવું નથી. તું તારે રાજ્ય સમાલી લે !’
યુધિષ્ઠિરે પ્રત્યુત્તર વાળ્યો: ‘ના, ના. મારે રાજ્ય જોઈતું નથી. હું તો કૃષ્ણની ગઝલ સાંભળતો સાંભળતો મરી જવા માગું છું. રાજ તો જનાબ આપ લિજિયે.’

દુર્યોધને કહ્યું: ‘નહિ જનાબ ! આપ લિજિયે.’

આમ ‘જનાબ ! આપ લિજિયે’ માં બંને રહી ગયા અને રાજ્યગાદી પર કોઈ ત્રીજો ચઢી બેઠો.

આ પ્રમાણે ‘ગઝલમાં ગીતા’ લખવાથી મુસલમાન ભાઈઓ પણ ગીતામાં રસ લેતા થશે. ને રા. કરીમ મહમદ માસ્તર હિંદુઓને ‘ઈસ્લામની ઓળખ ’ કરાવતા જશે. એટલે હિંદુ ઈસ્લામમાં રસ લેતા થશે. આમ આપણામાં ઐક્યભાવનાનો સંચાર થશે. બાકી આ ચંચળ સંસારને વિશે અચળ છે માત્ર દ્વેષ ને કલહ. વિરાટ સ્વરૂપે એણે આખું જગત ભરી દીધું છે, ને વિધવિધ પ્રકારો ધારણ કરી એણે પોતાની સત્તા જમાવી છે. પિતા પુત્રને નાસ્તિક કહી વગોવે છે. પુત્ર પિતાને ગાંડો મનાવે છે. પતિ પત્નિને મેથીપાક જમાડે છે. પત્ની પતિને ઉપવાસ કરાવે છે. રાજા પ્રજાને કચરે છે. પ્રજા રાજાનું રુધિર રેડે છે. માતા સંતાનને હણે છે. સંતાન માતાનું મૃત્યુ વાંછે છે. બહેન ભાઈનું કાસળ કાઢે છે. ભાઈ ભાઈને મારે છે — રે ! ગરમી ગરમીને મારે છે. કાંટો કાંટાને કાઢે છે. હીરો હીરાને કાપે છે ! જગતમાં પ્રાણીઓએ જ દ્વેષનો ઈજારો રાખ્યો નથી. જડ વસ્તુમાં પણ પરસ્પર દ્વેષની ભાવના પ્રસરી રહી છે.

સંદેહ માત્ર એટલો જ છે કે મનુષ્ય અન્યના ધર્મમાં રસ લેશે ખરો? ધર્મની દૃષ્ટિએ હિંદુ હિંદુ નથી રહ્યો; ઈસ્લામને ન માનનાર એવા મુસલમાન પણ અવનિતલ પર વસે છે. પોતાની સ્ત્રીની દરકાર લે છે તેટલી દરકાર પણ કોઈ પોતાના ધર્મની લેતું નથી. તો પારકા ધર્મમાં તો એ રસ લે જ શાનો? આપણે નથી રહ્યા હિંદુ કે નથી બન્યા સાચા યવન. એક સંસ્કૃત કવિએ કરુણાજનક વિલાપ કરતાં લખ્યું છે:

ન સંધ્યાં સંયતે નિયમિતનિમાજં ન કુરુતે
ન વા મૌજીબંધં કલયતિ ન વા સુન્નતવિધિમ
ન રોજાં જાનીતે વ્રતમપિ હરેનૈવ કુરુતે
ન કાશી મક્કા વા શિવ હિન્દુ ન યવન: આમ જોઇ શકાય છે કે પ્રતિકાવ્યમાં મૂળકાવ્યનું બાહ્યરૂપ અકબંધ જાળવી ઓછામાં ઓછા ફેરફાર સાથે હાસ્યરસ નિષ્પન્ન કરવાનો હોય છે. આ શરતની બહાર રચાયેલાને સ્વતંત્ર અનુસર્જનો ગણવાં જોઇએ.

Courtesy e-mail Anju Vyas

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s